ગુજરાતમાં વરસાદ નથી પણ મુંબઈ કેમ મુશળધાર વરસાદમાં ડૂબી ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદની આગાહીનું 'રેડ ઍલર્ટ' આપવામાં આવ્યું હતું. મુંબઈમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદ બાદ ફરીથી 'હાઈ ટાઇડ'ની ચેતવણી જારી કરી છે.
મુંબઈ અને તેનાં ઉપનગરો ઉપરાંત રાયગડ, પાલઘર, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં મંગળવારે મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાવાની હતી. તેને સરકારે રદ કરી છે અને તે હવે નવી તારીખોમાં લેવામાં આવશે.
મુંબઈના વડાલા સહિત અનેક સ્ટેશનો પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન વ્યવહારમાં વિલંબ થયો હતો. હાર્બર લાઇન પર લોકલ ટ્રેનો મોડી પડી હતી.
તો જયારે ગુજરાતના પાડોશી રાજ્યમાં અતિભારે વરસાદ થઇ રહ્યો છે તો ગુજરાતમાં કેમ વરસાદ ઓછો થઈ રહ્યો છે?
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં પડેલાં વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થયો છે અને તડકો છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. 8 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં વરસાદની સૌથી વધારે ઘટ આણંદ જિલ્લામાં 54 ટકા, દાહોદ જિલ્લામાં 50 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 42 ટકા છે.
ગુજરાતમાં વાવણી બાદ હવે પાકને ફરીથી વરસાદની જરૂરિયાત ઊભી થવાની છે, ત્યારે જ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે.
હવામાનનાં વિવિધ મૉડલો અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવી શક્યતા ખૂબ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ ભારતીય હવામાન વિભાગના વડા અશોક દાસ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, "હા, એ વાત સાચી છે કે ગુજરાતમાં અત્યારે વરસાદની ઘટ છે. અમે વરસાદ માટે 1972થી લઈને 2020 સુધી વરસાદનો ડેટા સરખાવતા હોઇએ છીએ. તે પ્રમાણે ગુજરાતમાં પહેલી જૂનથી 9 જુલાઈ સુધીમાં વરસાદમાં 5 ટકાની ઘટ જોવા મળી છે.”
તેઓ કહે છે કે, “ગુજરાતને બે હિસ્સામાં વહેંચવામાં આવે છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છનો વિસ્તાર. આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાત વિસ્તારમાં 19 ટકા ઓછો વરસાદ જોવા મળ્યો છે. પરંતુ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 13 ટકા વધારે વરસાદ જોવા મળ્યો છે."
રામાશ્રય યાદવ ભારતીય હવામાન વિભાગમાં (આઇએમડી)માં વૈજ્ઞાનિક છે. તેઓ બીબીસીને જણાવે છે કે, "ગુજરાતમાં અત્યાર સુધી ઓછો વરસાદ રહેવાનું કારણ એ છે કે ગુજરાતમાં હજી વરસાદ કરતી સિસ્ટમો સક્રિય નથી થઈ. તેથી ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ઓછો વરસાદ થયો છે."
મુંબઈમાં કેમ આટલો બધો વરસાદ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
8 જુલાઈ એ મુંબઈમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને જનજીવન થંભી ગયું હતું. 9 જુલાઈએ મુંબઈ યુનિવર્સિટીની કેટલીક પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી.
મુંબઈ ગુજરાતથી નજીક છે પરંતુ મુંબઈમાં મુશળધાર વરસાદ આવે છે અને ગુજરાતમાં વરસાદની ઘટ છે.
આ વિષે જાણવા ભારતીય હવામાન વિભાગના મહારાષ્ટ્રના વડા સુનિલ કંબળે સાથે વાત કરી. તેઓ કહે છે કે, "મુંબઈ આમ તો નીચાણવાળો વિસ્તાર છે. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં વરસાદ પાડવાનું કારણ એ હતું કે મુંબઈથી થોડું દૂર અરબી સમુદ્રમાં એક ટ્રફ બન્યું હતું. આ ટ્રફના કારણે મુંબઈમાં વરસાદ થયો હતો."
