જેઠાભાઈ ભરવાડ નાફેડના ચૅરમૅન તરીકે ચૂંટાયા

ઇમેજ સ્રોત, JETHABHAIBHARWAD.COM
ભાજપના જેઠાભાઈ ભરવાડે નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડના ચૅરમૅનની ચૂંટણી જીતી લીધી છે.
આ ચૂંટણી તેમણે ભાજપના મૅન્ડેટથી જીતી છે. બીબીસી સહયોગી દક્ષેશ શાહે આ વાતની પુષ્ટિ કરી છે.
જેઠાભાઈ ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ (ડેપ્યુટી સ્પીકર) છે અને પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બૅન્કના અધ્યક્ષ પણ છે.
દક્ષેશ શાહ જણાવે છે નાફેડના અઘ્યક્ષની ચૂંટણી માટે ભાજપે જેઠાભાઈ ભરવાડના નામનું મેન્ડેટ જાહેર કર્યું હતું.
નાફેડ બોર્ડમાં 21 ડિરેક્ટરો છે. એગ્રી કો-ઑપરેટિવના નવા ચૂંટાયેલા ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં જેઠાભાઈ બિનહરીફ ચૂંટાયા છે.
બિજેન્દરસિંહ છેલ્લા ઘણા સમયથી નાફેડનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા હતા.
આ સિવાય નાફેડના બે ઉપાધ્યક્ષ (વાઇસ ચૅરમૅન)ની ચૂંટણી પણ આજે જ યોજાઈ હતી જેમાં એક પંજાબ અને બીજા કર્ણાટકના વ્યક્તિ ચૂંટાયા છે.
ધોનીએ કેમ કહ્યું કે તેમને ટ્વિટર કરતાં ઇન્સ્ટાગ્રામ પસંદ છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોનીએ કહ્યું છે કે તેમને ટ્વિટર (હવે એક્સ) કરતાં ઇન્સ્ટાગ્રામ પસંદ છે, કારણકે ટ્વિટર પર વિવાદ વધારે થાય છે.
દુબઈ આઈ 103.8 યૂટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો કાર્યક્રમમાં ધોનીએ કહ્યું, “મારું માનવું છે કે ટ્વિટર પર ક્યારેય સારું નથી થયું અને હંમેશાં તેના પર વિવાદ થતા રહે છે. કોઈ કંઈ પણ લખી દેશે અને તેના પર વિવાદ છેડાઈ જાય છે. મને લાગે છે કે હું અહીં કેમ રહું? તેના પર 140 અક્ષરોમાં લખવાનું હોય છે. તમે તમારી વાતો પૂર્ણ રીતે નથી જણાવી શકતા. વિચારો, હું અહીં કંઈ લખું અને હવે એ લોકો પર છે કે મારી વાતનો કયો અર્થ કાઢે, જે તેઓ કાઢવા માગે છે.”
ધોનીએ બાદમાં કહ્યું કે તેમને ઇન્સ્ટાગ્રામ થોડું પસંદ છે.
તેમણે કહ્યું, “ઇન્સ્ટાગ્રામ છતાં મને પસંદ છે. અહીં હું મારી તસવીર કે વીડિયો કે અન્ય કંઈ પણ પોસ્ટ કરી છોડી શકું છું. તે પણ હવે બદલાઈ રહ્યું છે. પરંતુ છતાં મને ઇન્સ્ટાગ્રામ ઠીક લાગે છે. અહીં હું બહુ સક્રિય નથી. મારું માનવું છે કે જેટલો ઓછું ભટકવાનું થાય તેટલું સારું. પરંતુ કેટલીકવાર હું ફૅન્સ માટે કોઈ પોસ્ટ કરી દઉં છું જેથી તેઓ જાણી શકે કે હું ઠીક છું.”
પીએમ મોદીના ગાઝામાં ઇઝરાયલી બૉમ્બમારો રોકવા અંગેના નિવેદન પર શું બોલ્યું અમેરિકા?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદન પર કોઈ પણ ટિપ્પણી કરવાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે જેમાં મોદીએ દાવો કર્યો હતો કે રમજાન દરમિયાન વિશેષ દૂત મોકલીને કેવી રીતે ભારતે ઇઝરાયલી હુમલાઓ રોક્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યૂ મિલરને જ્યારે પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમણે પવિત્ર ગણાતા રમજાન મહિનામાં એક વિશેષ દૂતને તેલ અવીવ મોકલીને ગાઝામાં ઇઝરાયલી હુમલાઓ રોક્યા હતા. તો શું અમેરિકાના વિદેશ મંત્રાલયને તેની જાણકારી છે?
આ સવાલ પર મૅથ્યૂ મિલરે કહ્યું, “મને આ નિવેદનની ખબર છે પણ હું તેના પર કોઈ ટિપ્પણી નહીં કરું.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મેં હાલમાં ગાઝામાં...રમઝાનનો મહિનો હતો...મેં વિશેષ દૂતને ઇઝરાયલ મોકલ્યા. મેં તેમને કહ્યું હતું કે તમે ઇઝરાયલના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન બધાને મળો અને તેમને સમજાવો કે ઓછામાં ઓછું રમજાનમાં ગાઝામાં બૉમ્બમારો ન કરે અને તેમણે પાલન કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.”
પીએમ મોદીએ કહ્યું હતું, “અહીં તો તમે મને મુસ્લિમોને લઈને ઘેરો છો, પરંતુ મોદી ગાઝામાં રમજાન મહિનામાં બૉમ્બમારો....છતાં હું તેની પબ્લિસિટી નથી કરતો. કારણકે તેના માટે ઘણા લોકોએ પ્રયાસ કર્યો હશે.”
સેના પ્રમુખે વેદ, પુરાણ અને મહાભારત પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ મંગળવારે કહ્યું કે ભારતીય સેના ‘પ્રોજેક્ટ ઉદ્ભવ’ અંતર્ગત મહાભારતના યુદ્ધ. પ્રતિષ્ઠિત સૈન્ય હસ્તિઓના વીરતાપૂર્ણ વ્યવહારો અને શાસન કલામાં ભારતના સમૃદ્ધ વારસાનું અધ્યયન કરી રહી છે.
સમચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જનરલ પાંડેએ જણાવ્યું કે ‘ઉદ્ભવ’ પરિયોજનાનું ઉદ્ઘાટન ગત વર્ષે કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત વેદો, પુરાણો, ઉપનિષદો અને અર્થશાસ્ત્ર જેવા પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આર્મી ચીફે કહ્યું, “પ્રાચીન ભારતનાં જ્ઞાનનાં મૂળ 5 હજાર વર્ષ જૂની માનવસભ્યતા સુધી જાય છે. જ્યારે જ્ઞાન અને મૂલ્ય પરસ્પર જોડાયેલાં હતાં. આ વારસાનું ઉદાહરણ બૌદ્ધિક સાહિત્યના વિશાળ ભંડાર, પાંડુલિપિઓના દુનિયાના સૌથી મોટા સંગ્રહ તથા વિભિન્ન ક્ષેત્રોમાં વિચારકો અને સંસ્થાઓ મારફતે જોઈ શકાય છે.”
સેના પ્રમુખે ‘હિસ્ટોરિકલ પૅટર્ન્સ ઇન ઇન્ડિયન સ્ટ્રૅટેજિક કલ્ચર કૉન્ફરન્સ’માં આ વાત કહી.
સેના પ્રમુખે કહ્યું, “આ પરિયોજનામાં વેદો, પુરાણો, ઉપનિષદો અને અર્થશાસ્ત્ર જેવા પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરાઈ રહ્યું છે જે પરસ્પર જોડાણ, ધાર્મિક વિચાર અને નૈતિક મૂલ્યો પર આધારિત છે. જેમાં મહાભારતના યુદ્ધ, મૌર્ય, ગુપ્ત અને મરાઠા કાર્યકાળના સમયનાં યુદ્ધકૌશલ્યોની ઉત્કૃષ્ટતાનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે જેણે ભારતની સમૃદ્ધ સૈન્ય વારસાને આકાર આપ્યો છે.”
અમિત શાહે નવીન પટનાયકની ઉંમર વિશે કરેલી ટિપ્પણીનો ચિદંબરમે આપ્યો જવાબ

ઇમેજ સ્રોત, P. CHIDAMBARAM/X
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કૉંગ્રેસના નેતા પી. ચિદંબરમે અમિત શાહના હાલના એક નિવેદનને ટાંકીને પીએમ મોદીની ઉંમરને લઈને નિશાન સાધ્યું છે.
હકિકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે હવે વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે નિવૃત્ત થઈ જવું જોઈએ.
નવીન પટનાયક 77 વર્ષના થઈ ગયા છે. અમિત શાહે કહ્યું, "જો ઓડિશામાં ભાજપની સરકાર બનશે તો એક યુવાન અને ઓડિયા ભાષી ભૂમિપૂત્રને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે."
અમિત શાહના આ નિવેદનને ટાંકીને પી. ચિદંબરમે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.
તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું, “જ્યારે અમિત શાહે કહ્યું કે નવીન પટનાયકની વધતી ઉંમર (77 વર્ષ)ને કારણે નિવૃત્ત થઈ જવું જોઈએ તો તેઓ નરેન્દ્ર મોદી (73 વર્ષ અને 7 મહીના) તરફ ઇશારો કરતા હતા? જો બીજેપી સરકાર બનાવશે તો...એવું લાગે છે કે જો બીજેપી સરકાર નહીં બનાવે તો અમિત શાહ સૌથી ખુશ હશે. મોદી નહીં પરંતુ તેઓ (શાહ) વિપક્ષના નેતા તરીકે સદનમાં બેસશે.”
ઘુડખરની વસ્તી ગણતરી શરૂ

ઇમેજ સ્રોત, GUJARAT INFORMATION
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાના 15,51,093 ચોરસ હેકટર વિસ્તારમાં ઘુડખરની ગણતરી શરૂ થઈ ગઈ છે.
બીબીસીના સહયોગી સચિન પિઠવાના જણાવ્યા પ્રમાણે ઘુડખરની ગણતરી કરવા માટે વન વિભાગે 3 રિજિયનને 18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજિત કર્યા છે.
ઘુડખરની વસ્તી ગણતરી કરવા માટે વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓના લોકો પણ જોડાયા છે.
દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે વર્ષ 2020 થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી.
સચિન પિઠવાના જણાવ્યા પ્રમાણે ડ્રોન કૅમેરા તેમજ GPS સિસ્ટમ અને E GUJ FOREST ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઘુડખર એ શિડ્યૂલ વન કક્ષાનું પ્રાણી છે જે એશિયામાં ફક્ત અહીં કચ્છના નાના રણ વિસ્તારમાં જ જોવા મળે છે.


















