બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, “ઉનાળુ વૅકેશન બાદ અંતિમ હુકમ કરશે”

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN
‘મોદી અટક’ મામલે બદનક્ષી કેસમાં સુરતની કોર્ટ દ્વારા દોષ સિદ્ધિના હુકમને પડકારતી રાહુલ ગાંધીની અરજીની મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ફરી એક વાર સુનાવણી થઈ હતી.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ સુનાવણી દરમિયાન થયેલી કાર્યવાહીમાં જજે રાહુલ ગાંધીની અરજી પર ‘કોઈ પણ વચગાળાનો આદેશ’ આપવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ હેમંત પ્રચ્છકે કહ્યું હતું કે તેઓ આ મામલાને લઈને ઉનાળુ વૅકેશન બાદ કોર્ટ ફરી ખૂલે ત્યારે હુકમ કરશે.
કોર્ટ 5 જૂને ફરી ખૂલવાની છે.
નોંધનીય છે કે શનિવારે આ મામલાની સુનાવણી વખતે જસ્ટિસ પ્રચ્છકની કોર્ટમાં બંને પક્ષો તરફથી ‘ધારદાર’ દલીલો કરાઈ હતી, જે બાદ જસ્ટિસ પ્રચ્છકે આગામી સુનાવણી મંગળવારે હાથ ધરી અને પાંચ મે સુધી આ મામલાની સુનાવણી પૂરી કરી દેવાની જાહેરાત કરી હતી.
23 માર્ચ 2023ના રોજ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી અટક’ મામલે કથિત બદનક્ષી કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા કરાતાં લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ રદ કર્યું હતું.
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતાં આ મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો.
શનિવારે થયેલી સુનાવણીમાં રાહુલ ગાંધી વતી કોર્ટમાં હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, “મારા અસીલે કોઈ ગંભીર ગુનો કર્યો નથી. આ ગુનો સમાજ સામે નથી કરાયો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામેની પક્ષે સરકારી વકીલે રાહુલ ગાંધીની અરજી ‘ગ્રાહ્ય ન રાખવાની’ દલીલ કરી હતી.
મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષો તરફથી ફરી એક વાર ‘અસરદાર દલીલો’ કરાઈ હતી.

અગાઉની મુદ્દતે થયેલી દલીલો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિનિયર ઍડ્વોકેટ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ આ મામલે અગાઉની મુદ્દતે દલીલ કરતાં કહ્યું હતું કે, “આ ગુનો એટલો ગંભીર કે નૈતિક અધ:પતનનો નથી. આ બંને પરીક્ષણો દોષસિદ્ધિના નિર્ણયને મોકૂફ રાખવા માટે જરૂરી છે.”
ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “આ કેસ ગંભીર, સંજ્ઞેય અપરાધનો કે બિનજામીનપાત્ર નથી.”
ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “જો રાહત નહીં અપાય તો મારા અસીલ તેમની કારકિર્દીનાં કિંમતી આઠ વર્ષો ગુમાવી દેશે, આ હકીકત ધ્યાને લેશો.”
“કોઈ એવું ન કહી શકે કે મારો ગુનો નૈતિક અધ:પતનને લગતો કે ગંભીર કક્ષાનો છે. આ એક જામીનપાત્ર બાબત છે, તેમજ સમાજ વિરુદ્ધ આચરાયેલ ગુનો નથી.”
ડૉ. સિંઘવીએ પોતાની દલીલમાં આગળ કહ્યું હતું કે કોર્ટે આ મામલામાં ‘કઠોર’ નિર્ણય કર્યો છે, તેમજ આવા કિસ્સામાં પહેલી વખત કથિત ગુનેગારને વધુમાં વધુ સજા સંભળાવી દીધી છે.
“જો સજામાં એક દિવસ પણ ઓછો હોત તો તેમને ગેરલાયક ન ઠેરવાયા હોત. તેથી કૃપા કરીને આ બધું ધ્યાને લો.”
ડૉ. સિંઘવીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “આ કેસમાં ફરિયાદ ટકી શકે એ માટે ઓળખાવી શકાય એવો કોઈ વર્ગ નથી. તેથી આ ફરિયાદ ટકી શકે કે કેમ એ અંગે પણ સવાલ છે. કાયદો કહે છે કે જે વ્યક્તિને મામલાને કોર્ટમાં લઈ જવાનો અધિકાર હોય એ જ ફરિયાદ દાખલ કરી શકે, પરંતુ આ બાબત અંગે માત્ર કોઈ ઓળખાવી ન શકાય તેવા વર્ગમાંથી આવતી વ્યક્તિ માટે બાંધછોડ ન કરી શકાય.”
રાહુલની દોષસિદ્ધિ અંગેના નિર્ણય પર રોકની માગણી સાથે ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, "મેં જે ત્રણ વ્યક્તિઓનાં નામ લીધાં તેમાંથી કોઈએ મારી સામે કેસ કર્યો નથી. પરંતુ કહેવાતા 13 કરોડના જૂથમાંથી આવતી એક વ્યક્તિએ આ કેસ કર્યો."
તેમણે આ વાત ઉઠાવી પ્રશ્ન કર્યો હતો કે, “આ મામલો કેવી રીતે ચલાવી શકાય.”
શનિવારે કોર્ટમાં થયેલી દલીલો અંગે કોઈ અંતિમ નિર્ણય આવી શક્યો નહોતો. કોર્ટે આજે સ્પષ્ટતા પણ કરી કે તેઓ આગામી સુનાવણી બાદ 5 મે સુધી આ કેસની સુનાવણી પૂરી કરી લેશે.

ફરિયાદના આધાર અંગે સવાલ ઉઠાવતાં ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “જો મારા અસીલે પૂર્ણેશ મોદી અંગે કંઈ કહ્યું હોત તો અને તો જ આ ફરિયાદ ચલાવી શકાઈ હોત. પરંતુ અહીં મારા અસીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું છે, અને સેશન્સ કોર્ટે પણ આ બાબત પોતાના હુકમમાં નોંધી છે. કાયદો નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવાનો અધિકાર આપે છે પરંતુ અન્ય કોઈને આ અધિકાર નથી.”
“મારો ગુનો સમાજ વિરુદ્ધ આચરાયેલો નથી. મારા વક્તવ્યને કારણે કાયદો અને વ્યવસ્થા અંગેની કોઈ સ્થિતિ સર્જાઈ નથી. આ બાબતો કોર્ટને જે-તે લાગતાં વળગતાં સૅક્શનો અંતર્ગત મારા સામે આવેલ દોષસિદ્ધિના હુકમ પર રોક લગાવવા માટે શ્રેષ્ઠ આધાર છે.”
મૅજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણય અંગે સવાલ ઉઠાવતાં ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મારા અસીલને જ્યારે રફાલ ડીલ મામલે નિવેદન કરતી વખતે ભવિષ્યમાં ખૂબ જ કાળજી રાખવાની ચેતવણી અપાઈ હતી હતી, એ બનાવ પર આધાર રાખ્યો. પરંતુ આ કેસમાં જે નિવેદનની વાત થઈ રહી છે એ વક્તવ્ય એપ્રિલ 2019માં થયું હતું અને સુપ્રીમ કોર્ટની આ સુનાવણી નવેમ્બર 2019માં થઈ હતી. તો આ કેવી રીતે શક્ય છે?”
તેમણે કહ્યું હતું, “આ કેસમાં મને ગુનેગાર ઠેરવાયાની માત્ર દસ મિનિટમાં જ મહત્તમ સજા કરી દેવાઈ. આ બાબતે મારા આત્મવિશ્વાસને હચમચાવી દીધો છે.
ડૉ. સિંઘવીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયનાં પરિણામો અંગે કોર્ટમાં દલીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “મારા અસીલ તેમના મતક્ષેત્રના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ દોષસિદ્ધિને કારણે તેઓ આ કામ કરવાનું ચૂકી રહ્યા છે. આ વખત તેઓ સંસદનું આ પહેલાંનું સત્ર ચૂકી ચૂક્યા છે અને જો પરિસ્થિતિ ન બદલાઈ તો તેઓ બીજું સત્ર પણ ચૂકી જશે. આ નિર્ણયને કારણે મતક્ષેત્રના લોકો તેમની વાત રજૂ કરવાનો અધિકાર ઝંખી રહ્યા છે.”
કોર્ટમાં સરકારી વકીલ મિતેશ અમીને કહ્યું હતું કે, “આ પ્રકારના ગુનામાં બે વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાયેલી છે. જે આવા કિસ્સામાં આપી શકાય.”
અમીને જજને કહ્યું હતું કે, “આ ગુનો અસંજ્ઞેય, જામીનપાત્ર હોઈ શકે પરંતુ આ તમામ દલીલોનો દોષસિદ્ધિ બાદ કોઈ અર્થ રહેતો નથી. આ પ્રકારના આધારોની દોષસિદ્ધિના નિર્ણય પર રોક માટે કરાયેલી આ અરજી સંદર્ભે કોઈ અર્થ ઠરતો નથી. ધારાસભાએ આવા મામલામાં બે વર્ષ સુધીની સજા આપવાની જોગવાઈ કરી છે અને મૅજિસ્ટ્રેટને આ મામલામાં વધુમાં વધુ સજા આપી શકાય તેવું લાગ્યું છે.”
આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી સિનિયર ઍડ્વોકેટ નિરૂપમ નાણાવટી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અરજદાર તરફથી કરાયેલ આ અરજી કાયદા અનુસાર ચલાવી શકાય તેવી નથી.”
























