મુંબઈમાં ભારે પવનને કારણે હૉર્ડિંગ્સ પડવાથી 14નાં મોત અને 43 લોકો ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હૉર્ડિંગ પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 14 થઈ છે, જ્યારે ઘાયલોની સંખ્યા 43 છે.
સોમવારે સાંજે મુંબઈમાં અચાનક ધૂળની ડમરીઓ ઊડી અને વરસાદ થયો હતો જેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં.
મહારાષ્ટ્રીના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty
ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતા દીપાલી જગતાપના જણાવ્યા અનુસાર અહીં રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.
મુંબઈમાં ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુંબઈ મહાનગરપાલિકા અનુસાર, ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે મોટું હૉર્ડિંગ અચાનક પડી ગયું હતું. ઘાટકોપર નજીક વ્યસ્ત રહેતા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક આ ઘટના બની છે.
ઘાયલ લોકોની સારવાર નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં ચાલી રહી છે.
ગુજરાતમાં હવામાન પલટાયું, ક્યાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ? - અપડેટ

સોમવારે રાજ્યના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો હતો. ગરમીથી પીડાતા ગુજરાતનાં અનેક શહેરો અને વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં વાતાવરણનો પલટો અનુભવાયો હતો. ભાવનગરના સિહોરમાં વરસાદની સાથે કરાં પડ્યાં હોવાના અહેવાલ મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમરેલીથી ફારુખ કાદરી જણાવે છે કે ભારે પવનને કારણે ચોકી નજીક પોલીસ ચોકી ધારાશાયી થઈ ગઈ હતી.
આ સિવાય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ ઘરે જવાની વેળાએ વરસાદ પડવાને કારણે જનજીવન ખોરંભે પડી ગયું હતું.
હવામાન ખાતા દ્વારા ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતો તેમનો પાક ખુલ્લામાં પડ્યો હોય તો તેને સલામતસ્થળે ખસેડી લે, તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી સારી રીતે ઢાંકી દે તથા ફરતે માટીનો પાળો બાંધી લે, જેથી કરીને પાણીથી તેને બચાવી શકાય.
આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરવા તથા વેપારીઓએ બિયારણ તથા સામાનને સલામતસ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.
ખેતઉત્પાદન બજાર સમિતિઓમાં વેચાણ અર્થે આવતા માલની સલામતી માટે વેપારીઓ તથા ખેડૂતોને તાકિદ કરવામાં આવી છે. ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, જિલ્લાના ખેતીવાડી અધિકારી કે કૃષકો માટેના ટૉલ-ફ્રી નંબર 1800-180-1551 (1800-180-1551)નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યુંછે.
હવામાન ખાતા દ્વારા સોમવાર તથા મંગળવારે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં 'વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બુધવારથી શુક્રવાર દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસશે. બીજી બાજુ, દક્ષિણ ભારતમાં પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી જોવા મળી રહી છે.
'લગ્ન ક્યારે કરશો?' રાહુલે આપ્યો જવાબ...

ઇમેજ સ્રોત, ANI
રાયબરેલીમાં ચૂંટણીસભા દરમિયાન મંચ ઉપર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હસીમજાક કરતાં જોવા મળ્યાં હતાં.
તે દરમિયાન પ્રિયંકા ગાંધીએ રાહુલને એક સવાલનો જવાબ આપવાનું કહ્યું હતું.
સવાલ એ હતો કે લગ્ન ક્યારે કરશો?
તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, 'હવે જલ્દી કરવા પડશે.'
હકીકતમાં એવું બન્યું હતું કે પ્રિયંકા ગાંધી સ્ટેજ પર બેઠાં હતાં.
રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને તેમની પાસે બોલાવ્યા અને પ્રેમથી તેમના ગાલ પકડીને કહ્યું કે, 'આ મારી બહેન છે. હું તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું. હું જ્યારે સમગ્ર દેશમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યો છું ત્યારે તે મારી મદદ કરવા માટે તેનો પરસેવો વહાવી રહી છે.'
જ્યારે રાહુલે પૂછ્યું કે સવાલ શું છે તો પ્રિયંકાએ કહ્યું- 'તમે લગ્ન ક્યારે કરશો?'
રાહુલ ગાંધીને ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે તેઓ ક્યારે લગ્ન કરશે પણ તેઓ આ પ્રશ્નને ટાળે છે.
આ વખતે તેમણે જવાબ આપ્યો, "લાગે છે કે હવે જલ્દી કરવાં પડશે."
વડા પ્રધાન મોદીએ કહ્યું- 'આઝાદી પછી સૌથી વધુ મોંઘવારી ઇન્દિરા ગાંધીના જમાનામાં હતી'

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ દેશમાં આઝાદી પછી સૌથી વધુ મોંઘવારી શ્રીમતી ઇન્દિરા ગાંધીના જમાનામાં હતી."
એક ન્યૂઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાનને એ સવાલ પૂછવામાં આવે છે કે વિપક્ષના મોંઘવારી, બેરોજગારી, નોકરીઓના આરોપ પર તેઓ કશું બોલી નથી રહ્યા.
આના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેઓ એલઈડી બલ્બ લઈને આવ્યા અને તેનાથી બધા પરિવારના વીજળીના બિલમાં સરેરાશ ઘટાડો થયો છે.
તેમણે કહ્યું, "જયારે તેમની (કૉંગ્રેસ) સરકાર હતી ત્યારે અઢી લાખ આવક સુધી ઇન્ક્મ ટૅક્સ નહોતો ભરવો પડતો. આજે સાત લાખ સુધી આવક પર ઇન્ક્મ ટૅક્સ નથી ભરવો પડતો. આનો મતલબ એ છે કે હવે લોકોના હજારો રૂપિયા બચી રહ્યા છે."
અમે પાંચ લાખ સુધી મફત ઇલાજ કરાવીએ છીએ. આજે જે દવા બજારમાં 100 રૂપિયામાં વેચાય છે તે અમે 20 રૂપિયા અને 10 રૂપિયામાં આપી રહ્યા છે. આનાથી લોકો પર બોજ ઘટે છે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળે છે.
નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે આ દેશમાં સૌથી વધારે મોંઘવારી ઇન્દિરા ગાંધીના જમાનામાં હતી. આજ ક્રમમાં તેમણે જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું "તમે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના લાલ કિલ્લાના ભાષણ સાંભળી લો. અમારા નિવેદનની જરૂર જ નથી. તમને નવાઈ લાગશે. લાલ કિલ્લાથી પંડિત નહેરુએ ભાષણ કરી રહ્યા છે કે દેશમાં મોંઘવારી ખૂબ જ વધી છે. તમે ચિંતામાં હશો, હું પણ ચિંતિત છું, પરંતુ તમને ખબર હોવી જોઈ કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની લડાઈ ચાલી રહી છે, તેથી મોંઘવારી વધી રહી છે."
"તે જમાનામાં તો વૈશ્વિકરણ નહોતું. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની લડાઈની અસર કોઈ પણ દેશની અર્થતંત્ર પર પ્રભાવ પડી શકે તેમ નહોતું. પરંતુ તે સમયે પણ તે બહાનું શોધે છે."
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે જે લડાઈ થઈ રહી છે તેની સીધે સીધી અસર ઈંધણ, ખાતર અને ખોરાક પર પડી રહી છે.
તેમણે કહ્યું, "તેમ છતાં અમે પેટ્રોલના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે. મોંઘવારી વધવા નથી દીધી."
હૈદરાબાદ: વોટિંગ દરમિયાન મુસ્લિમ મહિલાઓના નકાબ ઉતારવાનો મામલો, માધવી લતા પર એફઆઈઆર નોંધાઈ

ઇમેજ સ્રોત, KOMPELLA_MLATHA
હૈદરાબાદનાં ભાજપ ઉમેદવાર માધવી લતા દ્વારા મતદાનની કતારમાં ઊભેલી મુસ્લિમ મહિલાઓનું ઓળખ પત્ર માગવા અને તેમનો નકાબ ઉતારવા પર થયેલા વિવાદ બાદ તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ચૂંટણી અધિકારીના આદેશ પર માધવી લતા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
હૈદરાબાદના જિલ્લા અધિકારીના નિવેદન મુજબ, માધવી લતા વિરુદ્ધ મલકપેટ પોલીસ મથકમાં આઈપીસીની ધારા 171સી, 186, 505 (1) અને જનપ્રતિનિધિ કાનૂનની કલમ 132 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
હૈદરાબાદ ચૂંટણી અધિકારી રોનાલ્ડ રૉસએ મીડિયાને કહ્યું કે કોઈ પણ ઉમેદવાર પાસે કોઈનો નકાબ/પડદો હટાવવાનો અધિકાર નથી. માધવી લતા હૈદરાબાદથી સંસદ અસદુદ્દીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહ્યાં છે. માધવી લતા સામે આ પહેલાં એક મસ્જિદ સામે નિશાનો તાકી તીર ચલાવવાનું નાટક કરવા બદલ પણ એફઆઈઆર નોંધાઈ છે.
માધવી લતા ચૂંટણી પ્રચારમાં તેમનાં નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યાં છે.
કેજરીવાલને મુખ્ય મંત્રીના પદેથી હટાવવા કરાઈ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્ય મંત્રી પદેથી હટાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ મામલામાં ધરપકડ કર્યા બાદ મુખ્ય મંત્રી પદેથી હટાવી દેવા જોઈએ. પરંતુ, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાએ કહ્યું કે કોર્ટ આ મામલામાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં દખલ ન કરી શકે. ડિવિઝન બેન્ચે કહ્યું કે આ મામલે કોઈ કાયદાકીય સત્તા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો દિલ્હીના ઉપરાજ્યપાલ ઇચ્છે તો તે આ મામલે દખલ કરી શકે છે, પરંતુ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ નહીં કરે.
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીએ અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ મામલામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમની ધરપકડ કરી હતી.
હાલમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ કેજરીવાલને 1 જૂને ફરી જેલમાં જવું પડશે.
આ જ મામલામાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સીસોદિયા જેલમાં છે જયારે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ હાલમાં જામીન પર છે.
અરવિંદ કેજરીવાલએ ધરપકડ પછી દિલ્હીના મુખ્ય મંત્રીનું પદ છોડવાની ના પાડી દીધી હતી.
ફારુખ અબ્દુલ્લાહએ કહ્યું- નરેન્દ્ર મોદી આ ચૂંટણી જરૂર હારશે

