ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું, હવે ક્યાં અને ક્યારે વરસાદ પડશે?

પ્રકાશિત

ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસા પહેલાંની ગતિવિધિ શરૂઆત થઈ ગઈ છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.

આ સિવાય, હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. તો આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની આગાહી કેવી છે?

દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ, શું ગુજરાતમાં વરસાદ પડશે?

હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 11 જૂન સુધી કર્ણાટક, કોકણ, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, કોકણના વિસ્તારો અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં 9થી 11 જૂન સુધી કોઈ સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેલંગણાની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે, જ્યારે મહારાષ્ટ્ર, કોકણ અને ગોવાની આસપાસ એક શીઅર ઝોન બન્યો છે. ઉપરાંત મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ રેખા સર્જાઈ છે. જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં પણ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી ક્યાં છે?

ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ રાજ્યમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જે 11 જૂનની આગાહી છે તેમાં, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે.

આ જ આગાહીમાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, અને વલસાડમાં વરસાદની આગાહી છે.

11 જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે. જોકે, જે વરસાદનું જોર વધવાનું હતું તેના બદલે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે.

પહેલાંની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 12થી 13 તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.

12 જૂન પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને જે વિસ્તારોમાં 9થી 10 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે.

ત્યારબાદ, 13 જૂને વરસાદની સંભાવના ઘટી જાય છે અને હવામાન વિભાગના આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં જ માધ્યમથી ઓછો વરસાદ આવી શકે.

ત્યારબાદ 15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે અને જે વિસ્તારોમાં 13 થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે.

15 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડના જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને આ ચાર જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી.

અને એવું પણ નથી કે આ વિસ્તારોમાં વરસાદ ભારેથી અતિભારે થશે. ગુજરાતમાં કેટલાક છુટાછવાયા વિસ્તારોને બાદ કરતા એકંદરે વરસાદનું જોર નબળું પડશે અને તેથી અહીં હમણાં વધુ વરસાદ પડવાની આગાહી નથી.

ચોમાસું નબળું પડ્યું અને ગુજરાતમાં હવે મોડું પહોંચશે?

મુંબઈમાં ચોમાસાની ઍન્ટ્રી થઈ ગઈ છે અને હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

30 મેના રોજ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજી સુધી તેના સમય પ્રમાણે જ ચાલી રહ્યું છે પરંતુ શીઅર ઝોન વિખેરાયા બાદ ચોમાસું આગળ વધતું ધીમું પડે તેવી સંભાવના છે.

બે ત્રણ દિવસ પહેલાંની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે ચોમાસું 15 જૂનની પહેલાં પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ હતી.

હવેની સ્થિતિ પ્રમાણે અને તેમાં કોઈ ફેરફાર ના થાય કે કોઈ પરિબળ બદલાય નહીં તો ચોમાસું 17 જૂનથી શરૂ થતા અઠવાડિયા સુધી રાહ જોવડાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે કેરળમાં ચોમાસું હાલ નબળું પડ્યું છે અને ચોમાસું શરૂ થયાના કેટલાક દિવસોમાં ત્યાં વરસાદમાં ઘટ વર્તાવાની શરૂ થઈ છે.

ઍક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેકન નિકોલસ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાને હજી એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. પરંતુ સૌરાષ્ટ્રના બીજા ભાગો, કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડી રાહ જોવડાવે તેવું હાલની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે.