ગુજરાતમાં વરસાદ સાથે આટલી ભયાનક વીજળી કેમ પડી રહી છે

વીજળી, હવામાન, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, દ્વારકામાં વિખ્યાત દ્વારકાધીશના મંદિર પર ગયા વર્ષે વીજળી પડવાનાં દૃશ્યો કૅમેરામાં કેદ થયાં હતાં
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

19 ઑક્ટોબરે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં બે બાળકો હતાં. ખેતમજૂરો ખેતરેથી કામ પતાવીને તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કડાકા સાથે વીજળી પડી હતી જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

મે મહિનામાં ગુજરાતમાં વરસાદ પડતો નથી. આમ છતાં આ વર્ષે અમરેલીમાં વીજળી પડવાને કારણે 29 બકરાંનાં મોત થયાં હતાં અને સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે મહિલા અને એક પુરુષ એમ ત્રણનાં મોત થયાં.

2023ના નવેમ્બર માસમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 વર્ષીય રાકેશભાઈ ધરેજીયા નામના યુવાન હેબતપુર રોડ પર બાઇક ચલાવીને જઈ રહ્યા હતા. એવામાં તેમના પર વીજળી પડતાં તેમનું પણ મોત થયું હતું.

બનાસકાંઠાના વાવના મોરખા ગામે પણ વીજળી પડતાં એક બાળકીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભાણેજડા ગામની સીમમાં પણ વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું તથા ચાર પશુઓ પણ મોતને ભેટ્યાં હતાં.

મેઘગર્જના સાથે વીજળી પડવાની ઘટનાને લીધે 2011થી 2020 સુધીમાં ગુજરાતમાં 469 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વીજળી પડવાની ઘટના કેમ બને છે?

વીજળી, હવામાન, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વીજળી પડવાની ઘટના વધી રહી છે

આજથી ત્રીસેક વર્ષ પહેલાં એવા સમાચાર જવલ્લે જ જોવા મળતા હતા કે વીજળી પડી હોય અને કોઈનું મરણ થયું હોય. હવે દર વર્ષે આવી ઘટનાઓ સામે આવી રહી છે.

ગુજરાતમાં મોસમ વિભાગ અનુસાર અધીકૃત રીતે ચોમાસું ૩૦ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ જાય છે. પહેલી ઑક્ટોબર પછી જે કંઈ વીજળીના કડાકાભડાકા થાય કે વરસાદ પડે તેને હોય તેને સત્તાવાર રીતે વરસાદ ગણવામાં આવતો નથી. તેને પોસ્ટ મૉન્સૂન ઍક્ટિવિટી કહે છે.

અમદાવાદ ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીના અધિકારી રામાશ્રય યાદવ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “પોસ્ટ મૉન્સૂન જે ઍક્ટિવિટી હોય છે તેમાં વીજળીના ચમકારા વધી જાય છે. પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટીમાં પણ આવું જોવા મળે છે. એમાં વીજળી પડવાની ઘટના બનતી હોય છે. આ કોઈ નવી પૅટર્ન નથી.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. મનોજ લુણાગરિયા માને છે કે છે કે ત્રીસ વર્ષ પહેલાંની અને હાલની સ્થિતિ જોઈએ તો વીજળી પડવાની ઘટના વધી રહી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં લુણાગરીયા કહે છે કે, “વીજળી, થન્ડરસ્ટ્રૉમ(મેઘગર્જના) પર આધારિત હોય છે. વીજળીનાં ચમકારા થવાની અને વીજળી પડવાની ઘટનાઓ વધી છે. આબોહવા પરિવર્તનને કારણે ગુજરાત, રાજસ્થાન વગેરે વિસ્તારોમાં વરસદની જે પૅટર્ન હતી તે બદલાઈ છે. પરિણામે ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસું પુરૂં થયા પછી ભેજવાળા સમયમાં કન્વેક્શન ઍક્ટિવિટી એટલે કે ચક્રવાતી પ્રવૃત્તિને લીધે લોકલ ક્લાઉડ – વાદળો બનતાં હોય છે. આ વાદળો જેમ જેમ વધારે વિકસે કે ઊંચા જાય તેમ તેમ વીજળીની શક્યતા વધતી જાય છે. ભેજવાળી સ્થિતિ લાંબો સમય સુધી રહેતી હોવાથી હવેના સમયમાં આ પ્રકારની ઘટના વધારે બની રહી છે. ગુજરાત જ નહીં બિહાર વગેરે રાજ્યોમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.”

