ટ્રમ્પ અને પીએમ મોદીએ કર્યાં એકબીજાનાં વખાણ, ભારત સામે અમેરિકા નરમ પડી રહ્યું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, યુએસએ, રાજકારણ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન રાષ્ટ્રપતિનું મિત્રતાવાળું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત 50 ટકા અમેરિકન ટેરિફનો સામનો કરી રહ્યું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં ભારતને ચીનના હાથે ગુમાવવાની વાત કરી અને એના થોડા કાલક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'સારા મિત્ર' ગણાવ્યા.

વડા પ્રધાન મોદીએ ટ્રમ્પની ભાવનાઓનો હૃદયપૂર્વક સરાહના કરી અને પૂર્ણ સમર્થનની વાત કરી છે.

બંનેનાં નિવેદનો અંગે વિદેશમંત્રી એસ. જયશંકરનું કહેવું છે કે વડા પ્રધાન મોદી અમેરિકા સાથેની ભાગીદારીને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણે છે.

એક તરફ ટ્રમ્પ વડા પ્રધાન મોદીને મિત્ર ગણાવી રહ્યા છે અને વ્યક્તિગત સંબંધોનો હવાલો આપી રહ્યા છે. ત્યાં બીજી તરફ તેમના સહયોગી સતત ભારત પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.

અમેરિકા ભારત સામે નરમ પડ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડા પ્રધાન મોદી, યુએસ, ભારત

અમેરિકન રાષ્ટ્રપતિનું મિત્રતાવાળું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત 50 ટકા અમેરિકન ટેરિફનો સામનો કરી રહ્યું છે

ટ્રમ્પે પીએમ મોદીને 'ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર' ગણાવ્યા, પરંતુ રશિયાથી ક્રૂડઑઇલની ખરીદી પર નિરાશા પણ જાહેર કરી.

તેમણે કહ્યું, "હું હંમેશાં મોદીનો મિત્ર રહીશ. તેઓ એક ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર છે. હું નિરાશ છું કે ભારત રશિયન ઑઇલ ખરીદી રહ્યું છે અને મેં તેમને 50 ટકા ટેરિફ લાદીને દેખાડી દીધું છે."

ડિપ્લોમેટિક મામલાના જાણકાર બ્રહ્મા ચેલાનીનું કહેવું છે કે એક જ સમયે બે વિરોધાભાસી નિવેદન આપવાં એ ટ્રમ્પની વિદેશનીતિ છે.

બ્રહ્મા ચેલાનીએ એક્સ પર લખ્યું કે, "ટ્ર્મ્પનું અચાનક બદલાતું વલણ - પહેલાં એવું કહેવું કે ભારત 'ઊંડા, અંધારિયા ચીન' તરફ જતું રહ્યું છે અને પછી એવું કહેવું કે અમેરિકા અને ભારત વચ્ચે 'અત્યંત ખાસ સંબંધ' છે, જે તેમની વિદેશનીતિના લેવડદવડવાળા વિચાર બતાવે છે. આવાં નિવેદનોથી તેઓ એક સાથે ઘણા લોકોને સંદેશ આપી શકે છે. પોતાના દેશમાં પોતાના સમર્થકોને તાકવર દેખાય છે અને સાથે જ પોતાના સહયોગી દેશો સાથે સંબંધો પણ જાળવી રાખે છે."

ચેલાનીનું કહેવું છે કે, "આ વિરોધાભાસી વાતો એ કોઈ ભૂલ નથી, પરંતુ ટ્રમ્પના રાજકારણને એ રીત માફક આવી ગઈ છે. તેમનાં નિવેદનો સામાન્યપણે મીડિયામાં ચર્ચા અને દબાણ સર્જવાના ઇરાદા સાથેનાં હોય છે. તેઓ એક દિવસ આકરું બોલે છે અને બીજા દિવસે કોઈ પણ ખુલાસા વગર પોતાની વાત બદલી શકે છે."

"આ મામલામાં, પહેલાં ગભરાવનારું નિવેદન એક પ્રકારે દબાણ બનાવવા માટે હતું અને બાદમાં અપાયેલું ભરોસાવાળું નિવેદન સંબંધો ઠીક રાખવા માટે, જેથી તેઓ કમજોર ન દેખાય."

વડા પ્રધાન મોદીનો ટ્રમ્પને જવાબ આપવો કેટલું યોગ્ય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડા પ્રધાન મોદી, યુએસ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાછલા અમુક સમયથી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ જોવા મળી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધો વિશે તેમના હકારાત્મક વિચારોની સરાહના કરું છું. ભારત અને અમેરિકા વચ્ચે અત્યંત હકારાત્મક અને દૂરદર્શી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહરચનાત્મક ભાગીદારી છે."

પીએમની પોસ્ટ બાદ વિદેશમંત્રી એસ જયશંકરે પણ પ્રતિક્રિયા આપી છે.

એસ જયશંકરે સમાચાર એજન્સીને કહ્યું, "વડા પ્રધાન મોદી અમેરિકા સાથેની અમારી ભાગીદારીને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણે છે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત છે. તેમના (વડા પ્રધાન મોદીના) રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હંમેશાંથી ખૂબ સારા વ્યક્તિગત સંબંધ રહ્યા છે. પરંતુ મુદ્દો એ છે કે અમારી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. હાલ આનાથી ઝાઝું હું કંઈ ન કહી શકું."

