ઈરાન : કાસિમ સુલેમાનીની મઝાર નજીક વિસ્ફોટ, 100થી વધુનાં મૃત્યુ, અનેક ઘાયલ

પ્રકાશિત

ઇરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સના એક સમયે જનરલ રહેલા કાસિમ સુલેમાનીની હત્યાની ચોથી વરસી પર યોજાઈ રહેલા સમારોહમાં વિસ્ફોટ થયો છે.

સરકારી મીડિયા અનુસાર આ સમારોહમાં બે 'ભયાનક વિસ્ફોટોના અવાજો' સંભળાયા હતા.

મળી રહેલા સમાચાર અનુસાર આ વિસ્ફોટો કેરમાન શહેરના સાહેબ અલ-ઝમાન મસ્જિદ નજીક થયા છે. એક ઓનલાઇન વીડિયોમાં ઘટનાસ્થળે કેટલાય મૃતદેહો પડેલા જોઈ શકાય છે.

સેંકડો સંખ્યામાં લોકો જનરલ સુલેમાનની કબર તરફ ચાલી રહ્યા હતા ત્યારે જ આ વિસ્ફોટો થયા હતા.

ઈરાનમાં આપાતકાલીન સેવાઓની દેખરેખ કરનારા સંગઠને જણાવ્યું છે કે આ વિસ્ફોટથી મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

કરમન રેડ ક્રેસન્ટ સોસાયટીના મુખ્ય નિર્દેશક અનુસાર, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 50 ઘાયલ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

કરમનના ઉપરાજ્યપાલે જણાવ્યું છે કે, "આ ઘટના એક આતંકવાદી હુમલો છે."

કઈ રીતે થયો વિસ્ફોટ?

કરમન મેડિકલ ઇમરજન્સી સેન્ટરના પ્રમુખ શહાબ સાલેહી અનુસાર, આ ધડાકાના અવાજનું કારણ બે બૉમ્બવિસ્ફોટ હતા.

કરમનના મેયર સઇદ શેરબાફનું કહેવું છે કે બંને વિસ્ફોટો 10 મિનિટના અંતરે જ થયા હતા.

ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ પ્રમાણે, બૉમ્બને બે બૅગમાં રાખવામાં આવ્યા હતા અને દૂરથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ તરત જ લોકોને સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

આ વિસ્ફોટ કરમનમાં ગોલજાર શાહદાઈના રસ્તે આવેલી સાહિબુલ જમાન મસ્જિદ પાસે થયો હતો.

રેડ ક્રેસન્ટના સીઇઓનું કહેવું છે કે સમારોહમાં ખૂબ ભીડ હતી અને રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

તેમના જણાવ્યા અનુસાર ધડાકાના અવાજ અતિશય ભયાનક હતા.

ઈરાનની સરકારી ચેનલોએ જે તસવીરો બતાવી તેમાં લોકો ખૂબ ડરેલા લાગતા હતા.

કોણ હતા સુલેમાની?

આ વિસ્ફોટો કરમનમાં કાસિમ સુલેમાનીના મોતની ચોથી વરસી દરમિયાન થયા છે.

13 જાન્યુઆરી, 2018ના રોજ બગદાદમાં અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.

17 જાન્યુઆરી, 2018ના રોજ તેમના અંતિમસંસ્કાર સમારોહ દરમિયાન ભીડને કારણે 56 લોકોનાં મોત થયાં હતાં અને ત્યારબાદ તેમની દફનવિધિ સ્થગિત કરી દેવાઈ હતી.

ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ બાદ જનરલ સુલેમાની સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ ગણતા હતા.

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્યની બાબતોના જાણકારોનું માનવું છે કે મધ્ય-પૂર્વનાં કેટલાંય અભિયાનો, ઇરાકના શિયા લડવૈયાઓની શક્તિ, લેબનનનું સૈન્ય સંગઠન હેઝબોલ્લા, ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદ અને યમનના વિદ્રોહીઓ પાછળ કુદ્સ ફોર્સનું સમર્થન જવાબદાર હતું. જનરલ સુલેમાની આ જ કુદ્સ ફોર્સના વડા હતા.

કુદ્સ ફોર્સ ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સની એક શાખા છે, જે દેશની બહાર અભિયાનોને પાર પાડે છે અને તેના પ્રમુખ તરીકે મેજર જનરલ કાસિમ સુલેમાની સીધી રીતે દેશના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈ પરત્વે જવાબદાર હતા.

મધ્ય-પૂર્વમાં ઈરાનની મજબૂત બનેલી ભૂમિકાએ સુલેમાનીને સૈન્યનાયક બનાવી દીધા હતા. તેમના પર દસ્તાવેજી ફિલ્મો બની, અહેવાલો છપાયા અને પૉપ ગીતો પણ બન્યાં હતાં.

ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મની કોઈથી છૂપી નથી. જોકે, ઇરાકમાં થોડાં વર્ષો પહેલાં ઇસ્લામિક સ્ટેટના વધી રહેલા પ્રભાવને ખાળવા બન્ને દેશોને એક સાથે કામ કરવું પડ્યું હતું. વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને ઉખાડી ફેંકવા માટેના અભિયાન દરમિયાન ઈરાને અમેરિકાને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી.

તો વર્ષ 2008માં ઇરાકમાં કથળી રહેલી પરિસ્થિતિને થાળે પાડવા વૉશિંગ્ટન અને તહેરાનના પ્રતિનિધિઓ વાતચીત માટે બગદાદમાં મળ્યા હતા.

બીબીસીની ફારસી સેવાની એક દસ્તાવેજી ફિલ્મમાં ઇરાક ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત રાયન ક્રૉકરે બગદાદમાં યોજાયેલી આ વાતચીત પાછળ જનરલ સુલેમાનીએ ભજવેલી મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

પૂર્વ રાજદૂતે જણાવ્યું હતું, "વાતચીત દરમિયાન ઈરાનના રાજદૂત વારંવાર વિરામ લઈ રહ્યા હતા. એ વખતે મને નહોતું સમજાયું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે. જોકે, બાદમાં જાણ થઈ હતી કે જ્યારે પણ તેમને કોઈ બાબત અનુકૂળ નહોતી આવતી ત્યારે તેઓ તહેરાન ખાતે જનરલ કાસિમ સુલેમાનીને ફોન લગાવતા હતા."

છેલ્લાં 20 વર્ષમાં પશ્ચિમના રાષ્ટ્રો, ઇઝરાયલ અને આરબ જગતની શક્તિઓ દ્વારા સુલેમાનીની હત્યા કરવાના કેટલાય પ્રયાસો કરાયા હતા. જોકે, દર વખતે તેઓ વિરોધી શક્તિઓની આંખમાં ધૂળ નાખવામાં સફળ થયા હતા.

સુલેમાની અંતર્ગત આવતી કુદ્સ ફોર્સનું મુખ્ય કામ વિદેશોમાં સૈન્ય અભિયાનો પાર પાડવાનું હતું. સીરિયામાં વર્ષ 2011થી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં જ્યારે રાષ્ટ્રપતિ બસર અલ-અસદ પરાજયની નજીક હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિને એ સ્થિતિમાં ઉગાર્યા હતા. ઇસ્લામિક સ્ટેટને હરાવવા માટે પણ વિરોધી સૈન્યને સુલેમાનીએ હથિયાર પૂરાં પાડ્યાં હતાં.