શા માટે 'પાકિસ્તાનના દુબઈ'માં સરકાર સામે આક્રોશ, ચીન પણ ચિંતિત

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

પાકિસ્તાનના ગ્વાદર બંદર ખાતે ચીન દ્વારા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, જેની ઉપર બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ના અહેવાલ બાદ ચીન અને પાકિસ્તાને સ્પષ્ટતા કરવી પડી છે.

બલૂચિસ્તાનના ગ્વાદર ખાતે તા. 20 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનના સંરક્ષણ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનના સૌથી મોટા ઍરપૉર્ટના લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ખ્વાજા આસિફે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે આ વિસ્તારમાં મૂડીરોકાણ થશે અને રોજગારની તકો વધશે.

આ ઍરપૉર્ટનું નિર્માણ ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (સીપીઈસી) હેઠળ કરવામાં આવ્યું છે. આસિફે ઍરપૉર્ટને બંને દેશના સહયોગની મોટી સિદ્ધિ ગણાવ્યું હતું.

જોકે, તાજેતરનાં વર્ષો દરમિયાન સીપીઈસી ભૂતકાળમાં અપેક્ષિત અને અનુમાનિત ગતિએ આગળ નથી વધી રહ્યો.

શું ગ્વાદર જેવા ટચૂકડા શહેરમાં આટલા મોટા ઍરપૉર્ટની શું જરૂર હતી? જેવા સવાલ પુછાઈ રહ્યા છે. 'ધ ગાર્ડિયન'ના રિપોર્ટમાં પણ આવા જ કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જે પછી ચીન અને પાકિસ્તાને નિવેદનો બહાર પાડ્યાં.

પાકિસ્તાન માટે ચીનના પૉલિટિકલ સેક્રેટરી વાંગ શેંગજીએ ઇસ્લામાબાદમાં સીપીઈસી પરિયોજના અંગે ધ ગાર્ડિયનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેના વિશે 'ઊંડી ચિંતાઓ' વ્યક્ત કરી હતી.

સાથે જ તેમણે કહ્યું હતું કે ગ્વાદરમાં સુરક્ષાવ્યવસ્થા સુધરશે નહીં, તો અહીં કોઈ નહીં આવે અને બલૂચિસ્તાનમાં ચીન વિરુદ્ધ નફરત છે. પાકિસ્તાનસ્થિત ચીનના દૂતાવાસે પણ આ અંગે સ્પષ્ટતા આપી છે.

બ્રિટિશ અખબારનો અહેવાલ

સીપીઈસી યોજના હેઠળ ચીન દ્વારા ગ્વાદરમાં ઍરપૉર્ટ, બંદર, રેલવે, હાઈવે, પાવર પ્લાન્ટ તથા ઇકૉનૉમિક ઝોન જેવાં મહત્ત્વાકાંક્ષી નિર્માણકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.

વર્ષ 2015માં શરૂ થયેલી સીપીઈસી પરિયોજનાએ ચીનના મહત્ત્વાકાંક્ષી 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ'ના (બીઆરઓ) ભાગરૂપ છે.

આ પરિયોજના દ્વારા ચીને આર્થિક દૃષ્ટિએ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લગભગ 62 અબજ ડૉલરના પ્રોજેક્ટોનું નિર્માણકાર્ય હાથ ધરવાનું હતું.

બીઆરઓ દ્વારા ચીન તેનો માલ એશિયા તથા આફ્રિકાના બજારો સુધી પહોંચાડવા માગે છે. આને ટ્રેડરૂટ તરીકે વિકસાવીને ચીન તેનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરવા માગે છે.

આ યોજનાને એક દાયકા જેટલો સમય થઈ ગયો હોવા છતાં પાકિસ્તાનના આ ગરીબ પ્રાંતમાં હજુ સુધી યોજનાઓ અપેક્ષિત ગતિએ આગળ નથી વધી શકી. જેનું મુખ્ય કારણ સુરક્ષાવ્યવસ્થા છે.

બલૂચિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનો દ્વારા પાકિસ્તાનનાં સુરક્ષાબળો તથા અહીંના અલગ-અલગ પ્રોજેક્ટોમાં કામ કરતા ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે.

જેના કારણે પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ચીને અગાઉ પણ અનેક વખત પાકિસ્તાનને કહ્યું છે કે આ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવે.

ધ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં વાંગ શેંગજીએ કહ્યું હતું, "ગ્વાદર અને બલૂચિસ્તાનમાં ચીન વિરુદ્ધ નફરત છે. કેટલીક ખરાબ તાકતો સીપીઈસી વિરુદ્ધ છે તથા એને ખોરંભે પાડવા માગે છે."

બલૂચિસ્તાનમાં અનેક ઉગ્રવાદી સંગઠન સક્રિય છે, જેમાંથી એક બીએલએ છે. જેનું આખું નામ બલૂચિસ્તાન લિબરેશન આર્મી છે તથા તે રાજ્યને સ્વતંત્ર બનાવવા માગે છે.

બીએલએનો આરોપ છે કે ચીન આ વિસ્તારનાં સંસાધનોનું શોષણ કરી રહ્યું છે, જેથી તેણે સીપીઈસી વિરુદ્ધ હિંસક અભિયાન શરૂ કર્યું છે.

અત્યાર સુધી બલૂચિસ્તાનમાં અનેક ઉગ્રવાદી હુમલા થયા છે, જેમાં કેટલાક ચાઇનીઝ નાગરિક મૃત્યુ પામ્યા છે.

સ્થાનિકોમાં નારાજગી

ધ ગાર્ડિયન અખબારનો દાવો છે કે આ પરિયોજના સામે સ્થાનિકોમાં નારાજગી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એક સમયે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે ગ્વાદરને 'પાકિસ્તાનનું દુબઈ' બનાવી દેવામાં આવશે.

જોકે, સ્થાનિકોનો આરોપ છે કે આ પરિયોજનાને કારણે ગ્વાદર 'હાઇ સિક્યૉરિટી જેલ' જેવું બની ગયું છે. લાંબી કાંટાળી વાડો નાખવામાં આવી છે. ચીનના નાગરિકો માટે અલગ રહેણાક વિસ્તાર બનાવવામાં આવ્યા છે.

આ સિવાય રસ્તાઓ ઉપર અનેક સિક્યૉરિટી ચેક-પૉઇન્ટ્સ ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યાં પોલીસ અને પાકિસ્તાની સેનાના કર્મચારીઓ તહેનાત હોય છે.

રિપોર્ટ મુજબ, ગ્વાદરમાં એક ફેકટરી કાર્યરત છે, જ્યાં આફ્રિકાથી મગાવીને લાખો ગધેડાની કતલ કરવામાં આવી રહી છે. તેમનો ઉપયોગ ચીનની પરંપરાગત દવાઓ બનાવવા માટે થઈ રહ્યો છે.

ગ્વાદર બંદરના પાણીમાં માછીમારી ઉપર અનેક પ્રતિબંધ લાદી દેવાયા છે, જેના કારણે 90 ટકા લાભ ચીનના ઑપરેટરને થશે.

સ્થાનિક માછીમારોના કહેવા પ્રમાણે, તેઓ મહામુશ્કેલીએ તેમનું ગુજરાન ચલાવી શકે છે, કારણ કે તેઓ દરિયામાં છૂટથી અવરજવર નથી કરી શકતા.

આ સિવાય માછીમારી કરતી વેળાએ સુરક્ષાબળો તેમની હોડીઓ પણ જપ્ત કરી લે છે.

70 વર્ષીય માછીમાર દાદ કરીમે અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અમે અમારો મહેરામણ ગુમાવી દીધો છે."

"અમે માછલી પકડવા જઈએ તો એવું લાગે છે કે જાણે અમે ચોર છીએ. આ દરિયો કે મહાસાગર માછીમારોનો નહીં, પરંતુ ચીનીઓનો થઈ ગયો છે."

ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, નિષ્ણાતોનું માનવું છે કે સીપીઈસીની આર્થિક તથા સુરક્ષા સંબંધિત નિષ્ફળતાઓ માટે નીતિનિર્ધારકો જવાબદાર છે.

જેમણે માળખાકીય સુવિધાઓને વિસ્તારવાને બદલે ચીનની પરિયોજનાઓ લાવવા ઉપર ભાર મૂક્યો, જેના કારણે વીજળી અને પાણી જેવી સુવિધાઓમાં ચીનના રોકાણનો લાભ સ્થાનિકોને નથી દેખાઈ રહ્યો.

ચીનના રાજદ્વારા શેંગજીએ ધ ગાર્ડિયન અખબારને જણાવ્યું કે પાકિસ્તાની સરકારે સીપીઈસી પરિયોજના સંદર્ભે 'ખોટી નિવેદનબાજી' કરી, જે સ્થાનિક પરિસ્થિતિથી દૂર હતી.

તેમણે કહ્યું, "અમે પાકિસ્તાનની જેમ નિવેદનબાજી નથી કરતા, અમે માત્ર વિકાસલક્ષી કાર્યો કરીએ છીએ. જો આ પ્રકારની સુરક્ષાસ્થિતિ પ્રવર્તમાન રહી, તો તે વિકાસને અસર કરશે."

ચીનના ઇરાદા અંગે પાકિસ્તાનમાં અવઢવ

ગ્વાદરમાં જંગી રોકાણ અંગે ચીનની મંછા ઉપર વારંવાર સવાલ ઊભા થયા છે. ગ્વાદર શહેરમાં લગભગ દોઢ લાખ લોકો રહે છે અને મોટા ભાગના લોકો ગરીબીની રેખાથી નીચે છે.

એટલે જ સવાલ ઊઠી રહ્યા છે કે ગ્વાદરમાં આટલા મોટા ઍરપૉર્ટની શું જરૂર હતી.

સીપીઈસી પરિયોજના સાથે જોડાયેલા અનેક પાકિસ્તાની અધિકારીઓએ 'ઑબ્ઝર્વર'ને જણાવ્યું હતું કે આ પરિયોજનાઓનો હેતુ માત્ર વેપારલક્ષી નથી.

ચીન આ ઊંડા પાણીના બંદરનો ઉપયોગ પોતાનાં વ્યૂહાત્મક સૈન્ય હિતોને સાધવા માટે કરશે, એવું માનવામાં આવે છે.

ધ ગાર્ડિયનએ ચીન સાથે ઉચ્ચ સ્તરે કામ કરનારા પાકિસ્તાની અધિકારીઓના હવાલેથી લખ્યું છે કે ચીની કર્મચારીઓની સુરક્ષા માટે ચીન પોતાની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને પાકિસ્તાનમાં તહેનાત કરવા માગે છે.

સાથે જ તે ગ્વાદર પૉર્ટ પર તેના નૌકાદળનાં જહાજો તથા સબમરીનોને લાંગરવા માગે છે, એવું આ અધિકારીઓનું માનવું છે.

ભારત અને અમેરિકા પ્રત્યક્ષ રીતે ચીનને જોખમરૂપ માને છે. અમેરિકાએ પાકિસ્તાનમાં ચીનના રોકાણ અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે.

એવું માનવામાં આવે છે કે અમેરિકાના દબાણને કારણે જ પાકિસ્તાને ચીન સાથેના અનેક સોદાઓને મંજૂરી નહોતી આપી. જેમાં પાકિસ્તાનની સૌથી મોટી વીજ કંપની કે-ઇલેક્ટ્રિકમાં ચીનના મૂડીરોકાણનો પણ સમાવેશ થાય છે.

હજુ પણ પાકિસ્તાન દ્વારા ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સંતુલન સાધવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ જણાય છે.

અહેવાલ અંગે ચીનની પ્રતિક્રિયા

પાકિસ્તાનમાં ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર નિવેદન બહાર પાડીને લખ્યું કે 'ધ ગાર્ડિયન'ના અહેવાલમાં રજૂ થયેલું ચીનના રાજદ્વારીનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે વિશ્વાસપાત્ર નથી અને ચીનની સ્થિતિને રજૂ નથી કરતી. લેખકે એકતરફી ખોટી અને ઇન્ટરવ્યૂ આપનારની સહમતિ વગરની માહિતી રજૂ કરીને વ્યવસાયિક નીતિનો ભંગ કર્યો છે."

ચીનના દૂતાવાસનું કહેવું છે કે તે ગ્વાદર બંદરનો નિર્માણ તથા બલૂચિસ્તાનના વિકાસનું હિમાયતી છે.

ચીનના દૂતાવાસે પોતાના નિવેદનમાં ગ્વાદરવાસીઓના હિત માટે લેવાયેલાં અલગ-અલગ પગલાંનો ઉલ્લેખ કર્યો છે.

બીજી બાજુ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ સોશિયલ મીડિયા ઉપર નિવેદન બહાર પાડીને ધ ગાર્ડિનના રિપોર્ટનું ખંડન કર્યું છે.

પાકિસ્તાનનું કહેવું છે કે તે ચીન સાથેના સંબંધોને નિશાન બનાવતા આધારહીન આરોપોને નકારે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદાર છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસ, સમાન મૂલ્યો, મુખ્ય ચિંતાજનક બાબતો પર એકમત તથા પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાને લેતા તૈયાર થયા છે.

પાકિસ્તાની પ્રધાનના અમેરિકાપ્રવાસથી વિવાદ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યો એ પછી ચીનના ગૃહમંત્રી મોહસીન નકવીએ ટ્રમ્પ સરકારના પદાધિકારીઓ સાથે મુલાકાત કરવા માટે અમેરિકાની મુલાકાત ખેડી હતી.

એ સમયે તેમણે કથિત રીતે ચીનવિરોધી મનાતા અમેરિકન લૉબિસ્ટ ગ્રૂપના લોકો સાથે મુલાકાત કરી હતી. આ જૂથ ચીનમાંથી ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીને હાંકી કાઢવાની હિમાયત કરે છે.

જેના કારણે પાકિસ્તાનમાં ભારે વિવાદ થયો હતો. એ પછી ગંટર સ્ટ્રેટજિસ દ્વારા આયોજિત ભોજનસમારંભનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

ગત વર્ષે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઊર્જા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ માટે ચીન પાસેથી વધારાના 17 અબજ ડૉલરની માગ કરી હતી, પરંતુ ચીને આ અંગે ઉદાસીન વલણ અપનાવ્યું હતું.

જાણકારોના મતે પાકિસ્તાનમાં ચાલી રહેલા સીપીઈસી પ્રોજેક્ટમાંથી ચીન પીછેહઠ કરી શકે તેમ નથી, કારણ કે તેનું ઘણું બધું દાવ પર લાગેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.