આ ટ્રફ એ એક પ્રકારની ચોમાસાની ધરી છે. આ ધરી જે વિસ્તારમાં હોય ત્યાં વરસાદ વધારે પડે. આ જ ટ્રફ મુંબઈ પર હતું, તેથી મુંબઈ પર વરસાદ થયો.
મુંબઈસ્થિત હવામાન વિભાગનાં વિજ્ઞાનિક નિથા ટી.એસ. બીબીસીને જણાવે છે કે, "મુંબઈમાં ગઈ કાલે અતિભારે વરસાદ આવ્યો અને આખું મુંબઈ ડૂબી ગયું તેનું બીજું કારણ હતું શીયર ઝોન."
ઉપરાંત મુંબઈમાં વરસાદ થવાનાં અન્ય કારણો વિષે વાત કરતાં નિથા ટી.એસ. બીબીસીને જણાવે છે કે, " મુંબઈમાં શીયર ઝોનના કારણે વરસાદ થયો."
શીયર ઝોન એ આબોહવાની એવી વિશેષતા છે કે જ્યારે કોઈ વિસ્તારમાં અલગ-અલગ દિશાથી પવન આવે છે ત્યારે તે ઝોનમાં ભારે વરસાદ થાય છે.
નિથા એ પણ કહે છે કે, "આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સરક્યુલેશન બન્યું હતું જેના કારણે મુંબઈમાં અતિ ભારે થયો."
મુંબઈમાં દર વર્ષે પૂર કેમ આવે છે તેના પર નાસિકની પોલિટેકનિક કૉલેજ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું, જે ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ રિસર્ચ પબ્લિકેશનમાં પ્રકાશિત થયું હતું. તે રિસર્ચ મુજબ મુંબઈ દરિયાકાંઠે વસેલું હોવાથી 240 મીલીમીટર વરસાદ આવવો સામાન્ય વાત છે.
મુંબઈમાં દર વર્ષે પૂર આવવાનાં ઘણાં કારણો છે. તેમાંનાં થોડાં છે:
દરિયાની સપાટીમાં વધારો
મુંબઈ નીચાણવાળા વિસ્તારમાં છે
ખામીયુક્ત ડ્રેનેજ સિસ્ટમ
મીઠી નદીનું વહેણ જે ડ્રેનેજ તરીકે કામ કરતું હતું પરંતુ તેના કૅચમૅન્ટ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે
રિસર્ચ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાંદ્રા-વરલી સી-લિંકને કારણે માહિમની ખાડીમાં મીઠી નદી સંકુચિત થઈ ગઈ છે. તેથી જ્યારે વધુ વરસાદ દરમિયાન પાણી મોટા દબાણ સાથે નીચે વહી જાય છે, તેનો માર્ગ બદલવાને બદલે તે જમીનની સપાટીથી ઉપર ચઢી જાય છે અને શહેરમાં ઘૂસી જાય છે અને તે પૂરનું કારણ બને છે.
ગુજરાતમાં હવે વરસાદ કેવો રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
રામાશ્રય જણાવે છે જે, " પરંતુ હવે સિસ્ટમો સક્રિય થઇ ગઈ છે. હવે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે. આજથી જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે. આજથી સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ શરૂ થઈ જશે."
આ વિશે અશોક દાસ કહે છે કે, "ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી."
"હા અત્યાર સુધી વરસાદ ઓછો રહ્યો છે તે વાત સાચી, પરંતુ હજી પણ આગાહી એવી જ છે કે બાકીના જુલાઈમાં વરસાદ સારો રહેશે અને ગુજરાતમાં એકંદરે વરસાદ સારો રહેશે.'
તેઓ વધુમાં જણાવે છે કે, "ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી સારો રહેશે તેવી આગાહી અત્યાર સુધી કરાઈ રહી છે."






















