બીએચયુ વિદ્યાર્થિની પર કથિત ગૅંગરેપ : 60 દિવસ બાદ ત્રણ આરોપીની ધરપકડ, ભાજપ પર સવાલ કેમ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANURAG/BBC

    • લેેખક, ઉત્પલ પાઠક
    • પદ, વારાણસીથી બીબીસી માટે
  • પ્રકાશિત

આઈઆઈટી બીએચયુનાં વિદ્યાર્થિની સાથે કથિત ગૅંગરેપ મામલામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વારાણસીની એક કોર્ટે ત્રણેય આરોપીને 14 કલાકની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આરોપ પ્રમાણે આ ઘટના ગત એક નવેમ્બરના રોજ બીએચયુ કૅમ્પસમાં બની હતી.

ઘટનાના લગભગ 60 દિવસ બાદ ત્રણ આરોપી કુણાલ પાંડેય, આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસ પ્રમાણે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ પણ મળી આવી છે.

કાશી ઝોનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ધરપકડ બાદ ‘ત્રણેય આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.’

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓને રવિવારે સાંજે એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે ત્રણેયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

પોલીસે શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી

વારાણસીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલા અંગે બીબીસીને માહિતી આપી.

ડીસીપી રામસેવક ગૌતમે જણાવ્યું, “ત્રણેય આરોપીની શનિવારે મોડી રાત્રે તેમનાં ઘરોથી ધરપકડ કરાઈ. ત્રણેય આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.”

તેમણે કહ્યું, “આરોપીઓ પાસે રહેલા મોબાઇલ જપ્ત કરી લેવાયા છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલ પણ મળી આવી છે.”

આરોપીઓની ઘટનાના લગભગ 60 દિવસ બાદ ધરપકડ કરાઈ.

આ વિલંબ અંગે પુછાયેલા સવાલ અંગે ડીસીપી ગૌતમે કહ્યું, “આ ઘટના અંગે અમારું તપાસ અને શોધ અભિયાન ચાલુ હતું. આરોપીની ધરપકડ કર્યા પહેલાં તેમને સમય આપવો એ અમારી વ્યૂહરચનાનો એક ભાગ હતો.”

તેમણે કહ્યું, “પોલીસ ત્રણેય આરોપીઓ વિશે જાણકારી ભેગી કરી રહી છે. અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું તેમનો આગળનો પણ કોઈ ગુનાહિત રેકૉર્ડ છે ખરો. જરૂર પડશે તો તેમના પર ગૅંગસ્ટર ઍક્ટ પણ લગાવાશે.”

આરોપીઓ અંગે ભાજપને સવાલ

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ ચર્ચિત મામલામાં પકડાયેલા ત્રણેય આરોપી ભાજપના આઇટી સેલ સાથે જોડાયેલા હતા.

પાર્ટીના ઘણા મોટા નેતાઓ સાથે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

દાવા પ્રમાણે કુણાલ પાંડેય વારાણસીમાં ભાજપ આઇટી સેલના સંયોજક રહી ચૂક્યા છે.

તેમજ સક્ષમ પટેલ આઇટી સેલ કાર્યસમિતિના સભ્ય રહી ચૂક્યા છે.

સક્ષમ પટેલ અંગે દાવો કરાઈ રહ્યો છે કે તેઓ ભાજપના કાશી પ્રાંત નિવર્તમાન અધ્યક્ષ દિલીપ પટેલના અંગત સચિવ છે.

આ દાવાના સમર્થનમાં ત્રણેય આરોપીની સોશિયલ મીડિયા પ્રોફાઇલનો હવાલો અપાઈ રહ્યો છે. એક ભાજપ નેતાના લેટરહેડ પર તેમની નિમણૂકનું એલાન કરતો પત્ર પણ વાઇરલ થયો છે.

બીબીસી આ પત્રની સત્યતાની પુષ્ટિ નથી કરતું, પરતું ઘણા લોકો તે સાચો હોવાનો દાવો કરી રહ્યા છે.

ભાજપના નેતા પણ અનૌપચારિક વાતચીતમાં પાર્ટી સાથે તેમનો સંબંધ હોવાની વાત માની રહ્યા છે.

તાજા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે ભાજપે ત્રણેયને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

જોકે, ભાજપ તરફથી આ અંગે કોઈ જાહેરાત કે આધિકારિક નિવેદન જાહેર નથી કરાયું.

આરોપી કથિતપણે ભાજપના આઇટી સેલ સાથે જોડાયેલા હોવાના સવાલ અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું, “આ વાતની તપાસ પર કોઈ અસર નહીં પડે.”

શું છે મામલો?

આ મામલામાં દાખલ કરાયેલી એફઆઇઆર પ્રમાણે નવેમ્બર માસની એક તારીખની રાત્રે લગભગ દોઢ વાગ્યે આઈઆઈટી બીએચયુની બી. ટેક.ની વિદ્યાર્થિની પોતાની હૉસ્ટેલની બહાર ફરવા નીકળી હતી.

તેને થોડે દૂર આવેલી ગાંધી સ્મૃતિ છાત્રાલય ચાર રસ્તે એક મિત્ર મળી ગયો. બંને કર્મન વીર બાબા મંદિર પાસે હતાં ત્યારે જ બુલેટસવાર ત્રણેય આરોપીઓ ત્યાં પહોંચ્યા અને તેમને બળજબરીપૂર્વક રોકી લીધાં.

એફઆઇઆર પ્રમાણે આરોપીઓએ વિદ્યાર્થિનીના મિત્ર સાથે મારઝૂડ કરી અને બંદૂક બતાવીને વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કર્યાં બાદ તેની સાથે અશ્લીલ હરકત કરતી વખતે વીડિયો પણ બનાવ્યો.

આરોપીઓએ તેને ધમકી આપી કે જો તેમણે આ ઘટના અંગે વાત કરી તો તેઓ વીડિયો વાઇરલ કરી દેશે

આ ઘટના બાદ આરોપીઓની ધરપકડ અને કૅમ્પસમાં સુરક્ષામાં ચૂકના મુદ્દે આઈઆઈટી બીએચયુ અને બીએચયુના બીજા વિભાગોના વિદ્યાર્થીઓએ દસ દિવસ સુધી આંદોલન કર્યું.

એ બાદ બીએચયુ ચોકી ઇન્ચાર્જની બદલી કરી દેવાઈ અને સ્થાનિક લંકા સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા.

ભાજપે શું કહ્યું?

ભાજપના જિલ્લાધ્યક્ષ અને વિધાનપરિષદના સભ્ય હંસરાજ વિશ્વકર્મા
ઇમેજ કૅપ્શન, ભાજપના જિલ્લાધ્યક્ષ અને વિધાનપરિષદના સભ્ય હંસરાજ વિશ્વકર્મા

ભાજપના જિલાધ્યક્ષ અને વિધાન પરિષદના સભ્ય હંસરાજ વિશ્વકર્માએ એક અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે આરોપી આઇટી સેલના સભ્ય હતા.

તેમણે કહ્યું કે આ ઘટનામાં નામ આવતાં જ આરોપીઓને પાર્ટીમાંથી કાઢી મુકાયા હતા.

રવિવારે વારાણસીમાં ભાજપના ઘણા મોટા નેતા આ મામલાથી બચતા દેખાયા.

શહેર ઉત્તરના ધારાસભ્ય અને સ્ટૅમ્પ મંત્રી રવીન્દ્ર જાયસવાલે પણ મીડિયા સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

વિપક્ષના શાબ્દિક પ્રહાર

અજય રાય
ઇમેજ કૅપ્શન, અજય રાય

કૉંગ્રેસ આ મામલે ભાજપને આકરા પ્રશ્નો કરી રહી છે.

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અજય રાયે ઘટનાના અમુક દિવસ બાદ જ આરોપ કર્યો હતો કે આમાં ભાજપ અને વિદ્યાર્થી પરિષદના લોકો સામેલ છે. એ બાદ આ મામલા અંગે લંકા સ્ટેશને કેસ દાખલ કરાયો.

આરોપીઓની ધરપકડ બાદ અજય રાયે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર તેમની ભાજપ નેતાઓ સાથેની તસવીર પોસ્ટ કરી. તેમણે એક વીડિયો જાહેર કરીને પણ આ મામલે ફરી એક વાર પોતાનું નિવેદન આપ્યું.

સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

વિદ્યાર્થિની સાથે કથિત ગૅંગરેપ મામલામાં પકડાયેલા આરોપીઓને કઠોર સજાની માગણી કરતા સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય આશુતોષ સિંહાએ કહ્યું, “આજકાલ ઉત્તર પ્રદેશ અપરાધ પ્રદેશ બની ચૂક્યું છે. એ માટે ભાજપના નેતા જ જવાબદાર છે.”

તેમણે કહ્યું કે ભાજપના મહિલા સશક્તીકરણના નારા જેમ કે, ‘નારીવંદન’, ‘ઍન્ટિ-રૉમિયો’ અને ‘બેટી પઢાઓ-બેટી બચાઓ’ એ માત્ર વાતો છે.

પાર્ટીના પ્રવક્તા મનોજ રાય ધૂપચંડીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “નારીવંદનનો દેખાડો કરનાર ભાજપનો અસલ ચહેરો ફરી એક વાર સામે આવ્યો છે.”

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર ભાજપને આકરા સવાલ પૂછ્યા હતા. એ બાદ સ્થાનિક નેતાઓએ સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.

રેડ લાઇન
રેડ લાઇન