You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: હોર્મુઝ સ્ટ્રેટ થઈને એલપીજી લાવનારાં બે જહાજ અહીં લાંગરશે – ન્યૂઝ અપડેટ
ભારત સરકારનું કહેવું છે કે એલપીજી ભરેલાં બે જહાજ શિવાલિક તથા નંદાદેવી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી બહાર નીકળી ગયા છે. આ જહાજ તા. 16 તથા 17મી માર્ચે ભારતીય બંદરો ઉપર લાંગરશે.
શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશકુમાર સિંહાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "પર્શિયન ગલ્ફમાં તમામ ભારતીય સાગરખેડૂ સુરક્ષિત છે અને ગત 24 કલાકમાં તેમની સાથે કોઈ નકારાત્મક ઘટના નથી ઘટી. હોર્મુઝ સ્ટ્રેટના પર્શિયન ગલ્ફમાં 24 ઝંડાવાળાં જહાજ હતાં."
"જેમાંથી બે જહાજ શિવાલિક તથા નંદા દેવી આજે સવારે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયાં છે અને ભારત તરફ આગળ વધી રહ્યાં છે. આ જહાજોમાં લગભગ 92 હજાર 700 મેટ્રિક ટન એલપીજી ભરેલો છે."
સિંહાએ કહ્યું, "આ જહાજો મુંદ્રા અને કંડલા બંદરે પહોંચશે. મુંદ્રામાં તા. 16મી માર્ચે તથા કંડલામાં તા. 17મી માર્ચે પહોંચશે તેવી આશા છે."
સિંહાએ જણાવ્યું કે હવે પર્શિયન ગલ્ફમાં ભારતના ઝંડાવાળાં 22 જહાજ અટવાયેલા છે, જેમાં 611 ખલાસી સવાર છે.
અમેરિકા-ઇઝરાયલ અન ઈરાન વચ્ચેના જંગના પંદરમા દિવસે અમેરિકાએ ઈરાનનાં અર્થતંત્ર ઉપર આઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે તેણે ઈરાનના ખાર્ગ ટાપુ ઉપર 90થી વધુ સૈન્યમથકો ઉપર બૉમ્બમારો કર્યો છે.
અમેરિકાનું કહેવું છે કે આખી રાત આ સૈન્યમથકો ઉપર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈરાનનું 90 ટકા ક્રૂડઑઇલ આ ટાપુ ઉપરથી નિકાસ થાય છે.
ઇઝરાયલનું કહેવું છે કે આ હુમલામાં ઈરાનની સરકારને 'મોટો આંચકો' આપ્યો છે. સાથે જ ઇઝરાયલના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે આ યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, ઈરાનનું કહેવું છે કે તેના તેલના માળખાને કોઈ નુકસાન નથી થયું કે કોઈનું મૃત્યુ નથી થયું. દરમિયાન યુએઈના ફુજૈરા બંદર ઉપરથી કાળા ધુમાડાના ગોટા ઊડતા દેખાયા હતા. તે મધ્યપૂર્વ એશિયાની સૌથી મોટી ઑઇલ ફૅસિલિટીમાંથી એક છે. અહીંથી જહાજોમાં ઇંધણ ભરવામાં આવે છે.
ટ્રમ્પની જાહેરાત : ગમે તે સ્થિતિમાં અમેરિકા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલીને જ રહેશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુએસએ 'ગમે તે સ્થિતિમાં' સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલીને રહેશે. ટ્રમ્પે અનેક દેશોને પોતાનાં યુદ્ધજહાજ મોકલવા આપીલ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "અમે પહેલાંથી જ ઈરાનની 100 % સૈન્યશક્તિ ખતમ કરી દીધી છે. તેઓ ગમે તેટલા ખરાબ રીતે હારી ગયા હોય, તો પણ તેમના માટે એક-બે ડ્રૉન મોકલવા, માઇન ફેંકવી કે નજીકથી મિસાઇલ મારવી સરળ છે."
તેમણે લખ્યું, "આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન તથા અન્ય દેશ જહાજ મોકલશે, જેથી કરીને જે દેશ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, તેનાથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ઉપર કોઈ જોખમ ન રહે."
હોર્મુઝની સામુદ્રધુની ખાતેથી વિશ્વની કુલ ઊર્જાજરૂરિયાતોનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે.
જોકે, ભારત સરકારનું કહેવું છે કે અહીંથી તેના એલપીજી ભરેલા બે જહાજ પસાર થયાં છે, જે આગામી દિવસોમાં ગુજરાત ખાતે લાંગરશે.
બીજી બાજુ ઈરાનસમર્થિત પેલેસ્ટાઇનના સશસ્ત્ર સંગઠન હમાસે કહ્યું છે, "અમે ઈરાની ભાઈઓને અપીલ કરીએ છીએ કે તેઓ પાડોશી દેશો ઉપર હુમલા ન કરે. આ વિસ્તારના તમામ દેશોએ પરસ્પર ભાઈચારાના સંબંધને જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ."
હમાસના નિવેદન અંગે ઈરાને હજુ સુધી કોઈ સાર્વજનિક ટિપ્પણી નથી કરી, જોકે, ઈરાની અધિકારીઓએ અગાઉ કહ્યું છે કે તેમની જવાબી કાર્યવાહી ખાડી દેશોની ધરતી ઉપર આવેલાં 'અમેરિકન ઠેકાણાં' ઉપર થઈ રહ્યા છે, પાડોશી દેશો ઉપર નહીં.
યુપી: એલપીજી સિલિન્ડર લેવા લાઇનમાં ઊભેલા વૃદ્ધનું મૃત્યુ
ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં શુક્રવારે એલપીજી સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઊભેલા 75 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ ગયું હતું.
લખનૌથી બીબીસી સંવાદદાતા સૈયદ મોઝિઝ ઇમામ જણાવે છે કે ફરુખાબાદના મનિહારી વિસ્તારમાં રહેતા મુખ્તાર અંસારી લાલ સરાય વિસ્તારમાં આવેલી ગૅસ એજન્સીના ગોદામમાં એલપીજી (લિક્વિફાઇલ પેટ્રોલિયમ ગૅસ) સિલિન્ડર લેવા માટે ગયા હતા.
તેઓ સવારે ઘરેથી નીકળા હતા અને એજન્સીની પાછળ આવેલાં ગોદામ ખાતે લાઇનમાં ઊભા હતા. ઘટના સમયે ત્યાં હાજર રહેલા લોકોના કહેવા પ્રમાણે, અચાનક જ મુખ્તાર અંસારીને ચક્કર આવ્યા હતા અને ત્યાં ફસડાઈ ગયા હતા.
ત્યાં હાજર રહેલા લોકોએ તત્કાળ મુખ્તાર અંસારીને સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન) આપ્યું હતું. એ પછી તેમને નજીક આવેલા ખાનગી નર્સિંગ હોમ ખાતે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનોના કહેવા પ્રમાણે, મુખ્તાર અંસારી છેલ્લા કેટલકા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું.
મૃતકના ભત્રીજા મહોમ્મદ વસીના કહેવા પ્રમાણે, "કેટલાક કલાક સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે તથા અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેઓ ફસડાઈ ગયા હતા."
ડિસ્ટ્રિક્ય સપ્લાય ઑફિસર સુરેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, વહીવટી તંત્રને આ ઘટના વિશે માહિતી મળી છે.
બીજી બાજુ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તથા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે આ ઘટના વિશે શોક વ્યક્ત કર્યો છે અને સરકારની ટીકા કરી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં યાદવે લખ્યું, "ગૅસની લાઇનમાં ઊભેલા એક વૃદ્ધનું હાર્ટઍટેક આવવાથી મૃત્યુ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપવાળા આ સત્યનો સ્વીકાર કરે અને જાણે કે ભાજપ સરકારની ભૂલોને કારણે હવે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. આ તો હદ થઈ ગઈ. ભાજપ કોઈનો પરિવાર ન ઉજાડે."
ઉત્તર કોરિયાએ સમુદ્રમાં 10 મિસાઇલો છોડી, દક્ષિણ કોરિયાનો દાવો
દક્ષિણ કોરિયાની યોનહાપ એજન્સી પ્રમાણે, ઉત્તર કોરિયાએ શનિવારે પૂર્વ સાગરમાં લગભગ 10 બૅલેસ્ટિક મિસાઇલો છોડી હતી. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (જેસીએસ)એ આ જાણકારી આપી છે.
આ પ્રક્ષેપણ એવા સમયે થયું જ્યારે દક્ષિણ કોરિયા અને અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી રહ્યાં હતાં.
જેસીએસ અનુસાર, મિસાઇલ ઉત્તર કોરિયાના સુનાન ક્ષેત્રથી લગભગ સ્થાનિક સમયાનુસાર બપોરે એક વાગીને 20 મિનિટ પર છોડવામાં આવી હતી. આ વર્ષે ઉત્તર કોરિયાનું આ ત્રીજું મિસાઇલ પરિક્ષણ છે.
આ પહેલાં જાપાનના સંરક્ષણ મંત્રાલયે પણ આ પ્રક્ષેપણની પુષ્ટિ કરી છે. મંત્રાલયે પોતાના ઍક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપતા કહ્યું કે 'સંભવત: એક બૅલેસ્ટિક મિસાઇલ ઉત્તર કોરિયાથી છોડવામાં આવી છે.'
હાલ ઉત્તર કોરિયાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
સોનમ વાંગચુકની અટકાયત રદ, ગૃહ મંત્રાલયે લીધો આ નિર્ણય
કેન્દ્ર સરકારે લેહમાં હિંસક પ્રદર્શનો બાદ હિરાસતમાં લીધેલા શિક્ષણવિદ્ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે.
સરકાર તરફથી શનિવારે એક આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) અંતર્ગત ઉપલબ્ધ અધિકારોનો ઉપયોગ કરીને વાંગચુકની હિરાસત રદ કરી દીધી છે.
વાંગચુકને લદ્દાખમાં હિંસક પ્રદર્શનોના બે દિવસ બાદ 26મી સપ્ટેમ્બર, 2025ના રોજ હિરાસતમાં લેવામાં આવ્યા હતા.
વાંકચુક એનએસએ અંતર્ગત તેમની હિરાસતના સમયનો અડધો સમય વ્યતીત કરી ચૂક્યા છે.
ગૃહ મંત્રાલયે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે સરકારે ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે.
સરકારે કહ્યું છે કે તે લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને વિશ્વાસનું વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી કરીને તમામ હિતધારકો સાથે રચનાત્મક અને સાર્થક સંવાદ થઈ શકે.
ગૃહ મંત્રાલયે પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, "સરકાર લદ્દાખમાં વિભિન્ન હિતધારકો અને સમાજના નેતાઓ સાથે સક્રિયપણે સંવાદ કરી રહી છે. બંધ અને વિરોધપ્રદર્શનોનો હાલનો માહોલ સમાજના શાંતિપ્રિય સ્વરૂપ માટે હાનિકારક સાબિત થયો છે અને લદ્દાખની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે."
ઇરાક : બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર મિસાઇલથી હુમલો
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલાના સમાચાર મળી રહ્યા છે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, એક મિસાઇલ દૂતાવાસની ઇમારત સાથે ટકરાઈ હતી. ત્યાર પછી તેમાંથી ઘુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોકે, નુકસાનની જાણકારી હજુ સામે નથી આવી.
ઍસોસિયેટેડ પ્રેસના રિપોર્ટમાં કહેવાયું છે કે મિસાઇલ અમેરિકાના દૂતાવાસ પરિસરમાં બનેલા હેલિપૅડ પર પડી હતી.
ત્યાં એએફપીનાં સૂત્રોએ જણાવ્યું છે કે દૂતાવાસ પર એક ડ્રૉને હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે બગદાદમાં થયેલા હુમલામાં ઈરાન સમર્થિત બે લડવૈયાઓના માર્યા ગયાના સમાચાર સામે આવ્યા હતા.
'ઈરાન સમજૂતી કરવા માગે છે પણ...', ટ્રમ્પે યુદ્ધ વિશે આ શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 'ફેક ન્યૂઝ મીડિયા' અમેરિકાની સેનાની ઈરાનની સામેની કાર્યવાહીને યોગ્ય રીતે નથી દેખાડી રહ્યું.
ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું, "ફેક ન્યૂઝ મીડિયા એ જણાવવામાં ખચકાટ અનુભવે છે કે અમેરિકાની સેનાએ ઈરાન સામે કેટલું સરસ પ્રદર્શન કર્યું છે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ઈરાન પૂરી રીતે હારી ચૂક્યું છે. તે સમજૂતી કરવા માગે છે, પરંતુ આ પ્રકારની સમજૂતી મને મંજૂર નથી."
આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને મીડિયામાં અલગ-અલગ દાવાઓ સામે આવી રહ્યા છે.
ટ્રમ્પે પહેલાં પણ કહી ચૂક્યા છે કે અમેરિકાના હુમલામાં ઈરાનનાં ઘણાં સૈન્ય ઠેકાણાં તબાહ થઈ ચૂક્યાં છે.
ખાર્ગ દ્વીપ પર હુમલાના સમાચાર બાદ ઈરાને અમેરિકાને આપી આ ચેતવણી
ઈરાને ચતવણી આપી છે કે જો તેના ઑઇલ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવશે તો તે આ વિસ્તારમાં અમેરિકાને સહયોગ કરતી ઑઇલ કંપનીઓ પર હુમલો કરશે.
રૉયટર્સે જણાવ્યા પ્રમાણે, આ જાણકારી ઈરાની મીડિયાના હવાલેથી આપવામાં આવી છે.
ઈરાની સેનાની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની સેનાને ઈરાનના ઑઇલ નિકાસ માટે મહત્ત્વના 'ખાર્ગ દ્વીપ પર આવેલાં તમામ સૈન્ય ઠેકાણાં તબાહ' કરી નાખ્યાં છે.
ખાર્ગ દ્વીપ ઈરાનના ઑઇલ નિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાંથી મોટી માત્રામાં ક્રૂડઑઇલની સપ્લાય થાય છે.
ઈરાનના નેતાઓ વિશે માહિતી આપનારને અમેરિકા એક કરોડ ડૉલર ઇનામ આપશે
અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના મુખ્ય નેતાઓ વિશે માહિતી આપનારને એક કરોડ ડૉલર સુધીનું ઇનામ આપશે.
અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી જારી નોટિસમાં કુલ 10 લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં માત્ર છ વ્યક્તિનાં નામ અને તસવીરો જાહેર કરવામાં આવી છે.
તેમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની પણ સામેલ છે.
અલી લારીજાની આનાથી અગાઉ ઈરાનમાં આયોજિત એક સરકાર સમર્થક રેલીમાં જોવા મળ્યા હતા.
અમેરિકાનું કહેવું છે કે આ લોકો આઈઆરજીસીના સૈન્યમાં અલગ અલગ હિસ્સાનું નેતૃત્વ અને સંચાલન કરે છે.
ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍરફોર્સ વનમાં સવાર થતા પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.
તેમને પૂછવામાં આવ્યું કે "આ યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે તેમણે કહ્યું કે એ હું તમને જણાવી ન શકું."
તેમણે કહ્યું કે "મારી પાસે એક અંદાજ છે, પરંતુ તેનો શું ફાયદો? આ જરૂરી હોય ત્યાં સુધી ચાલશે. તેમને (ઈરાનને) બહુ ખરાબ રીતે બરબાદ કરી દેવાયું છે."
આ અગાઉ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે યુદ્ધ ત્યારે ખતમ થશે જ્યારે ઈરાન શરતો વગર આત્મસમર્પણ કરે.
તેમને પૂછવામાં આવ્યું કે આનો અર્થ શું છે, ત્યારે તેમણે કહ્યું કે "તેનો અર્થ એવો થયો કે ઈરાનની નેવી, ઍરફોર્સ અને મોટા ભાગની સૈન્ય ક્ષમતા હવે લગભગ ખતમ થઈ ચુકી છે."
તેમણે કહ્યું કે, "તેનો સીધો અર્થ એવો થયો કે અમે એવી સ્થિતિમાં છીએ જે અગાઉ ક્યારેય જોવા નથી મળી."
પત્રકારોએ તેમને એ પણ પૂછ્યું કે "શું ઈરાન સામે યુદ્ધ અંગે તેમના લક્ષ્ય અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનાં લક્ષ્ય એક સરખાં છે?"
ટ્રમ્પે આના વિશે કહ્યું, "મને લાગે છે કે તેઓ થોડાં અલગ હોઈ શકે છે. પરંતુ તેઓ (નેતન્યાહુ) પણ તમને કહેશે કે દુનિયાએ અમેરિકા જેવી તાકાત ક્યારેય નથી જોઈ."
ઇન્ડિગો ઍરલાઇન 425થી 2300 રૂપિયા સુધી ફ્યૂઅલ ચાર્જ લગાવશે
ભારતીય ઍરલાઇન ઇન્ડિગોએ 14 માર્ચથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યૂઅલ ચાર્જ લગાવ્યો છે જે 14 માર્ચથી લાગુ થયો છે.
ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે મધ્યપૂર્વના કેટલાક ભાગોમાં બદલાતી ભૂરાજકીય સ્થિતિ વચ્ચે ઈંધણના ભાવમાં વધારો થવાથી આમ કરવામાં આવ્યું છે.
ઇન્ડિગોએ ભારત અને ભારતીય ઉપમહાદ્વીપ માટે બુકિંગ પર 425 રૂપિયા અને મધ્યપૂર્વ માટે 900 રૂપિયા ફ્યૂઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે.
તેવી જ રીતે સાઉથ ઇસ્ટ એશિયા, ચીન અને આફ્રિકા માટે 1,800 રૂપિયા અને યુરોપના બુકિંગ માટે 2300 રૂપિયા ફ્યૂઅલ ચાર્જ લગાવવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન