રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ બહાલ કરાયું

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ બહાલ કરી દેવાયું છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સાંસદ છે. આ અંગે લોકસભા સચિવાલય તરફથી સોમવારે અધિસૂચના જાહેર કરવામાં આવી હતી.

2019માં રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' અંગે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની એક કોર્ટમાં પહોંચ્યા હતા અને કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણયના 24 કલાક બાદ જ લોકસભામાં તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.

જોકે, ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. એ બાદ તેમનું સભ્યપદ બહાલ કરી દેવાયું છે.

મોદી અટક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી હતી અને એ બાદ રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ યોજીને આ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, "આજ નહીં તો કાલે, કાલ નહીં પરમદિવસે... સત્યનો વિજય થાય છે. જોકે જે પણ થાય, મારો રસ્તો સ્પષ્ટ છે કે મારે શું કરવું છે! મારું શું કામ છે! એને લઈને મારા મગજમાં સ્પષ્ટતા છે. જેમણે અમારી મદદ કરી, જનતાએ જે પ્રેમ અને સમર્થન આપ્યાં, એ માટે આભાર."

આ પહેલાં રાહુલ ગાંધી ટ્વીટ કરીને લખ્યું હતું, 'ગમે તે થાય, મારી ફરજ એ જ રહેશે... આઇડિયા ઑફ ઇન્ડિયાનું રક્ષણ કરવું.'

બીબીસી ગુજરાતી

'મોદી અટક' અંગેના નિવેદનનો વિવાદ શું છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, CONGRESS

વાયનાડથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં કથિતપણે નિવેદન આપ્યું હતું.

તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.

એ વખતે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા.

રાહુલ ગાંધી પર આ માનહાનિનો કેસ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો. જેમાં તેમને બે વર્ષની સજા મળી હતી અને તેમનું સંસદસભ્યપદ પણ રદ કરી દેવાયું હતું.

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીના તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે 'પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.'

પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલ કહે છે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી