You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિશોરવયે બળાત્કારનો ભોગ બનેલ મહિલાઓ ગીતો ગાય છે, 'જોજો અમને ભૂલતાં નહીં'
- લેેખક, જોએલ ગ્વિન્ટો અને વર્મા સાઇમનેટ દ્વારા
- પદ, સિંગાપોર અને મનિલાથી
- પ્રકાશિત
ચેતવણી : આ લેખની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.
ફિલિપાઇનના ઊંઘણશી એવા નગરમાં પિલર ગિલાન્ગ તેમનાં જેવાં જ વયોવૃદ્ધ મહિલાઓથી ભરેલા ઓરડામાં લાકડીને ટેકે ટેકે પ્રવેશ્યાં ત્યારે તેમને પોતે પોતાનો ફ્લોરલ ડ્રેસ શું કામ પહેર્યો છે એ યાદ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
તેમણે પોતાનાં 88 વર્ષીય ભાભી મારિયા કિલાન્ટેન્ગ તરફ એક નજર કરી, આ તેમની યાદશક્તિ તાજી કરવા માટેનો એક સંકેત છે.
બંને મહિલાઓ બીજા વિશ્વયુદ્ધનાં ભૂતપૂર્વ સેક્સ સ્લેવની વધુ એક મુલાકાતમાં સામેલ થઈ રહ્યાં છે. જેમને ‘કમ્ફર્ટ વીમૅન’ કહેવાતાં. આ મહિલાઓને જાપાનના શાહી સૈન્યે દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ, તાઇવાન, ચીન અને ઇન્ડોનેશિયા ખાતેના સૈન્ય ‘વેશ્યાગૃહો’માં બળજબરીપૂર્વક મોકલી દેવાતાં.
ફિલિપાઇન્સના એક ખેતીપ્રધાન ગામ મપાનિકીનાં લગભગ 20 જેટલાં મહિલાઓ આ ‘યાતના વેઠનારાં’ સર્વાઇવરો પૈકી અંતિમ છે.
કિશોરાવસ્થા દરમિયાન તેમને પરિવારો પાસેથી ઝૂંટવી લઈ, ધૂળિયા રસ્તે રગદોળી લાલમસ ઘરોમાં કેદ કરી દેવાયાં હતાં, જ્યાં તેમના પર વાંરવાર બળાત્કાર ગુજારાયો હતો. હવે આ મહિલાઓ લગભગ 90 વર્ષનાં થઈ ચૂક્યાં છે.
આટલી વયે પણ તેઓ જાપાન પાસેથી જાહેર માફી અને વળતર મેળવવા માટે ઝઝૂમી રહ્યાં છે. પાછલા ઘણા દાયકાથી તેમની આ માગ અધૂરી છે.
તેઓ વિશ્વ તેમણે વેઠેલી યાતનાઓને યાદ રાખે એ હેતુથી તેમને સાંભળવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિને પોતે વેઠેલી વેદના કહી સુણાવે છે, જોકે, હવે આ મહિલાઓ આંશિકપણે સ્મૃતિભ્રંશનો અનુભવ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ‘વેશ્યાગૃહો’માં લગભગ બે લાખ ‘કમ્ફર્ટ વીમૅન’ હતાં, જે પૈકી મોટા ભાગનાં કોરિયન હતાં. દક્ષિણ કોરિયામાં હવે આ મહિલાઓ પૈકી ન જ મહિલા રહ્યાં છે.
ગત મે માસમાં તાઇવાનના અંતિમ જ્ઞાત સર્વાઇવરનું મૃત્યુ થયું હતું. યુદ્ધ સમયના પોતાના ભૂતકાળને સ્વીકારવાથી અને તેના માટે વળતર ચૂકવવાથી જાપાનનો ઇનકાર તેના પાડોશી દેશો સાથેના તાણનાં મુખ્ય કારણો પૈકી એક રહ્યો છે.
જાપાન સાથે વર્ષ 1951માં શાંતિ સમયના એક કરારમાં ફિલિપાઇન્સે યુદ્ધ સમયના વળતર માટેના દાવાનો પોતાનો અધિકાર ત્યાગી દીધો હતો.
જોકે, ભૂતપૂર્વ સેક્સ સ્લેવો કહે છે કે તેઓ આ બાબતને નહીં માને. નોંધનીય છે કે ફિલિપાઇન્સના વિકાસ માટેની સહાય માટેના સ્રોતોમાં જાપાન સૌથી ઉપર છે. ફિલિપાઇન્સ આ મુદ્દાને લઈને જાપાન પર દબાણ કરવામાં કચવાટ અનુભવે છે.
જૂથનાં લીડર અને આ સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવવામાં સૌથી આગળ પડતાં કિલાન્ટેન્ગ કહે છે કે, “અમારા મૃત્યુ પહેલાં અમને ન્યાય મળે એવી આશા છે.”
“અમે બધાં જીવનના અંતિમ પડાવે છીએ, અમારા પૈકી હવે અમુક જ મહિલાઓ જીવતાં છે.”
‘બળાત્કારનું પ્રતીક’ લાલ ઘર
પોતાને ‘મલાયા લોલાસ’ કે ફિલિપિનો ભાષામાં ‘મુક્ત દાદીઓ’ કહેતું આ જૂથ બળબળતી બપોરે આ જૂથ દાયકાઓથી ચાલતી આવતી વાજિંત્રો વગર ધીમા સ્વરે પોતાની કહાણીનાં ગીતો ગાવાની રૂઢિ માટે એકઠાં થયાં છે.
મલાયા લોલાસના ગીતના બોલ કંઈક આવા છે.
“અમે રડ્યાં, અમે થોડી લાગણી માટે વિનંતી કરી. તેમનાં ક્રૂર હૃદયો માત્ર સંતોષ ઝંખતાં હતાં. 14 વર્ષની કુમળી વયે, મારું જીવન ઝેર થયું.”
અન્ય વૃદ્ધાઓ માટે વાતાવરણ હળવું બનાવવા માટે કિલાન્ટેન્ગ જોક કરે છે : તેઓ તેમને કહે છે કે દર્શકો સમક્ષ ગીત ગાવું એ ‘કરાઓકે’ કરતાં અલગ અનુભવ નથી. એવી કોઈ ચિંતા નથી જેને સોપારી ચાવવાની પ્રવૃત્તિ હળવી ન બનાવી શકે.
તે બાદ કિલાન્ટેન્ગ ગંભીર બને છે. તેઓ આઠ વર્ષનાં હતાં એ સમયે તેમના પર ચોખાના ખેતરમાં લાલ ઘરમાં બળાત્કાર ગુજારાયો હતો.
આટલાં વર્ષો બાદ હજુ પણ જ્યારે તેઓ હાઇવેની પેલી પાર ઊભેલ એ ઘર તરફ જુએ છે ત્યારે તેમની સામે એ ભયાવહ દૃશ્યો તરવરી આવે છે. જર્જરિત અવસ્થામાં પણ એ ઘર હજુ એ સ્થળે છે, પરંતુ હવે એ માત્ર ઇતિહાસકારોને આકર્ષે છે.
ફિલિપાઇન્સના પાટનગર મનિલાથી બે કલાકની ડ્રાઇવ કરીને પહોંચી શકાય એવા કેન્ડાબા ટાઉનના દાદીઓના ગામમાં બીજા વિશ્વયુદ્ધ સમયનાં ઘણાં જર્જરિત માળખાં પથરાયેલાં પડ્યાં છે. જોકે, હવે આ ટાઉન બતકનાં ઈંડાં અને ખેતી માટે ઓળખાય છે ના કે તેના યુદ્ધ સમયના ભૂતકાળ માટે.
‘મારું બાળપણ છીનવાઈ ગયું’
કિલાન્ટેન્ગ કહે છે કે કેટલીક સાવ નીરસ વસ્તુઓ પણ ભૂતકાળની યાદો તાજી કરી જાય છે. જ્યારે તેઓ વરસાદમાં પલળેલી ધરતી તરફ નજર કરે છે ત્યારે તેમને તેમની કેદ સમયની ક્ષણો અચાનક યાદ આવી જાય છે.
તેમના જણાવ્યા પ્રમાણે આ દૃશ્ય તેમના મગજમાં એ વાતની યાદ તાજી કરી દે છે જ્યારે તેઓ કેદમાં હતાં અને ચોખાના ખેતરમાં ભેંસનાં પગલાંથી રચાયેલાં ખાબોચિયાં એ જ તેમના માટે પાણીનો એકમાત્ર સ્રોત હતાં.
તેઓ કહે છે કે, “અમે ખૂબ બોજો લઈને ફરીએ છીએ.”
“હું જ્યારે બાળક હતી ત્યારે મને ઘણાં સ્વપ્ન આવતાં.”
કિલાન્ટેન્ગ જણાવે છે કે યુદ્ધમાં પોતાના પિતાનું મૃત્યુ થતાં તેમના આ વેદનાપૂર્ણ અનુભવોએ તેમની પાસેથી તેમનું બાળપણ, સારા શિક્ષણની તકો અને ખુશાલ પારિવારિક જીવન છીનવી લીધાં.
“એક નાની છોકરીની જેમ મેં પણ સારાં કપડાં પહેર્યાં હોત. પરંતુ એના સ્થાને અમારે સતત એક સ્થળેથી બીજા સ્થળે જવું પડતું, જાપાનીઓના ડરમાં જીવવું પડતું.”
આટલું વેદનાભર્યું જીવન વેઠ્યા છતાં તેઓ પોતાની જાતને નસીબદાર માને છે, કારણ કે તેઓ એક ખેડૂતને પરણીને એક પરિવાર બનાવી શક્યાં. પરંતુ ફિલિપાઇન્સનાં ઘણાં અન્ય ‘કમ્ફર્ટ વીમૅન’ પોતાના સમાજમાં અને પરિવારોમાં ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે.
માફીની માગ
મૅક્સિમા ડેલા ક્રૂઝ બપોરની આ મુલાકામાં સામેલ થવા માટે તલપાપડ હતાં, પરંતુ તેઓ ન આવી શક્યાં કારણ કે તેઓ પથારીવશ છે. તેઓ 94 વર્ષનાં છે અને ગ્રૂપમાં સૌથી વૃદ્ધો પૈકી એક છે.
તેઓ મપાનિકી ટાઉનમાં ધીમી ગતિએથી પસાર થતા દિવસો તેમના ઘરની બારીમાંથી જુએ છે. જ્યારે તેમની ઉંમર આટલી વધુ નહોતી ત્યારે તેઓ મલાયા લોલાસનાં સૌથી ઍક્ટિવ મેમ્બર પૈકી એક હતાં.
તેઓ કહે છે કે, “હું ઘણાં પ્રદર્શનોમાં સામેલ થઈ છું. હું જાપાન, હોંગકોંગ અને યુરોપ સુધી જઈ આવી છું.”
“અમારી મદદ કરનારા વકીલો અમને આ સ્થળોએ લઈ આવતાં. મને હજુ બધું બરાબર યાદ છે, ભલે મારું શરીર નબળું પડ્યું હોય પરંતુ બધું મારા મગજમાં કંડારાયેલું છે.”
ડેલા ક્રૂઝ કહે છે કે યુદ્ધ બાદ તેમને પરાણે કામ કરવું કામે વળગાડી દેવાયાં હતાં અને તેમણે પોતાનાં માતાપિતાને ખેતરમાં મદદ કરવાની હોઈ પોતે ભણી પણ નહોતાં શક્યાં. તેમને એ વાત સ્પષ્ટપણે યાદ છે કે, જ્યારે 16 વર્ષની વયે તેમનાં લગ્ન થયાં, ત્યારે લગ્નભોજ માણવાના સ્થાને પરિવારે એકબીજા સાથે મળીને માત્ર એક ચિકનમાં જ સંતોષ માનવો પડ્યો હતો.