પીએમ મોદી તરફથી ટ્રમ્પને હકારાત્મક જવાબ આપવાના નિર્ણયને ભૂતપૂર્વ રાજદ્વારી કેપી ફેબિયન યોગ્ય પગલું માને છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ફેબિયાન જણાવે છે કે, "વડા પ્રધાને ડિપ્લોમેટિક દૃષ્ટિએ યોગ્ય પગલું લીધું છે. અને ટ્વીટનો જવાબ શ્રેષ્ઠ ડિપ્લોમેટિક અંદાજમાં દીધો છે. પરંતુ મને નથી લાગતું કે હાલ આ બંને ટ્વીટથી કોઈ મોટો ફરક પડ્યો હોય."

બ્રહ્મા ચેલાનીનું માનવું છે કે બંને નેતાઓ વચ્ચે વાતચીત માટે એક ફોન કૉલ વધુ મજબૂત પહેલ હોત.

તેઓ લખે છે કે, "દ્વિપક્ષીય સંબંધોમાં ટ્રમ્પના કારણે પેદા થયેલા ઘર્ષણને અસરકારક રીતે ઘટાડવા માટે એક ફોન કૉલ વધુ મજબૂત પહેલ રહ્યો હોત. પ્રત્યક્ષ વાતચીતથી એવો સ્પષ્ટ સંદેશ જાય છે કે અમેરિકા-ભારત સંબંધો કેટલા મહત્ત્વપૂર્ણ છે અને મોદી રાષ્ટ્રપતિ સાથે મળીને તેને મજબૂત કરવા માટે તૈયાર છે. આનાથી એવું પણ દેખાય છે કે જ્યાં ટ્ર્મ્પ અહંકારથી ચાલે છે, ત્યાં સામેની બાજુએ મોદી વ્યક્તિગત સમીકરણોથી ઉપર ઊઠીને ભાગીદારીને સુધારવા અને આગળ વધારવા તૈયાર છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડા પ્રધાન મોદી, યુએસ, ભારત

ટ્રમ્પ ભલે મોદીની પ્રશંસા કરી રહ્યા હોય પરંતુ તેમના નિકટના લોકો સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે.

શુક્રવારે મોડી રાત્રે પીટર નવારોએ ભારત અંગે એક્સ એકાઉન્ટ પર પોસ્ટ લખી છે.

"ભારતના ઊંચા ટેરિફ દર અમેરિકન નોકરીઓ પર અસર કરે છે. ભારત માત્ર નફો કમાવવા માટે રશિયન ઑઇલ ખરીદે છે અને આ પૈસા રશિયન વૉર મશીનને જાય છે. તેમાં યુક્રેનિયન અને રશિયન લોકો મરે છે. અમેરિકન ટૅક્સ આપનારાઓએ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ભારત સત્યને નથી માનતું અને માત્ર મામલો ફેરવે છે."

ભારતના અંગ્રેજી અખબાર ધ હિંદુના ડિપ્લોમેટિક અફેર્સનાં એડિટર સુહાસિની હૈદરે એક્સ પર લખ્યું, "સવાલ એ છે કે... શું સબંધો વિશે હકારાત્મક નિવેદન આપવાનો અર્થ એ છે કે 50 ટકા ટેરિફ હઠશે, બળજબરીથી ડિપોર્ટેશન રોકાશે, વિઝા પર પ્રતિબંધ ખતમ થશે, આઉટસોર્સિંગ, અને રોકાણ પરના પ્રતિબંધો હઠશે, ઑપરેશન સિંદૂર જેવી વાતોનો જવાબ મળશે?"

પશ્ચિમ એશિયા મામલાના જાણકાર વાયલ અવ્વાદ કહે છે, "અમેરિકા ભારતને નજરઅંદાજ ન કરી શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીના સંબંધો સારા છે. અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા પણ મોટું છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમની સાથે વાત કરે છે, તો તેઓ એ સંદેશ આપવા માગે છે કે ભારત અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ છે."

"પરંતુ રાષ્ટ્રપતિ હોવાને લીધે તેમણે ઉઠાવેલા કેટલાક મુદ્દા પાછા ખેંચવા પડશે. તો જ ભારતીય કંપનીઓ કોઈ પણ પરેશાની કે ટેરિફ વિના અમેરિકાને નિકાસ કરી શકશે."

અમેરિકાના નાણામંત્રી હાવર્ડ લુટનિકનું કહેવું છે કે ભારતે અમેરિકા અને રશિયામાંથી કોઈ એકને પસંદ કરવું પડશે.

બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં લુટનિકે કહ્યું, "રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારત પોતાનું ઑઇલના માત્ર બે ટકા ભાગ રશિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ યુદ્ધ બાદ આ પ્રમાણ વધીને 40 ટકા થઈ ગયું છે. ભારત પોતાના બજારને ખોલવા નથી માગતું. રશિયન ઑઇલ ખરીદવાનું બંધ કરો. બ્રિક્સનો ભાગ બનવાનું બંધ કરો. અમેરિકા અને ડૉલરનો સાથ આપો. નહીંતર 50 ટકા ટેરિફનો સામનો કરો."

અરવિંદ પનગઢિયા જાણીતા અર્થશાસ્ત્રી છે અને ભારત સરકારના નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

તેઓ લખે છે કે, "વડા પ્રધાન દ્વારા ખૂબ જ સુંદર અને સંક્ષિપ્ત જવાબ અમેરિકન રાષ્ટ્રપતિને અપાયો છે, જે મિત્રતાપૂર્ણ પણ છે. આશા છે કે આ વિશ્વના બે સૌથી મહત્ત્વપૂર્ણ દેશોના સંબંધોને પૂર્વવત્ કરવા માટે લાંબી મજલ કાપવામાં મદદ કરશે."

પાકિસ્તાનમાં તહેનાત ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ બંને વચ્ચેની વાતચીત પર લખ્યું કે સપ્ટેમ્બર ઑગસ્ટ કરતાં સારો રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન