અમદાવાદ : ભીષણ આગમાંથી ફાયરજવાનોએ ‘લાખોના દાગીના’ ઘરમાલિકને કેવી રીતે બચાવી આપ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
“રાત્રે આઠ વાગ્યે ફાયર સ્ટેશનમાં ફોન આવ્યો કે એક પેન્ટહાઉસમાં મોટા પાયે આગ લાગી છે, અમે તાબડતોડ સ્થળે પહોંચ્યા. આગ તો ઓલવી દેવાઈ પરંતુ આગને કારણે ફ્લૅટમાં ગરમી અને શ્વાસ ન લઈ શકાય એવો ધુમાડો હતો. કોઈ જાનહાનિ નહોતી પરંતુ ઘરની એક મહિલા પોક મૂકીને રડતી હતી. તેઓ કહી રહ્યાં હતાં કે - મારો કિંમતી સામાન લાવી આપો. આ જોઈને હું ફરી અંદર ગયો.”
“મારી પાછળ પાણીનો ફુવારો ચાલુ હતો, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અંદર જઈને જોયું તો બળેલા ફર્નિચર વચ્ચે 70 તોલા સોનાનાં દાગીના મળ્યા અને પોલીસની હાજરીમાં અમે મકાનમલિક ને સોનું પાછું આપી દીધું.”
આ શબ્દો છે અમદાવાદના નવરંગપુરા ફાયર સ્ટેશનના ફાયરમૅન રામસિંગ રબારીના.
અમદાવાદના નારણપુરા ખાતે આવેલા પંચનિધિ ઍપાર્ટમૅન્ટના ચોથા માળે આવેલા ફ્લૅટમાં ગત 27 ઑક્ટોબર, શુક્રવારે ભારે આગ ફાટી નીકળી હતી. જેને ઓલવવા માટે ફાયરવિભાગને જાણ કરાયા બાદ થોડી વારમાં જ વિભાગે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ફ્લૅટના પૂજાઘરમાં લાગેલી આગ આખા ઘરમાં ફેલાઈ હતી.
ઘરમાં રહેલા લાકડાના ફર્નિચરને કારણે આગ વધુ વિકરાળ બની ગઈ હતી.
ફાયરવિભાગની તાત્કાલિક કાર્યવાહી, સૂઝબૂઝ અને પરિવારની સાવધાનીને પગલે ન માત્ર ફ્લૅટના માલિક પરિવારનો પરંતુ આસપાસ રહેતા લોકોનો પણ આબાદ બચાવ થયો હતો.
ફાયર બ્રિગેડના જવાનોની ‘બહાદુરી અને પ્રામાણિકતા’ને પરિણામે ફ્લૅટના માલિક શર્મા પરિવારને ‘લાખોની રકમના દાગીના’ સુરક્ષિત રીતે પરત મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખરે એ દિવસે શું બન્યું હતું? કેવી રીતે ફાયરબ્રિગેડના જવાનોએ આ સમગ્ર ઑપરેશન પાર પાડ્યું હતું?
ફાયર વિભાગે ચલાવ્યું રૅસ્ક્યૂ ઑપરેશન?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
રામસિંગ રબારીએ ફાયરવિભાગે આ બનાવમાં અંગે કરેલી કાર્યવાહી અંગે માહિતી આપતાં કહ્યું કે, “હું ફાયર સ્ટેશનમાં એ દિવસે જમવા બેઠો હતો. અચાનક આગ લાગ્યાનો કૉલ આવતાં અમારી ટીમ તાત્કાલિક ફાયર ફાઇટિંગ વાહન લઈને સ્થળે પહોંચી. પહોંચીને જોયું કે જે ફ્લૅટમાં આગ લાગ્યાનો કૉલ આવ્યો હતો, ત્યાં ચારેકોર આગ ફેલાઈ ગઈ હતી. એ એક રહેણાક વિસ્તાર હતો.”
તેઓ આગ વધુ વિકરાળ બનવાના કારણ અંગે વાત કરતાં કહે છે કે, “ઘરમાં રહેલાં લાકડાના ફર્નિચરને કારણે ખૂબ ઝડપથી આગ ફેલાઈ હતી. અમે સ્થિતિ જોઈને તાત્કાલિક અગ્નિશમનની કાર્યવાહી શરૂ કરી.”
રબારી તેમની ટીમે સમયસૂચકતા વાપરી કરેલી કાર્યવાહી અંગે કહે છે કે, “અમે આગ ઓલવવાની સાથોસાથ, આગ અન્ય ફ્લૅટોમાં ન પ્રસરે એ માટે પણ પ્રયત્ન કરી રહ્યા હતા. તેમજ બીજી બાજુ આસપાસના ફ્લૅટમાં રહેલા લોકોને રૅસ્ક્યૂ કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા.”
તેઓ એ દૃશ્ય યાદ કરતાં કહે છે, "ફ્લૅટમાં ખૂબ ઝડપથી આગ ફેલાઈ હતી અને ધુમાડો પણ ખૂબ હતો."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ફાયરવિભાગની આ કાર્યવાહીને બિરદાવતાં અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ કહ્યું હતું કે, “આગના બનાવમાં માનવજિંદગી ન જોખમાય એ જોવાની પ્રાથમિકતા હોય છે. અમે પણ આ કિસ્સામાં પહેલાં બધા લોકોને રૅસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા.”
તેમણે આગનાં કારણ અંગે વાત કરતાં કહ્યું કે, “પરિવારે આપેલી જાણકારી અનુસાર એ દિવસે પૂજા બાદ ઘરના મંદિર પાસેથી ઉંદર નીકળતાં દીવો ઊથલી જતાં આગ લાગી હતી.”
‘મળ્યું 70 તોલા સોનું’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એડિશનલ ચીફ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ ઘટના દરમિયાન નોંધેલી અન્ય વિગતો જણાવતાં કહ્યું હતું કે, “અમે જોયું કે ઘરનાં એક મહિલા ચોધાર આંસુએ રડી રહ્યાં છે. અમને લાગ્યું કે ઘરમાં લાગેલી આગને કારણે તેઓ રડી રહ્યાં છે. ઘરના માલિક બીજું કંઈ ખાસ જણાવી રહ્યા નહોતા.”
ફાયરમૅન રબારી આ દૃશ્ય અંગે આગળ જણાવતાં કહે છે કે, “આ રડતાં મહિલાએ અમને ઘરમાં રહેલા સોનાના દાગીના બહાર કાઢી લાવવા કહ્યું. પરંતુ ફ્લૅટમાં અંદરનું તાપમાન હજુ ખૂબ વધુ હતું અને લાકડાનું ફર્નિચર બળતાં ધુમાડો પણ ખૂબ વધી ગયો હતો. છતાં મહિલા રોકકળ કરીને અંદર જવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. તેમને રોકવા આખરે હું જ એ સ્થિતિમાં અંદર ગયો.”
તેઓ આ અંગે આગળ જણાવતાં કહે છે કે, “હું ઘરમાં ફરી વખત પ્રવેશ્યો. આગ ઓલવાઈ ચૂકી હતી. પરંતુ ધુમાડો અને તાપમાનની અસર ઘટાડવા માટે મારા સહકર્મીઓએ પાછળથી પાણીનો મારો ચાલુ રાખ્યો. ધુમાડો કાઢવા માટે મેં બારી અને દરવાજા ખોલી દીધા. ધુમાડો થોડો ઓછો થતાં અને પાણીનો મારો ચલાવવાને કારણે અંદર થોડી રાહત થઈ હતી.”
ફાયરવિભાગના અધિકારીઓએ કહ્યું કે ઘરની અંદર ફર્નિચરમાં રહેલા કિંમતી સામાન મૂકવા માટેની ‘સેફ’ (નાની તિજોરી)ને જ્યારે ખોલીને જોવાયું તો તેમાં ‘દાગીનાનો ઢગલો’ જોવા મળ્યો.
મિથુન મિસ્ત્રી કહે છે કે, “અમે પોલીસ સામે વીડિયોગ્રાફી કરીને દાગીનાના મૂળ માલિકને કાનૂની કાર્યવાહી પ્રમાણે એ પરત કર્યા હતા.”
અમદાવાદના જમીનદલાલ અને ફ્લૅટના માલિક પવન શર્માએ બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, “ફાયર બ્રિગેડે તેમની ફરજ બજાવી છે, ઘટનામાં મારું લાખોનું નુકસાન પણ થયું છે.”
પવનશર્માના મિત્ર અને જમીનદલાલ મિતુલ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ ઘટના વિશે જણાવે છે કે, “પવન શર્મા પાસેની જમીનનાં દસ્તાવેજ અને ઘરની રોકડ આ આગમાં બળી ગયાં છે.”
























