અજગરના મળમાં જોવા મળતો કૃમિ મહિલાના મગજમાંથી જીવતો કેવી રીતે મળ્યો?

અજગરના મળમાં જોવા મળતો કૃમિ મહિલાના મગજમાંથી જીવતો કેવી રીતે મળ્યો?
પ્રકાશિત

કૅનબરામાં ગયા વર્ષે એક સર્જરી દરમિયાન ઑસ્ટ્રેલિયન મહિલાના મગજના આગળના ભાગમાંથી દોરી જેવું દેખાતો કૃમિ બહાર કાઢવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમને એક મહિલાના મગજમાંથી 8 સેન્ટિમીટર લાંબો જીવતો કૃમિ મળી આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે.

કૅનબરામાં ગયા વર્ષે એક સર્જરી દરમિયાન ઑસ્ટ્રેલિયન મહિલાના મગજના આગળના ભાગમાંથી દોરી જેવું દેખાતો કૃમિ બહાર કાઢવામાં આવ્યો હતો.

ડૉ. હરિપ્રિયા બંદીનું કહેવું છે કે, “અમને આવી અપેક્ષા નહોતી. બધા જ ચોંકી ગયાં હતાં.” આ ઘટનામાં તેમણે જ સર્જરી કરી હતી.

64 વર્ષીય મહિલાને ચાર મહિનાથી પેટમાં દુખાવો, કફ અને રાત્રે પરસેવો વળી જવો જેવી સમસ્યાઓ હતી. તેનાથી તેમની યાદશક્તિ ઓછી થઈ રહી હતી અને તેઓ તણાવમાં રહેવા લાગ્યાં હતાં.

જાન્યુઆરી 2021માં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમની તબીબી તપાસ પછી નિદાન થયું કે તેમના મગજના જમણી બાજુ આગળના ભાગમાં કંઈક છે.જોકે વર્ષ 2022માં જૂન મહિનામાં ડૉ. બંદીએ બાયૉપ્સી કરી ત્યારે તેમની સમસ્યાઓનું કારણ જાણવા મળ્યું હતું.

ડૉક્ટરોનું કહેવું છે કે આ લાલ રંગનો કૃમિ તેમના મગજમાં બે મહિનાથી જીવતો હતો.