ભાજપ નેતા પર મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલાં પૈસા વહેંચવાનો આરોપ, શું છે મામલો?

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક જ દિવસ પહેલાં એક રાજનૈતિક વિવાદ પેદા થયો છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર વિપક્ષે પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. વિનોદ તાવડેએ આ આરોપોને ફગાવી કાઢ્યા છે.
લોકસભામાં વિપક્ષ નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પૂછ્યા છે.
પૈસા વહેંચવાના આરોપ વિનોદ તાવડે પર ત્યારે લાગ્યા જ્યારે બહુજન વિકાસ અઘાડીના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર સહિતના કેટલાક નેતાઓ પાલઘર જિલ્લાના નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં આવેલી એક હોટલ પાસે હંગામો કરવા લાગ્યા.
આ હંગામાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા. જેમાં કેટલાક લોકો નોટ લહેરાવી રહ્યા છે.
આ વીડિયો વાઇરલ થયા બાદ વિનોદ તાવડેએ પૈસા વહેંચ્યા હોવાના આરોપોને ફગાવી દીધા છે. તેમણે માગ કરી છે કે ચૂંટણીપંચ ખુદ આ આરોપોની તપાસ કરે.
શું છે સમગ્ર મામલો

ઇમેજ સ્રોત, ANI/SCREENGRAB
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલાં જ બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓએ ભાજપના નેતા વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. તેને લઈને બહુજન વિકાસ અઘાડીના ઘણા કાર્યકર્તાઓએ આજે વિરારમાં પ્રદર્શન કર્યું.
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર એક ચરણમાં બુધવાર એટલે કે 20 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેના પરિણામ 23 નવેમ્બરે આવશે.
સમાચાર એજન્સી એએનઆઈએ આ હંગામાનો એક વીડિયો શૅર કરતા જાણકારી આપી છે કે પાલઘર જિલ્લાના નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં એક હોટલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે એક બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓએ હોટલની બહાર હંગામો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એએનઆઈ અનુસાર બહુજન વિકાસ અઘાડીના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફૂટેજમાં વિનોદ તાવડેને ભીડથી ઘેરાયેલા હોવાનું માલુમ પડે છે.
હંગામા બાદ વિનોદ તાવડેએ મીડિયાને જણાવ્યું, “નાલાસોપારા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓની બેઠક ચાલી રહી હતી. ત્યાં ચૂંટણીના એક દિવસ પહેલાં આચારસંહિતા મામલે જાણકારી આપવા હું ત્યાં પહોંચ્યો હતો. સામે મારા મિત્ર પાર્ટીના લોકોને લાગ્યું કે હું પૈસા વહેંચું છું. ચૂંટણી પંચ, પોલીસ તેની તપાસ કરે. સીસીટીવી ફૂટેજ જોઈ લો. ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આવું મારું માનવું છે.”
ચૂંટણીપંચ અને પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, X
મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ કહ્યું, “સૂચના મળ્યા બાદ પોલીસ નાલાસોપારા પહોંચી હતી. ચૂંટણી આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલી ફ્લાઇંગ સ્ક્વૉડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કેટલીક વસ્તુઓ મળી આવી છે. અલગ-અલગ કલમો અંતર્ગત એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જો કોઈ આચારસંહિતાના ઉલ્લંઘનનો મામલો હશે તો કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.”
વસઈ ઝોન-2નાં ડીસીપી પૂર્ણિમા ચૌગુલેએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, “આ મામલે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્રીજી ગેરકાયદે પ્રેસ કૉન્ફરન્સ કરવાને લઈને છે.”
તેમણે કહ્યું, “સાડા અગિયાર વાગ્યે ખબર પડી કે ભાજપ અને બહુજન વિકાસ અઘાડીના કેટલાક કાર્યકર્તાઓ જમા થયા છે. મેં તરત જ પોલીસ સ્ટાફને ત્યાં મોકલ્યા. ઉપરના માળે ભાજપના લોકો હતા અને નીચે બહુજન વિકાસ અઘાડીના લોકો. કેટલાક પૈસા અને ડાયરી મળી છે. તે અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”
વિપક્ષે સાધ્યું નિશાન

ઇમેજ સ્રોત, X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલાએ તૂલ પકડ્યા બાદ મહાવિકાસ અઘાડીમાં સામેલ કૉંગ્રેસ, શિવસેના(યૂટીબી) અને એનસીપીએ નિવેદનો જાહેર કર્યા છે.
રાહુલ ગાંધીએ પાર્ટીની એક પોસ્ટને ઍક્સ પર રિપોસ્ટ કરતા લખ્યું, “મોદી જી, આ પાંચ કરોડ કોના સેફમાંથી નીકળ્યા છે, જનતાના પૈસા લૂંટીને તમે કોને ટેમ્પો મોકલ્યો?”
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, “ભાજપની યોજના ખતમ થઈ ગઈ છે. ઠાકુરે જે કર્યું તે ચૂંટણી પંચે કરવું જોઈતું હતું. ચૂંટણી અધિકારી અમારી બૅગ ચેક કરે છે પંરતુ ભાજપના આ લોકોની કોઈ તપાસ થતી નથી.”
બહુજન વિકાસ અઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે પત્રકારોને કહ્યું, “ચૂંટણીપંચને પૈસા મળ્યા છે. તેમને જ જાહેર કરવા દો કે કેટલા પૈસા છે, કોની ડાયરી છે અને તેમાં કોનાં કોનાં નામો છે? ભાજપના એક નેતાએ મને કહ્યું કે વિનોદ તાવડે પાંચ કરોડ રૂપિયા લઈને આવનારા હતા. મને પ્રેસ કૉન્ફરન્સની અનુમતિ નથી. પ્રશાસનનું દબાણ છે અને ચૂંટણીપંચ દબાણમાં કામ કરે છે એટલે તપાસની મને આશા નથી.”
એનસીપી નેતા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું, “આ ગંભીર અપરાધ છે. ચૂંટણી લોકતંત્રનો ભાગ છે. જનતાનો અવાજ છે. વિનોદ તાવડે આ અવાજ ખરીદવાની કોશિશમાં હતા. હું માનું છું કે એફઆઈઆર દાખલ થઈ છે. પરંતુ આ મામલો અહીં જ અટકવો જોઈએ નહીં જેમણે અપરાધ કર્યો છે તેમની ધરપકડ થવી જોઈએ.
ભાજપે કર્યો બચાવ

ઇમેજ સ્રોત, ANI
આ પહેલાં જ વિનોદ તાવડે પોતાના પર લગાવેલા આરોપો ફગાવી ચૂક્યા છે. ભાજપે પણ વિનોદ તાવડેનો બચાવ કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “મહારાષ્ટ્રમાં નિરાધાર આરોપો લગાવીને વાતાવરણ પ્રદૂષિત કરવાની કોશિશ મહાવિકાસ અઘાડીએ કરી છે. વિનોદ તાવડે અમારા રાષ્ટ્રીય મહાસચિવ છે. સંગઠન સાથે જોડાયેલાં કામો જોતાં હોય છે. તે થાણેથી જઈ રહ્યા હતા અને દરમિયાન હોટલમાં ચાલી રહેલી એક બેઠકમાં તેમને બોલાવાયા હતા. ચૂંટણી પૂર્વ તૈયારીઓની આ ઇનડોર બેઠક હતી જે નિયમો અંતર્ગત હતી.”
મહારાષ્ટ્રની 288 વિધાનસભાની બેઠકો પર એક જ ચરણમાં બુધવાર એટલે કે 20 નવેમ્બરે મતદાન થવાનું છે જેનાં પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















