મુખ્ય મંત્રીનો ચહેરો ન બનાવવાથી નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ છોડી કૉંગ્રેસમાં પાછા ફર્યા

ઇન્દ્રનીલ રાજગુરુ

ઇમેજ સ્રોત, Gujarat Congress/Facebook

પ્રકાશિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે.

1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે.

ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવાનું ચાલુ કરી દીધું છે.

આમ આદમી પાર્ટીએ તો ઈસુદાન ગઢવીને ગુજરાતના મુખ્ય મંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ પણ કરી દીધા છે.

પરંતુ હજુ સુધી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે સામે આવી રહેલ આમ આદમી પાર્ટી સામે પડકારો ઘટ્યા હોય તેવું નથી લાગી રહ્યું. કારણ કે પાર્ટીના નેતાઓની અદલાબદલીની પ્રવૃત્તિ ચાલુ છે.

હવે આ જ યાદીમાં આપના મોટા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ જોડાઈ ગયું છે.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ વર્ષે એપ્રિલ માસમાં કૉંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. પરંતુ હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેઓ ફરીથી કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.

ગ્રે લાઇન

મોરબી પુલ દુર્ઘટના : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સરકારે હવે સરકારી અધિકારીઓ સામે પગલાં લેવાની શરૂઆત કરી છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સરકારે સસ્પેન્ડ કરી દિધા છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ માહિતી ટ્વિટર પર આપી છે.

ઉલ્લેખનીય છે કે, સંદિપસિંહ ઝાલાને મોરબી પુલની દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિએ તેમના નિવેદન માટે 2 નવેમ્બરના રોજ બોલાવ્યા હતા.

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારમાં ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા સંદિપસિંહ ઝાલા હાલમાં મોરબીના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ પત્રકારો સમક્ષ તેમણે સ્વીકાર્યું હતું કે મોરબી નગરપાલિકા દ્વારા આ પુલનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું અને આ પુલ તેમની જાણ બહાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

ગ્રે લાઇન

ખેડા પથ્થરમારો: 28 આરોપીઓને જામીન મળ્યા, માતરમાં પ્રવેશબંધીનો આદેશ

તુળજા માતાના મંદિરની બહાર પથ્થરમારો થયો હતો

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ખેડાની જિલ્લા અને સેશન્સ કોર્ટે ગુરુવારે ઉંધેલા ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબાની ઉજવણી દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરવા બદલ ધરપકડ કરાયેલા 28 મુસ્લિમ પુરુષોને જામીન આપ્યા હતા.

જોકે, કોર્ટે એવી શરતો લાદી હતી કે આરોપીઓ 31 માર્ચ, 2023 સુધી કોર્ટની પૂર્વ પરવાનગી વિના રાજ્યની હદ છોડી શકશે નહીં અને સંબંધિત સંબંધિત કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવ્યા વિના માતર તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં.

28 પૈકી 9ના જામીનનો સ્પષ્ટપણે વિરોધ કરતાં ફરિયાદ પક્ષે એવી રજૂઆત કરી હતી કે આરોપીઓએ "કોમી તણાવ પેદા કરવા માટે ગરબા દરમિયાન કાવતરું ઘડ્યું હતું" અને નવ આરોપીઓ અન્ય લોકો સાથે ઉંધેલા ગામમાં હોળી દરમિયાન પણ "કોમી તણાવ ઉભો કરવાની આવી જ ઘટનામાં સામેલ હતા."

ઉલ્લેખનિય છે કે અદાલતે અગાઉ ઑક્ટોબરમાં અન્ય 18 આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા.

ગુરૂવારે 28 આરોપીઓને જામીન આપવા સાથે, આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 46 આરોપીઓ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત થઈ ગયા છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ત્રીજી ઑક્ટોબરે ગરબા દરમિયાન મુસ્લિમોએ કથિતપણે પથ્થરમારો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.

આ ઘટના બાદ પોલીસ ગામમાં કેટલાક આરોપી યુવાનોને થાંભલે બાંધીને મારતી હોવાના વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયોમાં એક તરફ પોલીસ યુવાનોને મારી રહી હતી. ત્યારે બીજી બાજુ કથિત રીતે ગામલોકો તાળીઓ પાડી રહ્યા હતા.

bbc gujarati line

આઈઆઈએમ-અમદાવાદના જૂના કેમ્પસનું સમારકામ નહીં કરવાનો નિર્ણય, નવી ઈમારત બાંધવામાં આવશે

આઈઆઈએમ અમદાવાદ જૂના કેમ્પસમાં ઇમારતોના સમારકામને બંધ કરશે અને નવી ઈમારત બાંધવાના વિકલ્પ સાથે આગળ વધશે

ઇમેજ સ્રોત, Getty Images

સંસ્થા માટે સુરક્ષાને “સર્વોપરી” ગણાવતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે જૂના કેમ્પસમાં ઇમારતોના સમારકામને બંધ કરશે અને નવી ઈમારત બાંધવાના વિકલ્પ સાથે આગળ વધશે. મોટાભાગના ડોર્મ્સ, ફેકલ્ટી બ્લૉક્સ અને વર્ગખંડો તોડી પાડવામાં આવશે. સંસ્થાએ નવા લોગો સાથે ફરીથી ડિઝાઇન કરેલી વેબસાઇટ પણ લૉન્ચ કરી છે. 

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આઈઆઈએમએ બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની વિગતો શેર કરતા આઈઆઈએમએના ડિરેક્ટર પ્રોફેસર એરોલ ડિસોઝાએ જણાવ્યું હતું કે, “આઈઆઈટી રુરકીના સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિપોર્ટ્સ અનુસાર, જુની ઈમારતોનું આયુષ્ય પુરૂ થઈ ગયું છે અને તે સુરક્ષિત નથી. ઇમારતોનું સમારકામ ચાલુ રાખવું લગભગ અશક્ય છે.

બોર્ડ સલામતી સાથે બાંધછોડ કરવા માગતું ન હોવાનું જણાવતાં ડિસોઝાએ કહ્યું હતું કે, જોકે આઇકોનિક લુઇસ કાન પ્લાઝાને જાળવી રાખવામાં આવશે.

bbc gujarati line

ઇઝરાયેલના વડા પ્રધાન પદે બેન્જામિન નેતન્યાહુનું પુનરાગમન

ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ પરિણામોમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી અને તેના ગઠબંધન પક્ષોએ સંસદની 120 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે

ઇમેજ સ્રોત, Reuters

ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન યાયર લેપિડે બેન્જામિન નેતન્યાહુને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગુરુવારે જાહેર કરાયેલા અંતિમ પરિણામોમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી અને તેના ગઠબંધન પક્ષોએ સંસદની 120 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે.

જેને પગલે જેમને 14 મહિના પહેલા તેમના વિરોધીઓ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા એવા ભૂતપૂર્વ વડા પ્રધાન નેતન્યાહુનું નાટકીય પુનરાગમન થવા જઈ રહ્યું છે.

આ પરિણામ સાથે ઇઝરાયેલની રાજકીય મડાગાંઠનો પણ અંત આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે નેતન્યાહુ પર લાંચ, છેતરપિંડી અને વિશ્વાસભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનો તેઓ ઇનકાર કરે છે. તેની સુનાવણી ચાલુ છે, આગામી સુનાવણી સોમવારે થશે.

વિજેતા ગઠબંધન પક્ષોએ નિવેદનમાં કહ્યુ છે, "અમે સુરક્ષા પુનઃસ્થાપિત કરીશું, અમે મોંઘવારી પર અંકુશ મેળવીશું, અમે શાંતિના વર્તુળને વધુ વિસ્તૃત કરીશું, અમે ઇઝરાયેલને રાષ્ટ્રોમાં ઉભરતી શક્તિ તરીકે પુનઃસ્થાપિત કરીશું."

ઇઝરાયેલી મીડિયા અનુસાર, અંતિમ પરિણામોમાં લિકુડને 32 બેઠકો મળી છે, જ્યારે હરીફ લેપિડના સેન્ટ્રીસ્ટ યેશ એટીડ પક્ષને 24 બેઠકો મળી છે.

જમણેરી અતિ-રાષ્ટ્રવાદી રિલિજિયસ ઝાયોનિઝમ એલાયન્સને 14 બેઠકો અને સંરક્ષણપ્રધાન બેની ગેન્ટ્ઝની મધ્ય-જમણેરી નેશનલ યુનિટિ પાર્ટીને 12 બેઠકો મળી છે.

અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો શાસને 11 અને યુનાઈટેડ તોરાહ જુડાઈઝમને અને સાત બેઠકો મળી છે. બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદી યીસરાયેલ બેતેનુ પક્ષને છ બેઠક, આરબ રામને 5 બેઠક અને હદશ-તાલ પક્ષને 5 બેઠક મળી છે. લેબર પાર્ટીને 4 બેઠક મળી છે.

bbc gujarati line

હવાના "ગંભીર" પ્રદુષણને પગલે નોઈડામાં ધોરણ 1 થી 8ના વર્ગો બંધ, ઓનલાઈન શિક્ષણ અપાશે

 કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોઈડાનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 423 “ગંભિર” નોંધ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સમગ્ર દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થતાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 8 નવેમ્બર સુધી ફરજિયાતપણે ઓનલાઈન શિક્ષણનો આદેશ આપ્યો છે.

જિલ્લા શાળા નિરીક્ષક ડૉ. ધરમવીરસિંહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સાથે ધોરણ 9 થી 12 ના વર્ગો પણ ઑનલાઇન લેવા. આ દરમિયાન, આગળની સૂચના ન મળે ત્યાં સુધી તમામ આઉટડોર શાળા પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે.

એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ઍર ક્વૉલિટી મૅનેજમૅન્ટ માટેના કમિશન દ્વારા તે જ દિવસે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં ભલામણ કરવામાં આવી હતી કે આપાતકાલીન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો શાળાઓ અને કોલેજો બંધ કરે. બાળકો પણ ઘરે રહે તેની ભલામણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોઈડાનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 423 “ગંભિર” નોંધ્યો હતો.

bbc gujarati line
bbc gujarati line