કેરળ : કન્વેન્શન સેન્ટરમાં બે બૉમ્બ બ્લાસ્ટ, એક વ્યક્તિનું મૃત્યુ, અનેક ઘાયલ

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત

કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બે બૉમ્બ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટોમાં 25 લોકો ઘાયલ થયા છે, જેમાંથી પાંચ ગંભીર રીતે ઘાયલ છે.

યહોવાહ વિટનેસ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસથી આ કાર્યક્રમ ચાલતો હતો. રવિવારે તેનો છેલ્લો દિવસ હતો.

યહોવાહ કન્વેન્શન એક ખ્રિસ્તી સમુદાય છે. પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું છે કે તેમણે જોરદાર વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.

કેરળના એડીજીપી લૉ ઍન્ડ ઑર્ડર અજિત કુમારે બીબીસીને જણાવ્યું છે કે હોલમાં બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટ સમયે હૉલમાં લગભગ બે હજાર લોકો હતા.

તેમણે જણાવ્યું કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે હજુ સુધી એક વ્યક્તિના મોત અને 25 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.

કેરળના મુખ્ય મંત્રી પી. વિજયને આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો છે.

સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર તેમણે કહ્યું છે કે, “તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે પણ વાત કરી છે. તપાસ બાદ અમને વધુ માહિતી મળશે.”

સમાચાર ઍજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્ય મંત્રી પી. વિજયન સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે એનઆઇએ અને એનએસજીને સ્થળ પર પહોંચીને ધટનાની તપાસનો આદેશ આપ્યો છે.

કેરળનાં સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યૉર્જે જિલ્લાની હૉસ્પિટલોને ઍલર્ટ આપ્યું છે અને રજા પર રહેલા તમામ કર્મચારીઓને પણ પાછા ફરવા તાકીદ કરી છે.