હવે અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું? ગુજરાત પર તેની શું થશે અસર?

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

બંગાળની ખાડીમાં વાવાઝોડા બાદ હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સર્જાતી હોવાનું હવામાનના ગ્લોબલ મૉડલો દર્શાવી રહ્યાં છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ તથા તામિલનાડુમાં સૌથી વધારે નુકસાન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.

યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ દર્શાવી રહ્યાં છે. આ સિસ્ટમ આગળ વધીને કદાચ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.

જો આ સિસ્ટમ વાવાઝોડું બની તો અરબી સમુદ્રમાં સર્જાનારું તે ત્રીજું વાવાઝોડું હશે. આ પહેલાં બે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાઈ ચૂક્યાં છે અને ચોમાસા પહેલાં બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હતું.

આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેની આગાહી હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી નથી અને હજી બંગાળની ખાડીનું વાવાઝોડું વિખેરાઈ જાય તે બાદ જ સ્પષ્ટ ચિત્ર જોવા મળશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં.

મિગજોમ વાવાઝોડાએ કેવી તબાહી સર્જી

વાવાઝોડું

ઇમેજ સ્રોત, IMD

મિગજોમ ચક્રવાતનું ગઈકાલે ચિનાઈ શહેરમાં લેન્ડફૉલ થયું હતું.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલમાં મુજબ, ચક્રવાતને કારણે તમિલનાડુના ચેન્નઈમાં અલગ-અલગ ઘટનાઓમાં છ લોકોનાં મોત થયાં છે અને એક ઝાડ પડવાને કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

તમિલનાડુમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.

ભારતીય હવામાનવિભાગે જણાવ્યું છે કે, ચક્રવાત નબળું પડીને મધ્ય તટીય આંદ્ર પ્રદેશ પર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

ચેન્નઈમાં ચક્રવાતી તોફાન મિગજોમને કારણે ઘણા વિસ્તારોમાં ગંભીર અસર થઈ છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો અને જે વિસ્તારો જળસ્તરની નજીક છે ત્યાં વરસાદનું પાણી ઘરોમાં ઘૂસ્યું છે.

આ તોફાનને કારણ ચેન્નાઈમાં છેલ્લાં આંઠ વર્ષનો સૌથી વધારે વરસાદ થયો છે.

સામાન્ય રીતે તોફાન ચાલતું રહે છે, પરંતુ મિગજોમ વાવાઝોડા દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ હતી કે આ વાવાઝોડું સ્થિર રહ્યું હતું.

આ વાવાઝોડું લગભગ 18 કલાક સુધી ચેન્નઈ નજીક બંગાળની ખાડીમાં રહ્યું હતું. તે દરમિયાન એટલે કે સોમવારે સવારથી રાતના 9 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો.

એટલું જ નહીં વાવાઝોડાની ઝડપ પણ ઘણી ઓછી હતી. જેના કારણે ચેન્નઈમાં ભારે વરસાદ થયો છે. હવામાનવિભાગે જણાવ્યું હતું કે 10 થી 18 કિમી પ્રતિ કલાકની સામાન્ય ગતિ ધીમી થઈને માત્ર 7 કિમી પ્રતિ કલાક થઈ હતી અને લગભગ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે અટકી હતી.

આ સિસ્ટમ વાવાઝોડું બની તો ગુજરાતને અસર કરશે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો શું આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંત અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદનો માહોલ શરૂ થયો છે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

બંગાળની ખાડીનું વાવાઝોડું વિખેરાઈ ગયા બાદ રાજ્યમાં પણ કમોસમી વરસાદ બંધ થઈ જશે અને ફરીથી હવામાન શુષ્ક થવાની શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડું આવે તેવી શક્યતા દેખાતી નથી, જે મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે સિસ્ટમ આગળ વધશે પરંતુ તે રાજ્ય પર જ આવશે તેવું નક્કી નથી.

હવામાન વિભાગે જે બુલેટિન જારી કર્યું છે તે પ્રમાણે અરબી સમુદ્રના દક્ષિણમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે. પરંતુ તેમાં આગળ કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે મજબૂત બનશે કે નહીં.

બંગાળની ખાડીનું મિગજોમ વાવાઝોડું વિખેરાયા બાદ જ અરબી સમુદ્રની સિસ્ટમ વિશે પૂરતી માહિતી મળી શકશે.

જો આ સિસ્ટમ થોડી મજબૂત બની લૉ પ્રેશર એરિયા બને અને પછી આગળ વધી મહારાષ્ટ્ર કે અરબી સમુદ્રના મધ્યમાં પહોંચે તો ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ હાલ આ મામલે આગાહી કરવી વહેલી ગણાશે.

ભારતના દરિયામાં સર્જાયેલું મિગજોમ વાવાઝોડું એ આ વર્ષનું છઠ્ઠું વાવાઝોડું હતું, બંગાળની ખાડીમાં આ વર્ષે ચાર અને અરબી સમુદ્રમાં આ વર્ષે બે વાવાઝોડાં સર્જાયાં છે.

ગુજરાતમાં ફરી હવામાન પલટાશે?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, IMD

હાલની સ્થિતિ પ્રમાણે એકાદ દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે પરંતુ તે બાદ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રિજનમાં કેટલાક વિસ્તારોમાં 5 ડિસેમ્બરના રોજ છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. તે બાદ વરસાદ પડે તેવી શક્યતા નથી.

જો અરબી સમુદ્રમાં સર્જાનારી સિસ્ટમ આગળ વધે અને મજબૂત બને તો જ રાજ્યમાં 10 ડિસેમ્બરની આસપાસ હવામાન પલટાશે નહીં તો હવામાન ફરીથી શુષ્ક રહેશે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો નીચે જાય તેવી શક્યતા ઓછી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન મહતમ તાપમાન 25થી 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન ફૂંકાશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધારે રહે તેવી શક્યતા છે.

વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતામાં વધારો

વાવાઝોડું

ઇમેજ સ્રોત, IMD

એક નવા સંશોધનમાં ખબર પડી છે કે જળવાયુ પરિવર્તનને કારણે 80ના દાયકાથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના સમયમાં દર દાયકામાં ચાર દિવસ વહેલાં આવી રહ્યાં છે.

નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અતિ શક્તિશાળી હોવાની સાથોસાથ વિનાશક અસરવાળાં પણ હોય છે.

હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઑફ સાયન્સ અને અન્ય કેટલાંક મહત્ત્વપૂર્ણ સંસ્થાનો દ્વારા આ સંશોધન કરાયું હતું, જેનાં પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નૅચરમાં પ્રકાશિત કરાયાં હતાં.

સંશોધનનાં પરિણામોમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે.

સંશોધનનાં પરિણામો અનુસાર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાવાનું વલણ જોવા મળ્યું હતું.

આ અભ્યાસ માટે વર્ષ 1981-2017 સુધીના ઉષ્ણકટીબંધીય વાવાઝોડાંના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.

પરિણામો અનુસાર પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં 3.7થી 3.2 દિવસ જલદી સર્જાતાં થયાં છે.

જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડાં અરેબિયન સાગરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં સર્જાતાં હોય છે.

સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ. અભિલાષે કહ્યું હતું કે, “જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો અરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે.”

જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુ ને વધુ ગરમ થાય છે.

અભિલાષના મતે માનવસર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાંની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે.

તેઓ કહે છે કે, “તાજેતરમાં અરબેયિન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે ના કે કુદરતી પરિબળો.