વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મર સાથે શું વાત કરી?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના નવા વડા પ્રધાન કિઅર સ્ટાર્મર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરીને અભિનંદન પાઠવ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “કિઅર સ્ટાર્મર સાથે વાતચીત કરીને ખુશી થઈ. યૂકેના નવા વડા પ્રધાન ચૂંટાઈ આવવા બદલ તેમને શુભેચ્છા પાઠવી.”
તેમણે વધુમાં લખ્યું, “અમે પોતાના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તથા વૈશ્વિક ભલાઈ માટે રણનીતિક ભાગીદારી તથા આર્થિક સંબંધોને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું કે બંને નેતાઓએ બંને દેશો માટે ફાયદાકારક ભારત-યુકે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને જલદી લાગુ કરવા માટે કામ કરવા પર સહમતિ દર્શાવી. સાથે બ્રિટનના સામાજિક, આર્થિક અને રાજનીતિક વિકાસમાં ભારતીય સમુદાયનું સકારાત્મક યોગદાનના વખાણ કરતા બંને નેતાઓએ પરસ્પર સંબંધો વધારવા પર ભાર મૂક્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાનને ભારત આવવા માટેનું નિમંત્રણ પણ આપ્યું.
ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ભારતની ટીમ માત્ર 102 રન બનાવી ઑલઆઉટ

ઇમેજ સ્રોત, Getty Images
હરારેમાં રમાયેલી આજની ટી20 મૅચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવી દીધું છે.
ભારતીય ટીમ 19.5 ઓવરમાં 102 રન જ બનાવી શકી. આ અગાઉ પહેલી ઇનિંગમાં ઝિમ્બાબ્વેએ 9 વિકેટ ખોઈને 115 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે ભારત વતી રવિ બિશ્નોઈએ ચાર વિકેટો ઝડપી હતી. ભારતે જીત માટે 116 રન બનાવવાના હતા.
ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 31 રન કૅપ્ટન શુભમન ગિલે બનાવ્યા, ત્યારબાદ સૌથી વધુ 27 રન વૉશિંગ્ટન સુંદરે બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતમાં છ માળનું મકાન તૂટી પડ્યું, NDRF ટીમ ઘટનાસ્થળે

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરતમાં છ માળનું મકાન તૂટી પડ્યું છે. આ ઘટના બપોરે 2.45થી 3 વાગ્યાની વચ્ચે થઈ હતી. ઘટના બની તે સમયે એટલો જોરથી અવાજ આવ્યો કે બાજુની બિલ્ડિંગના લોકોને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે.
અવાજ સાંભળતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બહાર આવીને જોયું તો આ બિલ્ડિંગ તૂટી પડી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો આ તૂટી પડેલા બિલ્ડિંગના કાટમાળમાં દટાયા હોય શકે છે. જોકે, સ્થાનિક તંત્રએ લોકો કાટમાળમાં દટાયા હોવાની શક્યતાને નહિવત્ ગણાવી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણેના જણાવ્યા અનુસાર અત્યારસુધી એક મહિલાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરતના કલેક્ટર સૌરભ પારઘીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “કાટમાળમાં કોઈ ફસાયું હોય તેવી શક્યતા નહિવત્ છે છતાં કાટમાળ હઠાવવાનું કામ ચાલુ છે અને એનડીઆરએફના જવાનો તહેનાત કરી દેવાયા છે. હાલ રૅસ્ક્યૂ ચાલી રહ્યું છે. રૅસ્ક્યૂ બાદ ખબર પડશે કે હકિકત શું છે.”
જોકે, આ બિલ્ડિંગના એક રહેવાસી રાધા મહાતોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે જ્યારે આ બિલ્ડિંગ પડી ગયું ત્યારે તેઓ બહાર હતા. તેમણે વધુમાં કહ્યું, “તેમને કોઈકે ફોન કરીને કહ્યું કે તેમનું બિલ્ડિંગ પડી ગયું છે. મારા પતિ કામ કરીને આવ્યા હતા અને તેઓ બિલ્ડિંગમાં આવેલા તેમના રૂમમાં જ સૂતા હતા. તેમની કોઈ ભાળ મળતી નથી.”
નીટ યૂજી કાઉન્સેલિંગની ન થઈ શરૂઆત, વિદ્યાર્થીઓએ વેબસાઇટના સંપર્કમાં રહેવું પડશે

