You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે વધશે વરસાદનું જોર, સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટોછવાયો વરસાઈ થઈ રહ્યો છે. જોકે, નિષ્ણાતો અનુસાર આ વરસાદ વાવણી માટે હજુ યોગ્ય નથી.
ગઈ કાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું, જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ, જામખંભાળિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ શકે છે.
તો સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ, જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધે તેવી શક્યતા છે. જોકે, સાર્વત્રિક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે.
રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે, સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે.
ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે થશે અને ચોમાસાનો વરસાદ ક્યારે આવશે, એ અંગે વિગતે વાત કરીએ.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાં પહેલાંની ગતિવિધિઓ શરૂ
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જામનગર અને કચ્છમાં આવનારા દિવસોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિને કારણે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી.
ગુજરાતમાં જ્યારે ચોમાસું આગળ વધશે ત્યારે જ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ છે.
જોકે, આવનારા એક-બે દિવસોમાં મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં વરસાદની ગતિવિધીઓ વધારે થવાની શક્યતા નહિવત્ છે. ચોમાસું જ્યારે મધ્ય ગુજરાત પહોંચશે ત્યાર બાદ આ વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ, તાપી અને નર્મદામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ આવનારા બે-ત્રણ દિવસોમાં થાય તેવી સંભાવનાઓ છે.
જોકે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જૂન 19 તારીખથી વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના દેખાઈ રહી છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં આવનાર અઠવાડિયામાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
જોકે, હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.
ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે બનશે?
કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ તે બાદ ઝડપથી ચોમાસું આગળ વધ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સમય કરતાં વહેલી ઍન્ટ્રી થયા પછી આગળ વધતું અટકી ગયું છે.
ચોમાસું 19 જૂન પછી મજબૂત બનશે તેવી શક્યતાઓ છે. ચોમાસું અરબી સમુદ્રની અંદર મજબૂત બનશે. આ કારણે કર્ણાટક જેવાં દક્ષિણનાં રાજ્યોમાં વરસાદ વધશે. ત્યાર બાદ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધે તેવી સંભાવનાઓ છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ચોમાસું વધારે મજબૂત બનતાં પાંચથી છ દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. જે બાદ રાજ્યમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં જૂન 22 પછી ચોમાસાનો વરસાદ આગળ વધે તેવી શક્યતાઓ છે. ત્યાર બાદ જૂન 22થી જૂન 25 વચ્ચે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાનની વર્તમાન સ્થિતિ પ્રમાણે જૂન મહિનાના અંત સુધી એટલે કે 25 જૂનથી 30 જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.