સીરિયામાં ચાલી રહેલા હાલના સંઘર્ષમાં 370થી વધુ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયામાં ફરીવાર વિદ્રોહી જૂથ અને સરકાર વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. બ્રિટનસ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ(એસઓએચઆર) પ્રમાણે હાલના સંઘર્ષમાં અત્યારસુધી 370થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
એસઓએચઆર પ્રમાણે દક્ષિણ તરફ આગળ વધી રહેલા વિદ્રોહીઓને રોકવા રશિયાએ રવિવારે સીરિયામાં અનેક હવાઇ હુમલાઓ કર્યા.
રશિયાએ ઇદલિબ અને હમાના ગ્રામ્ય વિસ્તારમાં આ હુમલા કર્યા જ્યાં વિદ્રોહી હુમલાનું નેતૃત્વ કરનારા સમૂહે હાલમાં નિયંત્રણ પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કર્યો છે.
શનિવારે થયેલો આ હુમલો 2016ના વર્ષ બાદ અલેપ્પો પર રશિયાનો આ પ્રકારે પહેલો હુમલો છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ આ હુમલો ત્યારે કર્યો હતો જ્યારે વિદ્રોહીઓએ સીરિયાના બીજા મોટા શહેર અલેપ્પોના મહત્તમ વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
ભારતે અભ્યાસ મૅચમાં ઑસ્ટ્રેલિયાની પીએમ-11 ટીમને હરાવી

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાએ કેનબરામાં રમાયેલી બે દિવસની અભ્યાસ મૅચમાં પોતાની વિજયયાત્રા આગળ વધારવાનું ચાલુ રાખ્યું છે.
ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાની પ્રાઇમ મિનિસ્ટર-11 ટીમને છ વિકેટે હરાવી દીધી છે. ભારતે ટૉસ જીતીને પહેલી બૉલિંગ પસંદ કરી હતી.
વરસાદને કારણે આ મૅચને 46 ઓવરની કરી નાખવામાં આવી હતી.
ઑસ્ટ્રેલિયાની પીએમ-11 ટીમે 240 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી. આકાશદીપને પણ બે વિકેટ મળી.
ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે અર્ધશતક લગાવ્યું અને યશસ્વી જયસ્વાલે પણ 45 રન ફટકાર્યા.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમૅચ પહેલા આ અભ્યાસ મૅચમાં ભારતને જીત આપી દેવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા સાથેની પાંચ ટેસ્ટમૅચની સિરીઝમાં ભારત પહેલાથી જ 1-0થી આગળ છે. પર્થમાં રમાયેલી ટેસ્ટમૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું.
મહેબૂબા મુફ્તીએ કરી બાંગ્લાદેશ અને ભારતની તુલના, ભાજપે આપી તીખી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સંભલ મસ્જિદ મામલો, અજમેર શરીફ દરગાહ મામલો અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલી હિંસા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
તેમણે બાંગ્લાદેશની તુલના ભારત સાથે કરી છે. ત્યારબાદ ભાજપ નેતા રવીન્દ્ર રૈનાએ તેમના આ નિવેદનને રાષ્ટ્રદ્રોહ સાથે સરખાવ્યું છે.
શનિવારે મુફ્તીએ એક નિવેદનમાં કહ્યું હતું, “અમારા નેતા ગાંધીજીથી લઈને નહેરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરે આ દેશને હિંદુ, મુસ્લિમ, શિખ અને ખ્રિસ્તી એમ તમામનું ઘર બનાવ્યો છે. આ તમામનું ઘર છે. પરંતુ આજે જે હાલત છે કે તેમને લડાવવામાં આવી રહ્યા છે.”
મહેબૂબા મુફ્તીએ બાંગ્લાદેશમાં હાલની સ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, “ત્યાં અમારા હિંદુભાઈઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. અહીં જો આપણે અલ્પસંખ્યકો સામે અત્યાચાર કરીએ તો શો ફરક છે? આટલો મોટો દેશ છે આપણો પરંતુ આપણા અને બાંગ્લાદેશમાં શો ફરક રહી જશે”
આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી શું બોલ્યા જય શાહ

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસીના અધ્યક્ષપદનો જય શાહનો કાર્યકાળ પહેલી ડિસેમ્બરના રોજથી શરૂ થઈ ગયો છે.
કાર્યકાળ શરૂ થયા બાદ તેમણે કહ્યું કે તેમની પ્રાથમિકતા ક્રિકેટને 2028ના ઑલિમ્પિકમાં સામેલ કરવાની અને ક્રિકેટમાં મહિલાઓની ભાગેદારી વધારવાની રહેશે.
જય શાહ 2019માં બીસીસીઆઈના સૌથી નાની વયના માનદ સચિવ બન્યા હતા. જય શાહે કાર્યકાળ શરૂ થવા પર કહ્યું, “હું આઈસીસીના અધ્યક્ષની ભૂમિકામાં આવીને ગૌરવ મહેસૂસ કરું છું.”
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવનારા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં કોઈ ગઠબંધન નહીં થાય.
કેજરીવાલે આ નિવેદન પાર્ટીના મુખ્યાલયમાં આયોજીત એક પ્રેસ કૉન્ફરન્સમાં આપ્યું.
કેજરીવાલે શનિવારે પોતાના પર થયેલા હુમલા અને પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવ્યો.
તેમણે કહ્યું, “છેલ્લાં બે-ત્રણ વર્ષોથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા બદતર થઈ ગઈ છે. દિલ્હીના લોકો દહેશતમાં જીવી રહ્યા છે. દિલ્હીના રસ્તા પર ગોળીબાર થઈ રહ્યો છે. એવું લાગે છે કે દિલ્હી ગૅંગસ્ટરના કબજામાં આવી ગયું છે .”
તેમણે અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું, “મને આશા હતી કે અમિત શાહ આ મામલે કાર્યવાહી કરશે પરંતુ તેની જગ્યાએ તેમણે મારા પર હુમલો કરાવ્યો. હું પદયાત્રા પર હતો ત્યારે મારા પર પ્રવાહી ફેંકવામાં આવ્યું. આ પ્રવાહી ખતરનાક નહોતું પરંતુ તે ખતરનાક પણ થઈ શકતું હતું.”
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ પર અરવિંદ કેજરીવાલે કહ્યું, “કાલે અમારી પાર્ટીના એક ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી. તેઓ પણ એક ગૅંગસ્ટરથી પીડિત હતા. તેમની પાસે હપ્તા માટે કૉલ આવતા હતા.”
છત્તીસગઢ-તેલંગણા સરહદે પોલીસ ઍન્કાઉન્ટરમાં સાત શંકાસ્પદ માઓવાદીનાં મોત

ઇમેજ સ્રોત, BBC/AlokPutul
આલોક પુતુલ, રાયપુરથી બીબીસી હિંદી માટે
છત્તીસગઢ અને તેલંગણાની સરહદે આવેલા મુલુગુ જિલ્લામાં પોલીસે સાત શંકાસ્પદ માઓવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.
તેલંગણા પોલીસના જણાવ્યા મુજબ જવાનો જ્યારે સર્ચ ઑપરેશન કરતા હતા, ત્યારે ગ્રેહાઉન્ડ જવાનો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી બે એકે 47 રાઇફલ અને એક ઈન્સાસ રાઇફલ ઉપરાંત મોટાં પ્રમાણમાં અન્ય હથિયારો, વિસ્ફોટકો અને દૈનિક ઉપયોગની સામગ્રી મળી આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "મુલુગુ જિલ્લાના ચલાપાકા જંગલમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યે શંકાસ્પદ માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. એક કલાકથી વધુ ચાલેલી અથડામણમાં જાણીતા માઓવાદી ભદ્રુની ટુકડીના સાત સભ્યો માર્યા ગયા હતા."
પોલીસે પુષ્ટિ કરી છે કે માર્યા ગયેલા લોકોમાં જાણીતા માઓવાદી નેતા કુસરામ મંગુ ઉર્ફે પપન્ના, ઇગોલપુ મલૈયા ઉર્ફે મધુ, મુસાકી દેવલ, મુસાકી યમુના, જયસિંહ અને કિશોરનો સમાવેશ થાય છે.
પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઑપરેશન ચાલુ છે. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેટલાક વધુ માઓવાદીઓ ઈજાગ્રસ્ત હોઈ શકે છે.
તામિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું, વહીવટીતંત્ર હાઈ ઍલર્ટ પર

ઇમેજ સ્રોત, ANI
તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) મુજબ શનિવારે રાત્રે 10:30થી 11:30 વાગ્યાની વચ્ચે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
આઈએમડી મુજબ આ ગાળા દરમિયાન પવનની ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાકથી લઈને 90 કિમી પ્રતિકલાકની હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ફેંગલ વાવાઝોડું પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં ધીમે ધીમે આગળ વધશે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી કેટલાક કલાકો દરમિયાન વાવાઝોડું ધીમે ધીમે નબળું પડતું જશે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડું ફેંગલ ઉત્તર કિનારાવર્તી તામિલનાડુ અને પુડુચેરી પર બપોરે 12:30 વાગ્યે સ્થિર હતું. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 65-75 કિમી પ્રતિકલાકથી 85 કિમી પ્રતિકલાકની રહી હશે.
