You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય બૉલરોને અલાયદો બૉલ આપવાનો પાકિસ્તાની ખેલાડીનો આરોપ, શમીએ શું જવાબ આપ્યો?
ભારતમાં આયોજિત વનડે ક્રિકેટ વર્લ્ડકપમાં લીગ મૅચમાં ભારતીય ટીમના જબરદસ્ત પ્રદર્શનની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો અને પ્લેયરો ક્રિકેટનાં તમામ પાસાં પર આ વર્લ્ડકપની મૅચોમાં ભારતીય ખેલાડીઓએ દાખવેલી પકડ પર જાણે ઓવારી ગયા છે.
નોંધનીય છે કે ભારતીય ટીમે પોતાની ધુંઆધાર અને ભરોસાપાત્ર બેટિંગ અને આક્રમક બૉલિંગને બળે અત્યાર સુધી વર્લ્ડકપમાં રમેલી તમામ આઠ મૅચમાં દમામભેર વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતુ પ્રશંસકોની માફક જ આ પર્ફૉર્મન્સે કેટલાક ટીકાકારોનાં મનમાં શંકાનેય જન્મ આપ્યો હોય એવું લાગી રહ્યું છે.
આવા જ એક ‘ટીકાકાર’ છે પાકિસ્તાનની ટીમના ભૂતપૂર્વ ખેલાડી હસન રઝા. જેમણે તાજેતરમાં એક પાકિસ્તાની ચેનલના કાર્યક્રમમાં ભારતીય બૉલરોને ‘અલાયદો બૉલ આપીને વધારાની મદદ મળી રહી’ હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય ભારતીય ટીમને ‘ડીઆરએસમાં પણ લાભ કરાઈ’ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરની આ આરોપો બાદ ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા ભારોભાર ટીકા પણ કરાઈ રહી છે. જોકે, તેમાં સૌથી રસપ્રદ છે હસન રઝાના આરોપો સામે ભારતના બૉલર મોહમ્મદ શમીનો જવાબ.
તેમના જવાબ વિશે જાણીએ એ પહેલાં જાણી લઈએ કે આખરે આ સમગ્ર મામલો શું હતો?
ભારતીય બૉલરોને ‘અલગ બૉલ’ આપવાનો આરોપ
નોંધનીય છે કે અત્યાર સુધી આ વર્લ્ડકપમાં રમેલી આઠ મૅચમાં બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રોમાં ભારતીય ટીમ દેખીતી રીતે સામેની ટીમને ખૂબ સરળતાથી માત આપી હોય તેવું જોવા મળ્યું છે.
પછી ભલે એ મૅચમાં સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ હોય, પાકિસ્તાન હોય, ન્યૂઝીલૅન્ડ હોય કે ઑસ્ટ્રેલિયા જેવી પાંચ-પાંચ વર્લ્ડકપ જીતી ચૂકેલી ટીમ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેટિંગમાં વિરાટ કોહલી, કપ્તાન રોહિત શર્મા અને અન્ય બૅટ્સમૅનોએ વર્લ્ડક્લાસ ફૉર્મનો પરચો આપી ભારતીય બેટિંગ લાઇનઅપની મજબૂતીનું પ્રમાણ આપ્યું હતું. જ્યારે બીજી બાજુ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની ત્રિપુટીએ ભલભલા રેકૉર્ડધારી બૅટ્સમૅનોની પરીક્ષા લઈ આક્રમક બૉલિંગ ઍટેકને બળે સામેની ટીમોના મનોબળને રીતસર ધરાશાયી કરી દીધું હતું.
અત્યાર સુધીની મૅચોમાં આ ત્રિપુટી 41 વિકેટ ઝડપી ચૂકી છે. તેમાં પણ માત્ર ચાર મૅચોમાં 16 વિકેટ ઝડપી મોહમ્મદ શમીએ પોતાની પ્રતિભાનો પરચો આપી ક્રિકેટચાહકોને પ્રભાવિત કર્યા હતા.
ભારતની પાછલી બે મૅચોમાં તો ટીમના બૉલિંગ પ્રદર્શને તો ભલભલાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જેમાં અંતિમ મૅચમાં ભારતીય બૉલરોએ ટુર્નામેન્ટમાં જબરદસ્ત દેખાવ કરી બીજા ક્રમે રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમના બૅટ્સમૅનોને કોઈ નવીસવી ટીમના બૅટ્સમૅનો માફક સરળતાથી 83 રનના સ્કોરે ઑલઆઉટ કરી દીધા હતા. કંઈક આવું જ કારનામું ભારતીય બૉલરોએ શ્રીલંકા સામે પણ કરી બતાવ્યું હતું.
આ બંને મૅચોમાં પહાડસમાં લક્ષ્યોનો પીછો કરવા આવેલી પ્રતિદ્વંદ્વી ટીમો – શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે ભારતીય બૉલરોના આક્રમણને બળે ટીમે અનુક્રમે 302 અને 243 રનના ભારે અંતર સાથે વિજય મેળવ્યો હતો.
358ના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમને માત્ર 55 રને સમેટી નાખનારા ભારતીય બૉલરોના પ્રદર્શન બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાએ એબીએન ચેનલ પર આરોપ કરતાં કહેલું :
“આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ જ્યારે બેટિંગ કરે છે ત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારે તેમના હાથમાં બૉલ આવે છે તો એ કળા કરવા લાગે છે.”
“આ સિવાય 7-8 ક્લૉઝ ડીઆરએસનો નિર્ણય પણ તેમના પક્ષમાં આવ્યો હતો. જે રીતે સિરાઝ અને શમી બૉલને સ્વિંગ કરી રહ્યા છે, તેનાથી તો એવું લાગી રહ્યું છે કે જાણે આઇસીસી અને બીસીસીઆઇ તેમને બીજી ઇનિંગ માટે બીજા બૉલ આપી રહ્યા છે. આ બૉલની તપાસ થવી જોઈએ. બૉલ પર સ્વિંગ માટે ઍક્સ્ટ્રા કોટિંગ પણ હોઈ શકે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “ભારતના વિકેટકીપર કે. એલ. રાહુલ પણ સ્ટમ્પથી ઘણા દૂર ઊભા હતા. તેનો અર્થ એ થાય છે કે આટલી બધી ઓવરો બાદ પણ બૉલ આટલો સખત હતો. શમીએ આ મૅચમાં પાંચ વિકેટ મેળવી અને સિરાઝે ત્રણ. મને વિશ્વાસ નથી થતો કે આ બધા ઇન્ટરનૅશનલ બૅટ્સમૅન હતા અને આવી રીતે આઉટ થઈ રહ્યા હતા. આ એવું છે કે જાણે અગાઉ ઉપયોગમાં લેવાઈ રહેલો બૉલ અચાનક ગાયબ થઈ જઈ રહ્યો છે. આ મુદ્દાની તપાસ થવી જોઈએ.”
મોહમ્મદ શમીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પાકિસ્તાનના ભૂતપૂર્વ બૅટ્સમૅન હસન રઝાના આરોપોની ટીકા કરી હતી.
તેમણે લખ્યું હતું : “શરમ કરો યાર. ગેમ પર ફોક્સ કરો ના કે ફાલતુના બકવાસ પર. ક્યારેક અન્યની સફળતાનોય આનંદ માણો. છી યાર. આઇસીસી વર્લ્ડકપ છે, ના કે તમારી સ્થાનિક ટુર્નામેન્ટ.”
મોહમ્મદ શમીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “તમે પણ ખેલાડી જ હતા. વસીમભાઈએ પણ સમજાવેલા. તેમ છતાં.”
“તમારા પ્લેયર, તમારા વસીમ અકરમ પર વિશ્વાસ નથી તમને. આત્મશ્લાઘામાં લાગેલા છો જનાબ તમે તો.”
વસીમ અકરમ અને આકાશ ચોપરાએ કરી રઝાના આરોપોની ટીકા
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે એ સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં રઝાના આરોપોની ટીકા કરતાં કહ્યું :
“હું આ અંગે પાછલા બે દિવસથી વાંચી રહ્યો છું. મજેદાર લાગે છે કારણ કે તેમનું મગજ ઠેકાણે નથી. તમે તમારી જાતને ભોંઠા પાડશો અને અમનેય આખા વિશ્વ સામે શરમમાં મૂકશો.”
આ સિવાય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપરાએ પણ રઝાની ટિપ્પણીની ટ્વીટ કરીને ટીકા કરી હતી.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “શું આ ખરેખર કોઈ ગંભીર ક્રિકેટ શો છે ખરો? જો ન હોય તો પ્લીઝ અંગ્રેજીમાં ક્યાંક ‘satire’ કે ‘comedy’ લખી દો. જોકે, ઉર્દૂમાં પહેલાંથી લખાયું હોઈ શકે પરંતુ દુર્ભાગ્યે હું એ વાંચી કે સમજી શકતો નથી.”
રઝાની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ તો વર્ષ 1996માં તેમણે પાકિસ્તાનની ટીમમાં ક્રિકેટ ડેબ્યૂ કર્યું હતું. જોકે. તેઓ પોતાની કારકિર્દીમાં ઝાઝી આંતરરાષ્ટ્રીય મૅચોમાં દેખાયા નહોતા. વર્ષ 2005માં તેમની કારકિર્દીનો અંત આવ્યો ત્યાં સુધી તેઓ 23 આંતરરાષ્ટ્રીય મૅચ જ રમી શક્યા હતા.
જોકે, પાકિસ્તાનની ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં તેઓ સારી એવી લાંબી કારકિર્દી ભોગવી ચૂક્યા છે.