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી અને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાહનો આરોપ છે કે તેમની પાર્ટીના કાર્યકર્તાઓને બે દિવસથી બંધ કરીને રાખવામાં આવ્યા છે.
શ્રીનગરમાં મતદાન પછી પત્રકારો સાથે વાતચીતમાં ફારુખ અબ્દુલ્લાહએ કાર્યકરોને બંધ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે.
તેમણે કહ્યું છે કે જો અહીંયા પથ્થર નથી ફેંકવામાં આવી રહ્યા, હિંસા નથી થઈ રહી, તો તેમના કાર્યકર્તાઓને કેમ બંધ રાખવામાં આવ્યા છે.
ફારુખ અબ્દુલ્લાહે કહ્યું, "એક બાજુ તે એમ કહે છે કે ચૂંટણી સ્વતંત્ર રીતે થઈ રહી છે. હું ગૃહ મંત્રીને પૂછવા માંગુ છું, વડા પ્રધાનને પૂછવા માગુ છું કે અમારા કાર્યકર્તાને કેમ બંધ કરવામાં આવ્યા છે. શું તેઓ ડરે છે કે તેઓ હારી જશે? તે જરૂર હારશે. ઇન્શાઅલ્લાહ જરૂર હારશે."
લોકસભા ચૂંટણીના ચૌથા તબક્કામાં આજે 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં શ્રીનગરની બેઠક પણ સામેલ છે.
હૈદરાબાદમાં વોટ કર્યા બાદ માધવી લતા અને ઓવૈસીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દરેક ચૂંટણી અને તેના મુદ્દાઓ અલગ હોય છે.
ત્યાં જ, ભાજપનાં ઉમેદવાર માધવી લતાએ કહ્યું કે તમારા (મતદાતાઓ) દ્વારા લેવામાં આવેલ એક જવાબદારીવાળું પગલું હૈદરાબાદને જ નહીં પરંતુ દેશને આગળ લઈ જશે.
સમાચાર એજન્સી એએનઆઈને ઓવૈસીએ કહ્યું, "પાંચ વર્ષ પહેલાં આ ચૂંટણી જેવી હતી તેવી આ વખતે નથી. દરેક ચૂંટણીમાં મુદ્દાઓ અને પડકારો અલગ હોય છે. આ ઐતિહાસિક સંસદીય ચૂંટણી છે."
"2019માં જે મુદ્દા હતા તે મુદ્દાઓ આ વખતે નથી. 2024ની ચૂંટણી અલગ મુદ્દાઓ પર લાડવામાં આવી રહી છે."
હૈદરાબાદ લોકસભા બેઠક પર ભાજપે ઓવૈસી સામે માધવી લતાને ઉમેદવાર બનાવ્યાં છે.
માધવી લતાએ કહ્યું, "વોટર્સને મારે કેહવું છે કે એક જવાબદાર પગલું હૈદરાબાદ, તેલંગાણા અને દેશને આગળ લઈને જશે."
"તેલંગાણા અને હૈદરાબાદને જે વારસો સુધી તરક્કી નથી મળી તે તમારા એક જવાબદારી પગલાંથી પ્રાપ્ત થશે."
અસદુદ્દીન ઓવૈસી 2004થી હૈદરાબાદ લોકસભા બેઠકથી સંસદ છે.
તે પહેલાં 1994થી 2004 સુધી ઓવૈસી ચારમિનાર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહ્યા છે.

























