પ્રકાશસિંહ બાદલ : દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્ય મંત્રીની સફર

ઇમેજ સ્રોત, BBC/GOPAL SHOONYA
- લેેખક, ખુશહાલ લાલી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
પ્રકાશસિંહ બાદલ ભારતીય રાજકારણના વરિષ્ઠ પ્રાદેશિક નેતાઓ પૈકીના એક હતા.
તેઓ પાંચ વખત પંજાબના મુખ્ય મંત્રી બન્યા હતા અને 1996થી 2008 સુધી શિરોમણી અકાલી દળના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા.
પ્રકાશસિંહ 1970માં 43 વર્ષની વયે મુખ્ય મંત્રી બનેલા સૌથી યુવાન નેતા હતા. 2017માં મુખ્ય મંત્રી તરીકે તેમનો પાંચમો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે તેઓ સૌથી મોટી વયના મુખ્ય મંત્રી હતા.
તેઓ 1979થી 1980 સુધી કેન્દ્રની ચૌધરી ચરણસિંહના વડપણ હેઠળની સરકારમાં કૃષિમંત્રી બન્યા હતા, પરંતુ એ પછી તેમણે કેન્દ્ર તરફ ક્યારેય પાછું વાળીને જોયું ન હતું અને પોતાનું સંપૂર્ણ ધ્યાન રાજ્યના રાજકારણ પર કેન્દ્રિત કર્યું હતું.
પ્રકાશસિંહ બાદલ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા અકાલી પક્ષના નેતા હતા, પરંતુ તેમણે હિન્દુત્વવાદી વિચારધારાવાળા ભારતીય જનતા પક્ષ સાથે ગઠબંધન કરીને સત્તા મેળવી હતી. બાદલના વિરોધીઓ પણ તેમની મજબૂત અને ગાઢ રાજનીતિના પ્રશંસક છે.
બાદલના મુખ્ય મંત્રી તરીકેના 2012-2017 કાર્યકાળ દરમિયાન બે વખત આવું થયું હતું.
પહેલી વખત કૉંગ્રેસ અને બીજી વખત આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમના નિવાસસ્થાન બહાર ધરણાં કરવા આવ્યા ત્યારે તેમણે તેમના માટે મંડપ બાંધી આપ્યો હતો તથા તેમનું સ્વાગત કરવા પોતે આવ્યા હતા તેમજ તેમની સાથે વાતચીત કરી હતી.
હવે પ્રકાશસિંહ બાદલના જીવન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ પળો વિશે જાણીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જન્મ અને શિક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશસિંહ બાદલનો જન્મ 1927ની 8 ડિસેમ્બરે બઠિંડા જિલ્લાના અબુલ-ખુરાના ગામમાં થયો હતો. તેમના માતાનું નામ સુંદરીકોર અને પિતાનું નામ રઘુરાજસિંહ હતું.
તેમણે પ્રાથમિક શિક્ષણ એક સ્થાનિક શિક્ષક પાસેથી મેળવ્યું હતું અને પછી લમ્બીની એક સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો. સ્કૂલે તેઓ ઘોડા પર સવારી કરીને જતા હતા.
હાઈસ્કૂલમાં અભ્યાસ માટે તેઓ ફિરોજપુરની મનોહરલાલ મેમોરિયલ હાઈ સ્કૂલમાં ગયા હતા. કૉલેજમાં અભ્યાસ માટે તેમણે શીખ કૉલેજ, લાહોરમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ સ્થળાંતર પછી તેમણે ફોરમેન ક્રિશ્ચિયન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
તેઓ પીસીએસ અધિકારી બનવા ઇચ્છતા હતા, પરંતુ અકાલી નેતા જ્ઞાની કરતારસિંહના પ્રભાવમાં આવીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા.
સરપંચની ચૂંટણીથી રાજકારણની શરૂઆત
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રકાશસિંહ બાદલની રાજકીય કારકિર્દીની શરૂઆત 1947થી થઈ હતી. તેઓ તેમના પિતા રઘુરાજસિંહની માફક બાદલ ગામના સરપંચ બન્યા હતા. એ પછી તેમને લંબી બ્લૉક સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
1956માં પેપ્સુ સ્ટેટ પંજાબમાં સામેલ થઈ ત્યારે કૉંગ્રેસ અને અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. અન્ય અકાલીઓની માફક બાદલ પણ 1957માં પંજાબ વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા અને પહેલી વાર વિધાનસભ્ય બન્યા હતા.
પ્રકાશસિંહ બાદલનો સમાવેશ એવા નેતાઓમાં થતો હતો, જેઓ અકાલી દળ માટે એક અલગ ઓળખની અને દેશમાં પ્રાદેશિક પક્ષોને મજબૂત બનાવવાની હિમાયત કરતા રહ્યા હતા.
એ અલગ વાત છે કે 1997માં દેશના પ્રાદેશિક પક્ષોએ કૉંગ્રેસના ટેકાથી એચડી દેવગૌડાના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની રચના કરી ત્યારે પ્રકાશસિંહ બાદલ ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ સાથે જોડાઈ ગયા હતા.
પ્રકાશસિંહ બાદલ પોતે કહેતા હતા કે તેઓ શરૂઆતથી જ કૉંગ્રેસના પ્રખર ટીકાકાર છે. પંજાબ પ્રાંત મોરચાથી માંડીને ધર્મયુદ્ધ મોરચે અને પંજાબમાં સત્તાની લડાઈ માટે તેમણે કાયમ કૉંગ્રેસ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.
કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા પછી અકાલી દળમાં સામેલ થવા બાબતે એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે “મને કૉંગ્રેસમાં શરૂઆતથી ક્યારેય ભરોસો ન હતો.”

સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્ય મંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશસિંહ બાદલ 1969-70ની મધ્યસત્ર ચૂંટણી અકાલી દળના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને પંજાબની સૌપ્રથમ બિન-કૉંગ્રેસી સરકારમાં મંત્રી બન્યા હતા.
જસ્ટિસ ગુરનામસિંહની એ સરકાર જનસંઘ (હાલનો ભાજપ)ના સહયોગ વડે બની હતી. બીજી વાર વિધાનસભ્ય બનેલા પ્રકાશસિંહ બાદલ એ સરકારમાં વિકાસ વિભાગના મંત્રી બન્યા હતા. તેમણે પંચાયતી રાજ, પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રાલયની જવાબદારી પણ સંભાળી હતી.
1970માં રાજ્ય સભા ચૂંટણી દરમિયાન અકાલી દળના ઉમેદવારની હારને કારણે અકાલી દળના તત્કાલીન વડા સંત ફતેહસિંહે જસ્ટિસ ગુરનામસિંહને હટાવીને પ્રકાશસિંહ બાદલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
પ્રકાશસિંહ બાદલ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા ત્યારે 43 વર્ષના હતા. તેઓ 1967માં એક જ વખત ચૂંટણી હાર્યા હતા. એ પછી 1969થી 2017 સુધી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા ન હતા.
જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમીતસિંહ ખુડ્ડિયા સામે તેમનો પરાજય થયો હતો. એ તેમની છેલ્લી ચૂંટણી હતી.
તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ 1975ની 25 જૂને સમગ્ર દેશમાં કટોકટી લાદી હતી. તેને કારણે કૉંગ્રેસવિરોધી વાતાવરણ રચાયું હતું અને તેનો ફાયદો બિન-કૉંગ્રેસી પક્ષોને થયો હતો.
1977ની ચૂંટણીમાં અકાલી દળ તથા જનતા પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવી હતી અને પ્રકાશસિંહ બાદલ બીજી વખત મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ 1977થી 1980 સુધી સત્તા પર રહ્યા હતા.
એ પછી 1997થી 2002 સુધી ત્રીજી વખત મુખ્ય મંત્રી બન્યા હતા અને તેમણે પહેલી વખત પુરા પાંચ વર્ષ શાસન કર્યું હતું. એ પછી 2007થી 2012 અને 2012થી 2017 સુધી સતત બે વખત મુખ્ય મંત્રી બનીને પ્રકાશસિંહ બાદલે પંજાબમાં નવો રાજકીય વિક્રમ સર્જ્યો હતો.
ફેબ્રુઆરી, 2017માં અકાલી દળના પરાજય પછી પ્રકાશસિંહ બાદલે રાજીનામું આપ્યું ત્યારે તેમની વય 90 વર્ષ હતી.

સંઘર્ષનો પ્રારંભ

ઇમેજ સ્રોત, Getty Images
દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય, ગુરુદ્વારા સુધારણા આંદોલન હોય કે આઝાદી બાદ પંથ તથા પંજાબના મુદ્દે લડવાનું હોય, અકાલી દળને પ્રારંભથી જ સંઘર્ષ સાથે સંબંધ રહ્યો છે.
એ બધામાં અકાલી દળ કાયમ આગળ રહ્યું છે. માસ્ટર તારાસિંહ અને ટકસાલી પંથના અન્ય નેતાઓ ટેકાએ પ્રકાશસિંહ બાદલને પક્ષના શિસ્તબદ્ધ તથા વફાદાર કાર્યકર બનાવી દીધા હતા.
લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહે એક લેખમાં લખ્યું છે કે પ્રકાશસિંહ બાદલની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ પક્ષ પ્રત્યે કાયમ વફાદાર રહ્યા હતા અને જરાય ખચકાટ વિના પક્ષના આદેશનું પાલન કરતા રહ્યા હતા. બાદલને ઘણા નિર્ણય વ્યક્તિગત રીતે પસંદ ન હતા, પરંતુ પક્ષે સોંપેલું કામ તેઓ પૂરી નિષ્ઠાથી કરતા હતા.
તરલોચનસિંહે આગળ લખ્યું છે કે “બંધારણના અનુચ્છેદ 25માં સુધારાની માગણી સાથે અકાલી નેતાઓ બંધારણની કૉપી ફાડશે, એવો નિર્ણય સંત હરચંદસિંહ લોંગોવાલે 1983માં કર્યો હતો. તેમ થતું અટકાવવાનું કામ જ્ઞાની ઝૈલસિંહે મને સોંપ્યું હતું. મેં ફોન કરીને બન્ને વચ્ચે વાત કરાવી દીધી હતી, પરંતુ પ્રકાશસિંહ બાદલ માન્યા ન હતા. તેમણે કહ્યું હતું કે સંત લોંગોવાલના આદેશ વિના તેઓ અટકશે નહીં.”
કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી અકાલી દળ સાથે સમજૂતી કરવાના મૂડમાં હોવાનો દાવો પણ તરલોચનસિંહે કર્યો છે.

ઇમેજ સ્રોત, SAD
1975ની 25 જૂને કટોકટી લાદ્યા પછી અનેક મોટા નેતાઓને રાતોરાત જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અકાલી દળની પહેલી ટુકડીએ 1975ની 9 જુલાઈએ ધરપકડ વહોરી લીધી હતી. એ પહેલાં એકેય નેતાની ધરપકડ કરવામાં આવી ન હતી.
અકાલી દળના જણાવ્યા અનુસાર, પ્રકાશસિંહ બાદલે પહેલી જ ટુકડીમાં ધરપકડ વહોરી લીધી હતી અને 19 મહિના સુધી જેલમાં રહ્યા હતા.
પ્રકાશસિંહ બાદલ જ્ઞાની કરતારસિંહને પોતાના રાજકીય ગુરુ માનતા હતા. માસ્ટર તારાસિંહ અને સંત ફતેહસિંહ જેવા મોટા નેતાઓના વડપણ હેઠળ પ્રકાશસિંહ બાદલ અકાલી દળમાં સક્રિય રહ્યા હતા.
તેમણે પંજાબી સૂબા મોરચા, કપૂરી મોરચા અને ધર્મયુદ્ધ મોરચામાં સક્રિય રીતે ભાગ લીધો હતો. તેમણે જીવનના અનેક વર્ષ જેલમાં પસાર કર્યાં હતાં. પ્રકાશસિંહ બાદલે પોતે એક વખત મીડિયામાં દાવો કર્યો હતો કે તેઓ 17 વર્ષ જેલમાં રહ્યા છે.
પંજાબ સરકારના સામયિક ‘જાગૃતિ’ના ડિસેમ્બર, 2012ના અંકમાં વરિષ્ઠ પત્રકાર ઇરવિન ખન્નાએ તો બાદલ 25 વર્ષ જેલમાં રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
બાદલના ટેકેદારો તેમને નેલ્સન મંડેલા પછી સૌથી વધુ સમય જેલમાં રહ્યા હોય તેવા રાજનેતા ગણાવે છે. એ કારણે ભાજપના એક ભૂતપૂર્વ મંત્રી તીક્ષ્ણ સુદે તો 2011માં તેમને નોબલ શાંતિ પુરસ્કાર આપવાની માગણી પણ કરી હતી.
જોકે, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદરસિંહે એ દાવાને સદંતર ખોટો ગણાવતા જણાવ્યું હતું કે તેનો કોઈ રેકૉર્ડ નથી.

જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રકાશસિંહ બાદલને નેલ્સન મંડેલા કહ્યા

ઇમેજ સ્રોત, PARKASH SINGH BADAL /SAD
2015માં જયપ્રકાશ નારાયણની 113મી જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશસિંહ બાદલને તેમની હાજરીમાં જ ભારતના નેલ્સન મંડેલા તરીકે સંબોધિત કર્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “બાદલસાહેબ અહીં બેઠા છે. તેઓ ભારતના નેલ્સન મંડેલા છે. બાદલસાહેબનો ગુનો એટલો જ હતો કે તેમના વિચાર સત્તાધીશ લોકોના વિચારથી અલગ હતા.”
નરેન્દ્ર મોદીના ઉપરોક્ત નિવેદન બાદ શરૂ થયેલા ટ્વિટર ટ્રેન્ડ વિશેનો એક અહેવાલ હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારમાં 2015ની 11 ઑક્ટોબરે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બાદલને નેલ્સન મંડેલા કહ્યા પછી ટ્વિટર પર ટ્રોલિંગ થઈ રહ્યું છે અને YoBadalSoMandela ટ્રેન્ડ થઈ રહ્યું છે.
એ સમાચાર ધ ટ્રિબ્યુન અખબારે પણ પ્રકાશિત કર્યા હતા.
અકાલી દળના સંઘર્ષનો સમય 16થી વધુ વર્ષનો નથી એટલે બાદલ 15-17 વર્ષ જેલમાં રહ્યા હોય તે શક્ય નથી.

પરિવારવાદ અને કવર કલ્ચર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશસિંહ બાદલ દાયકાઓ સુધી અકાલી દળના અગ્રણી નેતા હતા તેમાં કોઈ શંકા નથી. 1996થી 2008 સુધી તેઓ પોતે અકાલી દળના અધ્યક્ષ હતા અને એ પછી તેમણે સુખબીરસિંહ બાદલને અધ્યક્ષપદ સોંપ્યું હતું.
પ્રકાશસિંહ બાદલ સાથે જોડાયેલો સૌથી મોટો વિવાદ પરિવારવાદનો છે.
પ્રકાશસિંહ સત્તા પર આવ્યા પછી તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમના પુત્ર સુખબીરસિંહ બાદલ અકાલી દળના અધ્યક્ષ હતા, તેમના ભત્રીજા મનપ્રીત બાદલ નાણામંત્રી હતા, તેમના જમાઈ આદેશ પ્રતાપ કૈરોં નાગરિક પુરવઠા મંત્રી હતા અને તેમના દીકરાના સાળા વિક્રમસિંહ મજીઠિયા જનસંપર્ક મંત્રી હતા.
મુખ્ય મંત્રી તરીકેના બીજા કાર્યકાળમાં બાદલે તેમના પુત્ર સુખબીરને નાયબ મુખ્ય મંત્રી બનાવ્યા હતા. મનપ્રીત બાદલ જૂથબંધીને કારણે અકાલી દળ છોડીને કૉંગ્રેસમાં જોડાયા હતા અને 2017માં કૉંગ્રેસની સરકાર બની ત્યારે તેમાં નાણામંત્રી પણ બન્યા હતા એ અલગ વાત છે.
પ્રકાશસિંહ બાદલને કેન્દ્ર સરકારમાં સામેલ થવાની તક મળી ત્યારે તેમણે રણજિતસિંહ બ્રહ્મપુરા અને રતનસિંહ અજનાલા જેવા વરિષ્ઠ નેતાઓને પાછળ છોડીને સુખબીરસિંહનાં પત્ની હરસિમરતકોર બાદલને કેન્દ્રીય મંત્રી બનાવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PARKASH BADAL/SAD
પ્રકાશસિંહ બાદલ પર એવો આક્ષેપ પણ થતો રહ્યો હતો કે સત્તામાં આવ્યા પછી પણ તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડ્યું ન હતું. એ ઉપરાંત પોતાના રાજકીય સાથીઓ મારફત તેમણે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસજીપીસી)માં પણ પગદંડો જમાવી રાખ્યો હતો.
એસજીપીસીના અધ્યક્ષનું નામ પ્રકાશસિંહ બાદલ દ્વારા ચંડીગઢથી મોકલવામાં આવતા કવરમાંથી જાહેર થતું હોવાનો આક્ષેપ પણ પંજાબમાં થતો રહ્યો છે.
ગાંધી પરિવારના પરિવારવાદનો અકાલી દળ વિરોધ કરતું હતું, પણ અકાલી દળના વડા બાદલે જ પરિવારવાદને શિખરે પહોંચાડ્યો હતો.
1980ના દાયકામાં હિંસાને કારણે થયેલા જાનમાલના નુકસાન તથા હિંસામાં રાજનેતાઓની ભૂમિકા તપાસવા માટે એક સત્યશોધક પંચની રચનાની જાહેરાત તેમણે કરી હતી, પરંતુ સત્તા પર આવ્યા પછી તેઓ એ બધું ભૂલી ગયા હતા.
ચંડીગઢ પ્રેસ ક્લબમાં વરિષ્ઠ પત્રકાર જગતારસિંહે સત્યશોધક પંચ બાબતે સવાલ કર્યો ત્યારે બાદલે કહ્યું હતું કે “છોડો જી. જૂના ઘા શા માટે ખોતરો છો.”
જગતારસિંહ આ બાબતને બાદલની વચન પાલનની સૌથી મોટી નિષ્ફળતા માને છે.
ચંડીગઢ પંજાબને સોંપવાના, પંજાબી ભાષી ક્ષેત્રોને પંજાબમાં સામેલ કરવા અને નદી જળના વહેંચણી જેવા અકાલી દળના પરંપરાગત મુદ્દાઓનું નિરાકરણ પણ તેઓ કરી શક્યા ન હતા.

ભ્રષ્ટાચારના આરોપ

ઇમેજ સ્રોત, PARKASH BADAL/FB
પ્રકાશસિંહ બાદલના મુખ્ય મંત્રી તરીકેના 1997થી 2002ના કાર્યકાળ દરમિયાન તેમના પરિવાર તથા મંત્રીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વિધાનસભાની 2002ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો હતો અને બાદલ પરિવારને જેલમાં મોકલવાના નારા સાથે ચૂંટણી લડી હતી.
કૉંગ્રેસની સરકારની રચના થતાંની સાથે જ કૅપ્ટન અમરિંદરસિંહે બાદલ પરિવાર સામેના આવકના જાણીતા સ્રોત કરતાં રૂ. 3,000 કરોડની વધુની સંપત્તિના આરોપની તપાસ વિજિલન્સ બ્યૂરોને સોંપી દીધી હતી.
2003થી શરૂ થયેલી તપાસમાં પ્રકાશસિંહ બાદલ અને સુખબીરસિંહ બાદલની ધરપકડ પણ થઈ હતી, પરંતુ થોડા દિવસ બાદ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા.
મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ વિજિલન્સ બ્યૂરોએ માત્ર રૂ. 78 કરોડની ચાર્જશીટ પ્રસ્તુત કરી હતી. કૅપ્ટન અમરિંદરસિંહ સરકાર તેના પાંચ વર્ષના કાર્યકાળમાં એ આરોપ અદાલતમાં સાબિત કરી શકી ન હતી.
2007માં અકાલી દળ ફરી સત્તા પર આવ્યું હતું અને 2010 સુધીમાં તપાસ અધિકારી સહિતના બધા સાક્ષી ફરી ગયા હતા. પુરાવાના અભાવે બાદલ પિતા-પુત્ર બન્નેને અદાલતે નિર્દોષ છોડી મૂક્યા હતા.

