You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ગળાકાપ જીવલેણ ચાઇનીઝ દોરીને કારણે થતાં મોત કેમ રોકી શકાતાં નથી?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પત્નીને દવાખાનેથી લઈને પરત ફરી રહેલા શૈલેશભાઈને એ ખબર નહીં હોય કે તેમનો સાથ જીવનમાં અહીં સુધીનો જ હશે.
આ દંપતી કીમ રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પતંગ ચગાવવામાં વપરાતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી શૈલેશભાઈના ગળામાં ભરાઈ ગઈ. દંપતી કંઈ સમજે તે પહેલાં જ તે વાહન પરથી નીચે પટકાયું હતુ.
બ્રિજ પર પસાર થતા વાહનચાલકોની મદદથી તેમનાં પત્ની તેમને દવાખાને લઈ ગયાં હતાં. જોકે, વધુ લોહી વહી જવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું.
આજથી અંદાજે 20 દિવસ પહેલાં બનેલી આ ઘટનાને યાદ કરીને હિબકે ચડી જતાં સુમિત્રાબહેને જણાવ્યું હતું કે, "મારા પતિ ઘરમાં એકલા જ કમાનાર હતા. હવે મારા ઉપર બે બાળકો અને મારાં વૃદ્ધ સાસુ- સસરાની જવાબદારી આવી ગઈ છે. મારી પાસે એવી કોઈ જ આવડત નથી કે હું કમાઈ શકું. મેં પહેલાં ક્યારેય ઘરકામ સિવાય કોઈ અન્ય કામ કરેલું નથી. મારા પતિના મોતથી હું અને મારો પરિવાર નિરાધાર થઈ ગયા છીએ. બાળકોને શું ખવડાવીશ? કેવી રીતે ભણવાની ફી ભરીશ? મને કંઈ જ સમજાતું નથી."
સુમિત્રાબહેન જેવી જ વ્યથા મહેસાણાના બાલીયાસણ ગામના મૃતક મહેશભાઈના પરિવારની છે. મહેશભાઈનાં લગ્ન હજુ છ મહિના પહેલાં જ થયાં હતાં. મહેશભાઈના પિતા વાત કરતાં રડી પડ્યા હતા. તેઓ કહે છે કે, "મારા એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળીને હું બેભાન થઈ ગયો હતો. મારા પત્ની મૃત્યુ પામેલાં છે. હું ઘરમાં સાવ એકલો થઈ ગયો છું."
ઉત્તરાયણના તહેવાર પહેલાં જ ચાઇનીઝ દોરીથી લોકોના મોત થવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘાતક ચાઇનીઝ દોરી લોકોના પરિવારો વિખેરી નાખે છે. બીબીસી ગુજરાતીએ ચાઇનીઝ દોરીથી ગળું કપાવાને કારણે જેમનાં મોત નીપજ્યાં હોય તેવા લોકોના પરિવારો સાથે વાત કરી હતી. ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધો છતાં કેમ તેના વેચાણ અને ફેલાવાને રોકી શકાતો નથી?
ચાઇનીઝ દોરીથી ઘર વિખેરાઈ ગયા
23 નવેમ્બર મહિનામાં ઘોડાસર વિસ્તારના 27 વર્ષના હિંમાશુ રાણાનું ઘોડાસર ચોકડી પાસે ગળામાં દોરી ફસાઈ જવાને કારણે મોત થયું હતું.
29 નવેમ્બરના રોજ મહેસાણાના બાલીયાસણ ગામાના 22 વર્ષના મહેશ ઠાકોરનું પણ આંબલિયાસણ બ્રિજ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાને કારણે મોત થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તારીખ 2 ડિસેમ્બરના રોજ સુરતના સરદા ગામના શૈલેશ વસાવાનું કિમ બ્રિજ પરથી પસાર થતી વખતે દોરી ઘસાતા મોત થયું હતું.
ગત વર્ષે પણ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જવાને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ બની હતી. અનેક પરિવારો આ દોરીને કારણે તબાહ થયા છે.
મૃતક શૈલેષ વસાવાના 18 વર્ષના પુત્ર આયુષની વાતમાં પણ પિતાને ગુમાવવાને લઇને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેઓ કહે છે કે, "લોકોની મજા અમારા માટે આખી જિંદગીની સજા બની ગઈ છે. ચાઇનીઝ દોરીએ મારા પિતાનો જીવ લીધો છે. હું હવે ક્યારેય ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવી શકું. ચાઇનીઝ દોરી લોકોએ ન વાપરવી જોઈએ."
