ગુજરાત : નગરપાલિકાના સભ્યોને કેટલી ગ્રાન્ટ મળે અને નગરપાલિકાએ કયાં કામો કરવાનાં હોય?

બીબીસી ગુજરાતી, ગુજરાત નગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા, ગુજરાત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ફેબ્રુઆરીમાં નગરપાલિકા ચૂંટણી યોજાવાની છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ 66 નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાનાં કુલ 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર મતદાન યોજાવાનું છે.

આ ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં ઘણી જગ્યાઓએ ચૂંટણીનો માહોલ જામ્યો છે.

તેમાં પણ ખાસ એ 66 નગરપાલિકામાં જ્યાં ચૂંટણી યોજાવાની છે.

બીબીસી ગુજરાતી એક્સપ્લેનર

નગરપાલિકાની આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા માગતા ઉમેદવારો ઉમેદવારીપત્રક ભરી ચૂક્યા છે. ત્યારે નગરપાલિકાના સભ્ય બનવા માટે ઉમેદવારો પોતાનું બધું જોર લગાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આવા સમયે ઘણા લોકોના મનમાં એવા સવાલ પેદા થઈ રહ્યા છે કે આખરે નગરપાલિકાના સભ્યોને પણ શું સાંસદો અને ધારાસભ્યોની માફક ગ્રાન્ટ મળે? આખરે નગરપાલિકાએ પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાનાં હોય છે?

ઉપરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ વિવિધ જોગવાઈઓનો અભ્યાસ કરવાની સાથે જાણકાર વ્યક્તિ સાથે પણ વાત કરી હતી.

નગરપાલિકાના સભ્યોને કેટલી ગ્રાન્ટ મળે?
બીબીસી ગુજરાતી, ગુજરાત નગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા, ગુજરાત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ઇમેજ સ્રોત, https://communi.gujarat.gov.in/gu

ઇમેજ કૅપ્શન, નગરપાલિકા વહીવટી કમિશનરની વેબસાઇટ

ગુજરાત નગરપાલિકા અધિનિયમ (1963)ની કલમ 7(1) અન્વયે દરેક નગરપાલિકા, સીધી ચૂંટણી દ્વારા પસંદ કરાયેલા કાઉન્સિલરોની બનશે એવું ઠરાવાયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નગરપાલિકાના સભ્યોની હોદ્દા પર ચાલુ રહેવાની મુદ્દત અંગે અધિનિયમની કલમ 8(1)માં સ્પષ્ટતા કરાઈ છે એ મુજબ દરેક નગરપાલિકા, જો તેનું વહેલું વિસર્જન ન થાય તો, તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી પાંચ વર્ષ સુધી સભ્યો ચાલુ રહેશે.

જોકે, આ અધિનિયમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિના સભ્યો માટે કોઈ માનદ વેતનને લગતી જોગવાઈ કરાઈ નથી.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવસારી સહિત નવ નગરપાલિકાને મ્યુનિસિપલ કૉર્પોરેશન જાહેર કરવાની ઘોષણા કરાઈ હતી.

નવસારી નગરપાલિકામાં ચીફ ઑફિસર રહી ચૂકેલા અને હાલમાં નવસારી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેયુ વસાવા નગરપાલિકાના સભ્યોને કોઈ પ્રકારની ગ્રાન્ટ મળે છે કે કેમ એ પ્રશ્ન અંગે કહે છે :

"સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે."

તેઓ નગરપાલિકામાં થતાં કાર્યો કઈ રીતે થાય છે એ અંગે સમજાવતાં કહે છે કે નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ હોય છે અને તેની ઉપર હોય છે જનરલ બોર્ડ. આ દરેકને અપાયેલ નાણાકીય સત્તાઓની મર્યાદામાં રહીને જે-તે સમિતિઓ, કારોબારી કમિટી અને જનરલ બોર્ડ નીતિવિષયક નિર્ણય લેતા હોય છે.