આઈએમડીએ કહ્યું કે ચેન્નાઈ અને કરાઈકલમાં ડૉપ્લર વેધર રડાર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ફેંગલને કારણે શનિવારે ચેન્નાઈમાં 11.4 સેમી અને પુડુચેરીમાં 39 સેમી વરસાદ પડ્યો હતો. શનિવારે ચેન્નાઈ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
તામિલનાડુ સરકારે આ દરમિયાન શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
તામિલનાડુ અને પુડુચેરીમાં વહીવટીતંત્ર અત્યારે હાઈ ઍલર્ટ પર છે. શૈક્ષણિક સંસ્થાઓને હાલમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા ન યોજવા તથા વિશેષ વર્ગ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ફેંગલના કારણે તામિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ પણ જાહેર કરાયું છે. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ પણ રદ કરવી પડી હતી.
સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ, કઈ રીતે બની ઘટના?
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ગુજરાતમાં સુરત નજીક સચીન જીઆઈડીસી પાસે પાલી ગામે રહસ્યમય સંજોગોમાં ત્રણ છોકરીઓનાં મૃત્યુ થયાં છે.
સુરત સિવિલ હૉસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઑફિસર (આરએમઓ) કેતન નાયકે મીડિયાને જણાવ્યા મુજબ શનિવારે આ ઘટના બની હતી, જેમાં બાળકોના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
દુર્ગાકુમારી મહંતો (12 વર્ષ), અમિતા મહંતો (14 વર્ષ) અને અનિતાકુમારી મહંતો (8 વર્ષ) નામની બાળકીઓ આ ઘટનામાં મૃત્યુ પામી છે.
કેતન નાયકના જણાવ્યા મુજબ બે છોકરીઓ મૃત્યુ પામી પછી તેમને એક ખાનગી હૉસ્પિટલે લઈ જવાઈ હતી. જ્યારે એક છોકરીને ગંભીર સ્થિતિમાં સિવિલ હૉસ્પિટલે લાવવામાં આવી હતી. તેને બચાવવાના પ્રયાસ કરવા છતાં જીવ બચાવી શકાયો ન હતો.
રેસિડન્ટ મેડિકલ ઑફિસરે કહ્યું કે મૃતક બાળકોના સ્વજનો અલગઅલગ કારણો જણાવી રહ્યાં છે. કેટલાકનું કહેવું છે કે છોકરીઓએ આઈસ્ક્રીમ ખાધાં પછી મૃત્યુ પામી હતી. જ્યારે કેટલાક કહે છે કે છોકરીઓ રમતી હતી ત્યાં આગ લાગી હતી અને ધુમાડો શ્વાસમાં જવાથી તેમનાં મૃત્યુ થયાં છે.
તેમણે કહ્યું કે મૃતકોના પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે અને ત્યાર પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, "પોલીસ આ ઘટનાની તપાસ કરે છે. જો ફૂડ પૉઇઝનિંગના કારણે બાળકોનાં મોત થયાં હશે તો તે વિસ્તારમાં બીજા લોકોને પણ અસર થઈ હોવી જોઈએ. પરંતુ વાસ્તવિક કારણ ફૂડ પૉઇઝનિંગ પછી જાણી શકાશે."
કશ્યપ 'કાશ' પટેલ એફબીઆઈના આગામી ડિરેક્ટર હશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
ટ્રમ્પે પોતાના સત્તાવાર ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરતા કહ્યું કે, "મને એ જાહેરાત કરતા ગર્વ થાય કે કશ્યપ 'કાશ' પટેલ એફબીઆઈના આગામી ડિરેક્ટર હશે."
ટ્રમ્પે લખ્યું છે, "કાશ એક ઉત્તમ વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટમાં વિશ્વાસ રાખતા યોદ્ધા છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની સુરક્ષા કરવામાં અને અમેરિકન લોકોનું રક્ષણ કરવા માટે કામ કર્યું છે."
ટ્રમ્પે કહ્યું કે, "કાશે મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન શાનદાર કામગીરી કરી હતી."
કાશ પટેલે ઇન્ટેલિજન્સ કૉમ્યુનિટી અને યુએસ સ્પેશિયલ ઑપરેશન ફોર્સ માટે મહત્ત્વના કાર્યક્રમો સંભાળ્યા છે.
તેમણે દુનિયાભરમાં ઈન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમને અબજો ડૉલરનું ફંડ આપતો કાયદો ઘડવામાં પણ મદદ કરી છે.
કાશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત એક વકીલ તરીકે કરી હતી. તેઓ હત્યા અને ડ્રગ્સથી માંડીને જટિલ નાણાકીય અપરાધના કેસ લડ્યા હતા.
કાશ પટેલ ભારતીય ઇમિગ્રન્ટના પુત્ર છે અને ગુજરાતી મૂળના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















