યુપીએસસીએ સનદી સેવા માટે પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સંઘ લોકસેવા આયોગે (યુપીએસસી) સનદી સેવામાં પૂજા ખેડકરની ઉમેદવારીને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. આ સિવાય તેમના પર ભવિષ્યની તમામ પરીક્ષા તથા નિમણૂકોમાં સામેલ થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ઉપલબ્ધ રેકૉર્ડ્સને ચકાસતા પૂજાએ સીએસઈ-2022ના નિયમોનો ભંગ કર્યો હોવાનું યુપીએસસીની તપાસમાં જણાઈ આવ્યું હતું. આના માટે યુપીએસસીએ વર્ષ 2009થી 2023 સુધીના પંદર વર્ષના ગાળાના પંદર હજાર કરતાં વધુ ઉમેદવારોના રેકૉર્ડ્સ ચકાસ્યા હતા.

પૂજા ખેડકર વર્ષ 2022માં આઈએએસ માટે પસંદ થયાં હતાં. તા. 18 જુલાઈ, 2024ના યુપીએસસી દ્વારા પૂજાને કારણદર્શક નોટિસ કાઢવામાં આવી હતી તથા ઓળખ બદલીને નિર્ધારિત કરતાં વધુ વખત પરીક્ષામાં બેસવા સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યા હતા.

પૂજાએ તા. 25 જુલાઈ સુધીમાં જવાબ આપવાનો હતો, જેના જવાબમાં પૂજાએ જરૂરી દસ્તાવેજ એકઠા કરવા માટે ચોથી ઑગસ્ટ સુધીનો સમય માગ્યો હતો. ત્યારે યુપીએસસીએ પૂજાને તા. 30મી જુલાઈ સુધીમાં કારણદર્શક નોટિસનો જવાબ આપવાની મુદ્દત આપી હતી.

જોકે, પૂજા નિર્ધારિત સમય સુધીમાં જવાબ દાખલ નહોતાં કરાવી શક્યાં અને યુપીએસસીએ તેના રેકૉર્ડ્સ ચકાસ્યા હતા અને પૂજા દોષિત જણાઈ આવ્યાં હતાં.

એ પછી વર્ષ 2022માં તેમની પસંદગીને રદ ઠેરવવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ પરીક્ષામાં બેસવા કે નિયુક્તિ માટે પણ કાયમી નિષેધ મૂકવામાં આવ્યો હતો.

શ્રીલંકા સામે હારતાં-હારતાં જીત્યું ભારત

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલા ટી20 શ્રેણીના અંતિમ મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને શ્રેણી પર કબજો કર્યો છે.

બંને દેશો વચ્ચે રમાયેલી લો સ્કોરિંગ મૅચમાં ભારતે જીત મેળવી છે.

ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 137 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીત માટે 138 રનનું લક્ષ્ય આપ્યું.

શ્રીલંકાની ટીમે લક્ષ્યનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી અને 15 ઓવરના અંતે ટીમનો સ્કોર એક વિકેટના નુકસાન પર 110 રન હતો.

ભારતની હાર લગભગ નિશ્ચિત ગણાતી હતી. જોકે, 15મી ઓવર પછી મૅચ પલટાઈ.

શ્રીલંકાની ટીમ અંતિમ પાંચ ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 27 રન જ ઉમેરી શકી.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ધીમી પીચ હોવાને લીધે 19મી ઓવર રિંકુસિંહને આપી હતી.

રિંકુએ 19મી ઓવરમાં માત્ર ત્રણ રન આપીને બે વિકેટો મેળવી હતી. છેલ્લી ઓવર ફેંકવા માટે સૂર્યકુમાર પોતે આવ્યા અને પાંચ રન આપીને બે વિકેટ મેળવી હતી.

પરિણામે મૅચ ટાઈ થઈ ગઈ.

સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ માત્ર બે જ રન કરી શકી. સૂર્યકુમાર યાદવે સુપર ઓવરના પ્રથમ બૉલ પર જ ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો.

ઇઝરાયલે લેબનનમાં હિઝબુલ્લાહના ટૉપ કમાન્ડરને મારવાનો દાવો કર્યો

ઇઝરાયલ કહે છે કે તેણે લેબનનના પાટનગર બેરુતના દક્ષિણ વિસ્તારમાં એક હુમલામાં ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહના ટૉપ કમાન્ડરને મારી નાખ્યા છે.

લેબનનનાં સશસ્ત્ર દળોના ગઢ દહિયાહમાં કરવામાં આવેલા એક હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે ખાનગી સૂચનાને આધારે હિઝબુલ્લાહના ટૉપ કમાન્ડર ફૉદ શુક્રને નિશાન બનાવીને ફાઇટર જેટ વડે હુમલો કર્યો હતો.

ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે શનિવારે ઇઝરાયલના નિયંત્રણવાળા ગોલાન હાઇટ્સ પર થયેલા હુમલા માટે ફૉદ શુક્ર જ જવાબદાર હતા.

શનિવારે થયેલા હુમલામાં 12 લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટાં ભાગનાં બાળકો હતાં. હિઝબુલ્લાહે હુમલાનો ઇનકાર કર્યો હતો.

લેબનનના વડા પ્રધાન નજીબ મિકાતીએ ઇઝરાયલની આક્રમકતાની નિંદા કરી હતી.

તેમણે કહ્યું, “આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.” તેમણે આ હુમલાને ગુનાહિત કૃત્ય ગણાવ્યો હતો.

હુમલા પછી ઇઝરાયલના રક્ષામંત્રી યોવ ગૅલેન્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હિઝબુલ્લાહે હદો વટાવી દીધી છે.

જોકે, એ સ્પષ્ટ નથી કે ફૉદ શુક્રનું મૃત્યુ થયું છે કે નહીં. બેરુતમાં રક્ષા સૂત્રોનું કહેવું છે કે હુમલો થયો તે સમયે ફૉદ શુક્ર તે ઇમારતમાં હાજર ન હતા.

હિઝબુલ્લાહે પણ આ વિશે કોઈ સાર્વજનિક નિવેદન જાહેર કર્યું નથી.

પેરિસ ઑલિમ્પિકમાં ભારતની હૉકી ટીમે આયરલૅન્ડને 2-0થી માત આપી

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમે પોતાનું અભિયાન ચાલુ રાખ્યું છે. ટીમે પુલ-બીની ત્રીજી મૅચમાં આયરલૅન્ડને 2-0થી માત આપી હતી.

ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરથી જ આયરલૅન્ડ ટીમ પર દબાણ બનાવ્યું હતું. ભારતે પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં એક-એક ગોલ ફટકાર્યો.

ત્યાર બાદ ભારતીય ટીમે મૅચ પર પોતાની મજબૂત પકડ જમાવી રાખી અને આયરલૅન્ડની ટીમ એક પણ ગોલ કરી ન શકી.

સોમવારે ભારત અને આર્જેન્ટીના વચ્ચે રમાયેલો મુકાબલો 1-1ની બરાબરી પર રહ્યો હતો. જ્યારે ભારતે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ મૅચમાં 3-2થી વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમનો મુકાબલો ગુરુવારે બેલ્જિયમ સામે થશે.