ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં હવે પડશે ભારે વરસાદ તો ક્યાં ફરીથી વધશે જોર?

ગુજરાતમાં વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો અને હજી પણ ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. તેમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતાને કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 10 જૂનના રોજ થઈ હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ તે આગળ વધ્યું ન હતું. જે બાદ 22 જૂન બાદ ચોમાસું આગળ વધતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો હતો.

ચોમાસાના વરસાદ બાદ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તડકા સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તથા કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ સૌથી વધારે વરસાદનું જોર રહે તેવી શક્યતા છે, હવામાન વિભાગ પ્રમાણે 13 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ 11 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

આ સિવાયના રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે એવી શક્યતા દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસ સારો વરસાદ પડ્યા બાદ ફરીથી વરસાદનું જોર ઘટશે અને તે બાદ ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને આ સિસ્ટમને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઑફ શોર ટ્રફ રેખા બનેલી છે, જ્યારે મૉન્સુન ટ્રફ હવે રાજસ્થાન પર આવી ગઈ છે. આ તમામ વરસાદી પ્રણાલીઓને જોતાં રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

જોકે, ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં પણ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે એટલે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ હોવા છતાં વરસાદ ના પડે એવું પણ જોવા મળશે.

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં હાલ બે-ત્રણ દિવસ સુધી વરસાદનું જોર રહેશે જે બાદ જોર ઘટશે અને ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

હાલ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોકણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં જનજીવનને પણ અસર થઈ છે.

ગુજરાતમાં ચોમાસાનો અત્યાર સુધી કેટલો વરસાદ?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ચોમાસાએ રાજ્યના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે. આમ છતાં રાજ્યમાં 9 જુલાઈ સુધી સરેરાશ કરતાં 5 ટકા ઓછો વરસાદ થયો છે.

આ ચોમાસામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થયો છે, તો કેટલીક જગ્યાએ સાવ જ ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ વચ્ચે પણ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો નથી.

ગુજરાતના કુલ 26 જિલ્લાઓમાં 9 જુલાઈ સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે એટલે કે આ વિસ્તારોમાં વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધારે આણંદ જિલ્લામાં 55%, દાહોદમાં 50%, સુરેન્દ્રનગર જિલ્લામાં 45%, વડોદરા જિલ્લામાં 41% અને ડાંગ જિલ્લામાં 40% ઘટ જોવા મળી છે.

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. તમામ જિલ્લાઓની સરેરાશ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ત્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં ત્યાં વરસાદની ઘટ છે કે વધારો તે નક્કી કરવામાં આવે છે.