ટ્રમ્પના 'ખાસ મિત્ર અને મહાન નેતા'વાળા નિવેદન પર પીએમ મોદીએ જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, ANI
અમેરિકા અને ભારતના સંબંધોને 'અત્યંત ખાસ' ગણાવતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'હંમેશાં મિત્રો રહેશે' અને એમાં 'કોઈ ચિંતાની વાત નથી.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના નિવેદનની સરાહના કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓની સહૃદય સરાહના કરે છે અને તેમનું પૂર્ણ સમર્થન કરે છે.
તેમણે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે અત્યંત હકારાત્મક અને દૂરદર્શી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહરચનાત્મક ભાગીદારી છે."

આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે એું લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ પાસે જ્યારે ટ્રમ્પની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા મગાઈ તો તેમણે કહ્યું, "મારે આ અંગે કશું નથી કહેવું."
ટ્રમ્પથી અલગ તેમના વેપાર સલાહકાર પીટર નવારોએ ફરી એક વાર ભારત પર નિશાન સાધ્યું હતું.
પીટર નવારોનું કહેવું છે કે ભારત સત્ય નથી સ્વીકારતું અને મામલાને ફેરવે છે. આ નિવેદન પહેલાં નવારોએ કહ્યું હતું કે ભારતમાં રશિયન ઑઇલથી 'બ્રાહ્મણ' નફો મેળવી રહ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયે પીટર નવારોના નિવેદનને ભ્રામક ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું ભારત-અમેરિકાના સંબંધ પહેલાં જેવા થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પને પુછાયું કે "શું તમે હાલ ભારત સાથેના સંબંધોને ફરી શરૂ કરવા તૈયાર છો?"
આ અંગે ટ્રમ્પે કહ્યું, "હું હંમેશાં મોદીનો મિત્ર રહીશ. તેઓ એક મહાન વડા પ્રધાન છે. હું હંમેશાં મિત્ર રહીશ, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે. એ મને પસંદ નથી. જોકે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ ખાસ છે. ચિંતાની કોઈ વાત નથી. ક્યારેક ક્યારેક આવું થાય છે."
ભારતને ચીનના હાથે ગુમાવવા માટે તમે કોને જવાબદાર માનો છો?
આ સવાલના જવાબમાં ટ્રમ્પ કહે છે કે, "મને નથી લાગતું કે અમે તેમને ગુમાવી દીધા છે. મને નિરાશા છે કે ભારત રશિયન ઑઇલ ખરીદી રહ્યું છે અને મેં તેમને 50 ટકા ટેરિફ લાદીને આ વાત જણાવી દીધી છે, પરંતુ મોદી સાથે મારે સારું બને છે."
જ્યારે તેમણે ભારત અને અન્ય દેશો સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલ વિશે પૂછવામાં આવ્યું તો ટ્ર્મ્પે કહ્યું, "વાતચીત ખૂબ સારી ચાલી રહી છે. બીજા દેશ સારું કરી રહ્યા છે. અમે બધા સાથે સારું કરી રહ્યા છીએ.
ટ્રમ્પની પ્રશંસા અને વડા પ્રધાન મોદીના નિવેદન પર એસ. જયશંકરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારત-અમેરિકાના સંબધો પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્પના નિવેદન અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે પ્રતિક્રિયા આપી છે.
વિદેશમંત્રીએ સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું, "વડા પ્રધાન મોદી અમેરિકા સાથે આપણા પાર્ટનરશિપ સંબંધોને ખૂબ મહત્ત્વપૂર્ણ માને છે."
તેમણે કહ્યું, "જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત છે, વડા પ્રધાન મોદીના તેમની સાથે હંમેશાં સારા વ્યક્તિગત સંબંધો રહ્યા છે. ખરો મુદ્દો એ છે કે અમે અમેરિકા સાથે સતત સંકળાયેલા છીએ. હાલ હું આનાથી વધુ કંઈ ન કહી શકું."