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલના અભ્યાસ માટે લેવાયેલી નીટ યૂજીની પરીક્ષા પછી કાઉન્સેલિંગની શરૂઆત થઈ નથી.
અહેવાલો પ્રમાણે, આ કાઉન્સેલિંગ છ જુલાઈ એટલે કે શનિવારે શરૂ થવાની હતી. જોકે, તેના વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
કાઉન્સેલિંગ કરતી સંસ્થા મેડિકલ કાઉન્સેલિંગ કમેટીની વેબસાઇટ પર આપેલા ફોન નંબર પર અમે સંપર્ક કરીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. અમને ફોન પર કહેવામાં આવ્યું કે કાઉન્સેલિંગ હજી શરૂ થઈ નથી. કારણ કે કાઉન્સેલિંગ માટે વેબસાઇટ પર કોઈ અપડેટ નથી.
વિદ્યાર્થીઓએ તારીખોની જાણકારી માટે એમસીસીની વેબસાઈટનો સંપર્ક કરવાનો રહેશે. કાઉન્સેલિંગ સંબંધિત કોઈપણ સૂચના વેબસાઇટ પર જ મળશે.
નીટ પરીક્ષામાં 1563 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ બાબતે ઘણો વિવાદ થયો હતો. નીટનો આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ગ્રેસ માર્કસ રદ કરવામાં આવ્યા હતા. એનટીએએ આ વિદ્યાર્થીઓ માટે 23મી જૂને ફરીથી પરીક્ષાનું આયોજન કર્યું હતું.
નીટ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે. આ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળા અને પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વિપક્ષી પાર્ટીઓએ આ મામલાને સંસદમાં પણ ઉઠાવ્યો અને રસ્તા પર પણ પ્રદર્શનો થયાં હતાં.
આ ઉપરાંત નીટ યૂજી સાથે જોડાયેલી અરજીઓ લંબિત છે જેની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતાવાળી બૅન્ચ 8 જુલાઈએ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની ઉમેદવારી વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે પોતાના ભાષણમાં ચૂંટણી લડવાની અને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમેરિકામાં આ બાબતે હજું પણ સવાલ છે કે શું જૉ બાઇડન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે.
વિસ્કૉન્સિનના મૅડિસનમાં એક ચૂંટણી સભામાં 81 વર્ષીય બાઇડને ગયા અઠવાડીયે થયેલી સીએનએનની એક ડિબેટમાં પોતાના ખરાબ પ્રદર્શનની વાત સ્વીકારી હતી.
તેમણે ચૂંટણી સભામાં કહ્યું, "ત્યારબાદ અટકળો લાગી રહી છે કે હું શું કરીશ. મારો જવાબ છે કે હું ચૂંટણી લડી રહ્યો છું અને ફરીથી જીતીશ."
ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ આ વિસ્તારમાં સમર્થકો તેમને ઉત્સાહિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીની દોડમાં આ વાત બાઇડનના સંકલ્પને મજબૂત કરે છે. બાઇડન છેલ્લા થોડાક દિવસોમાં વણસેલા રાજકીય સંકટને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
બાઇડન પોતાના 17 મિનિટના ભાષણમાં ડિબેટની તુલનામાં ઘણા જુસ્સામાં જોવા મળ્યા. આ ભાષણ તેમને ચૂંટણી અભિયાનના એક મહત્ત્વપૂર્ણ સમય પર આપ્યું છે.
ડેમોક્રેટિક પાર્ટીના સહયોગી અને ડોનરો આ વાત પર વિચાર કરી રહ્યા હતા કે તેમને બાઇડનને ટેકો આપવો જોઇએ કે નહીં.
ઘણા અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, બાઇડેનના ચૂંટણી અભિયાન માટે આગામી થોડા દિવસો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ગયા અઠવાડિયેની ચર્ચા પછી, બાઇડન તેના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પના હાથે ગુમાવેલી જમીન પાછી મેળવવા માંગે છે.

હાથરસના સત્સંગમાં થયેલી નાસભાગ વિશે ‘ભોલેબાબા’એ શું કહ્યું?

ઇમેજ સ્રોત, X/AKHILESHYADAV
ઉત્તર પ્રદેશમાં આવેલા હાથરસમાં એક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 122 લોકોનાં મોત થયાં હતા.
આયોજનકર્તાઓએ પરવાનગી માંગીને વહીવટી તંત્રને જણાવ્યું હતું કે લગભગ 80 હજાર લોકો સત્સંગમાં ભાગ લેશે. જોકે, આ સત્સંગમાં પહોંચનાર લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી.
આ સત્સંગ નારાયણ સાકાર હરિ નામના કથાવાચકનો હતો, જેમનાં પૉસ્ટર હાથરસના રસ્તાઓ પર લગાડવામાં આવ્યાં હતાં.
આ મામલે નારાયણ સાકાર હરિએ એક નિવેદન આપ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા નિવેદનમાં ભોલેબાબાએ કહ્યું, "હું 2 જુલાઈએ થયેલી ઘટનાને કારણે ખૂબ જ દુ:ખી છું. બધા લોકો વહીવટીતંત્ર પર ભરોસો રાખે. મને વિશ્વાસ છે કે કોઇપણ અસામાજિક તત્ત્વો બચશે નહીં."
"મેં મારા વકીલ ડૉ. એપી સિંહના માધ્યમથી સમિતિને પ્રાર્થના કરી છે કે દિવંગત આત્માના પરિવારના લોકો અને ઈજાગ્રસ્ત લોકોની સાથે જીવનભર તન, મન અને ધનથી મદદ કરીશું. આ વાતનો બધાએ સ્વીકાર પણ કર્યો છે. બધા લોકો આ જવાબદારીને નિભાવી પણ રહ્યા છે."
ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં થયેલી નાસભાગ મામલે બે મહિલાઓ સહિત છ લોકોની ગુરૂવારે ધરપકડ કરી હતી.
પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તે લોકો એ સમિતિના સભ્યો છે જેને નારાયણ સાકારના સત્સંગનું આયોજન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પોલીસની એફઆઈઆરમાં ‘ભોલેબાબા’નો ઉલ્લેખ નથી અને પોલીસે હજી સુધી તેમની પૂછપરછ પણ કરી નથી.






















