દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું એલાન: પાંચ ફેબ્રુઆરીએ થશે મતદાન, પરિણામ ક્યારે?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મંગળવારે જાહેરાત કરી છે.
દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે એક સાથે એક જ તબક્કામાં 70 બેઠકો પર મતદાન થશે. આજથી જ ચૂંટણીના એલાન સાથે દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
દિલ્હીમાં તમામ બેઠકો પર એક સાથે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થશે.
ચૂંટણીનાં પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.
દિલ્હીમાં કુલ મતદારો 1.55 કરોડ છે. જેમાં પુરુષ મતદારો 83.49 લાખ અને મહિલા મતદારો 71.73 લાખ છે.
85 વર્ષથી વધુ ઉંમરના મતદારો 1.09 લાખ છે.
દિલ્હીમાં કુલ 13,033 મતદાનમથકો પર મતદાન થશે.
ચૂંટણી કમિશનરે આરોપોના જવાબ આપ્યા

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પ્રેસ કૉન્ફરન્સમાં ઇવીએમ હૅક થવા અંગે, મતદાનની ટકાવારી વધવા અંગે પણ વિસ્તૃત જવાબો આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આંકડાઓ અને ઉદાહરણો સાથે સમજાવ્યું હતું કે ચૂંટણીપ્રક્રિયામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સાથે છેડછાડ શક્ય નથી અને સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ટાંક્યું હતું કે ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
તેમણે ફૉર્મ 17સી અંગે, વીવીપીએટી સ્લિપ અંગે ઊઠી રહેલા સવાલોનો પણ જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "ઇવીએમમાં નકલી મત પડવાની સંભાવના નથી, તેમાં વાઇરસ ન આવી શકે, ઇવીએમ હૅક ન થઈ શકે એ સર્વવિદિત છે."
મતદાનની ટકાવારી અંગે પણ ઊઠી રહેલા સવાલોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, "છ વાગ્યે ક્યારેય અંતિમ મતદાનની ટકાવારી જાહેર થઈ ન શકે. મતદાનની ટકાવારી સાથે કોઈ છેડછાડ થઈ શકે તેવી સંભાવના નથી. ભારતની ચૂંટણીપ્રક્રિયા એ આપણા સૌનો વારસો છે, સમગ્ર વિશ્વમાં ઉત્તમ સ્ટાન્ડર્ડ છે."
કયા પક્ષની કેવી તૈયારી?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે ભાજપે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત કૉંગ્રેસ પણ 40થી વધારે બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સામસામે આરોપો લગાવવાનું ચાલુ છે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી સાથે મળીને લડી હતી. હવે તેઓ એકબીજાની સામે છે અને નિવેદનો પણ આપે છે.
અત્યારે દિલ્હીનાં મુખ્ય મંત્રીપદે આતિશી છે અને અરવિંદ કેજરીવાલ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ખોટા સાબિત કરવા માટે જનતા વચ્ચે જાય છે.
દિલ્હીમાં લોકો વિધાનસભાની ચૂંટણીમાં આપને પસંદ કરે છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તમામ સાત સંસદીય બેઠકો ભાજપના ખાતે ગઈ છે.
બીજી તરફ શીલા દિક્ષીતની આગેવાનીમાં કૉંગ્રેસ એક દાયકા કરતા વધુ સમય સુધી દિલ્હીમાં સત્તા પર રહી હતી, પરંતુ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી નથી.
કૉંગ્રેસ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી, છતાં એક પણ બેઠક મળી ન હતી.
દિલ્હી વિધાનસભામાં કૉંગ્રેસ અને આપ અલગ-અલગ ચૂંટણી લડશે. ભાજપ પણ દિલ્હીમાં સત્તા પર આવવાના પ્રયત્નો કરે છે.
આવામાં દિલ્હીના લોકો કોને સાથ આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. હવે જાણી લઈએ કે ગઈ ચૂંટણીમાં કોણે કેવો દેખાવ કર્યો હતો, કોને કેટલા ટકા વોટ મળ્યા અને દિલ્હીમાં કયા મહત્ત્વના રાજકીય પક્ષો છે?
દિલ્હીમાં સૌથી મોટી ટક્કર કોની વચ્ચે છે?
દિલ્હીમાં આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર હોવાનું માનવામાં આવે છે.
આમ આદમી પાર્ટી હાલમાં એક દાયકા કરતા વધુ સમયથી સત્તા પર છે. 2014માં કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એવી જગ્યાએ પણ મજબૂત થયો છે જ્યાં તે એક સમયે હરીફાઈમાં ન હતો. દિલ્હીમાં અગાઉ શીલા દિક્ષીત વખતે ભાજપ સત્તા પર નહોતો આવતો અને હવે આપના કારણે સત્તા નથી મળી રહી.
2013માં આમ આદમી પાર્ટી કૉંગ્રેસની વિરુદ્ધ હોવા છતાં કૉંગ્રેસે તેને સાથ આપ્યો હતો. ત્યાર પછી કૉંગ્રેસના મતમાં સતત ઘટાડો થયો. કૉંગ્રેસના મતો આપના ખાતામાં જતા રહ્યા કારણ કે, ભાજપના મત 30 ટકાથી ઉપર જળવાયા છે.
આવામાં કૉંગ્રેસે પોતાની ગુમાવેલી સત્તા પ્રાપ્ત કરવા માટે આપ અને ભાજપનો પડકાર પાર કરવો પડશે.
છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં કેવાં પરિણામો આવ્યાં છે?

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
વર્ષ 2011માં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર સામે દિલ્હીમાં આંદોલન થયું હતું. અન્ના હજારે તેનો મુખ્ય ચહેરો હતા. અન્ના હજારેની સાથે આંદોલનમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા અને તેઓ કૉંગ્રેસની ઉગ્ર ટીકા કરતા હતા.
પરંતુ રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા.
2013માં કેજરીવાલની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઉતરી અને પહેલી જ ચૂંટણીમાં 70માંથી 28 બેઠકો જીતી. કૉંગ્રેસે આશ્ચર્યજનક રીતે આપને ટેકો આપ્યો અને તેથી કેજરીવાલ મુખ્ય મંત્રી બની ગયા.
2013 એ છેલ્લું વર્ષ હતું જેમાં દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 30 કરતા વધુ બેઠકો જીતી હતી. ત્યાર પછી તેને 10 બેઠકો પણ નથી મળી.
2013 પછી આપે પાછળ વળીને નથી જોયું.
2015 અને 2020માં આપે પોતાના બળે દિલ્હીમાં બહુમતથી સરકાર બનાવી હતી.
2013માં આપે 28 બેઠકો જીતી હતી અને 29 ટકાથી વધુ મત મેળવ્યા હતા. જ્યારે કૉંગ્રેસનો વોટશૅર લગભગ 25 ટકા હતો અને તેણે 8 બેઠકો જીતી હતી. આ સિવાય ભાજપને 30 ટકાથી વધુ વોટ મળ્યા અને 31 બેઠકો જીતી હતી.
2013ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, પરંતુ 2015માં તેને માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ વખતે પણ તેની વોટ ટકાવારી 30 ટકાથી વધુ રહી. જ્યારે આપે 67 બેઠકો જીતી અને 50 ટકાથી વધુ મત મેળવ્યા હતા. વોટની ટકાવારીની દૃષ્ટિએ કૉંગ્રેસ 10 ટકાના આંકડાને પણ સ્પર્શ કરી શકી ન હતી.
વર્ષ 2020માં પણ આપે 50 ટકાથી વધુ મત સાથે 60થી વધુ બેઠકો જીતી હતી. ભાજપે માત્ર આઠ બેઠકો જીતી હતી, પરંતુ તેને 30 ટકાથી વધુ વોટ મળ્યા હતા.
2015 અને 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ખાતું પણ ખોલાવ્યું ન હતું.
લોકસભાની ચૂંટણીમાં શું થયું?
2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ભાજપના ખાતે ગઈ હતી.
જોકે, ભાજપ વિરુદ્ધ વિરોધપક્ષોનાં સંયુક્ત ગઠબંધન 'ઇન્ડિયા'નો હિસ્સો કૉંગ્રેસ અને આપે 2024ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. આમ છતાં ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી.
2013ની વિધાનસભા ચૂંટણી પછી સરકાર બનાવવા માટે આપનો સાથ આપનાર કૉંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં પડખે રહી. પરંતુ થોડા જ મહિનામાં કેજરીવાલે સ્પષ્ટતા કરી દીધી કે અમે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા મેદાનમાં ઉતરીશું.
ત્યાર પછી કૉંગ્રેસ અને આપે એકબીજા વિરુદ્ધ ઉમેદવાર ઉતારી દીધા.
કઈ બેઠકો પર નજર રહેશે?

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
કૉંગ્રેસે નવી દિલ્હીની બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શીલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અહીંથી આપ વતી ચૂંટણી લડી રહ્યા છે.
કેજરીવાલે 2013માં આ બેઠક પર શીલા દિક્ષીતને હરાવ્યા હતા અને ત્યારથી આ બેઠક પર તેઓ વિધાનસભ્ય છે.
હાલમાં દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી સામે ભાજપે પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને કાલકાજીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત કૉંગ્રેસે પોતાનાં મહિલા એકમનાં પ્રમુખ અલકા લાંબાને ઉમેદવાર બનાવ્યાં છે.
આ વખતે આપે દિલ્હીના ભૂતપૂર્વ નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને જંગપુરા સીટ પરથી ઉતાર્યા છે. તેમના સ્થાને પાર્ટીએ પટપરગંજથી અવધ ઓઝાને ટિકિટ આપી છે.
આ વખતે દિલ્હીની ચૂંટણી કઈ રીતે અલગ છે?

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બરમાં તેમના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે જ્યાં સુધી જનતા તેમને આ પદ પર બેસવા માટે નહીં કહે ત્યાં સુધી તેઓ ફરીથી મુખ્ય મંત્રીની ખુરશી પર બેસશે નહીં.
આપે આતિશીને દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી તરીકે ચૂંટ્યાં હતાં, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે જો તેઓ ચૂંટણી જીતશે તો આગામી મુખ્ય મંત્રી કોણ હશે.
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દિલ્હીની શરાબ નીતિના કથિત કૌભાંડમાં જેલમાં ગયા હતા. બંને નેતાઓ અને આપનો આરોપ છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
આપે કહ્યું કે જનતા તેને ટેકો આપશે. જોકે, લોકસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં લોકો કોને ટેકો આપે છે તે જોવાનું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















