ગુજરાતનાં શહેર 'વાયર ફ્રી' બનશે, શું છે પ્લાન?

ગુજરાતનાં શહેર 'વાયર ફ્રી' બનશે, શું છે પ્લાન?
પ્રકાશિત

ગુજરાતનાં 17 મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા 151 મહાનગરપાલિકાઓ 'વાયર ફ્રી' બનશે.

તબક્કાવાર ગુજરાતના શહેરી વિસ્તારોની વીજલાઇનોને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવશે.

પહેલા તબક્કામાં લગભગ 14 હજાર 600 સર્કિટ કિલોમીટરના હાઇટેન્શન ઓવરહેડ નૅટવર્કને ભૂમિગત કરવામાં આવશે.

ત્યારબાદ 31 હજાર 400 સર્કિટ કિલોમીટરના લો-ટેન્શન ઓવરહેડ નૅટવર્કને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે 'ગુજરાત વાયર ફ્રી સિટી મિશન' માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ કામગીરીને વર્ષ 2030 સુધીમાં પૂર્ણ કરી દેવાશે.

એવામાં શહેરો સ્માર્ટ અને સુરક્ષિત બને તથા સાતત્યપૂર્ણ વીજપુરવઠો જળવાય રહે, તે માટે રાજ્ય સરકારે આના માટે રૂ. 500 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ વરસાદ અને ભારે પવનને કારણે વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે.

આ સિવાય ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જ્યાં સમયાંતરે વાવાઝોડાં ત્રાટકતાં હોય છે. આથી, ઘણીવખત વીજપુરવઠો ખોરવાઈ જતો હોય છે.

ત્યારે રાજ્ય સરકારનું કહેવું છે અંડરગ્રાઉન્ડ વીજલાઇનોને કારણે શહેરો સ્માર્ટ અને સુરક્ષિત બનશે. અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન