ખૂનખાર દીપડા સાથે બાથ ભીડી બે દીકરીઓને બચાવી લેનારા જાંબાઝ પિતાની કહાણી

ઇમેજ સ્રોત, Daxesh Shah
દાહોદના દેવગઢ બારિયાના એક ગામમાં એક પિતાએ દીપડાની ઝપટે ચડી ગયેલી પોતાની બંને બાળકીઓને જાનનું જોખમ ખેડીને બચાવી છે. પિતાની આ બહાદુરીને ન માત્ર તેમના ગ્રામજનો પરંતુ જંગલ ખાતું પણ વખાણ કરતા થાકતું નથી.
પોતાની બંને દીકરીઓને મોતના મોંમાંથી બચાવવા માટે પિતાએ દીપડા સાથે બાથ ભીડી લીધી હતી.
દીપડાના હુમલામાં બંને બાળકીઓ ઘાયલ થવાથી તેમને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વન વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે બંને બાળકીનાં માથામાં અને ચહેરા પર ઈજા થઈ છે. હાલ બંનેની હાલત સ્થિર છે અને બંને કોઈ પણ પ્રકારના ખતરાથી બહાર છે.
પણ આ પ્રકારના હુમલાને કારણે ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે. વન વિભાગ ગ્રામજનો પર દોષ મઢતા કહે છે કે ખુલ્લામાં સૂવાને કારણે તેઓ વન્યપ્રાણીઓની અડફેટે ચઢી જાય છે.
વનવિભાગ આ દીપડાને પકડવાની કોશિશ કરી રહ્યો છે.

પિતાએ કેવી રીતે બચાવી બંને બાળકીઓને?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
બનાવ દાહોદના લીમખેડા તાલુકાના ફુલપુરી ગામનો છે.
શનિવારે અંકીલ ડામોરનો પરિવાર રાત્રે સુતો હતો ત્યારે મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક દીપડો ત્યાં આવી ચડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દીપડાએ ખુલ્લામાં બહાર બંને બાળકીને સૂતી જોઈ અને તેમના પર હુમલો કર્યો. હુમલો થતા જ બંને બાળકીએ બૂમાબૂમ કરી મૂકી. તેથી અંકીલ જાગી ગયા.
અંકીલે દીપડા સાથે બાથ ભીડી અને તેને ભગાડ્યો. બૂમ સાંભળીને આજૂબાજૂના લોકો પણ જાગી ગયા.
બંને બાળકીના જીવ બચી ગયા, પરંતુ બંને ઘાયલ હતી. તેથી બંનેને નજીકની દાહોદ ખાતેની ઝાયડસ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
બીબીસી ગુજરાતીના દાહોદ ખાતેના સહયોગી દક્ષેશ શાહ આ બનાવની જાણકારી આપતા કહે છે, “કાવ્યા પાંચ વર્ષની હતી અને બીજી વંશા ત્રણ વર્ષની. જ્યારે દીપડાએ હુમલો કર્યો ત્યારે તે બંને પર હુમલો કરીને મોટી બાળકી કાવ્યાને 100 મિટર સુધી ખેંચી ગયો હતો. પરંતુ પિતાએ સમયસુચકતા વાપરીને તેના પર વળતો હુમલો કર્યો અને બંને બાળકીને બચાવી.”
બંને બાળકીના પિતા અંકિલ ડામોરે તેની નાની દિકરી વંશાને દીપડાના જડબામાં જોઈ. દીપડો તેને ખેંચી જવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ અંકિલે તેના પર વળતો હુમલો કરતા વંશા દીપડાના મોંમાંથી છૂટી ગઈ, ત્યારે દીપડાએ તરત જ મોટી દીકરી કાવ્યાને જડબામાં જકડી લીધી. અંકિલે અંઘારામાં પણ દીપડાનો પીછો ન છોડ્યો. તેની સાથે બાથ ભીડીને દીપડાને ભગાડી મૂક્યો અને મોટી દીકરીને પણ બચાવી લીધી.
જોકે અંકિલને થોડી ઈજા થઈ છે. પણ તેના ચહેરા પર બંને દીકરીને બચાવ્યાનો સંતોષ છે.
દેવગઢ બારિયાના ડેપ્યુટી કંઝર્વેટર ઑફ ફોરેસ્ટ (ડીસીએફ) રમેશભાઈ માનસિંહ પરમાર પણ આ બહાદૂર પિતાના વખાણ કરે છે.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, “આ પ્રકારે પોતાના સંતાનોને દીપડાના મોતના મોંમાથી બચાવ્યો હોય તેવો આ બીજો બનાવ છે. અગાઉ ધાનપુર ખાતે પણ દીપડો એક બાળકને ખેંચી ગયો હતો ત્યારે તેના પિતાએ તેને બચાવ્યું હતું. પોતાના સંતાનો માટે પિતા કેવા મરણિયા થાય છે તેનું આ ઉદાહરણ છે.”

શું કહે છે વન વિભાગ?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
વન વિભાગ હુમલાનું કારણ આપતા કહે છે કે તેઓ કાચા મકાનમાં રહેતા હતા અને ખુલ્લામાં સુતા હતા તેથી આ હુમલો થયો હોવો જોઈએ.
રમેશભાઈ પરમાર બીબીસી ગુજરાતીને કહે છે, “ઘણીવાર લોકો નોનવેજ ખાઈને ગમે ત્યાં ફેંકે છે. તેથી દીપડાને તેની ગંધ આવે છે. તે તેના તરફ આકર્ષાય છે અને ત્યાં શિકાર ન મળે તો અડફેટે બાળકો ચડી જાય છે.”
હવે વન વિભાગે આ ખૂનખાર દીપડાને પકડવા પાંજરૂં મુક્યું છે, સાથે લોકોને આવા વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે જાગૃતિ પણ આપવામાં આવી રહી છે.
દીપડાના આ હુમલામાં તો બંને બાળકીના જીવ બચી ગયા છે. પણ આ પ્રકારે આ વર્ષે ચાર હુમલા થઈ ચૂક્યા છે.
રમેશભાઈ પરમાર કહે છે, “2020માં બારિયા વિસ્તારમાં થએલા હુમલામાં ચાર લોકોનાં મોત થયાં હતાં. 22 લોકો ઘાયલ થયા હતાં. જોકે ચારેય ખૂનખાર દીપડાઓને પાંજરે પુરવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ છૂટાછવાયા હુમલા સિવાય મોટા હુમલા નોંધાયા નથી.”
વન વિભાગે આ વર્ષે પણ એક દીપડાને પકડ્યો છે. અહીં દીપડાની સંખ્યા વધીને 170 થઈ છે જેને કારણે તેઓ ઘણીવાર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ધસી જાય છે.
રમેશભાઈ પરમાર કહે છે, “અમે પેટ્રોલિંગ પણ કરીએ છીએ, લોકોને જાગૃત પણ કરીએ છીએ. છતાં લોકો ઘણીવાર અમારી સલાહ-સૂચનો માનતા ન હોવાને કારણે વન્ય પ્રાણીઓના હુમલાનો ખતરો વધી જાય છે.”
