તેઓ કહે છે કે, “જો જાપાને અમારી રોજિંદી જરૂરિયાતો માટે અમને કંઈક આપ્યું હોત તો સારું હતું.”
જૂથનાં વકીલ વર્જિનિયા સુઆરેઝ કહે છે કે મલાયા લોલાસ માટે પોતાના ભૂતકાળને યાદ કરવું એ હંમેશાં રાહતભર્યું હોય છે.
તેઓ ઉમેરે છે કે, “પોતાની કહાણી ગાઈ સુણાવવાની પ્રવૃત્તિ તેમના માટે સ્વતંત્રતાનો અનુભવ કરાવતી વાત છે. જ્યારે તમે આ મહિલાઓ જેવા વેદનાભર્યા અનુભવો કર્યા હોય તો તમે ચૂપ ન રહી શકો. આવું કરવું એ વધારાની ત્રાસદી કહેવાશે.”
જાપાન પ્રમાણે ફિલિપાઇન્સનાં મહિલાઓ મારફતે કરાતી વળતરની કોઈ પણ માગણીને સરકારનો ટેકો હોવો જોઈએ. સરકાર તેમની માગને ટેકો આપે એ માટેની જૂથની અપીલ છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી પરંતુ કોઈ આ બધું નિષ્ફળ નીવડ્યું.
તેમણે સંયુક્ત રાષ્ટ્રની મહિલાઓ વિરુદ્ધ ભેદભાવ નાબૂદ કરવા માટેની સમિતિ (Cedaw) સામે પણ પોતાનો કેસ મૂક્યો. આ સમિતિએ આ વર્ષે માર્ચ માસમાં ઠરાવ્યું કે મનિલાએ આ દાદીઓને ચોક્કસપણે વળતર ચૂકવવો જોઈએ અને તેમજ તેમણે દાયકાઓ સુધી જે શોષણ અને તકલીફો વેઠી તેના માટે માફી માગવી જોઈએ.
‘પ્રતીકાત્મક જીતની ક્ષણ’
Cedawનાં સભ્ય મારિઓન બેથેલે કહ્યું કે, “ફિલિપાઇન્સના ઇતિહાસમાં અગાઉ મૌન, ઉપેક્ષિત, ભુલાઈ ગયેલ એવા આ પીડિતાઓ માટે પ્રતીકાત્મક જીતની ક્ષણ છે.”
મલાયા લોલાસનાં વકીલ સુઆરેઝે કહ્યું કે સરકારી એજન્સીઓએ તેમનાં અસીલો માટે Cedawના નિર્ણય બાદ હજારો પેસો (ફિલિપાઇન્સનું ચલણ)ની સહાય જાહેર કરી છે. તેઓ ઉમેરે છે કે પરંતુ તેઓ જાપાન પાસેથી માફીની પોતાની માગ ક્યારેય નહીં ત્યાગે.
તેઓ કહે છે, “તેમના માટે માફી ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ખોટું થયાના એકરારનો પુરાવો છે.”
“જાપાને તેમની સાથે એક મહાન પાપ આચર્યું છે, વિશ્વે આ વાત ન ભૂલવી જોઈએ. તેમણે આની કિંમત ચૂકવવી જોઈએ.”
કિલાન્ટેન્ગ માટે આ સંઘર્ષ એ સમય સુધી ચાલતો રહેશે જ્યાં સુધી લોકો તેમની વાત સાંભળે છે.
“અમે એક ખૂબ નિકટનાં સહેલીવાળું એક જૂથ છીએ અને અમારી મદદ કરવા માટે ઘણા લોકો છે. અમને ન્યાય જોઈએ. જ્યાં સુધી લોકો અમને આમંત્રણ આપતા રહેશે, અમે ગાતાં રહીશું.”