મોબાઇલ ફોનના વિવાદમાં બાપ-દીકરાનું ખીણમાં પડી જવાથી મોત, માતાએ પણ જીવ ગુમાવ્યો

ઇમેજ સ્રોત, UGC
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના તિસગાંવમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત થયાં છે.
બીબીસી મરાઠી અનુસાર 21 ઑગસ્ટે થયેલી આ ઘટનામાં મુરલીધર દામોદર ચાંદગુડે, તેમનાં પત્ની સંગીતા મુરલીધર ચાંદગુડે અને દીકરા કુણાલ મુરલીધર ચાંદગુડેનું મોત થયું છે.
પોલીસ પાસેથી મળેલી શરૂઆતની માહિતી મુજબ, મોબાઇલ ફોન પર થયેલા કૌટુંબિક વિવાદ બાદ કુણાલ ચાંદગુડે નજીકના એક પહાડ પર પહોંચીને કૂદવાની ધમકી આપતા હતા.
પોલીસને બાતમી મળી કે એક યુવક પહાડ પરથી છલાંગ લગાવવાનો છે. ત્યાર બાદ પોલીસ, ફાયરબ્રિગેડના કર્મચારીઓની એક ટીમ અને સ્થાનિક નાગરિકો ઘટનાસ્થળે પહોંચ્યા.
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
બીબીસી મરાઠી અનુસાર, યુવકને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પહાડની નીચે સુરક્ષા જાળી પણ લગાવાઈ હતી. જોકે, કુણાલ વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો, જેનાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી.
આ દરમિયાન કુણાલના પિતા મુરલીધર ચાંદગુડે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેને ભેખડના કિનારાથી દૂર ખેંચવાનો પ્રયત્ન કર્યો.
જોકે, આ પ્રયાસ દરમિયાન તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેમના પુત્ર સાથે ઊંડી ખાડામાં પડી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના જોઈને માતા સંગીતા ચાંદગુડે આઘાતમાં આવી ગયાં હતાં.
બીબીસી મરાઠી અનુસાર, શરૂઆતની માહિતી મુજબ, પતિ અને પુત્રને ખાડામાં પડતા જોયા પછી તેમણે પણ આત્મહત્યા કરી લીધી.
યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ...

ઇમેજ સ્રોત, UGC
આ ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિકારી રામેશ્વર ગાડેએ જણાવ્યું હતું કે, "21 ઑગસ્ટના રોજ ખાવડ્યા પર્વત પર એક માણસ આત્મહત્યા કરવાની તૈયારી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો."
"તેને બચાવવા માટે નીચે એક જાળી પણ લગાવાઈ હતી. જોકે, તે સતત પોતાની જગ્યા બદલી રહ્યો હતો. આ દરમિયાન તેના પિતા ત્યાં પહોંચ્યા અને દીકરાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બંને ખાઈમાં પડી ગયા."
રામેશ્વર ગાડેએ આગળ જણાવ્યું, "ત્યાર બાદ માતાએ પણ છલાંગ લગાવી દીધી. પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તેમને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો."
ગાડેએ કહ્યું કે પહાડની ઊંચાઈ લગભગ 400થી 500 ફૂટ છે. તેમણે કહ્યું, "મોબાઇલ ફોન અંગે વિવાદે આખા પરિવારને બરબાદ કરી દીધો."
પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી તિસગાંવ અને આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
'યુવક લગભગ ત્રણ કલાક સુધી ભેખડના કિનારે પર બેઠો રહ્યો'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘટનાના પ્રત્યક્ષદર્શી સંજય જાધવે જણાવ્યું હતું કે યુવક લગભગ ત્રણ કલાક સુધી ભેખડના કિનારે પર બેઠો રહ્યો અને સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ દ્વારા ત્યાંથી દૂર જવા માટે વારંવાર અપીલ કરવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહીં.
તેમણે કહ્યું, "એક 18 વર્ષનો યુવક અહીં આવ્યો અને ભેખડની ધારે બેઠો હતો. તે સવારે 10 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તે ત્યાંથી ખસવા તૈયાર નહોતો. હું પોલીસ સાથે ત્યાં જ હાજર હતો."
સંજય જાધવે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, "જોકે, તે યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. તે આ સમય દરમિયાન પોતાની જગ્યા બદલી રહ્યો હતો અને આ દરમિયાન તેની માતા સાથે વાત કરી રહ્યો હતો. તેની માતા તેને આવું ન કરવા વિનંતી કરી રહી હતી અને સતત સમજાવી રહી હતી, પરંતુ તે તેની વાત સાંભળવા તૈયાર નહોતો. તે ડિપ્રેશનથી પીડાતો હતો."
તેમણે આગળ કહ્યું, "લગભગ ત્રણ કલાક સુધી મેં તેને સમજાવવા અને નીચે આવવા મનાવવાનો પ્રયાસ કર્યો. આખરે તેના પિતા પણ ત્યાં પહોંચી ગયા. અમને લાગ્યું કે તેના પિતા તેને સમજાવીને સુરક્ષિત નીચે લાવી શકશે."
"પરંતુ થોડી જ મિનિટો પછી તેના પિતાએ પકડવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન યુવક અને તેના પિતા નીચે પડી ગયા. ત્યાર બાદ તેની માતાએ પણ નીચે છલાંગ લગાવી દીધી."
મહત્ત્વપૂર્ણ નોંધ
માનસિક બીમારીઓની સારવાર દવા અને થૅરપીથી થઈ શકે છે. આ માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.
જો તમે કે તમારા કોઈ ઓળખીતા આ પ્રકારની માનસિક બીમારીઓનાં લક્ષણોનો અનુભવ કરી રહ્યા હોય, તો તમે સહાયતા માટે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો:
હિતગૂજ હેલ્પલાઇન, મુંબઈ: 022-24131212
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય: 1800-599-0019 (13 ભાષામાં ઉપલબ્ધ)
માનવ વ્યવહાર અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થા (IHBAS): 9868396824, 9868396841, 011-22574820
રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ સંસ્થા (NIMHANS): 080-26995000
વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સિસ (VIMHANS), 24x7 હેલ્પલાઈન: 011-2980 2980
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