એસ. જયશંકરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમુક સમય પહેલાં જ અમેરિકા અને ભારતના સંબંધોને 'અત્યંત ખાસ' ગણાવતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'હંમેશાં મિત્રો રહેશે' અને આમાં 'કોઈ ચિંતાની વાત નથી.'
પીટર નવારો અને હાવર્ડ લુટનિકે ભારતને ઘેર્યું

શુક્રવારે મોડી રાત્રે પીટર નવારોએ ભારત અંગે પોતાના ઍક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી.
તેમણે લખ્યું, "ભારતના ઊંચા ટેરિફ દર અમેરિકન નોકરીઓ પર અસર કરે છે. ભારત માત્ર નપો કમાવવા માટે રશિયન ઑઇલ ખરીદે છે અને આ પૈસા રશિયન વૉર મશીનને જાય છે. તેમાં યુક્રેનિયન અને રશિયન લોકો મરાય છે. અમેરિકન ટૅક્સ આપનારાઓએ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ભારત સત્યને નથી માનતું અને માત્ર મામલો ફેરવે છે."
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી ભરોસાપાત્ર સલાહકારોમાંથી એક પીટર નવારોએ પાછલા અમુક સમયથી ભારત અને પીએમ મોદી વિશે નિવેદન આપતાં આક્રમક વલણ અખત્યાર કર્યું છે.
આ પહેલાં નવારો રશિયા અને યુક્રેન સાથે ઘર્ષણને 'મોદીનું યુદ્ધ' ગણાવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
29 ઑગસ્ટના રોજ તેમણે ઍક્સ પર લખ્યું કે રશિયન ઑઇલથી થતી કમાણી ભારતના રાજકીય રીતે સંકળાયેલા ઊર્જા કારોબારીઓ સુધી પહોંચે છે અને સીધી પુતિનના યુદ્ધ ફંડમાં પણ જાય છે.
અમેરિકાના નાણામંત્રી હાવર્ડ લુટનિકનું કહેવું છે કે ભારતે અમેરિકા અને રશિયામાંથી કોઈ એકને પસંદ કરવું પડશે.
બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં લુટનિકે કહ્યું, "રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારત પોતાનું ઑઇલના માત્ર બે ટકા ભાગ રશિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ યુદ્ધ બાદ આ પ્રમાણ વધીને 40 ટકા થઈ ગયું છે. ભારત પોતાના બજારને ખોલવા નથી માગતું. રશિયન ઑઇલ ખરીદવાનું બંધ કરો. બ્રિક્સનો ભાગ બનવાનું બંધ કરો. અમેરિકા અને ડૉલરનો સાથ આપો. નહીંતર 50 ટકા ટેરિફનો સામનો કરો."
લુટનિકે એવું પણ કહ્યું ટૂંક સમયમાં જ ભારત માફી માગીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર થશે.
નિર્મલા સીતારમણે અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પીટર નવારોના બ્રાહ્મણોને નફાવાળા નિવેદન અંગે જવાબ આપ્યો છે.
નિર્મલા સીતારમણે એક ન્યૂઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'બ્રાહ્મણોની નફાખોરી'વાળું નિવેદન બિલકુલ બ્રિટિશરોની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ જેવું છે.
તેમનું કહેવું છે કે ભારતમાં આ પ્રકારનાં નિવેદનોને યોગ્ય ઠરાવવાના પ્રયત્નોથી તેઓ 'આક્રોશિત' છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું ચાલુ રાખશે, કારણ કે ભારતની ઑઇલ ખરીદી આર્થિક અને કારોબારી કારણો પર આધારિત છે.
નવારોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે પીટર નવારો તરફથી ખોટાં અને ભ્રામક નિવેદનોને જોયાં છે. નિશ્ચિતપણે અમે તેને ખારિજ કરીએ છીએ."
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારત અમેરિકા સાથે વેપારના મુદ્દે વાતચીત ચાલુ રાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