તેઓ સભ્યોએ પોતાના વૉર્ડનાં વિકાસનાં કામો કરાવવા માટે અનુસરવી પડતી પ્રક્રિયા અંગે વાત કરતાં કહે છે કે, "સભ્યોએ પોતાના વૉર્ડનાં કામો કરાવવા માટે જે તે સક્ષમ કક્ષાએ રજૂઆત કરવાની હોય છે. એ બાદ જે-તે સમિતિ, કારોબારી સમિતિ અને જનરલ બોર્ડમાં એ કામો મંજૂર કરાવ્યાં પછી વહીવટી પ્રક્રિયા અનુસરીને તેઓ પોતાનાં કામો કરાવવાનાં હોય છે."

વસાવા આગળ કહે છે કે નગરપાલિકાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિના પ્રમુખો સહિતના લોકોને નગરપાલિકાનાં સત્તાવાર કાર્યો બજાવવા માટે 'મુસાફરી ભાડા, ભથ્થાં સિવાય કોઈ નાણાકીય ચુકવણી કરવાની હોતી નથી.'

નગરપાલિકાએ કયાં કાર્યો કરવાનાં હોય છે?
બીબીસી ગુજરાતી, ગુજરાત નગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા, ગુજરાત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ના છઠ્ઠા પ્રકરણમાં નગરપાલિકાએ કરવાનાં કાર્યો અંગે વિગતવાર માહિતી અપાઈ છે.

અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે નગરપાલિકાએ મુખ્યત્વે પાંચ ક્ષેત્રે કાર્યો કરવાનાં હોય છે.

જેમાં જાહેર બાંધકામક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, જાહેર આરોગ્ય અને સફાઈક્ષેત્રે, વિકાસક્ષેત્રે અને નગરઆયોજન અને વહીવટ સામેલ છે.

જેયુ વસાવા નગરપાલિકાનાં મુખ્ય કાર્યો અંગે વાત કરતાં કહે છે કે, "નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં લોકોને પાયાની સેવાઓ આપવાનાં કામ કરવાનાં હોય છે."

"આ પાયાની સુવિધાઓમાં પાણીપુરવઠો, ગટરવ્યવસ્થાની જાળવણી, રસ્તાની જાળવણી અને નિર્માણ, શેરી લાઇટો અને બાગબગીચાની જાળવણી અને નિભાવ, આરોગ્ય સુવિધા, સાફસફાઈ, બાંધકામ નિયમન, ટાઉન પ્લાનિંગ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતનાં કાર્યો સામેલ છે."

તેઓ કહે છે કે આ સિવાય નગરપાલિકાએ પોતાની આવકનાં સાધનો ઊભાં કરવા અને તેની જાળવણી માટેનાં કાર્યો કરવાનાં હોય છે.

વસાવા કહે છે કે, "નગરપાલિકાના ઉપર મુજબનાં મુખ્ય કાર્યો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં નગરપાલિકાએ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની હોય છે."

ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ
બીબીસી ગુજરાતી, ગુજરાત નગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકા, ગુજરાત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

રાજ્ય ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને કઠલાલ, ગાંધીનગર અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્રની ચૂંટણી યોજાશે.

આ સાથે જ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીપંચે આપેલી જાણકારી અનુસારે જે સ્થળે ચૂંટણી યોજાવાની છે ત્યાં ગત મંગળવારથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે.

  • ચૂંટણી જાહેરાતની તારીખ - 21 જાન્યુઆરી 25
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ - 27 જાન્યુઆરી 25
  • ઉમેદવારીપત્રકો ભરવાની અંતિમ તારીખ - 1 ફેબ્રુઆરી 25
  • ઉમેદવારીપત્રકોની ચકાસણીની તારીખ - 3 ફેબ્રુઆરી 25
  • ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ - 4 ફેબ્રુઆરી 25
  • મતદાનની તારીખ - 16 ફેબ્રુઆરી 25 (રવિવાર) (સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી)
  • જરૂર પ્રમાણે પુન:મતદાનની તારીખ - 17 ફેબ્રુઆરી 25
  • ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ - 21 ફેબ્રુઆરી 25

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.