ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી શું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ.

સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.

જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ગુજરાતમાં ચોમાસું બરોબર બેઠું છે, ત્યારે ભારતના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી છે.

કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ચોમાસું રાજ્યમાં ક્યાં સુધી સક્રિય રહેશે?

આ વરસાદનો દોર ક્યાં સુધી ચાલશે અને અને વરસાદના નવા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે? આ ઉપરાંત કયા જિલ્લામાં પવનની ગતિ વધી શકે છે એ અંગે પણ આગાહી કરાઈ છે. આ બધા સવાલોના જવાબ મેળવવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી શું છે?

બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા રચાયો છે. આગામી દિવસોમાં આ લો-પ્રેશર એરિયા આગળ વધશે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પડી શકે છે.

આનો અર્થ એ થાય છે કે હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ પર થોડા દિવસો બાદ બ્રેક લાગશે, પરંતુ થોડા અંતરાલ બાદ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે.

આ સિવાય ગુજરાતની પાડોશમાં પાકિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.

આ સિસ્ટમને કારણે ટ્રફ રેખા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.

પવનની ગતિમાં નોંધાશે વધારો

જોકે, તેમાં થોડા સમય બાદ બ્રેક લાગશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

રાજ્યમાં હાલ પડી રહેલા વરસાદમાં વીજળી પડવાની પણ શક્યતા છે અને આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પવનની ગતિમાં થોડો વધારો નોંધાશે.

જોકે, આ પવન કોઈના માટે ખતરનાક બને એ કક્ષાની ઝડપવાળો નહીં હોય.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન