You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાબરકાંઠામાં અકસ્માતમાં 7નાં મોત, ગુજરાતમાં દર વર્ષે અકસ્માતમાં કેટલાં મોત થાય છે?
બુધવારે વહેલી સવારે હિંમતનગર શહેર નજીક પસાર થતા શામળાજી-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર સર્જાયો હતો, જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
ઘાયલ વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો અનુસાર તેમની હાલત નાજુક છે.
બીબીસી સહયોગી પરેશ પઢિયારે જણાવ્યું કે, ''ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે મૃતકો ગાડીમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગના જવાનો અને 108ની ટીમે કારને કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.''
તેમણે વધુમાં જણાવ્યું કે, ''જે માહિતી બહાર આવી છે તે પ્રમાણે કાર શામળાજીથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં આઠ વ્યક્તિ હતી અને બધી અમદાવાદની છે.''
આ અકસ્માત બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મીડિયા સાથે વાત કરતા નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક એ. કે. પટેલે જણાવ્યું કે, ''સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર - શામળાજીથી રોડ પર આજે સવારે ઇનોવા કારે ટ્રકને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો છે. ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઘાયલ વ્યક્તિનું નામ હની શંકરલાલ તોલવાણી છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.''
રાત્રિના સમયે ડ્રાઇવરોની ધીમી પ્રતિક્રિયા
કેન્દ્ર સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય અનુસાર સમગ્ર દેશમાં વાહન અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યમાં ગુજરાત ટોચના રાજ્યોમાં સામેલ છે. સાલ 2022માં રોડ અકસ્માતમાં 15751 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જોકે અહીં નોંધનીય છે કે સમય અને અકસ્માતો વચ્ચેના સંબંધ અંગે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થયો હોવાનું બીબીસી ગુજરાતીના ધ્યાનમાં આવ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમ છતાં રોડ સેફ્ટી ક્ષેત્રે કામ કરતા જુદાજુદા નિષ્ણાતો મધરાત્રિના સમયને અકસ્માતોની સંખ્યા સાથે નિકટનો સંબંધ હોવાનું જણાવે છે.
'અરાઇવ સેફ' NGOના પ્રમુખ હરમનસિંઘ સિદ્ધુ મધરાત્રિના સમયે અકસ્માત થવાની શક્યતા વધુ હોવાનો મત વ્યક્ત કરે છે.
બીબીસી સાથે વાત કરતા અગાઉ તેમણે કહ્યું હતું, "મધરાત્રિના સમયે વાહન ચલાવવાથી શરીરની સર્કેડિયન સાઇકલ પર વિપરીત અસર પડે છે."
"તેથી ભલે ડ્રાઇવર પોતે જાગૃત અવસ્થામાં હોવાનો દાવો કરતો હોય પરંતુ આ સમયે તેમની પ્રતિક્રિયાઓ સામાન્ય કરતાં ધીમી પડી ગઈ હોય છે. જેથી આ સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે."
આ વાત સાથે સંમત થતાં રોડ સેફ્ટી ઍક્ટિવિસ્ટ અરુણ શ્રીવાસ્તવ જણાવ્યું હતું, "રાત્રિના સમયે કુદરતી રીતે શરીરની પ્રતિક્રિયાપ્રણાલી ધીમી પડી જાય છે."
"પ્રતિક્રિયાનો સમય વધી જવાને કારણે હાઇવે પર રાત્રિ દરમિયાન અકસ્માતો સર્જાય છે. અને આવું ગમે તેટલા અનુભવી ડ્રાઇવર સાથે પણ શક્ય છે."
અરુણ શ્રીવાસ્તવે હાઈવે પર લૉ અને હાઈ બીમ લાઇટ અંગે પ્રવર્તતી અજ્ઞાનતા વિશે વાત કરતાં કહ્યું હતું, "આપણે ત્યાં રસ્તા પર ઘણા લોકો પાસે વાહન તો આવી ગયાં છે પરંતુ તેને ચલાવવા માટે પૂરતું જ્ઞાન અને સભાનતા નથી આવી."
"ઘણા લોકો વાહનોમાં LED લાઇટો લગાવીને ફરે છે. પરંતુ તેમને આ લાઇટોનો ઉપયોગ ખબર નથી હોતી. તેઓ આ લાઇટો એવી રીતે ઉપયોગમાં લે છે જેથી સામેવાળા વાહનચાલકને થોડા સમય માટે લગભગ અંધાપો આવી જાય છે."
'ઝડપની મજા મોતની સજા'
અરુણ શ્રીવાસ્તવ રાત્રિના સમયે વાહનોની ઝડપને અકસ્માતનાં મુખ્ય કારણોમાં સર્વોચ્ચ સ્થાને મૂકે છે.
તેમણે કહ્યું હતું, "રાત્રિના સમયે હાઈવે પર અન્ય વાહનોની અવરજવર ન હોવાના કારણે મોટાં વાહનોના ડ્રાઇવરોને મોકળું મેદાન મળી જાય છે. જે જોઈને તેઓ પોતાનું વાહન પૂરઝડપે હંકારવા લાગે છે."
"બીજી તરફ કુદરતી પ્રતિક્રિયાનો સમય સામાન્ય કરતાં વધી જવાથી આ સમય દરમિયાન અકસ્માત થવાની શક્યતા વધી જાય છે."
આ સિવાય હરમનસિંઘ સિદ્ધુ વાહનચાલક દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થોની અસર હેઠળ હોવાથી પણ અકસ્માતની શક્યતા વધી જતી હોવાનો મત વ્યક્ત કરે છે.
તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, "એક તરફ રાત્રિના સમયે પહેલાંથી શરીરની પ્રતિક્રિયા ધીમી પડી ગઈ હોય છે અને દારૂ કે અન્ય પદાર્થોના સેવનથી શરીરની પ્રતિક્રિયા વધુ ધીમી પડી શકે છે. તે કારણે વધુ ઝડપથી ચાલતાં વાહનોના અકસ્માત થવાની શક્યતા વધી જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન