ગુજરાત બજેટ 2024 -25 : 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ, '2024નો રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો'

ઇમેજ સ્રોત, @CMOGujarat
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની તર્જ ઉપર બજેટમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીલક્ષી યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સિવાય બજેટમાં ગુજરાતને '5 G' ગુજરાત બનાવવાની વાત કહેવામાં આવી છે, જેમાં ગ્રીન, ગ્લોબલ, ગતિશીલ, ગરવી અને ગુણવંતુ ગુજરાત બનાવવાની વાત કહી હતી.
બજેટ પહેલાં વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા અમિત ચાવડાને વિધાનસભા દ્વાર ખાતે વિરોધપ્રદર્શન માટે ટોક્યા હતા.
નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે.
કનુ દેસાઈએ કહ્યું કે મહિલાઓ અને બાળકોના ભવિષ્ય માટે તેમના પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
અંદાજપત્રમાં નાણામંત્રીએ સગર્ભા, ધાત્રી માતાનાં પોષણ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી જેની હેઠળ રૂપિયા 12 હજારની સહાય આપવામાં આવશે અને 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
હવે ગુજરાતમાં આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે તેમાં નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, વાપી અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકારના બજેટ 2024-25ની મુખ્ય જાહેરાતો

ઇમેજ સ્રોત, @GujaratInformationDepartment/X
- ગુજરાતે જી.એસ.ડી.પી.માં (ગુજરાત સ્ટેટ ડૉમેસ્ટિક પ્રૉડકશન) 14.89 ટકાનો વિકાસદર હાંસલ કર્યો.
- વર્ષ 2000- '01માં દેશના જી.ડી.પી.માં (કુલ ઘરેલું ઉત્પાદન) રાજયનો ફાળો 5.1 ટકા હતો, જે આજે વધીને 8.2 ટકા થયો.
- હાલ ગુજરાતની વસતી 18-60 વર્ષની વચ્ચે, તેમને રોજગારની યોગ્ય તકો આપીને ડેમૉગ્રાફિક ડિવિડન્ડ લેવાનું આયોજન
પ્રવાસ પર્યટન માટે
- ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હૅરિટેજ તથા સફેદ રણના ધોરડોને યુએનના વર્લ્ડ ટુરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો દરજ્જો મળવો એ ગુજરાતને માટે ગૌરવની વાત.
- સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેનું એકતાનગર મીટિંગ, ઇન્સેન્ટિવ, કૉન્ફરન્સ તથા ઍક્ઝિબિશન માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
- ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઈ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટૅનેબલ ટુરિસ્ટ પિલ્ગ્રિમૅજ ડૅસ્ટિનેશન તરીકે વિકાસ ચાલુ. જેથી કરીને સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ થાય અને રોજગારી વધે.
યુવા અને રોજગાર
- કનુ દેસાઈએ કહ્યું કે ટેક્સ્ટાઇલ, કેમિકલ, ફાર્મા, ઑટોમોબાઇલ જેવા પરંપરગાત ઉપરાંત સેમિકંડક્ટર, ગ્રીન ઍનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઈ-વાહન જેવા આધુનિક ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
- કનુ દેસાઈએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટ-અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ
- કનુ દેસાઈએ કહ્યું કે સરકાર આઈટી, બીટી, ફિનટેક, નાણાકીય અને પ્રવસનક્ષેત્રે રોજગાર વધારવા પ્રયાસ કરશે.
કૃષિ અને કૃષક માટે
- નાણામંત્રીએ જાહેરાત કરી કે છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતે કૃષિ અને આનુષંગિકક્ષેત્રે 11.2 ટકાનો વૃદ્ધિદર જાળવી રાખ્યો છે
- જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા તથા વધતી જતી વસતિની અન્નજરૂરિયાતોને પહોંચી વળવા જાડાધાનને પ્રોત્સાહન આપ્યું છે.
- ગુજરાતમાં નવ લાખ ખેડૂત ઑર્ગેનિક ખેતી તરફ વળ્યા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક યોજનાઓ છે.
ગુજરાત સરકાર પાસે બજેટને લઈને શું આશાઓ હતી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં લાંબો દરિયાકાંઠો છે અને ઔદ્યોગિક મામલે પણ ગુજરાતમાં વ્યાપક ઉદ્યોગો સ્થપાયેલા છે. આ ઉપરાંત ખેડૂતોની પણ કૃષિ મામલે કેટલીક સમસ્યાઓ અને અપેક્ષાઓ છે. સાથે સાથે વેપાર-ઉદ્યોગની સેવાઓ અને શિક્ષણ-આરોગ્ય સેવાઓ વિશે પણ બજેટ પર સૌની નજર હોય છે.
ગુજરાત વિધાનસભામાં ગત નાણાકીય વર્ષે રજૂ કરવામાં આવેલા વર્ષ 2023-24 માટેના 3.01 લાખ કરોડ રૂપિયાના કદના બજેટમાં નાણાપ્રધાને શિક્ષણ, આરોગ્ય, કૃષિ ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં ફાળવણી વધારી હતી.
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના પ્રથમ બજેટમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વિવિધ વિભાગો વચ્ચે ફાળવણી કરવા સાથે 916.87 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. જેમાં નવા કોઈ કરવેરાના બોજ વગરના આ બજેટમાં કરવેરાના જૂના દરો પણ યથાવત જાળવી રાખવામાં આવ્યા હતા.
જોકે, રાજ્યમાં વર્ષ દરમિયાન વાવાઝોડાની કુદરતી આપદા અને કૃષિપેદાશોના નુકસાન તથા બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દે આંદોલનો ઉપરાંત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. ત્યારે બીબીસીએ એ જાણવાની કોશિશ કરી કે આ વખતે ગુજરાત સરકારના બજેટથી કેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે અને કયા પ્રકારની છૂટછાટની આશા રખાઈ રહી છે.

‘શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પાછળ વધુ નાણા ફાળવે’
ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી એવા અમદાવાદના પ્રોફેસર હેમંતકુમાર શાહ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "જીએસટી વિશે ઘણી અપેક્ષાઓ હોય છે, આવકવેરા વિશે આશાઓ હોય છે પણ એ રાજ્ય સરકારના હાથમાં નથી. એટલે રાજ્ય સરકારોની નાણાકીય સ્વાયત્તા ઓછી હોવાથી સરકારના બજેટમાં ખાસ કંઈ એટલું આકર્ષણ નથી રહેતું."
"તેમ છતાં જનતાને ગુજરાત સરકાર થોડી સબસિડી આપી શકે. વહીવટી દૃષ્ટિએ તો કમસેકમ ફેરફાર થ હોય છે. હવે રાજ્યોના બજેટ મહત્ત્વનાં રહ્યાં નથી. રાજ્યોની નાણાકીય સ્વાયત્તા નથી રહી. સરકાર માત્ર ખર્ચમાં કેટલા ટકા ક્યાં કરવા એ કરી શકે."
"પરંતુ પ્રજાની લાગણી પરથી સમજી શકાય છે કે ગુજરાત સરકાર શિક્ષણ વ્યવસ્થામાં અને આરોગ્યમાં ખર્ચ વધારે એવી અપેક્ષા છે તથા સાથે સાથે ન્યાયપાલિકામાં પણ ખર્ચ વધારે. જેથી આમ આદમીને ન્યાય મેળવવામાં મદદ મળી શકે."
"શિક્ષણની હાલત જોઈએ તો, ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા રાજ્યમાં સરકારી યુનિ કરતા બમણી થઈ ગઈ છે. ખાનગી હૉસ્પિટલોની બાબતે પણ આવી જ સ્થિતિ છે."

ખેડૂતોની આશા-અપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂત એકતા મંચના નેતા સાગર રબારી ખેડૂતોને આ વખતે ગુજરાતના બજેટથી શું અપેક્ષાઓ છે એ વિશે કહે છે કે, પીએમ કિસાન ફસલ યોજના બંધ કરી દેવાઈ હતી ત્યારે અપેક્ષા હતી કે સરકાર કોઈ વ્યવસ્થા કરશે. સરકારી કંપની વીમો આપશે અથવા ગુજરાત સરકાર કંપની બનાવીને વીમા આપશે. પણ ત્રણ વર્ષ છતાં એમાં કંઈ થયું નથી. એટલે પાક વીમા મામલે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.
તેઓ બીબીસીને વધુમાં જણાવે છે કે, “કિસાન સર્વોદય યોજના જે 2020માં જાહેર કરાઈ હતી અને કહેવાયું હતું કે દિવસે વીજળી આપવામાં આવશે તથા 2022માં આખા દિવસ દરમિયાન એટલે કે 24 કલાક વીજળીનો વાયદો કરાયો હતો એ પૂરો નથી થયો. એટલે એના પર પણ નજર રહેશે.”
"વધુમાં એપીએમસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું છે. માત્ર હોદ્દેદારો માટે એ ઠીક છે. ત્યાં ખેડૂતો માટે સગવડો નથી. એટલે એને અપગ્રેડ કરવામાં આવે એવી જરૂર છે. ખેતપેદાશોના ભાવોમાં આવતી અસ્થિરતાઓ અને તીવ્ર બદલાવોને નિંયત્રણ કરવા ઍગ્રિકલ્ચર પૉલિસી બનાવવાની તાતી જરૂરિયા છે. ડુંગળી અને કપાસના ભાવો મામલે સર્જાયેલી સ્થિતિ માટે સરકાર જ જવાબદાર છે. ખેડૂતનું હિતનું સરકારે રક્ષણ કરવું પડે. સબસિડાઇઝ કરવા રિઝર્વ ફંડ રાખવું જોઈએ."
"સિંચાઈની વાત લઈએ તો, કૅનાલ ઇરિગેટેડ ઍરિયા ઘટતો જાય છે. દર 5 વર્ષે ઍગ્રિકલ્ચર સેન્સસ કરવાની હોય છે. નર્મદાનું પાણી પહોંચે એટલે ઍરિયા વધવો પણ ઘટી રહ્યો છે. હાલ આ ઍરિયા લગભગ 23 ટકા જેટલો છે. એટલે કૅનાલ ઇરિગેટેડ ઍરિયા વધે એવી શક્યતા."
"એટલું જ નહીં પણ નર્મદાનો 4 રાજ્યો વચ્ચે જળ વહેંચણીનો ઍવોર્ડ દર 45 વર્ષે રિવ્યૂ કરવાનો છે. જે 2024માં રિવ્યૂ કરવાનો છે. એમાં ફાળવણી-વપરાશ-ઉપયોગ-માગ-પુરવઠાની સમીક્ષા કરવાની હોય છે. એટલે હવે એમાં અન્ય રાજ્યો પોતાની હિસ્સેદારી માટે વધુ ભાગની માગણી કરી શકે છે. ગુજરાતે આ વિશે શું કર્યું અને શું તૈયારી છે એ જોવું રહેશે."
રિયલ એસ્ટેટને રાહતની અપેક્ષા

ઇમેજ સ્રોત, MAYUR KAKADE
રિયલ ઍસ્ટેટ ક્ષેત્રે દાયકાથી વધુ સક્રિય સુરતના ડેવલપર રાજીવ ખેનીએ બીબીસીને જણાવ્યું કે, "રિયલ ઍસ્ટેટમાં કેટલીક છૂટ અથવા રાહત મળે એવી આશા રાખી રહ્યા છીએ."
તેમણે કહ્યું કે, "કેટલાક સમયથી રિયલ ઍસ્ટેટમાં માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે, જોકે સુરતમાં હાલ સ્થિર થયું છે. પરંતુ ડિમાન્ડ કરતા સપ્લાય વધુ જ છે."
"ડેવલપર બિલ્ડિંગ મટિરિયલ અને સામગ્રી ખરીદે છે, ત્યારે તેને જીએસટી લાગે છે અને ગ્રાહક જ્યારે ફ્લેટ ખરીદે ત્યારે પણ જીએસટી લાગે છે. વળી રિબેટની પ્રક્રિયા પણ જટિલ છે. સાથે સાથે સરકારે સ્ટૅમ્પ ડ્યૂટી વધારેલી છે. એટલે અપેક્ષા છે કે સરકાર સ્ટૅમ્પ ડ્યૂટીમાં અને જીએસટીમાં ભારણ ઘટાડે. ઉપરાંત ટૅક્સની પ્રક્રિયા અને કમ્પ્લાયન્સ વધુ સરળ બનાવે."
"રિયલ ઍસ્ટેટ પ્રોજેક્ટ મામલેના ગુજરાત રેરા અધિનિયમમાં વ્યાખ્યાઓ અને પરિભાષાઓના અર્થઘટનને પણ વધુ સરળ અને સ્પષ્ટ કરવાની જરૂર છે. ઉપરાંત પ્રોજેક્ટ માટેની મંજૂરીએ હજુ વધુ ઝડપથી મળતી થાય એવી આશા છે."
"રેરા હેઠળ સબ-કૉન્ટ્રાક્ટરોને પણ ગુણવત્તા માટે જવાબદાર ગણવામાં આવે અને રેરાનું સરળીકરણ કરીને યોગ્ય રીતે લાગુ કરાય એ પણ મહત્ત્વનો મુદ્દો છે."

‘લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બજેટ રહેશે’

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેની અસર પણ એમાં જોવા મળી શકે છે.
સુરતના ગુજરાત ગાર્ડિયન દૈનિક અખબારના તંત્રી મનોજ મિસ્ત્રી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "બજેટમાં કંઈ ખાસ અપેક્ષા નથી. વડા પ્રધાન મોદીનું વિઝન પૂરું કરવાની કોશિશ થઈ શકે છે. જોકે. ટ્રાઇબલ એરિયાને ફૉકસ કરવામાં આવી શકે છે."
"આબુ-અંબાજી-ઉમરગામ સુધીના ટ્રાઇબલ વિસ્તારો માટે યોજનાઓ આવી શકે છે. ગામડાઓ માટે કંઈક જાહેરાત થઈ શકે છે. બીજી બાજ વેપાર-ઉદ્યોગ માટે ખાસ કંઈ હોય એની શક્યતા ઓછી છે. તદુપરાંત ખેડૂતો માટે કંઈક સબસિડી કે રાહતની યોજના લાવી શકે છે."
"10મી પીએમ મોદી વડોદરા આવી રહ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આદિવાસી વિસ્તારમાં જાય છે. બિરસા મુંડા યુનિવર્સિટીની મુલાકાતો લેવાઈ રહી છે."
"વળી મહિલાઓ માટે પણ કોઈ લાભકારી યોજના લાવી શકે છે. કેમ કે મહિલા ઉત્થાનને તેઓ વધુ ફૉકસ કરતા હોય એવું દર્શાવી રહ્યા છે."
























