You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કયા દિવસે રક્ષાબંધન છે, દેશમાં કેમ બે દિવસ ઊજવાશે તહેવાર?
રક્ષાબંધન હિન્દુઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. હિન્દુઓની માન્યતા પ્રમાણે આ પર્વ ભાઈ અને બહેનના હેતનું પર્વ છે. હિન્દુ પરંપરા અનુસાર બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર રક્ષા માટે બાંધવામાં આવતી રાખડી એ રક્ષાસૂત્ર છે.
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે રક્ષાબંધન શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
પણ આ વખતે રક્ષાબંધન બે દિવસો સુધી મનાવવામાં આવશે. 30 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ. કારણકે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે રક્ષાબંધન પર ભદ્રા કાળની છાયા પડે છે. તો જોઈએ કે 30 ઑગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવું જોઈએ કે પછી 31 ઑગસ્ટના દિવસે.
ઘણા લોકો મૂંઝવણમાં છે કે હકિકતમાં રક્ષાબંધન ક્યારે મનાવવું?
હિંદુઓની માન્યતા અનુસાર ભદ્રા કાળ શું છે?
હિન્દુ પંચાંગ અનુસાર રક્ષાબંધનના દિવસે ભદ્ર કાળ અને પૂર્ણિમા એ સંયોગ છે. જેને કારણે રક્ષાબંધન કયા દિવસે મનાવવું તેની મૂંઝવણ પેદા થઈ છે.
પંચાંગ અનુસાર પૂર્ણિમાની તિથિ 30 ઑગસ્ટના રોજ સવારે 10.58 પર શરૂ થાય છે અને 31 ઑગસ્ટ, સવારે 7.05 વાગ્યા સુધી રહે છે.
ભદ્રા કાળનો સમય સાંજે 30 ઑગસ્ટના રોજ પૂર્ણિમા શરૂ થવાની સાથે જ એટલે કે સવારે 10.59 વાગ્યે શરૂ થશે અને તેનો અંત આ જ દિવસે એટલે કે 30 ઑગસ્ટના રોજ રાત્રે 9.02 વાગ્યે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે 30 ઑગસ્ટના રોજ ભદ્રા કાળની છાયા છે. હિન્દુ માન્યતા અનુસાર જ્યારે ભદ્રા કાળ હોય ત્યારે શુભ કાર્યો ટાળવા જોઈએ.
આથી હિન્દુ શાત્રોના જાણકારો કહે છે કે જો 30 ઑગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવી હોય તો રાખડી ભદ્રા કાળ સમાપ્ત થાય ત્યારબાદ બાંધવી જોઈએ.
હવે, ભદ્રા કાળ રાત્રે 9.02 વાગ્યે સમાપ્ત થાય છે એટલે રાખડી રાત્રે 9.02 બાદ મનાવવી જોઈએ.
હવે 31 ઑગસ્ટે પણ સવારે 7.05 વાગ્યા સુધી પૂર્ણિમા છે. એટલે હિન્દુ શાસ્ત્રોના જાણકાર કહે છે કે જો 31 ઑગસ્ટના રોજ રક્ષાબંધન મનાવવી હોય તો સવારે 7.05 વાગ્યા સુધીમાં રાખડી બાંધી શકાય છે.
શું છે પૌરાણિક માન્યતા?
હિન્દુ માન્યતા પ્રમાણે રક્ષાબંધનની શરૂઆત પૌરાણિક કાળથી થતી આવી છે. રક્ષાબંધનને લઈને અનેક કહાણીઓ પ્રચલિત છે. પૌરાણિક કથા અનુસાર લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને આ પરંપરાનો શુભારંભ કર્યો.
ભવિષ્ય પુરાણની કથા અનુસાર રાજા ઇન્દ્રને તેમની પત્ની શચિને રાખડી બાંધી હતી. કથા પ્રમાણે જ્યારે સુર અને અસુર વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે દેવોના ગુરુ બ્રહસ્પતિના કહેવા પર દેવરાજ ઇન્દ્રએ શચી પાસે રાખડી બંધાવી હતી.
મહાભારતની એક કથા અનુસાર અર્જુન પુત્ર અભિમન્યુને પાંડવોના માતા કુંતાએ રાખડી બાંધી હતી.
એક એવી પણ લોકવાયકા છે કે જ્યારે મેવાડની ગાદી પર વિધવા રાણી કર્ણાવતી બેઠી ત્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે તેમના રાજ્ય પર હુમલો કર્યો. હુમલાથી બચવા માટે કર્ણાવતીએ મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી.
આ તહેવારની ઉજવણી ક્યારે શરૂ થઈ અને કોણે કરી તેની કહાણી અને કથા જે હોય તે પરંતુ ભારત સહિત દુનિયાભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન ઉત્સાહથી મનાવે છે.