ટૂંકમાં, વરસાદી માહોલ વચ્ચે જ્યારે ગરમ અને ભેજવાળી હવાઓનું મિલન થાય ત્યારે મુખ્યત્વે વીજળી પડતી હોય છે. આવા સમયે નિષ્ણાતો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપતા હોય છે.

વીજળીનું ચમકવું અને પડવું એ બન્ને અલગ-અલગ ઘટના

વીજળી, હવામાન, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીજળી એ બે વાદળો કે પૃથ્વી અને વાદળો વચ્ચે અસંતુલનને કારણે થતો વિદ્યુતસ્ત્રાવ છે

નવેમ્બર મહિનામાં શિયાળો બેસી જતો હોય છે. ઠંડી શરૂ થઈ જાય છે. ગયા વર્ષે એટલે કે 2023માં નવેમ્બર મહિનાનાં છેલ્લાં અઠવાડિયામાં બે દિવસમાં વીજળી પડવાની ઘટનાને લીધે 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 23 લોકો ઈજા પામ્યા હતા.

વીજળી પડવાનું કારણ શું છે અને વીજળી પડ્યા બાદ શું થાય છે એ હજુ વધુ વિગતે સમજીએ.

ભાગ્યે જ કોઈ હશે જેમણે વીજળી જોઈ નહીં હોય. એ વાત પણ સમજી લઈએ કે વીજળીનું ચમકવું અને પડવું એ બન્ને અલગ-અલગ ઘટના છે.

વીજળી આકાશમાં જ રહે તો તેને વીજળી ચમકવી કે વીજળી થવી કહેવાય, પણ આ જ વીજળી જો ધરતી પરની કોઈ વસ્તુ સાથે ટકરાય તો તેને વીજળી પડી કહેવાય છે.

વીજળી એ બે વાદળો કે પૃથ્વી અને વાદળો વચ્ચે અસંતુલનને કારણે થતો વિદ્યુતસ્ત્રાવ છે. સાદી રીતે સમજીએ તો બે વાદળો વચ્ચેના ઘર્ષણને લીધે વીજળી થાય છે.

ગરમીમાં દરિયાનું પાણી ભેજ બનીને ઉપર જાય છે, આકાશમાં ગયા પછી તે ઠંડો પડે છે અને જેમ-જેમ ઠંડો પડતો જાય છે તેમ-તેમ પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાતો જાય છે અને એ ભેગા મળીને વાદળ બની જાય છે.

જેવા જ તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસના તાપમાનની નીચે જાય છે પાણીના ટીપાં નાનાં-નાનાં બરફનાં ક્રિસ્ટલોમાં બદલાય જાય છે, અને આ જ બરફવાળાં વાદળો હવાને કારણે એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ઘર્ષણ થાય છે અને તેમાં સ્ટેટિક કરંટ પેદા થાય છે, જેને વીજળી કહે છે.

એટલે મોટાં વાદળો અંદરોઅંદર અથડાય એટલે તેમાં વિદ્યુતસ્રાવ પેદા થાય છે જેને આપણે વીજળી થવી કહીએ છીએ.

સ્ટેટિક કરંટમાં નૅગેટિવ અને પૉઝિટિવ એમ બન્ને પ્રકારના કરંટ હોય છે એટલે વાદળમાં પણ આ બન્ને કરંટ હોય છે. જ્યારે વાદળાં અથડાય ત્યારે તેમાં કરંટ પેદા થાય છે, આ કરંટનો પૉઝિટિવ ચાર્જ છે, તે ઉપર જતો રહે છે અને નૅગેટિવ છે તે નીચેના ભાગમાં રહે છે.

હવે નીચે રહેલો નૅગેટિવ ચાર્જ જમીન પર કે ક્યાંય પૉઝિટિવ ચાર્જને શોધતો હોય છે. ધરતી પર રહેલાં વૃક્ષો, ઘાસ તથા પૃથ્વી પણ પૉઝિટિવ ચાર્જ છોડે છે. જેને કારણે અસંતુલન સર્જાય છે. જેના કારણે વાદળનો નૅગેટિવ કરંટ નીચેના પૉઝિટિવ કરંટ તરફ આવે છે. એટલે કે વાદળનો નૅગેટિવ ચાર્જ જ્યારે ધરતી પર ડિસ્ચાર્જ થાય ત્યારે તેને વીજળી પડવી કહે છે.

વીજળીની શક્યતા જણાવતી મોબાઇલ ઍપ

વીજળી, હવામાન, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી

વીજળી પડવાની ઘટના કરતાં ય તે ક્યા સમયે પડે છે તે વધારે અગત્યનું છે.

રામાશ્રય યાદવ કહે છે કે, “વીજળી જો રાતના સમયે પડે તો નુકસાનીની શક્યતા ઓછી હોય છે અને દિવસે પડે તો જાનમાલનું નુકસાન વધારે થાય છે. લોકો દિવસે બહાર હોય છે તેથી વીજળી પડે તો મૃત્યુ થાય છે. લોકો રાતે ઘરમાં હોય છે તેથી જીવ બચી જાય છે. કડાકાભડાકા સાથે વીજળીના ચમકારા થશે એનું પણ અનુમાન વરસાદની જેમ હવામાન વિભાગ તરફથી થાય છે. લોકો જો હવામાન ખાતાની આગાહી જોઈ લેતા હોય તો પણ ફાયદો થઈ શકે.”

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે 'દામિની' નામની એક મોબાઇલ ઍપ તૈયાર કરી છે. જે ભારતમાં વીજળી પડવાની ઘટના વિશે ઍલર્ટ આપે છે. 20 અને 40 કિલોમીટરના ઘેરાવમાં ક્યાંય વીજળીની શક્યતા હોય તો એ ઍપ ગ્લોબલ પોઝિશનીંગ સીસ્ટ(જીપીએસ) દ્વારા મોબાઇલ પર ઍલર્ટ આપે છે. આઈઆઈટીએમ પૂણે અને ઇએસએસઓ કંપની દ્વારા તે ઍપ તૈયાર થઈ છે.

વીજળી પડે ત્યારે કેવી રીતે સાવધાન રહેવું?

વીજળી, હવામાન, જળવાયુ પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીજળીનાં દૃશ્યો(ફાઇલ તસવીર)

ઊંચી ઇમારત અથવા કારની અંદર રહો.

ખુલ્લા વિસ્તારોથી દૂર રહો.

જો તમારી પાસે છૂપાવા માટે કોઈ જગ્યા નથી તો તમારા શરીરને જેમ બને તેમ નાનું બનાવી દો, જેમ કે નીચે બેસી જાઓ, હાથને ઘૂંટણ પર રાખો અને માથું તેમાં છુપાવી દો.

વૃક્ષોની નીચે ઊભા ન રહો.

જો તમે પાણીની અંદર છો, તો જેમ બને તેમ જલદી કિનારા પર આવો.

(સ્ત્રોતઃ રૉયલ સોસાયટી ફૉર ધ પ્રિવેન્શન ઑફ ઍક્સિડન્ટ્સ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.