ફૉર્મ-17સી શું છે જેને ચૂંટણીપંચ સાર્વજનિક કરવા નથી માગતું?

ફૉર્મ 17સી,

ઇમેજ સ્રોત, REUTERS

પ્રકાશિત

લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. કોઈ પણ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ મતદાન સાથે જોડાયેલા આંકડાઓ જાહેર કરે છે.

પરંતુ એ આંકડાઓ અંતિમ હોતા નથી.

ચૂંટણીપંચ કોઈ પણ તબક્કા પછી થોડા સમય બાદ કેટલું મતદાન થયું તેનો અંતિમ આંકડો જાહેર કરે છે.

આ ચૂંટણીમાં ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવેલા શરૂઆતના અને અંતિમ આંકડાઓ અલગ-અલગ પડી રહ્યા છે, જેના કારણે વિપક્ષો અને અન્ય જાણકારો સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે.

ફૉર્મ-17સી સંદર્ભે થયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ડેટા પ્રકાશિત કરવા માટે ચૂંટણીપંચને આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો.

સુપ્રીમ કોર્ટ આ સુનાવણી પર હાલમાં રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચે શું કહ્યું છે?

ચૂંટણીપંચ, ફૉર્મ 17-સી

ઇમેજ સ્રોત, REUTERS

ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ એટલે કે એડીઆરે કરેલી અરજીમાં એ માગ કરી હતી કે ચૂંટણીપંચ દ્વારા મતદાન થયાના 48 કલાકની અંદર દરેક પોલિંગ બૂથ પર પડેલા મતોના આંકડાઓ જાહેર કરવામાં આવે.

એડીઆરે પોતાની અરજીમાં ફૉર્મ-17સીની સ્કેન કરેલી કૉપી પણ ચૂંટણીપંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માગ કરી હતી.

17મી મેના રોજ સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચને આ મામલે જવાબ આપવાનું કહ્યું હતું.

22મી મેના રોજ ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને તેનો જવાબ આપ્યો હતો.

ચૂંટણીપંચે કહ્યું હતું, “વેબસાઇટ પર દરેક મતદાનકેન્દ્ર પર થયેલા મતદાનના આંકડાઓ સાર્વજનિક કરવાથી ચૂંટણી મશીનરીમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ જશે. આ મશીનરી પહેલાંથી જ લોકસભા ચૂંટણી માટે કામ કરી રહી છે.”

વિપક્ષો તરફથી મતદાનની ટકાવારી મોડેથી જાહેર કરવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે આ પ્રકારના આરોપોને નકાર્યા હતા.

ચૂંટણીપંચે ફૉર્મ-17સી જાહેર ન કરવા અંગે કહ્યું હતું કે, “સંપૂર્ણ જાણકારી આપવી અને ફૉર્મ-17સીને સાર્વજનિક કરવું એ કાયદાકીય ફ્રેમવર્કનો ભાગ નથી. તેનાથી સંપૂર્ણ ચૂંટણીપ્રક્રિયામાં ગડબડ થઈ શકે છે. આ આંકડાની તસવીરોને મૉર્ફ કરવામાં આવી શકે છે, તેની સાથે ચેડાં થઈ શકે છે.”

ચૂંટણીપંચના જવાબ પર કૉંગ્રેસનો સવાલ

ચૂંટણીપંચ, ફૉર્મ 17-સી

ઇમેજ સ્રોત, EPA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચૂંટણીપંચ દ્વારા મોડેથી જાહેર કરાઈ રહેલા આંકડાઓ અને તેમાં જોવા મળતા ફેરફાર પર કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ સવાલ ઉઠાવ્યા હતા.

જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, “બધું મળીને એક કરોડ સાત લાખના અંતરના હિસાબે પ્રત્યેક લોકસભા બેઠક પર 28 હજાર મતોની વૃદ્ધિ થઈ રહી છે જે બહુ મોટો આંકડો છે. આ અંતર એ રાજ્યોમાં સૌથી વધારે છે જ્યાં ભાજપને મોટું નુકસાન થવાની સંભાવના છે. આ શું થઈ રહ્યું છે?”

કૉંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ 23મેના રોજ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

સિંઘવીએ કહ્યું, “ચૂંટણીપંચે જે જવાબ આપ્યો છે એ ગજબ છે અને એક કુતર્ક છે. ચૂંટણીપંચનો આ જવાબ માત્ર છટકબારી છે, કારણે કે આ આંકડાઓ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીપંચને પૈસા ચૂકવીને લઈ શકે છે.”

સિંઘવીના મતે આ દુર્ભાગ્યપૂર્ણ છે અને એ દર્શાવે છે કે ચૂંટણીપંચનો ઝુકાવ એકતરફી છે.

તેઓ કહે છે, “ચૂંટણીપંચનું એમ કહેવું છે કે ડેટા સાથે ચેડાં થશે કે કોઈ ફોટો મૉર્ફ કરશે. તો પછી આ રીતે જોવા જઈએ તો કોઈ ડેટા અપલોડ જ નહીં થઈ શકે.”

હાલમાં જ પીએમ મોદીએ એક પ્રાઇવેટ ચેનલ સાથે કરેલી વાતચીતમાં આ સંદર્ભે વાત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, “છેક હવે ચૂંટણીપંચ પૂર્ણરૂપે સ્વતંત્ર બન્યું છે.”

પીએમ મોદીએ કૉંગ્રેસની સરકાર દરમિયાન રહેલા ચૂંટણી કમિશનરોએ અત્યાર સુધી કૉંગ્રેસની વિચારધારાને પણ સમર્થન આપવાની વાત કહી હતી.

એવામાં એ સવાલો ઊઠી રહ્યા છે કે અંતે ફૉર્મ 17-સી શું છે અને તેમાં કેવા પ્રકારની જાણકારીઓ હોય છે.

ફૉર્મ 17-સી શું છે?

ચૂંટણીપંચ, ફૉર્મ 17-સી

ઇમેજ સ્રોત, EPA

સરળ ભાષામાં કહીએ તો આ ફૉર્મમાં એ વાતની જાણકારી હોય છે કે એક મતદાનકેન્દ્ર પર કેટલા મત પડ્યા છે.

ચૂંટણીપંચની વેબસાઇટ પર ફૉર્મ-17સી ઉપલબ્ધ છે. આ ફૉર્મમાં આવી માહિતી હોય છે.

  • ઈવીએમનો સિરિયલ નંબર શું છે?
  • મતદાનકેન્દ્ર પર મતદાતાઓની સંખ્યા કેટલી છે?
  • 17-એ હેઠળ મતદાઓના રજિસ્ટરમાં મતદારોની સંખ્યા શું છે?
  • નિયમ 49-એએમ હેઠળ એ મતદાતાઓની સંખ્યા, જેમને મત આપવા દેવામાં ન આવ્યો
  • ઇવીએમમાં પડેલા કુલ મતોની સંખ્યા
  • બૅલેટ પેપર્સની સંખ્યા શું છે?
  • છ પોલિંગ એજન્ટની સહીઓ
  • ચૂંટણી અધિકારીની સહી
ફૉર્મ-17સી

ઇમેજ સ્રોત, ECI

આ ફૉર્મનો એક અન્ય ભાગ પણ હોય છે જેને મતગણતરીના દિવસે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ફૉર્મમાં લખવામાં આવે છે કે કોઈ એક ઉમેદવારને કેટલા મતો મળ્યા છે.

કંડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ 1961ના 49એ અને 56સી હેઠળ ચૂંટણી અધિકારીએ ફૉર્મ 17-સીના પાર્ટ-1માં મતોની જાણકારી ભરવાની હોય છે.

ચૂંટણી અધિકારીએ આ જાણકારી મતદાન પૂર્ણ થાય તે પછી પોલિંગ એજન્ટ્સને આપવાની હોય છે.