કૉંગ્રેસે વધુ 33 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં, જિજ્ઞેશ મેવાણી વડગામથી લડશે, કોને ક્યાં ટિકિટ અપાઈ?

પ્રકાશિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે વધુ 33 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જિજ્ઞેશ મેવાણીને કૉંગ્રેસે વડગામ બેઠક પરથી ટિકિટ આપી છે.

જિજ્ઞેશ મેવાણી અગાઉ અપક્ષમાંથી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. બાદમાં તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

અને હવે કૉંગ્રેસે તેમને ફરી વાર વડગામ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

તો વાવ બેઠક પરથી ગેનીબહેન ઠાકોરને રિપીટ કર્યાં છે, અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાને રિપીટ કર્યા છે. તેમજ દાણીલીમડાથી શૈલેશ પરમારને ફરી ટિકિટ અપાઈ છે.

કૉંગ્રેસના ઉમેદવારો

વાવ- ગેનીબહેન ઠાકોર

થરાદ- ગુલાબસિંહ રાજપૂત

ધાનેરા- નાથાભાઈ પટેલ

દાંતા (એસટી અનામત)- કાંતિભાઈ ખરાડી

વડગામ (એસસી)- જિજ્ઞેશ મેવાણી

રાધનપુર- રઘુભાઈ દેસાઈ

ચાણસ્મા- દિનેશ ઠાકોર

પાટણ- કિરીટકુમાર પટેલ

સિદ્ધપુર- ચંદનજી ઠાકોર

વીજાપુર- ડૉ. સીજે ચાવડા

ખેડબ્રહ્મા (એસટી)- તુષાર ચૌધરી

મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર

માણસા- બાબુસિંહ ઠાકોર

કલોલ- બળદેવજી ઠાકોર

વેજલપુર- રાજેન્દ્ર પટેલ

વટવા- બળવંત ગઢવી

નિકોલ- રણજિત બારડ

ઠક્કરબાપાનગર- વિજય બ્રહ્મભટ્ટ

બાપુનગર- હિંમતસિંહ પટેલ

દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ

જમાલપુર-ખાડિયા- ઇમરાન ખેડાવાલા

દાણીલીમડા (એસસી)- શૈલેશ પરમાર

સાબરમતી- દિનેશ મહિડા

બોરસદ- રાજેન્દ્રસિંહ પરમાર

આંકલાવ- અમિત ચાવડા

આણંદ- કાંતિ સોઢા પરમાર

સોજિત્રા- પૂનમભાઈ પરમાર

મહુધા- ઈન્દ્રજિતસિંહ પરમાર

ગરબાડા (એસટી)- ચંદ્રિકાબહેન બારિયા

વાઘોડિયા- સત્યજિતસિંહ ગાયકવાડ

છોટાઉદેપુર (એસટી)- સંગ્રામસિંહ રાઠવા

જેતપુર (એસટી)- સુખરામ રાઠવા

ડભોઈ- કિશન પટેલ

અગાઉ કૉંગ્રેસે વધુ 5 ઉમેદવાર જાહેર કર્યા હતા

બોટાદ માટે અગાઉ જાહેર કરાયેલા રમેશ મેરના સ્થાને મનહર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે.

રવિવારે રાત્રે ગુજરાત કૉંગ્રેસ વધુ પાંચ ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી હતી.

કૉંગ્રેસે જાહેર કરેલ પાંચમી યાદીમાં

  • ધ્રાંગધ્રા બેઠક પર છત્તરસિંહ ગુંજારિયા,
  • મોરબી બેઠક પર જયંતિ પટેલ,
  • રાજકોટ પશ્ચિમ બેઠક માટે મનસુખભાઈ કટારિયા
  • જામનગર ગ્રામ્ય બેઠક પર જીવણ કુંભારવાડિયા
  • ગારિયાધાર પર દિવ્યેશ ચાવડા

બોટાદ માટે અગાઉ જાહેર કરાયેલા રમેશ મેરના સ્થાને મનહર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.

તુર્કીમાં વિસ્ફોટ, 6 મૃત્યુ, 50 કરતા વધુ ઈજાગ્રસ્ત

તુર્કીના ઇસ્તંબૂલમાં એક વ્યસ્ત શૉપિંગ વિસ્તારમાં ભારે વિસ્ફોટ થયો છે. 

તુર્કી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ઇસ્તંબુલના વ્યસ્ત વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને 53 ઘાયલ થયા છે.  

તુર્કીના ગવર્નર અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર લગભગ 16:20 વાગ્યે તકસીમ સ્ક્વેર વિસ્તારમાં એક શોપિંગ સ્ટ્રીટ પર થયો હતો.

વિસ્ફોટનું કારણ શું છે તે સ્પષ્ટ નથી, જે સોશિયલ મીડિયાના વીડિયોમાં કેદ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. 

ઘટનાસ્થળે પહોંચેલા બીબીસી સંવાદદાતા ઓર્લા ગ્યુરિને જણાવ્યું હતું કે ઇસ્તિકલાલ સ્ટ્રીટની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. એમ્બ્યુલન્સની સાઈરનો વાગી રહી છે અને હેલિકોપ્ટર માથા ઉપર ચક્કર લગાવી રહ્યા હતા. 

પ્રત્યક્ષદર્શી સેમલ ડેનિઝસીએ સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું હતું કે "લોકો ગભરાટમાં દોડી રહ્યા હતા... ચારેકોર ધુમાડો હતો. અવાજ એટલો જોરદાર હતો, લાગતું હતું કે કાન બહેરા જ થઈ જશે."

આ વ્યસ્ત શેરીને આ અગાઉ 2016માં આત્મઘાતી બૉમ્બર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.

ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડની પાકિસ્તાન સામે જીત

ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ટી-20 વર્લ્ડકપ જીતી લીધો છે.

પાકિસ્તાને મેલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડને જીત માટે 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેન સ્ટૉક્સની અર્ધ સદીની મદદથી ઇંગ્લૅન્ડે 19મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

બેન સ્ટૉક્સ 52 રન (49 બૉલ) બનાવીને અણનમ રહ્યા હતા. સ્ટૉક્સની ટી-20 વર્લ્ડકપમાં આ પહેલી અર્ધ સદી છે. શાહીનશાહ આફ્રિદી 16મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયા હતા, જે પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો.

પાકિસ્તાનની ટીમ શરૂઆતથી અંત સુધી મુશ્કેલીમાં જણાતી હતી.

ઇંગ્લૅન્ડ ટીમ વનડેમાં પણ વર્લ્ડ ચૅમ્પિયન છે. એકસાથે વનડે અને ટી-20 વર્લ્ડકપ રાખનારી ઇંગ્લૅન્ડની ટીમ પહેલી છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્યપદથી લઈને ધારાસભ્યપદ સુધીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ટિકિટ ન મળતાં તેમના કાર્યકરો નારાજ હતા અને કાર્યકરોના કહ્યા અનુસાર તેમણે રાજીનામું આપી દીધું છે. 

તેમણે વધુમાં જણાવ્યું, "મારા કાર્યકરો નારાજ થયા છે અને કાર્યકરોએ સમિતિ બનાવીને નિર્ણય લીધો છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ." 

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડશે કે બીજી કોઈ પાર્ટીમાં જોડાશે એ બધી બાબતોનો નિર્ણય તેમના કાર્યકરો કરશે એવી વાત પણ તેમણે કરી છે.