આફ્રિકાના બોત્સવાનામાં દુનિયાનો બીજો સૌથી મોટો હીરો મળ્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Lucara Diamond
દક્ષિણ આફ્રિકાના દેશ બોત્સવાનામાં દુનિયાનો બીજો સૌથી મોટો હીરો મળ્યો છે. તેના મૂળ સ્વરૂપમાં આ હીરો 2492 કૅરેટનો છે. આ કેનેડિયન કંપની લુકારા ડાયમંડની બોત્સવાના ખાતે આવેલી એક ખાણમાંથી નીકળ્યો છે.
આની પહેલાં 1905માં આફ્રિકામાં 3106 કૅરેટનો કુલિનન ડાયમંડ મળ્યો હતો. તેને અલગ-અલગ નવ ટુકડામાં કાપવામાં આવ્યો હતો. તેમાંથી અનેક બ્રિટનના શાહી મુગટમાં લગાવવામાં આવ્યા છે.
દુનિયાનો બીજો સૌથી મોટો હીરો બોત્સવાનાની કેરો ખાણમાંથી મળ્યો છે. આ બોત્સવાનાની રાજધાની ગેબોરોનથી 500 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં છે.
બોત્સવાનાની સરકારે કહ્યું કે આ કોઈ દક્ષિણ આફ્રિકન દેશમાં મળેલો સૌથી મોટો ડાયમંડ છે.
આની પહેલાં 2019માં બોત્સવાનામાં જ 1758 કૅરેટનો હીરો મળ્યો હતો.
બોત્સવાના દુનિયાનો સૌથી મોટો હીરા ઉત્પાદક દેશ છે. અહીં દુનિયાના 20 ટકા હીરાનું ઉત્પાદન થાય છે.
કોલકતા રેપ કેસ : આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં તબીબ સાથે બળાત્કાર અને હત્યા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે તબીબોના સંગઠનને જણાવ્યું હતું કે નેશનલ ટાસ્ક ફૉર્સ દ્વારા તમામ પક્ષકારોને સાંભળવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કોર્ટે કહ્યું હતું કે જો તબીબો કામ નહીં કરે તો સાર્વજનિક આરોગ્યસેવાઓ કેવી રીતે ચાલશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેશભરમાં યોજાયેલાં વિરોધપ્રદર્શનોની વચ્ચે સર્વોચ્ચ અદાલતે આરોગ્યકર્મી તેમાં પણ વિશેષ કરીને મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા મુદ્દે વિચાર કરવાના હેતુસર રાષ્ટ્રીય ટાસ્ક ફૉર્સનું ગઠન કર્યું છે. આ દળને ત્રણ અઠવાડિયાંમાં વચગાળાનો તથા બે મહિનામાં અંતિમ અહેવાલ સુપ્રત કરવા જણાવવામાં આવ્યું છે.
કોર્ટે પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવા માટે કહ્યું છે, સાથે જ એઇમ્સ નાગપુરના કર્મીઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ કામ ઉપર પાછા ફરશે, એ પછી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.
એઇમ્સ નાગપુરના તબીબોનું કહેવું હતું કે વિરોધપ્રદર્શનને કારણે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવતા.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારી હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ પ્રત્યે અમે સંવેદનશીલ છીએ. કોર્ટે સીબીઆઈનો રિપોર્ટ ધ્યાને લીધો છે. અપ્રાકૃતિક મૃત્યુ નક્કી થાય, તે પહેલાં જ શબનું પૉસ્ટમૉર્ટમ કરી દેવાયું એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે.
સુપ્રીમ કોર્ટે સૌ પહેલાં મહિલા તબીબનાં મૃત્યુ વિશેનો કેસ દાખલ કરનારા કોલકતા પોલીસના અધિકારીને પણ હાજર રહેવા આદેશ આપ્યો છે.
સીબીઆઈએ ઉચ્ચતમ અદાલતને કહ્યું હતું કે શંકાના આધારે પીડિતના મિત્રની પૂછપરછ કરવામાં આવી છે તથા તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. કોલકતા પોલીસે પહેલાં પીડિતાનાં માતા-પિતાનો સંપર્ક કરીને આત્મહત્યા કરી હોવાની વાત કહી હતી, એ પછી હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે પીડિતાના અંતિમસંસ્કાર થઈ ગયાં, એ પછી રાત્રે પોણા અગ્યાર વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી. જે સૌથી ચોંકાવનારી બાબત છે.
બાબર આઝમની વિરાટ કોહલી સાથે તુલના થતાં સોશિયલ મીડિયામાં ટ્રૉલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં પહેલી ટેસ્ટ મૅચ દરમિયાન બાબર આઝમ શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. એ પછી તેમનું સોશિયલ મીડિયામાં ટ્રૉલિંગ શરૂ થયું તથા અનેક મીમ્સ પણ બનવાં લાગ્યાં.
પહેલી ટેસ્ટ મૅચમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતી વેળાએ પાકિસ્તાનનું પ્રારંભિક પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, તેણે માત્ર 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
બાબર આઝમ માત્ર બે બૉલ રમી શક્યા હતા. શોરિફુલ ઇસ્લામે ફેંકેલો બૉલ રમવા જતા લિટન દાસના હાથ તેઓ કૅચ આઉટ થયા હતા.

ઇમેજ સ્રોત, chixxsays/X
છેલ્લાં કેટલાંક વર્ષોથી બાબર આઝમે પાકિસ્તાન માટે સાતત્યપૂર્ણ બેટિંગ કરી છે તથા તેમની સરખામણી વિરાટ કોહલી સાથે પણ થાય છે.
આ અંગે એક વ્યક્તિએ ટ્વીટમાં લખ્યું, "વિરાટ કોહલી સાથે બાબર આઝમની સરખામણી ક્રિકેટ ઇતિહાસની સૌથી ખરાબ તુલના છે."

ઇમેજ સ્રોત, AussiesArmy/X
ઑસિસ આર્મીએ ઍક્સ હૅન્ડલ પર બાબર આઝમની ટીકા કરતા લખ્યું કે તેઓ સ્ટીવ સ્મિથ, જો રૂટ, કૅન વિલિયમ્સન કે વિરાટ કોહલી જેવા બૅટ્સમૅન નથી.
વધુ એક યૂઝરે બાબરની ટીકા કરતા લખ્યું કે તેઓ માત્ર ફ્લૅટ પીચ પર રન બનાવી શકે છે, ઘાસવાળી હરિયાળી પીચ પર નહીં.
અમદાવાદ-વડોદરા વચ્ચે દોડશે વંદે ભારત મેટ્રો

ઇમેજ સ્રોત, IndianTechGuide/X
ભારતીય રેલવે દ્વારા ગુજરાતના અમદાવાદ તથા વડોદરા સ્ટેશનની વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા જે.કે. જયંતને ટાંકતા અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે આ અંગે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તથા આગામી દિવસોમાં જરૂરી પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
નવી સેવાનો હેતુ દરરોજ અપડાઉન કરનારાનો સમય બચે, ક્ષમતાવૃદ્ધિ થાય તથા કનૅક્ટિવિટી વધે એવો છે. તાજેતરમાં કાલુપુર રેલવેસ્ટેશન પરથી 20 ડબ્બાવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી હતી, જેણે મહત્તમ 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હાંસલ કરી હતી.
ભારત યુદ્ધમાં નહીં બુદ્ધમાં વિશ્વાસ રાખે છે- મોદી

ઇમેજ સ્રોત, ANI
યુક્રેન જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલૅન્ડ પહોંચ્યા હતા અને રાજધાની વોર્સોમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા.
પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું, "આવા સ્વાગત બદલ હું તમારો ખૂબ જ આભારી છું. ભારતીય મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, 45 વર્ષ બાદ કોઈ વડા પ્રધાન પોલૅન્ડ આવ્યા છે. ઘણાં સારાં કામ મારા નસીબમાં લખ્યાં છે."
રશિયા અને યુક્રેનની લડાઈ વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું, "ભારત બુદ્ધનો વારસો ધરાવતી ધરતી છે. અમે યુદ્ધમાં નહીં, શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ. આ ભૂખંડમાં ભારત શાંતિનું હિમાયતી છે."
તેમણે ઉમેર્યું, "ભારત સ્પષ્ટ છે કે આ યુદ્ધનો યુગ નથી. આ સમય એક થઈને માનવતા માટે જોખમરૂપ પડકારોને પહોંચી વળવાનો સમય છે, એટલે જ ભારત ડિપ્લોમસી તથા ડાયલૉગ ઉપર ભારત મૂકે છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડા પ્રધાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલૅન્ડનાં નિરાધાર બાળકોને આશ્રય આપનારા જામનગર (તત્કાલીન નવાનગર) તથા કોલ્હાપુરના રાજવીઓના સ્મૃતિસ્મારક પર પુષ્પચક્ર અર્પિત કર્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























