બંગાળની ખાડીમાં સર્જાશે આ વર્ષનું છઠ્ઠું વાવાઝોડું, તેની અસર ગુજરાત સુધી થશે?

ગુજરાતમાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષનું છઠ્ઠું વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. આ વર્ષના છેલ્લા મહિનાની શરૂઆતમાં જ આ વાવાઝોડું ભારતના દરિયાકિનારાને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

ચોમાસા પહેલાં ભારતના દરિયામાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં, જેમાં એક બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર કચ્છના દરિયાકિનારા પર ત્રાટક્યું હતું.

ચોમાસા બાદ ભારતના દરિયામાં હલચલ વધી છે અને બંગાળની ખાડીમાં ત્રણ તથા અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સર્જાયું હતું. જોકે, આ વાવાઝોડાંએ ભારતને સીધી અસર કરી નહોતી અને ભારતના દરિયાકિનારાથી દૂર ગયાં હતાં.

હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે અને તે કદાચ ભારતને સીધી અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે, હજી એ નક્કી થઈ શક્યું નથી કે આ વાવાઝોડું કઈ તરફ જશે અને કયા દરિયાકિનારે ત્રાટકશે.

વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ આંદામાન સમુદ્રમાં લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ આવનારા દિવસોમાં ભારતના દરિયાકિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

જોકે, હવામાનનાં વિવિધ મૉડલો હાલ આ વાવાઝોડાનો અલગ અલગ ટ્રેક દર્શાવી રહ્યાં છે અને કેટલાંક મૉડલો અનુસાર આ વાવાઝોડું દક્ષિણ ભારતનાં રાજ્યો પર ત્રાટકે તેવી સંભાવના છે.

ચોમાસા દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમો એટલે કે લૉ પ્રેશર એરિયા ગુજરાત પર વરસાદ લાવતી હોય છે. જોકે, અહીં સર્જાનારાં વાવાઝોડાં સીધી રીતે ગુજરાતને અસર કરતાં હોતાં નથી.

જો બંગાળની ખાડીમાં સર્જાનારું આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ કે તેની આસપાસના દરિયાકિનારા પર ત્રાટકે અને ભારતની ભૂમિ પર તેની બાકી રહેલી સિસ્ટમ આગળ વધે તો તે ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે.

જો તેની સિસ્ટમ મહારાષ્ટ્ર કે તેના વિસ્તારો પર પહોંચે તો રાજ્યને અસર થશે પરંતુ વાવાઝોડું બાંગ્લાદેશ, કે મ્યાનમાર તરફ વળી જશે તો ગુજરાતને તેની અસર થવાની કોઈ સંભાવના દેખાતી નથી.

હાલ ગુજરાતમાં માવઠા બાદ રાજ્યમાં સવારના ભાગે ધુમ્મસ જોવા મળી રહી છે અને હવે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે.

વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે કેમ નક્કી થઈ શકતું નથી?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

ચોમાસા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારતના દરિયામાં વાવાઝોડાની સિઝન ચાલતી હોય છે એટલે કે આ દરમિયાન સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે.

હાલ બંગાળની ખાડી સતત સક્રિય જોવા મળી રહી છે અને એક બાદ એક આ ત્રીજું વાવાઝોડું ચોમાસા બાદ સર્જાય તેવી પૂરી સંભાવના છે.

બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં બનનારા આ વાવાઝોડાનું નામ 'મિગજૌમ' હશે અને તે મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે.

જ્યાં સુધી વાવાઝોડું બને નહીં ત્યાં સુધી એનો ટ્રેક નક્કી કરવો મુશ્કેલ હોય છે. ઘણી વખત ટ્રેક નક્કી થયા બાદ પણ વાવાઝોડાં રસ્તા બદલતાં હોય છે.

સામાન્ય રીતે વાવાઝોડું કઈ દિશામાં જશે તેનો આધાર સ્ટિયરિંગ કરન્ટ અને સબ ટ્રોપિકલ રિજ પર આઘારીત છે. આ સ્ટિયરિંગ કરન્ટ વાવાઝોડાની દિશા બદલતા હોય છે.

આ વાવાઝોડાથી કયા કયા વિસ્તારોને ખતરો છે?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલની સ્થિતિ મુજબ હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે દક્ષિણ આંદામાન સમુદ્રમાંથી વાવાઝોડું બંગાળની ખાડીની મધ્યમાં આવશે. જે બાદ કઈ તરફ જશે તે નક્કી થઈ શક્યું નથી.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધીના દરિયાકાંઠા પર ખતરો દેખાઈ રહ્યો છે.

જો વાવાઝોડું બંગાળની ખાડીમાંથી જ વળાંક લઈ લેશે તો તે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશ અને મ્યાનમારને અસર કરી શકે છે. જો વળાંક નહીં લે તો તે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ તથા ઓડિશાના દરિયાકિનારા સુધી અસર કરી શકે છે.

આ પહેલાં સર્જાયેલાં વાવાઝોડાં વળાંક લઈને બાંગ્લાદેશ ઉપર ગયાં હતાં એટલે વાવાઝોડું વળાંક પણ લઈ શકે છે. હાલની સ્થિતિ મુજબ બંગાળની ખાડીના દરિયાકિનારામાં તે કોઈ પણ પ્રદેશ પર લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે.