You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભોપાલ ગેસ દુર્ઘટનાના જખમ ફરીથી કેમ તાજા થયા? કેમ ફરીથી છલકાયું દર્દ?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
વર્ષ 1984, ડિસેમ્બર મહિનાની બીજી અને ત્રીજી તારીખ વચ્ચેની એ રાત હતી. કલીમભાઈ ભોપાલના ‘યુનિયન કાર્બાઇડ’ કારખાનાના ‘સેવન પ્લાન્ટ’માં તેમની પાળીમાં કામ કરી રહ્યા હતા. રાત્રિના બાર વાગવામાં બસ થોડી જ ક્ષણોની વાર હતી.
તેઓ પૂંઠાના બૉક્સમાં ‘સેવન’ નામનો પાઉડર ભરી રહ્યા હતા.
તેઓ કહે છે કે પહેલાં આ પદાર્થ અમેરિકાથી આયાત કરવામાં આવતો હતો. પરંતુ તેનું ઉત્પાદન ભોપાલના યુનિયન કાર્બાઇડ કારખાનામાં થવા લાગ્યું. આ એક પ્રકારનું જંતુનાશક હતું.
કલીમ એ બૉક્સમાં પદાર્થો ભરીને તેમને સીલ કરવાનું કામ કરતા હતા. તેઓ દહાડી પર કામ કરનાર મજૂર હતા જેઓ મોટેભાગે રાતની પાળીમાં કામ કરતા હતા.
એ દિવસે પણ તેઓ રાત્રે સમયસર કારખાને પહોંચી ગયા હતા. તેમનો દાવો છે કે તેઓ રોજની જેમ જ તેમના બીજા સહયોગીઓ સાથે કામે વળગી ગયા હતા.
કલીમ હવે 70 વર્ષના થઈ ગયા છે અને તેમના પુત્ર સાથે સાઇકલ રિપેરિંગનું કામ કરે છે. ભોપાલના કાઝી કૅમ્પના બાવડીમાં તેમનું મકાન છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના સમયે તેઓ આ જ શેરીમાં રહેતા હતા.
પરંતુ હવે તેઓ અહીં રહેતા નથી. આ શેરી યુનિયન કાર્બાઇડના કારખાનાથી તો દૂર છે પરંતુ એ રાત્રે જ્યારે કારખાનામાંથી ગેસ ગળતર થયું ત્યારે આ વિસ્તાર પણ તેની ચપેટમાં આવી ગયો હતો.
આજે ભોપાલ ગેસ દુર્ઘટનાને 39 વર્ષ થઈ ગયાં છે. આ ઘટનામાં હજારો લોકોના મોત થયાં હતાં જ્યારે લાખો લોકો ગેસની ચપેટમાં આવી ખતરનાક રૂપે બીમાર થઈ ગયા. ત્યારપછીનાં ઘણાં વર્ષો સુધી પણ આ ઘટનાથી પ્રભાવિત લોકોનાં મૃત્યુ થવાના ચાલુ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેટફ્લિક્સની સિરીઝે આ ઘટનાની ફરીથી યાદ અપાવી
યુનિયન કાર્બાઇડ કારખાનામાં કામ કરનાર એ કર્મચારીઓ કે જેઓ આ ઘટના બની એ સમયે આ સ્થળે હાજર હતા, તેમાંથી કેટલાકનું ત્યારે જ મૃત્યુ થયું તો કેટલાક લોકોએ મહિનાઓ અને વર્ષો પછી બીમારી સામે ઝઝૂમતાં આ દુનિયા છોડી દીધી.
જે લોકો આ અકસ્માતમાં બચી ગયા તેમની હવે ઘણી ઉંમર થઈ ગઈ છે. કેટલાક લોકોએ હંમેશા માટે ભોપાલને અલવિદા કરી દીધું છે. આટલાં વર્ષો પછી હવે ત્યાં એકલ-દોકલ લોકો જ બચ્યાં છે જેમણે આ કારખાનામાં બનેલી ઘટનાને નરી આંખે જોઈ હતી.
કલીમ ભાઈ એ ગણતરીના લોકોમાંથી એક છે જેમણે 1988માં મધ્યપ્રદેશના સિંચાઈ વિભાગમાં નોકરી મળી ગઈ હતી. તેઓ 2016માં સેવાનિવૃત્ત થઈ ગયા છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ એ રાત્રિને યાદ કરે છે અને તેમના રૂંવાડા ઊભા થઈ જાય છે. વચ્ચે વચ્ચે થોડો સમય તેઓ સાવ ચૂપ થઈ જાય છે અને જૂની યાદોમાં ખોવાઈ જાય છે. વાત કરતા કરતા તેઓ ગળગળા થઈ જાય છે.
તેઓ કહે છે, “ત્યારથી તબિયત સારી રહેતી નથી. ફેફસાં ખરાબ થઈ ગયાં છે. ટીબી પણ થઈ ગયો છે. કોરોના પણ થયો હતો, પણ ઉપરવાળાની મરજી છે કે હું તમારી સામે બેઠો છું.”
કલીમના પરિવારના લોકો ભાગ્યશાળી હતા કે તેઓ ગેસ ગળતરથી પ્રભાવિત તો થયા પરંતુ તેમની તબિયત સારી થઈ ગઈ. પણ એ રાત્રે એક પળ એવી પણ આવી કે જ્યારે તેમના પરિવારના લોકોને એવું લાગ્યું કે કલીમ હવે જીવિત નહીં બચે.
પરંતુ તેમના ઘણા સાથીઓની સરખામણીએ કલીમ ઘણા નસીબદાર હતા.
એ રાત્રે શું થયું હતું?
કલીમ કહે છે, “તે રાત્રે ઠંડી પણ હતી. ડિસેમ્બરમાં પહેલાં ખૂબ જ ઠંડી પડતી હતી. હું ડ્યૂટી પર હતો. મારી સાથે સાબિર ભાઈ, માતા પ્રસાદ, ગંગારામ પ્રજાપતિ અને અનવર મિયાં કામ કરી રહ્યા હતા."
"ત્યાં જ સાબિરભાઈએ એ 'પાઇપ' તરફ ઇશારો કર્યો જ્યાંથી પાણી 'લીક' થઈ રહ્યું હતું. બીજી જ ક્ષણે સાયરન વાગવા લાગ્યું. 'મિથાઇલ આઇસોસાયનેટ' પ્લાન્ટમાંથી સાયરનનો અવાજ આવી રહ્યો હતો. કોઈએ કહ્યું કે આ 'ડ્રિલ' થઈ રહી છે. પણ પછી અવાજ આવ્યો - દોડો... દોડો... તમારો જીવ બચાવો...!!!"
જોકે, ભોપાલ ગેસ દુર્ઘટનાનાં 39 વર્ષ પછી, તે રાતનું ભયાનક દૃશ્ય ફરી એકવાર લોકોની યાદોમાં તાજું થઈ ગયું, જ્યારે તાજેતરમાં જ 'નેટફ્લિક્સ' પર ચાર ભાગની સિરીઝ- 'ધ રૅલવેમેન' આવી.
જોકે, આ 1984માં બનેલી દુર્ઘટનાની વણકહી કહાણી છે. પરંતુ મોટાભાગની કહાણી તે રાત્રે ભોપાલ રેલવે સ્ટેશન પર થયેલી અરાજકતાની આસપાસ ગૂંથાયેલી છે.
જેમાં સૅન્ટ્રલ રેલવેના તત્કાલીન જનરલ મેનેજર ગૌરીશંકર, ભોપાલ રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર ગુલામ દસ્તગીરના પ્રયાસોને વાર્તાના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત કહાણીમાં અન્ય બે પાત્રો છે – એ સમયે પત્રકાર હતા તેવા રાજકુમાર કેસવાણી અને કારખાનાના સુપરવાઇઝર બરકતુલ્લાહ.
આ પ્રકારે કોઈએ પહેલીવાર કહાણી બનાવી
સિરીઝમાં મધ્ય રેલવેના મહાનિદેશકની ભૂમિકા આર. માધવને નિભાવી છે જ્યારે શ્રેણીના મુખ્ય કલાકાર કે.કે.મેનન છે જેમણે ભોપાલ રેલવે સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર ગુલામ દસ્તગીરની ભૂમિકા ભજવી છે.
તેમના સિવાય દિવંગત અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાને પણ ‘લોકો પાયલટ’ ની ભૂમિકા નિભાવી છે.
ભોપાલ ગેસ પીડિતો માટે કામ કરનાર સંસ્થા ‘ભોપાલ ગ્રૂપ ફૉર ઇન્ફોર્મેશન ઍન્ડ ઍક્શન’ ના સંયોજક રચના ઢીંગરાનું કહેવું છે કે, નિશંકપણે સિરીઝનો મોટાભાગનો હિસ્સો રેલવે કર્મચારીઓ પર કેન્દ્રિત છે પરંતુ તેના સથવારે આ ત્રાસદીનાં કારણોને પણ દર્શાવવામાં આવ્યાં છે.
તેઓ કહે છે કે આવું પહેલીવાર બન્યું છે કે આ ત્રાસદી પર આ પ્રકારની ફિલ્મ બની હોય.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે તેમને હંમેશા એ વાતને લઈને આશ્ચર્ય થયું છે કે આટલી મોટી ઘટના પર કોઈએ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો.
તેઓ કહે છે કે, “રેલવે કર્મચારીઓના માધ્યમથી જ ઠીક, પણ કોઈએ આ ભયાનક ઘટનાને સ્પર્શવાનો પ્રયત્ન તો કર્યો, એ જ મોટી વાત છે.”
જોકે, આ સિરીઝની કહાણી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત જરૂર છે, પરંતુ કહાણી કાલ્પનિક છે અને તેના અનેક પાત્રો પણ કાલ્પનિક છે જેમના વિશે કોઈ જાણકારી નથી.
કલીમ પણ એ સમયે પ્લાન્ટમાં હાજર લોકો વિશે કશું જ કહી શકે તેવી પરિસ્થિતિમાં નથી.
તેઓ કહે છે, ‘જ્યારે અવાજ થયો, ત્યારે અમે દરવાજા તરફ ભાગવા લાગ્યા. અમારી આંખોમાં બળતરા થઈ રહી હતી. અમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અમને ખ્યાલ આવી ગયો હતો કે ગેસ ગળતર છે અને હવામાં ‘મિથાઇલ આઇસોસાઇનેટ’ ફેલાઈ ગયો હતો.
“હું ભાગીને એટલો દૂર આવી ચૂક્યો હતો તેનો મને એ સમયે ખ્યાલ ન હતો. હું રેલવેના પાટા પર પહોંચી ગયો હતો. હું પાટા પર દોડવા લાગ્યો હતો. હું ઘણો દૂર નીકળી ગયો હતો. પછી વધુ ભાગવાની હિંમત બચી ન હતી, એટલે હું ત્યાં જ રોકાયેલો રહ્યો.”
“સવાર પડી ગઈ અને હવામાં એ વાયુની અસર ઓછી થવા લાગી. મને મારા પરિવારની ચિંતા થઈ રહી હતી. પરંતુ હું ઘરે જવાને બદલે મારા સાથીઓની તલાશમાં પ્લાન્ટ તરફ ગયો. સાબિર ભાઈ, માતા પ્રસાદ, ગંગારામ પ્રજાપતિ અને અનવર મિયાંનો કોઈ પતો ન હતો. પછી ક્યારેય મારી તેમની સાથે મુલાકાત ન થઈ.”
‘ચારેકોર લાશો જ હતી’
સાબિર નામની વ્યક્તિ ભોપાલના કબાડખાનાવાળા વિસ્તારમાં રહે છે, જે કલીમના ઘરથી થોડા કિલોમીટર જ દૂર છે. પણ આ એ સાબિર નથી જેમના વિશે કલીમ વાત કરી રહ્યા હતા.
સાબિર ‘મિથાઇલ આઇસોસાયનેટ’ પ્લાન્ટમાં મજૂર તરીકે કામ કરતા હતા. કલીમ કહે છે કે ક્યારેક જરૂર પડ્યે તે મશીન પણ ચલાવી લેતો હતો.
અમે સાબિરને મળવા ગયા ત્યારે તેઓ ખૂબ જ બીમાર હતા. તેમણે કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ છે અને તેના ફેફસાં માત્ર 20 ટકા જ કામ કરે છે.
હલે હદીસ મસ્જિદની સામે એક સાંકડી ગલીમાં કેટલાંક ઘરો વચ્ચે તેમનું એક નાનું ઘર છે, જ્યાં એક ઓછા વૉટનો બલ્બ ચાલુ હતો. ઘરની દિવાલોમાંથી પાણી ટપકી રહ્યું હતું.
ખાડાવાળા રોડ પર ગટરો વહી રહી છે. જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.
સાબિર કહે છે, “તે દિવસે એક એવી દુર્ગંધ આવી હતી જેને આજ સુધી હું મારા દિલ અને દિમાગમાંથી દૂર કરી શક્યો નથી. હવે કાયમ આ દુર્ગંધમાં જીવવું પડશે. એ દિવસે હું મારી ડ્યૂટી પૂરી કરીને છ વાગ્યા સુધીમાં ઘરે આવ્યો.”
"રાત્રે ઘોંઘાટ અને અંધાધૂંધી હતી. લોકો જ્યાં-ત્યાં દોડી રહ્યા હતા. જાણવા મળ્યું કે ફેક્ટરીમાં ગેસ લીક થયો છે. હું કપડાથી મારો ચહેરો ઢાંકીને મારા સાથીઓની મદદ કરવા પ્લાન્ટ તરફ દોડ્યો. પરંતુ રસ્તામાં મેં જ્યાં જોયું ત્યાં માત્ર મૃતદેહો પડ્યા હતા."
"હું પ્લાન્ટની અંદર ન જઈ શક્યો અને રસ્તામાં બેહોશ થઈ ગયો. પછી હું ઘણા દિવસો સુધી હૉસ્પિટલમાં રહ્યો. ત્યારથી મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એ ઝેરી ગેસ ફેફસાંને નષ્ટ કરી દે છે."
સાબિર પોતાનું જીવન ગરીબીમાં જીવે છે. તેમની પાસે ન તો મોબાઇલ ફોન છે કે ન તો ટીવી. તેથી, તેઓ નેટફ્લિક્સ સિરીઝ - ‘ધ રેલવેમેન’ વિશે કંઈ જાણતા નથી.
ભોપાલ રેલવે સ્ટેશનના તત્કાલીન આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર ગુલામ દસ્તગીરના પરિવારજનો આ સિરીઝથી ખુશ નથી.
તેઓ કહે છે કે સિરીઝના નિર્માતાઓએ પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે જે ખોટું હતું. તેમના પુત્ર શાદાબે પણ નેટફ્લિક્સને નોટિસ મોકલી છે.
નેટફ્લિક્સ પર પ્રસારિત 'રેલવેમૅન' સિરીઝના અંતે, એવું કહેવામાં આવ્યું હતું કે ગુલામ દસ્તગીરને મૃત ગણીને તેમને હૉસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓ જીવિત નીકળ્યા હતા. પરંતુ તેમના પુત્ર શાદાબ અને પરિવારના અન્ય સભ્યો આ વાતને નકારે છે.
તેઓ કહે છે કે જો તે દિવસે તેના પિતાએ બહાદુરી ન બતાવી હોત અને સ્ટેશન છોડીને ભાગી ગયા હોત તો પ્લૅટફોર્મ પર એકઠી થયેલી હજારોની ભીડ લાશમાં ફેરવાઈ ગઈ હોત.
તેમણે બૉમ્બે-ગોરખપુર ઍક્સપ્રેસ ટ્રેનને ભોપાલ સ્ટેશનથી તરત જ રવાના કરી દીધી હતી અને સ્ટેશન પર બેભાન પડી ગયેલા લોકોને પણ માલગાડીમાં ભરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
પરંતુ ભોપાલ ગ્રૂપ ફૉર ઇન્ફૉર્મેશન ઍન્ડ ઍક્શનના કન્વીનર રચના ઢીંગરા કહે છે, "ભોપાલ ગેસ દુર્ઘટનાની વાર્તાને ખૂબ મજબૂતીથી રજૂ કરવા માટે અમે 'ધ રેલવેમૅન'ના નિર્માતાઓ અને કલાકારોનો આભાર માનીએ છીએ."
"એ ખરેખર આનંદદાયક છે કે નિર્માતાઓએ આ ત્રાસદી અને તેના લાંબાગાળાનાં પરિણામો પાછળ કૉર્પોરેટ કાવતરાં અને સરકારની ઉદાસીનતાને સ્પષ્ટપણે ઉજાગર કરી છે."
"અમે આશા રાખીએ છીએ કે આ સિરીઝની સફળતા અન્ય ફિલ્મ નિર્માતાઓને ભોપાલમાં બનેલી વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનાની સંપૂર્ણ કહાણી કહેવા માટે પ્રોત્સાહિત કરશે."
દુર્ઘટનાના 39મા વર્ષે ભોપાલના ગેસ પીડિતો માટે કામ કરતી અનેક સંસ્થાઓએ એ વાતને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે કે તેમના પ્રયાસોને કારણે અમેરિકન કંપની 'ધ ડાઉ કેમિકલ કંપની'ના અધિકારીઓ આખરે આ કેસના સંબંધમાં ભોપાલ કૉર્ટમાં હાજર થયા.
ભોપાલ ગેસ પીડિત મહિલા સ્ટેશનરી કર્મચારી સંઘના અધ્યક્ષ રશીદા બીનું કહેવું છે કે, ‘ધી ડાઓ કેમિકલ કંપની’ યુનિયન કાર્બાઇડની માલિક હોવાને કારણે તે અપરાધિક જવાબદારીઓ માટે પણ જવાબદાર છે.
જ્યારે ‘ગેસ પીડિત નિરાશ્રિત પેન્શનભોગી સંઘર્ષ મોરચા’ ના અધ્યક્ષ બાલકૃષ્ણ નામદેવ કહે છે કે ટેક્નિકલ રીતે જોવા જઈએ તો યુનિયન કાર્બાઇડ કંપની છેલ્લાં 31 વર્ષથી કૉર્ટથી ફરાર રહી છે.
તેમણે વડા પ્રધાનને પત્ર લખીને અપીલ કરી છે કે તપાસ એજન્સીઓ ‘ડાઓ કેમિકલ’ પર ત્વરિત કાર્યવાહી કરે જેથી કરીને ચાર દાયકાઓથી ઇંતેજારી કરતા ભોપાલના લોકોને ન્યાય મળી શકે.
આ ભીષણ ઔદ્યોગિક દુર્ઘટનામાં 25 હજાર લોકો માર્યા ગયા હતા.