ગુજરાતમાં કમોસમી વરસાદ : આગામી 24 કલાક ભારે, કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ?

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગો સામેલ છે.

સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમેરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ પણ થઈ ગયો છે.

અત્યાર સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક હતું પરંતુ એકાએક હવામાનમાં પલટો આવ્યો છે.

આ સમયે વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કેમ કે હાલ ખેતરમાં મોલ ઊભો છે અને માવઠાને લીધે તેને નુકસાન થઈ શકે છે.

ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ અહેવાલમાં આપણે જોઈશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે અને ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગ્રે લાઇન

ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

વાવાઝોડું અને વરસાદ

ઇમેજ સ્રોત, ASHIRWAD DIXIT

ઇમેજ કૅપ્શન, સુરતમાં વાવાઝોડા સાથે વરસાદ. વાવાઝોડાથી પતરાં ઊડી ગયાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 26 નવેમ્બરના રોજ વરસાદી માહોલ રહેશે અને 27 નવેમ્બરની સવાર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.

જ્યારે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના કોઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે.

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની સાથે-સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

કચ્છ જિલ્લામાં પણ 26 નવેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ફરી ચોમાસા જેવો માહોલ રહેશે. 

બીજી તરફ આવતી કાલ એટલે કે 27મી નવેમ્બર માટે પણ આવી આગાહી કરાઈ છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરહવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

બાકીના ભાગોમાં અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરાઈ છે.

ગ્રે લાઇન

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા?

રાજ્યમાં શરૂ થયેલું આ માવઠું વધારે લાંબું ચાલે તેવી શક્યતા નથી, માત્ર બે કે ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ રહે તેવી શક્યતા છે.

26 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં સર્જાયેલો વરસાદી માહોલ 27 નવેમ્બર આવતા જ ઓછો પડવાની શરૂઆત થઈ જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 27 નવેમ્બરના રોજ પણ વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 27 તારીખથી વરસાદી ગતિવિધિમાં ઘટી જશે.

જ્યારે 28 નવેમ્બરની આસપાસ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી વરસાદ બંધ થઈ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

ક્યાં ક્યાં વરસાદ અને ભારે પવનો શરૂ થઈ ગયા?

કરા સાથે વરસાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, કરા સાથે વરસાદ

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. તો સુરતમાં ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે.

સુરતમાં કાચા શેડનાં પતરાં ઊડી જાય એટલી તીવ્રતા સાથે પવન ફૂંકાયો છે અને વરસાદ વરસ્યો છે.

ઉપરાંત અમરેલીના ખાંભા તેમજ ગીરનાં ગામડાંમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન ગયાના પ્રાથમિક અહેવાલ છે.

અમરેલીના જાફરાબાદ કાંઠાવિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. એની સાથે સાથે રાજુલા, સાવરકુંડલા, ધારીમાં પણ વરસાદ છે.

સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા સહિતનાં ગામોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી ઝરમર સાથે વરસાદ ચાલુ છે. સાથે ધીમો પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં પણ વરસાદ છે અને બનાસકાંઠામાં પણ આવી જ સ્થિતિ છે.

વરસાદી માહોલ સાથે મોટાં ભાગનાં સ્થળોએ સવાર સવારમાં જ અંધારપટ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે.

રાજકોટના વીંછિયામાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા અનુસાર ખેતરોમાં મરચાનો પાક પલળી ગયો છે.

ગ્રે લાઇન

ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ કેમ થયો?

વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, imd

ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમોને કારણે ગુજરાત સહિત દેશભરમાં વરસાદ પડે છે. ચોમાસું પૂરું થયા બાદ ઉત્તર અને પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ ચોમાસું પૂરું થયા બાદ ખાસ કરીને ઉત્તર ભારતને વધારે અસર કરે છે પરંતુ ક્યારેક તે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ અસર કરે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના પશ્ચિમ તરફથી આવતી સિસ્ટમ છે અને સામાન્ય રીતે તે લૉ-પ્રેશર હોય છે. તે ભૂમધ્ય સાગરમાં સર્જાય છે અને સીરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પરથી થઈને તે ઉત્તર અને પશ્ચિમ ભારત પર પહોંચે છે.

આ સિસ્ટમ આગળ વધતા-વધતા ભેજ ગ્રહણ કરતી રહે છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદ થાય છે.

રેડ લાઇન
રેડ લાઇન