મહેસાણામાં બાલિયાસણ ગામના મૃતક મહેશ ઠાકોરના પિતા પ્રતાપજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "બે દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે. પત્નીના મોત બાદ હું અને મારો દીકરો ઘરમાં હતા. છ મહિના પહેલાં મારા દીકરાનાં લગ્ન કર્યા હતાં. ઘરમાં વહુ આવી તો અમારું ઘર ખરેખર હર્યુંભર્યું હતું. અચાનક આ ઘટનાએ ફરીથી મારું ઘર વિખેરી દીધું છે."
ઘટના અંગે વાત કરતા પ્રતાપજી કહે છે કે, "એ દિવસે મહેશ તેની વહુને લઈને દવાખાને જઈ રહ્યો હતો. ત્યારે આંબલિયાસણ પુલ પર તેના ગળામાં દોરી ફસાઈ જતાં તેનું ગળું કપાઈ ગયું હતુ. તેનાં પત્ની તેને દવાખાને લઈ ગયાં હતાં. પરંતુ લોહી વહી જવાને કારણે તેને બચાવી શકાયો ન હતો."
અમારી તો સરકારને એક જ અપીલ છે કે, "અમારા ઘરનો દીવો બુઝાઈ ગયો પણ કોઈના ઘરનો દીવો ન બુઝાય, તેના માટે આવી ચાઇનીઝ દોરી ન આવે તેનું ધ્યાન રાખવું જોઇએ."
પોલીસે ચાઇનીઝ દોરી અંગે શું જાહેરનામું બહાર પાડ્યું છે ?
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારના કહ્યું હતું કે કાચ ચઢાવેલી કૉટનની દોરી, જે પતંગ ચગાવવા માટે વપરાય છે એ નાગરિકો, પક્ષીઓ અને પશુઓ માટે ખૂબ જ ખતરનાક છે એટલે તે 14 અને 15 જાન્યુઆરીના ઉજવવામાં આવનાર ઉત્તરાયણમાં નહીં વાપરી શકાય.
2016ની એક પીઆઈએલની સુનાવણી કરતા હાઈકોર્ટે આ બધું કહ્યું હતું.
માણસો અને પક્ષીઓ માટે ઘાતક કાચથી પાયેલી દોરી અને ચાઇનીઝ દોરીના રોક અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઇએલની સુનાવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સના આંકડા ટાંકવામાં આવ્યા છે.
જે અનુસાર વર્ષ 2024માં 118 લોકોને દોરીને કારણે ઈજા થઈ હોવાના કૉલ મળ્યા હતા. જ્યારે જાન્યુઆરી 2024માં ચાર હજાર પક્ષીઓને દોરીને કારણે ઈજા થઈ હતી.
ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બૅન્ચે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને તેઓએ ગ્લાસ કોટેડ માંઝા, ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક માંઝા, નાયલોન માંઝા અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદકો, તેના વેચાણકારો વિરુદ્ધ શું પગલાં લીધાં તે અંગે માહિતી રજૂ કરવા આદેશ કર્યો છે.
ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરી પ્રતિબંધ જાહેર કર્યો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તેમજ શહેરની પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડવા માટે ડ્રાઇવ કરવામાં આવી રહી છે. પોલીસના કહ્યા અનુસાર, હજારો રૂપિયાની દોરી પકડવામાં આવી રહી છે.
પોલીસે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લૅન્ટર્નના વેચાણ, ઉત્પાદન અને તેને ઉડાડવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ચાઇનીઝ દોરા અંગે પોલીસ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલ, સિન્થેટિક પદાર્થથી કોટેડ હોય, નૉન બાયોડિગ્રેડેબલ, કાચ, લોખંડ કે અન્ય હાનિકારક તત્ત્વોનો લૅપ ચડાવીને દોરો તૈયાર કરવામાં આવ્યો હોય તેવા દોરા ખરીદવા, તેનો સંગ્રહ કરવા અને તેને વેચવા કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદના સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાઇનીઝ દોરી બજારમાં સરળતાથી મળતી નથી અને બજારમાં જાહેરમાં તેનું વેચાણ થતું નથી. તેમ છતાં કેટલાક લેભાગુ તત્ત્વો નફો મેળવવા ચોરીછૂપીથી છૂટક બજારમાં તેનું વેચાણ કરતા હોય છે પતંગરસિયા તરુણો તેને દોરીમાં ભેળવીને ઉપયોગ કરે છે."
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ચાઇનીઝ દોરી એ ઇન્ડ્રસ્ટ્રીયલ દોરી છે. જે કપડાના માર્કેટમાં કપડા સીવવા માટે વાપરવામાં આવે છે. જે દોરીનો ઉપયોગ લોકો પતંગ ચગાવવા માટે કરે છે. આ દોરી અલગ અલગ કલરની હોય છે. જેથી તેને રંગાવાની પણ જરૂર હોતી નથી. આ દોરો તૂટતો નથી. તેના કારણે વાહન ચાલકોના ગળામાં ઘસાઈ જાય છે અને લોકોના મોત નીપજે છે. પ્રતિબંધિત દોરીઓ પતંગ માર્કેટમાં ન આવે તે માટે પોલીસ સક્રિય હોય છે. અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને જથ્થો પકડે છે."
ચાઇનીઝ દોરી અને પતંગની દોરી કેવી રીતે અલગ પડે છે?
દોરીના વ્યવસાય સાથે જોડાયેલા અફઝલભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "દોરી 3 તાર, 4 તાર, 6 તાર , 9 તાર ,12 તાર અને 16 તારની હોય છે. 3 અને 4 તારની દોરી બાળકો માટે વપરાય છે, જે કાચી હોય છે. સૌથી વધારે 6 તાર અને 9 તારની દોરી વપરાય છે. નાના અને મધ્યમ પતંગો ચગાવવા માટે આ બંને દોરી વાપરવામાં આવે છે, જે પાતળી હોય છે. તેના કારણે પતંગ સ્થિર રહે છે."
તેઓ કહે છે, "12 તાર અને 16 તારની દોરી મોટા પતંગ માટે વપરાય છે. આ દોરીનો 10 ટકા જેટલો જ વપરાશ છે. પતંગ માટે વપરાતી દોરીને બરેલીના માંજાથી રંગવામાં આવે છે. પતંગ માટે વપરાતી દોરી કોટન બેઝ હોય છે જ્યારે ચાઇનીઝ દોરીમાં નાયલોન અને સિન્થેટીક બેઝ હોય છે."
અફઝલભાઈ કહે છે, "પતંગ માટે વપરાતી દોરી પાતળી હોય છે. ચાઇનીઝ દોરી જાડી હોય છે. જે જોવાથી ખબર પડી જાય છે."
ઉત્તરાયણ માટે પોલીસે કેવા પ્રતિબંધો મૂક્યા છે?
પોલીસે ઉત્તરાયણ તહેવામાં ચાઇનીઝ દોરી સિવાય અન્ય કેટલાક પ્રતિબંધ પણ મૂક્યા છે. પોલીસે જાહેર કરેલા નિયમોમાં એ સૂચન છે કે...
- લોકોને પરેશાની થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવા નહીં.
- પતંગ પર કોઈની લાગણી દુભાય તેવું લખાણ લખવું નહીં.
- રોડ કે રસ્તા પર જોખમી રીતે પતંગ ચગાવવા નહીં.
- કપાયેલા પતંગ કે દોરી પકડવા લોકોએ વાંસના બામ્બુઓ, લોખંડના સળિયા કે ઝંડા લઈને શેરીઓ કે રસ્તા પર ટ્રાફિકને અવરોધ થાય એ રીતે દોડવું નહીં.
- રસ્તા ઉપર ગલીઓમાં ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર વાંસમાં લોખંડ કે કોઈપણ ધાતુના તારના લંગર નાખીને ભરાયેલા પતંગ કાઢવાનો પ્રયત્ન કરે છે જેના કારણે ટેલિફોન કે ઇલેક્ટ્રિકના બે તાર ભેગા થવાથી શૉર્ટસર્કિટના કારણે કે તાર તૂટી જવાના કારણે અકસ્માતો સર્જાવાના ગંભીર બનાવો બનતા હોય છે. તેથી લંગર નાખવા નહીં.
- લોકોને અડચણરૂપ થાય તે રીતે રસ્તા પર ઘાસ ન નાખવું.
ઉત્તરાયણમાં વાહન ચલાવતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ?
- ટુ-વ્હીલરમાં દોરી રોકાય તેવા સળિયા લગાવવા જોઈએ.
- ગળે રૂમાલ બાંધીને રાખવો.
- ટુ-વ્હીલર ચલાવતા ફરજિયાત હૅલ્મેટ પહેરવું.
- રૂફટોપ કારમાં લોકોએ રૂફમાંથી માથું બહાર ન કાઢવું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન