બંગાળની ખાડીની સિસ્ટમ અતિ મજબૂત બની આગળ વધી, ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.

એક સિસ્ટમ હાલ મધ્ય પ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંથી આગળ વધી રહી છે.

બંગાળની ખાડીમાં બનેલો લૉ-પ્રેશર એરિયા આગળ વધીને મધ્ય પ્રદેશ પર પહોંચ્યો છે અને ત્યાં પહોંચતાં જ તે અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે. આ સિસ્ટમ હજી પણ એક-બે દિવસ સુધી ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે.

શનિવારે પણ આ સિસ્ટમ અને ઑફ શૉર ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને બીજા ઘણા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ?

મધ્ય પ્રદેશ પર અત્યારે બનેલી અતિ મજબૂત સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર નહીં આવે પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાન પર જશે અને ત્યાં વધારે અસર કરે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા બુલેટીન પ્રમાણે ગુજરાતમાં 4 અને 5 ઑગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ બે દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે.

જે બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ હવામાન વિભાગે પ્રમાણે આખા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ સતત ચાલુ રહેશે.

ગુજરાત રીજનમાં આગામી ત્રણ દિવસ સુધી સતત ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અને અહીં વરસાદનું જોર ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. ગુજરાત રીજનમાં દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 ઑગસ્ટની આસપાસથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ હળવો અને છૂટોછવાયો થઈ જશે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં 11 ઑગસ્ટ સુધી વરસાદનું જોર ફરીથી વધે તેવી શક્યતા દેખાતી નથી. જેથી ઘણા વિસ્તારોમાં વરાપ નીકળે તેવી સંભાવના છે.

ભારે વરસાદ કયા જિલ્લામાં, ક્યાં પડશે ઓછો?

હવામાન વિભાગે પ્રમાણે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલી તથા સેલવાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાના કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં અમરેલી તથા ભાવનગરમાં 4 ઑગસ્ટના રોજ થોડો વધારે વરસાદ થઈ શકે છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદ થવાની શક્યતા છે.

જે બાદ 6 ઑગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે.

હાલની સ્થિતિ પ્રમાણે 1 જૂનથી 4 ઑગસ્ટ સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 21 ટકા વધારે વરસાદ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં સરેરાશ કરતાં સૌથી વધારે 200 ટકા, પોરબંદર જિલ્લામાં સરેરાશ કરતાં ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ કરતાં 37 ટકા ઓછો વરસાદ થયો છે.