ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદ, કયા જિલ્લામાં ક્યારે વધશે જોર?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 10 જુલાઈથી 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત બીજા વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કુલ વરસાદના 47.54 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. હજી જુલાઈ મહિનાના 10 દિવસ જ પૂરા થયા છે અને ત્યાં સુધીમાં રાજ્યમાં 50 ટકાની નજીકનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગ પ્રમાણે 12 અને 13 જુલાઈની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરીથી વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતાં વધારે રહેશે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં વરસાદ ઓછો રહેશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળશે.

હાલ બંગાળની ખાડીમાં જે લૉ-પ્રેશર એરિયા બન્યો છે તે આગળ વધશે અને મધ્ય ભારત તરફ આવશે. હાલની સ્થિતિ પ્રમાણે તેની વધારે અસર ગુજરાતને થવાની શક્યતા ઓછી છે. મધ્ય ભારત પર આવતા સુધીમાં આ સિસ્ટમ નબળી પડી જાય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદને કારણે ડૅમોમાં નવાં પાણીની આવક થઈ છે અને 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં 24 ડૅમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 53 ડૅમમાં 70 ટકા કરતાં વધારે પાણીનો જથ્થો છે. હાલ 38 જેટલા ડૅમ હાઈ ઍલર્ટ પર છે.

ગુજરાતમાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પડે છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન