ગુજરાતમાં કૉંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા કાઢી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગાંધીનગરમાં આવેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના રાજ્યના મુખ્ય મથક ‘કમલમ્’માં કેટલાક સમયથી ધમધમાટ ચાલી રહ્યો છે. સળંગ બંધબારણે થતી બેઠકોના દોરમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કૉર્પોરેટર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને 10 ઑગસ્ટથી રાજ્યમાં શરૂ કરવામાં આવેલી ‘તિરંગા યાત્રા’ સફળ બનાવવાના ટાસ્ક અપાઈ રહ્યા છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટથી તિરંગા યાત્રાની શરૂઆત કરશે.
નોંધનીય છે કે નવમી ઑગસ્ટથી સૌરાષ્ટ્રમાં મોરબીથી કૉંગ્રેસે ‘ન્યાયયાત્રા’ શરૂ કરી છે. એટલે તેના એક દિવસ બાદ જ ગુજરાત ભાજપ દ્વારા શરૂ થનારી તિરંગા યાત્રાને રાજકીય વિશ્લેષકો લોકસભા ચૂંટણીઓ બાદ કૉંગ્રેસની કથિત વધતી લોકપ્રિયતાની અસર ખાળવા માટે કૉંગ્રેસના ન્યાયયાત્રાના કાર્યક્રમના વિરોધમાં આપવામાં આવેલા કાર્યક્રમ તરીકે જોઈ રહ્યા છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે 'ગુજરાતમાં યોજાઈ રહેલી ભાજપની આ તિરંગા યાત્રા કૉંગ્રેસની ન્યાયયાત્રાની સામે રાષ્ટ્રવાદ જગાવવાનો પ્રયાસ છે. કારણ કે એક તરફ ગુજરાત કૉંગ્રેસ સામાજિક ન્યાયના મુદ્દાઓને લઈને યાત્રા કરી રહ્યો છે, ત્યારે ભાજપ એના રાષ્ટ્રવાદના મૂળ એજન્ડાને લઈ લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યો છે.'
ભાજપ તિરંગા યાત્રા કેમ કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
તિરંગા યાત્રામાં ચાર મહાનગરોમાં પરેડ સાથે તિરંગા સેલ્ફી, તિરંગા સ્પર્ધા, ઉપરાંત ખાસ આદિવાસી નૃત્યો, અને સૌરાષ્ટ્રના ગરબાના ટૅબ્લૉ રાખવાનું સરકારે ખાસ આયોજન કર્યું છે.
ભાજપ દ્વારા યોજાઈ રહેલી તિરંગાયાત્રાના આયોજન વિશે બીબીસી સાથેની વાતચીતમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, "રાષ્ટ્રપ્રેમની વાતને રાજકારણ સાથે ના જોડવી જોઈએ. આઝાદીના અમૃત મહોત્સવ વખતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. આ વર્ષે પણ તિરંગા યાત્રા કરવામાં આવી રહી છે. તેમાં 2200થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ છે. આ રાષ્ટ્રભાવનાની વાત છે, રાજકારણ નથી."
તેમણે યાત્રાના સ્વરૂપની વિગતો આપતાં કહ્યું, "આ વર્ષે ગુજરાતનાં 14 હજાર ગામડાંમાં તિરંગા વિતરણ અને તિરંગા યાત્રા થશે. આ વર્ષે તિરંગા યાત્રાનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે. 50 લાખ તિરંગાઓનું વિતરણ થશે."
"એસ. ટી. બસમાં ટ્રાફિક સિગ્નલ પર તિરંગાઓનું વિતરણ થશે. દુકાનો, લારી રિક્ષાવાળાઓને પણ તિરંગાનું વિતરણ થશે. જેથી દરેક વ્યક્તિ પોતાનાં ઘર અને ધંધાનાં સ્થળોએ તિરંગો લહેરાવી શકશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BBC/ Harsh Sanghavi FB
તેમણે વધુમાં જણાવ્યું, "એમાંય ચાર મહાનગરોમાં મોટાપાયે આયોજન કરાયું છે. જેમાં 10 અને 11 ઑગસ્ટે રાજકોટ અને સુરતમાં યોજાનાર તિરંગા યાત્રામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે. પી. નડ્ડા અને સી. આર. પાટીલ હાજર રહેશે. જ્યારે 12 અને 13 ઑગસ્ટ વડોદરા અને અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન થશે."
"આ ચાર જગ્યાએ સૌરાષ્ટ્રના અલગ-અલગ રાસ-ગરબા, આદિવાસી નૃત્યોના ટૅબ્લૉ ઉપરાંત પોલીસ, અર્ધલશ્કરીદળોની પરેડ અને બૅન્ડ હશે. શાળાઓમાં તિરંગા સ્પર્ધા યોજી ઈનામ અપાશે. આ રાષ્ટ્રવાદની વાત છે, રાજકારણ નથી."
કૉંગ્રેસના સામાજિક ન્યાયના એજન્ડા સામે ભાજપનો રાષ્ટ્રવાદનો એજન્ડા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસની ન્યાયયાત્રા અને ભાજપની તિરંગા યાત્રા આ બન્ને પક્ષો માટે સમાજમાં પોતાની વિચારધારાનો વ્યાપ વધારવા અને તેને સઘન બનાવવાના કાર્યક્રમો હોવાનું રાજકીય વિશ્લેષકો કહે છે.
વરિષ્ઠ સમાજવિજ્ઞાની રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી સાથેની વાતચીતમાં ભાજપ અને કૉંગ્રેસની વિચારધારાઓની વાતને ઐતિહાસિક વલણો સાથે દર્શાવતાં કહે છે, "ભાજપની તિરંગા યાત્રા હોય કે કૉંગ્રેસની ન્યાયયાત્રા બંને આ પક્ષોની વિચારધારાનો પ્રચાર કરે છે. 1991થી શરૂ થયેલો ઉદારવાદ, 1999 સુધીમાં ઉદારવાદ અને બહુમતીવાદમાં પરિવર્તિત થયો છે."
તેમણે ઉમેર્યું, "ભારતના રાજકારણના સંદર્ભમાં જોઈએ તો આઝાદીથી અત્યાર સુધીના સમયગાળાને ત્રણ ભાગમાં જોવું જોઈએ, 1947થી 1974 સુધી નવા કાયદાઓ, સંસ્થાનો બન્યાં અને ત્રણ વડા પ્રધાનો અને એક પક્ષ રહ્યો. જ્યારે 1974 થી 1999 સુધીમાં 10 વડા પ્રધાનનાં 13 કાર્યકાળ, 7 પક્ષ અને 14 આંદોલનો થયાં."
"પછી 1999થી 2024 સુધી સ્થિરતા આવી આ સમયમાં ભાજપે ઉદારવાદને રાષ્ટ્રવાદ સાથે હિંદુ બહુમતીવાદ સાથે જોડ્યો. જ્યારે કૉંગ્રેસ ઉદારવાદની સાથે સાથે સામાજિક ન્યાયને વળગી રહીને ચાલ્યો છે. હવે જગતભરમાં સામાજિક ન્યાયની વાત ચાલી રહી છે."
તેમણે કહ્યું, "ઍથિકલ ડેવલપમેન્ટ વિષય પર અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગલિટ્ઝના પુસ્તકની ચર્ચા છે, ત્યારે કૉંગ્રેસ ગુજરાતમાં બનેલી અકસ્માતની ઘટનાઓ, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા સામાજિક ન્યાય સાથે સંકળાયેલા મુદ્દા ઉઠાવી રહી છે. જેને નિમ્ન મધ્યમવર્ગ અને ઓછી આવક ધરાવતાં સામાજિક જૂથોનું સમર્થન મળી રહ્યું છે, એટલે એ ન્યાય સાથે વિકાસની વાત કરે છે."
કૉંગ્રેસની રણનીતિ વિશે વાત કરતાં વિદ્યુત જોશી કહે છે, "કૉંગ્રેસને હવે લાગી રહ્યું છે કે સામાજિક ન્યાયની વાત સાથે વિકાસની વાતને લોકો સુધી લઈ જવા માટે મૂવમેન્ટ કરવી પડશે. એટલે તેમણે ન્યાયયાત્રા કાઢી છે."
"તેનો ઉદ્દેશ જેને બહુમતીવાદ સાથે વિકાસનો લાભ નથી મળ્યો, એમને અંકે કરવા રાજ્યમાં થયેલા અકસ્માતોની ઘટનાઓ, ભ્રષ્ટાચાર, સરકારી નોકરી, પરીક્ષા ખેડૂતોને નુકસાન વગેરે સામાજિક ન્યાયના મુદ્દા સાથે બહાર નીકળ્યા છે."
"તેની સામે ભાજપે રાષ્ટ્રવાદ સાથે વિકાસને લઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. તેમાં જેમને વિકાસનો લાભ મળ્યો છે, એ ભાજપ સાથે ફરી જોડાશે."
"તો જેને લાભ નથી મળ્યોએ સામાજિક ન્યાયયાત્રા સાથે જોડાશે. એટલે બંને પક્ષ પોતાના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે."
'ભાજપે હવે કૉંગ્રેસ સામે કાર્યક્રમો આપવા પડે છે'

ઇમેજ સ્રોત, Getty Images
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી સેવાનિવૃત્ત થયેલા પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ઘનશ્યામ શાહ આ વાત સાથે સહમત છે.
એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં સામાજિક ન્યાયની ઘણી વાતો હવે સપાટી પર આવી રહી છે, એટલે કૉંગ્રેસ આ ન્યાય યાત્રા કરી રહી છે."
"તિરંગાયાત્રા ભૌતિક મુદ્દો નથી ભાવનાત્મક મુદ્દો છે, દરેક લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારના કાર્યક્રમ વિકાસ અને રાષ્ટ્રવાદ સાથે હિંદુવાદની જુગલબંધી છે, કોઈપણ સેન્ટિમેન્ટ લાંબો સમય ચાલતા નથી, જે નરેન્દ્ર મોદીને ખબર છે."
"એટલે ગુજરાતમાં 2002 પછી 2003થી ઉદ્યોગપતિઓને લાવી સિંગલ વિન્ડો સિસ્ટમથી ઇન્વેસ્ટમેન્ટ લાવી 2007થી 2012 સુધી મિડલ ક્લાસની ખરીદશક્તિ વધારવા પ્રોત્સાહન આપ્યું, જેથી ખરીદશક્તિ વધી અને ઉત્પાદન વધ્યું. અત્યારે કાગળ પર આવક વધી છે, પણ મોંઘવારીને કારણે ખરીદશક્તિ ઘટી છે. મધ્યમવર્ગની બચત ઓછી થઈ છે."
"બૅન્કમાં સેવિંગ્સ ડિપોઝિટ ઘટી છે, ત્યારે લોકોને આશા હતી કે બજેટમાં મધ્યમવર્ગને ફાયદો થશે. પણ એ નહીં થતા, ભાજપની મુખ્ય વોટબૅન્ક એવા મધ્યમવર્ગમાં ગણગણાટ શરૂ થયો છે. સમાજ કલ્યાણ યોજનાઓમાં ગરીબોને મફત અનાજ આપવાને કારણે ખેડૂત નારાજ છે."
"શૈક્ષણિક સંસ્થાઓમાં વધારો કર્યો જેના કારણે યોગ્ય શિક્ષણ મળતું નથી. જેથી શિક્ષિત બેકારોની સંખ્યા વધી છે, ત્યારે વિકાસ સાથે હિંદુત્વના રાષ્ટ્રવાદથી સેન્ટિમેન્ટ જગાવવાનો પ્રયાસ છે."
"અત્યાર સુધી કૉંગ્રેસને ભાજપના કાર્યક્રમો સામે વિરોધ કાર્યક્રમો કરવા પડતા હતા. પણ હવે પહેલીવાર ભાજપ કૉંગ્રેસના કાર્યક્રમો સામે કાર્યક્રમો પ્રોગ્રામ કરે છે."
જોકે, ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે આ યાત્રામાં કોઈ રાજકારણ હોવાનો ઇનકાર કરે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભાજપના ચૂંટાયેલા સભ્યો ભાજપના કાર્યકર છે. સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી તિરંગા યાત્રાથી લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ કરવાનો પ્રયાસ કરે એમાં કોઈ રાજકારણ નથી."
શું કહે છે કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, Parthivrajsinh Kathwadia/FB
કૉંગ્રેસ તિરંગા યાત્રાને ભાજપનો કૉંગ્રસને મળી રહેલા જનસમર્થનનો ડર ગણાવી રહી છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભાજપ કૉંગ્રેસની ન્યાયયાત્રાની સામે આ પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં ભાજપની માતૃસંસ્થા આરએસએસના મુખ્ય કાર્યાલય પર 51 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરક્યો નથી. ગુજરાતમાં સુરતનો તક્ષશિલાકાંડ, મોરબીનો ઝૂલતો પૂલ તૂટવો, રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ સહિત સંખ્યાબંધ કિસ્સામાં લોકોને ન્યાય નથી મળ્યો."
"એમનો અવાજ ઉઠાવવાની કોશિશ સામે ભાજપ આ વર્ષે ભવ્ય તિરંગા યાત્રા કરી લોકોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કરે છે, પણ લોકસભાનાં પરિણામો પછી ભાજપને પગ નીચેથી ધરતી સરકતી દેખાય છે. કૉંગ્રેસ ધરાતલની સમસ્યા લઈને નીકળી છે, એનો ડર ભાજપને છે."
ગુજરાતમાં ભૂતકાળમાં થયેલી યાત્રાઓથી ભાજપને થયેલો ફાયદો

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર 1990માં એલ. કે. અડવાણીએ સોમનાથથી કાઢેલી રામ રથયાત્રાથી ભાજપને રાષ્ટ્રીય કક્ષાએ મોટો રાજકીય ફાયદો થયો હતો.
ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી એમણે કાઢેલી યાત્રાઓથી ભાજપની સાથે સાથે તેમની વ્યક્તિગત છબીને પણ ફાયદો થયો હતો. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2002માં ગુજરાતમાં થયેલી હિંસા બાદ નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં ફાગવેલથી ગૌરવયાત્રાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ નર્મદા યોજનાની ઊંચાઈ વધારવાની માંગણી સાથે એપ્રિલ 2005માં 51 કલાકના ઉપવાસ કર્યા હતા.
‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ મોદી ભાજપમાં કેશુભાઈ પટેલના સમર્થકોનો સામનો કરી રહ્યા હતા. ત્યારે 2007ની ચૂંટણી પહેલાં વનબંધુ કલ્યાણ યોજના, માછીમારો માટે સાગરખેડુ યોજના મહિલાઓ માટેની યોજનાઓ 2005થી 2007માં જાહેર કરી વિકાસયાત્રાઓનું આયોજન કર્યું હતું. ભાજપને તેનો મોટો ફાયદો ચૂંટણીમાં મળ્યો હતો.
2012ની વિધાનસભા ચૂંટણી સમયે કેશુભાઈ પટેલે ‘મહાગુજરાત જનતા પાર્ટી’ કરી મોદી સામે રણશિંગુ ફૂંક્યું ત્યારે ભાજપે સપ્ટેમ્બરમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કરી હતી, જેના કારણે ભાજપને ચૂંટણીમાં લાભ થયો હતો.

























