ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો જળબંબાકાર

ઇમેજ સ્રોત, Hanif Khokhar
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર અને કચ્છ સૌથી વધુ અસરગ્રસ્ત છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારથી અમુક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. જોકે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સ્થિતિને જોતાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વાત કરી છે. પાણીના નિકાલ અને ફસાયેલા લોકોના સ્થળાંતર પર ભાર આપવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે.

ઇમેજ સ્રોત, Sachin Pithava
જૂનાગઢસ્થિત બીબીસીના સહયોગી હનીફ ખોખર જણાવે છે, "જૂનાગઢમાં શનિવારે બપોર બાદ વરસાદ થંભી ગયો છે પણ ભારે વરસાદના કારણે ઓઝત, ઊબેણ, ભાદર, હિરણ સહિતની નદીઓમાં પૂર આવ્યાં છે અને એનાં પાણી ઘેડ વિસ્તારમાં ભરાઈ ગયાં છે. પાણી ભરાવાના કારણે સુત્રેજ, ખમીતાણા, મટિયાણા, ઈન્દ્ર સહિતનાં પાંચથી છ ગામો સંપર્કવિહોણાં થઈ ગયાં છે. આ ગામોમાં રહેતા 2500થી વધુ લોકો ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. "
હનીફ ખોખરે ઉમેર્યું, "પોરબંદર જિલ્લામાં આવતા ઘેડ વિસ્તારનાં કેટલાંક ગામો પણ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયાં છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ઊંધી રકાબી જેવો છે. જેના કારણે અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારમાંથી પાણી ઓસરતાં અને સ્થિતિ પૂર્વવત્ થતાં અંદાજે અઠવાડિયાનો વખત લાગશે. ઘેડ વિસ્તારમાં ખાસ કરીને ખેતરોમાં રહેતા લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે."
રાજકોટસ્થિત બીબીસીએ સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર જેતપુરના બાવાપીપળિયા ગામમાં ઊબેણ નદીમાં આવેલા પૂરથી ગાયોનું ધણ ‘તણાઈ’ ગયું હતું. બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં ગામના સરપંચે જણાવ્યું હતું કે ‘નદીમાં પાણી આવતાં 30 જેટલાં પશુ તણાઈ ગયાં હતાં.’
સુરેન્દ્રનગરસ્થિત બીબીસીના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું કે ‘ભારે વરસાદના કારણે જિલ્લાના લીંબડીના પરનાળા ગામમાં કેડ સમાં પાણી ભરાઈ ગયાં હતાં. પરનાળા ગામને લીંબડી સાથે જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગામ સંપર્કવિહોણુ બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ અમરેલીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અમરેલીસ્થિત બીબીસીના સહયોગી ફારુખ કાદરી જણાવે છે કે ભારે વરસાદથી ચલાલા શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયાં હતાં.

સ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર
રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતને જોતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી.
તેમણે ટ્વિટ કરી જણાવ્યું ‘ગુજરાતમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિથી અસરગ્રસ્ત લોકોને સરકાર શક્ય એટલી મદદ કરવા તન્મયતાથી લાગેલી છે. મે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને જાણકારી લીધી છે. NDRF અને SDRFની ટીમ તથા સ્થાનિક પ્રશાસન આ વિસ્તારમાં લોકોની મદદમાં લાગેલાં છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ કઠિન સમયમાં લોકોની સાથે ઊભી છે. ’

ડૅમમાં પાણીની આવક વધી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારે વરસાદને કારણે નદીનાળાં છલકાઈ ગયાં છે અને ડૅમમાં પાણીની આવક વધી છે.
જૂનાગઢથી બીબીસીના સહયોગી હનીફ ખોખરના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ઘેડના સુત્રેજ ગામના બે લોકો નદીના પુરથી જીવ બચાવવા વીજપોલ પર ચડી ગયા હતા. 10 કલાક સુધી NDRFની ટીમે પૂરમાં ફસાયેલા આ બે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પાણીના તીવ્ર પ્રવાહથી બોટ આગળ ન વધી શકતાં અંતે જામનગરથી હેલિકૉપ્ટર મંગાવાયું હતું અને બંનેને બચાવી લેવાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં 10થી 15 ઇંચ વરસાદ પડ્યો છે અને ભારે વરસાદથી જિલ્લાની સૌથી મોટી ગણાતી ઓઝત નદીનાં પાણી ઘેડનાં ગામડાંમાં ફરી વળ્યાં હતાં. ભારે વરસાદને લીધે ગામડાં પણ જાણે કે બેટમાં ફેરવાઈ ગયાં હતાં.
કેશોદના ખામીદાણા ગામના રસ્તો પાણીમાં ધોવાઈ ગયો અને રોડ પણ તૂટી ગયો હતો. તો અમરેલી-સાવરકુંડલાના જુનાસવાર ગામે રોડ પર 4 4 ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં.
સાવરકુંડલા-લીલિયાને જોડતા જૂનાસાવર ગામ પાસેથી ચાર નદીઓ નીકળતી હોવાથી ગામની સ્થિતિ કફોડી બની હતી. બાયડના દેરોલીથી સાઠંબા રોડ પર મહોર નદીના કોઝ વે પર પાણી ફરી વળતાં સાતથી વધુ ગામો મુશ્કેલી મુકાયા હતા.
જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદને લીધે ઉબેણ ડૅમ ઓવરફ્લો થયો હતો. ડૅમમાં નવાં નીરની આવક થતા ખેડૂતોએ વરસાદને વધાવ્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.

હજુ પણ વરસાદની આગાહી

તો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાં ઓછા વરસાદ પડી શકે છે.
આગાહી અનુસાર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીના વિસ્તારોમાં શુક્રવાર કરતાં શનિવારે વરસાદ ઓછો રહેશે. જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય. તો બીજી બાજુ, કચ્છ જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી.
બીજી બાજુ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.
છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં ક્યાંક છુટોછવાયો તો ક્યાંક સારો વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અહીં અતિભારે વરસાદની શક્યતા નથી.
