બાદલ સામે વિરોધીઓના આક્ષેપ ફ્લોપ

ઇમેજ સ્રોત, PARKASH BADAL/FB
સત્તા પર હોય ત્યારે બાદલ પરિવાર પંજાબમાં માફિયાની માફક શાસન કરતો હોવાના આક્ષેપ પણ થયા હતા, પરંતુ બાદલ પરિવાર એનો સતત ઇનકાર કરતો રહ્યો છે. એ આરોપ એકેય અદાલતમાં પણ સાબિત થયા નથી.
સુખબીર બાદલના સાળા અને પ્રધાન વિક્રમ મજીઠિયા પર ડ્રગ્ઝ માફિયા તથા ખનન માફિયાને સંરક્ષણ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુખબીર બાદલ પર ખાસ કરીને ટ્રાન્સપૉર્ટ બિઝનેસ કબજે કરવાનો અને કૅબલ માફિયા તથા શરાબ માફિયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જોકે, આ બધું રાજકીય નિવેદનબાજી પૂરતું મર્યાદિત રહ્યું હતું. આ અહેવાલ લખાય છે ત્યાં સુધી બાદલ પરિવાર પરનો એકેય આક્ષેપ સાચો સાબિત થયો નથી.
એ દરમિયાન પ્રકાશસિંહ બાદલની આટા-દાલ યોજના, સંગત દર્શન, સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓને મફત સાયકલ આપવાની યોજના, સ્પૉર્ટ્સ ક્લબમાં કિટના વિતરણ અને પંજાબમાં માળખાકીય વિકાસ માટે કરવામાં આવેલાં તમામ કાર્ય સંબંધી તમામ આક્ષેપ ફગાવી દેવામાં આવ્યા હતા.
પ્રકાશસિંહ બાદલની જીવનના આઠમા દાયકા સુધીની સક્રિયતા અને લોકો સુધીની પહોંચને કારણે તેઓ લોકપ્રિય બની રહ્યા હતા.
પ્રકાશસિંહ બાદલે 2012માં ફરી સત્તા પ્રાપ્ત કરીને પંજાબના રાજકીય ઇતિહાસમાં સતત બીજી વખત મુખ્ય મંત્રી બનીને એક નવી તરાહ આરંભી હતી.

બાદલ અને બિનસાંપ્રદાયિક રાજનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
અકાલી દળની રચના શીખ સમુદાયના રાજકીય પ્રતિનિધિત્વ માટે કરવામાં આવી હતી, પરંતુ પ્રકાશસિંહ બાદલે તેને પંજાબી પાર્ટી નામ આપ્યું હતું.
પંજાબમાં સત્તા મેળવવા માટે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે રાજકીય યુતિ કરી હતી. બીજી તરફ શીખોનું ધાર્મિક નેતૃત્વ આરએસએસ શીખ સમુદાયના હિત વિરુદ્ધનું કામ કરતો હોવાનો આક્ષેપ કરતું હતું.
પંથના ઘણા નેતાઓએ પ્રકાશસિંહ બાદલ પર શીખ પરંપરાને નષ્ટ કરવાનો, પોતાના અંગત હિત માટે એસજીપીસી તથા અકાલ તખ્તનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ પંજાબના ચૂંટણી વિષયક રાજકારણમાં પ્રકાશસિંહ બાદલ તેમની સામે ક્યારેય હાર્યા ન હતા.
મુખ્ય મંત્રી તરીકેના 2012થી 2017ના કાર્યકાળ દરમિયાન શ્રી ગુરુગ્રંથ સાહેબના અપમાનની ઘટનાઓને કારણે પંથમાં બાદલ પરિવાર સામેનો વિરોધ વ્યાપક બન્યો હતો.
પ્રકાશસિંહ બાદલ તેમના મંત્રીઓ તથા નેતાઓ સાથે શ્રી અકાલ તખ્ત સાહિબ પહોંચ્યા હતા અને પોતાની ભૂલો માટે માફી માગી હતી, પરંતુ લોકોએ તેમનો વિશ્વાસ કર્યો ન હતો.
શ્રી ગુરુગ્રંથ સાહેબના અપમાનને વિરોધ પક્ષોએ ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો અને પ્રકાશસિંહ બાદલનો પક્ષ શિરોમણી અકાલી દળ તેના 100 વર્ષના ઇતિહાસમાં સૌથી નીચલા સ્તરે ધકેલાઈ ગયો હતો.
કૃષિકાયદા વિરુદ્ધના સંઘર્ષને કારણે અકાલી દળ(બાદલ)એ હરસિમરતકોર બાદલને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારમાંથી પાછાં બોલાવી લીધાં હતાં.
શિરોમણી અકાલી દળને ભાજપ સાથે લોહીનો સંબંધ હોવાનું જે બાદલ કહેતા હતા, તેમણે ભાજપ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો, પરંતુ ગામમાં અકાલીઓને લોકો ઘેરી રહ્યા હતા.
પ્રકાશસિંહ બાદલ રાજકીય રીતે નિવૃત્ત થઈ ગયા હોય તેમ ઘરમાં બેઠા રહ્યા હતા. તેઓ છેલ્લે 2022ની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.

જેટલા પુરસ્કાર એટલા જ વિવાદ

ઇમેજ સ્રોત, PUNJAB GOVT./JAGRITI
સુવર્ણ મંદિરની બરાબર સામે આવેલો અકાલ તખ્ત સાહિબ સિખ સમુદાયના સ્વતંત્ર રાજકીય અસ્તિત્વનું સૌથી મોટું પ્રતીક છે.
અકાલ તખ્તના પંજસિંહ સાહિબોએ 2011માં પ્રકાશસિંહ બાદલને પંથ રત્ન, ફખર-એ-કૌમ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
શીખ ઇતિહાસ તથા વારસાના સ્મારકોના નિર્માણ તેમજ શીખ ધર્મના પ્રચાર-પ્રસારમાં યોગદાન આપવા બદલ પ્રકાશસિંહ બાદલને તે સન્માન આપવામાં આવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે એ સમયે પંજાબમાં પ્રકાશસિંહ બાદલની જ સરકાર હતી અને શિરોમણિ કમિટી પર પણ અકાલી દળનું જ નિયંત્રણ હતું.
પંથના વર્તુળોને એવું લાગ્યુ હતું કે આ તો બાદલે પોતાનું જ સન્માન કરાવ્યું છે. તેથી તેમણે બાદલ પર શીખ પરંપરા પર આઘાત કરવાનો આક્ષેપ કર્યો હતો.
બેઅદબી કાંડ પછી નવેમ્બર, 2015માં બિન-બાદલ સંગઠનોએ તરનતારનના ચબામાં સરબત ખાલસા સંમેલનનું આયોજન કર્યું હતું અને પ્રકાશસિંહ બાદલને આપવામાં આવેલા પંથ રત્ન તથા ફખર-એ-કૌમ પુરસ્કાર પાછા લઈ લેવાનો ઠરાવ પસાર કર્યો હતો.
સરબત ખાલસા શીખ સમુદાયની પરંપરા છે. તેમાં લોકો એકઠા થાય છે, કોઈ મુદ્દે ઠરાવ પસાર કરે છે અને રાજકીય તથા ધાર્મિક નેતૃત્વને આદેશ આપે છે.
પ્રકાશસિંહ બાદલને ભાજપ અને અકાલી દળના શાસન કાળમાં દરમિયાન માર્ચ, 2015માં દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.



























