કચ્છમાં મુન્દ્રાની સ્કૂલમાં બાળકોનો 'ઈદની નમાજ પઢતો' વીડિયો વાઇરલ, પ્રિન્સિપાલ સસ્પેન્ડ, શું છે વિવાદ?

પ્રકાશિત

કચ્છના મુન્દ્રામાં આવેલી એક પર્લ્સ સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં કથિત રીતે સ્કૂલનાં બાળકોને નમાજ પઢતા જોઈ શકાય છે.

જોકે બીબીસી આ વીડિયાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.

બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ વીડિયો વાઇરલ થતા હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો સ્કૂલ પર આવી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ શાળાનાં પ્રિન્સિપાલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે અને શાળામાં કરેલા આ આયોજન અંગે તપાસ શરૂ કરાઈ છે.

આ મામલે ડીડીઓ એસ. કે. પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું, "અમને માહિતી મળી અને જે વીડિયો જોયો છે એમાં મુન્દ્રા તાલુકાની ખાનગી પ્રાથમિક શાળા પર્લ્સ છે. એમાં ગઈ કાલે ઈદની ઉજવણીમાં આ રીતની પ્રવૃત્તિનો વીડિયો જાણવા મળ્યો છે."

"તાત્કાલિક મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે. તાલુકા શિક્ષણની ટીમ ત્યાં રવાના કરી છે અને માહિતી મેળવી લેશું."

તેમણે વધુમાં કહ્યું કે "શાળાના સંચાલકને વાત કરીને શાળાનાં આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. રિપોર્ટ બાદ ખરેખર ખબર પડશે કે આવું આયોજન કઈ રીતે થયું છે."

શાળાનાં પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયો છે તેમાં સ્કૂલનાં કેટલાંક બાળકો નમાજ પઢી રહ્યાં છે અને બાદમાં એકબીજાને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે.

માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આ ઘટનાને વખોડી છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે "ગઈ કાલે ઈદના દિવસની જાહેર રજા હોવા છતાં પર્લ્સ સ્કૂલના સંચાલક અને પ્રિન્સિપાલે બાળકોને ફરજિયાત સ્કૂલમાં બોલાવ્યાં હતાં. સ્કૂલ બોલાવીને તેમને નમાજ પઢતાં શીખવાડવામાં આવી હતી."

"અમે સદભાવના સાથે ચાલીએ છીએ, પણ કોઈના ઉપર ધર્મ ઠોકી બેસાડવો એ જરા પણ વાજબી નથી. કોઈ છોકરા તુલસીની માળા પહેરીને આવે તો શિક્ષકો આવવાની મનાઈ કરે છે. અને નમાજ પઢતા શીખવાડે એ ક્યાંનો ન્યાય છે."

તેમણે કહ્યું કે "જિલ્લા શિક્ષણ અધિકારીને આવાં તત્ત્વો સામે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લાશિક્ષણ અધિકારીએ પ્રિન્સિપાલને સસ્પેન્ડ પણ કરી દીધાં છે. આવનારા દિવસોમાં નિયમોનુસાર શાળા પર કાર્યવાહી કરવામાં આવશે."

શાળાનાં આચાર્યે માફી માગી

નોંધનીય છે કે આ ઘટના પછી શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલે માફી માગી છે.

પર્લ્સ સ્કૂલનાં પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પ્રીતિ વાસવાણીએ આ વિવાદ બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને માફી માગી હતી અને સ્પષ્ટતા આપી હતી.

તેમણે વીડિયોમાં જણાવ્યું, "28 જૂન, બુધવારે, અમે ઈદ સંબંધિત પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. જેનાથી કેટલાંક વાલીઓ અને સંસ્થાઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. અમારો ઇરાદો કોઈને દુઃખ કે નુકસાન પહોંચાડવાનો જરા પણ નહોતો."

"અમે તે માત્ર તહેવાર માટે કર્યું હતું. તેમ છતાં જો કોઈને દુ:ખ પહોંચ્યું હોય કે કોઈની લાગણી દુભાઈ હોય તો હું તેના માટે માફી માગું છું અને તમને ખાતરી આપું છું કે હવેથી કોઈ પણ સંસ્થા અથવા માતાપિતાની લાગણીઓને ઠેસ પહોંચે તેવી કોઈ પ્રવૃત્તિ અથવા સ્પર્ધાનું આયોજન કરવામાં નહીં આવે."

તો ઇન્ચાર્જ નાયબ શિક્ષણ અધિકારી કમલેશ કટારિયાએ જણાવ્યું કે "જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, મુન્દ્રાની એક પર્લ્સ નામની સ્કૂલ છે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં કોઈ ચોક્કસ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે અને ફરિયાદને આધારે ટીમ બનાવી છે. તપાસ બાદ જે કંઈ તથ્ય જણાશે એ પ્રમાણે સ્કૂલ સામે કડક કાર્યવાહી કરાશે."