લેબનોને કહ્યું કે ઇઝરાયલી સેનાના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત, 80થી વધારે ઈજાગ્રસ્ત- ન્યૂઝ અપડેટ

લેબનોન

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

લેબનોનના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સૈનિકોએ ઓછામાં ઓછા 15 લોકોની હત્યા કરી છે અને 80થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઇઝરાયલી સેના હજુ પણ લેબનોનના કેટલાક ભાગોમાં હાજર છે. જોકે તેમની વાપસી અને વિસ્તારમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને હટાવવાની સમયમર્યાદા નક્કી થઈ ગઈ છે.

લેબનોન, ઇઝરાયલની સેનાઓ અને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ચેતવણી આપવામાં આવી છે કે આ વિસ્તાર હજુ પણ સુરક્ષિત નથી. આ ઉપરાંત રવિવારની સવારે હજારો સ્થાનિકો સરહદનાં ગામોમાં પાછા આવી ગયા છે.

ઇઝરાયલ કહે છે કે 60 દિવસની યુદ્ધવિરામ સમજૂતી હજુ પણ હિઝબુલ્લાહ સાથે પૂર્ણ રીતે લાગુ નથી થઈ.

લેબનોનમાં કેટલા ઇઝરાયલી સૈનિકો હાજર છે અને ત્યાં ક્યાર સુધી રહેશે, એ સ્પષ્ટ નથી.

લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર ઇઝરાયલી સેનાએ એવા સમયે હુમલો કર્યો જ્યારે લોકો ઇઝરાયલી સેનાના કબજાવાળા વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

લેબનોનની સેનાએ કહ્યું કે ઇઝરાયલી ગોળીબારમાં તેમનો એક સૈનિક મૃત્યુ પામ્યો છે અને બીજો ઈજાગ્રસ્ત થયો છે.

આની પર ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેણે દક્ષિણ લેબનોનના કેટલાક વિસ્તારોમાં "ચેતવણીમાં ગોળીઓ ચલાવી હતી". જોકે ઇઝરાયલની સેનાએ જણાવ્યું કે ગોળીબારમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે કે નહીં.

'ચીનની લૅબ'માં લીક થવાને કારણે કોવિડ મહામારી ફેલાવાની સંભાવના, અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએનો દાવો

ચીનની લેબોરેટરી, કોવિડ મહામારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Guiyang, Guizhou province, China

અમેરિકા ગુપ્તચર સંસ્થા સીઆઈએ શનિવારે કોવિડ મહામારી ફેલાવા પર એક નવું આકલન જાહેર કર્યું છે.

બીબીસી સંવાદદાતા હોલી હૉન્ડરિક અનુસાર સીઆઈએએ કહ્યું કે કોરોના વાઇરસના પશુને બદલે ચીનની "પ્રયોગશાળામાંથી લીક" થવાની વધુ શક્યતા છે.

પરંતુ ગુપ્તચર સંસ્થાએ ચેતવણી આપી છે કે તેને પોતાના આ નિર્ણય પર "ઓછો ભરોસો" છે.

સીઆઈએના પ્રવક્તાએ કહ્યું કે ઉપલબ્ધ રિપોર્ટના આધાર પર મહામારીના પ્રાકૃતિક રીતે પ્રસારની અપેક્ષા"રિસર્ચ દરમ્યાન ફેલાવાની" સંભાવના વધારે છે.

જોકે આ પ્રકારના દાવાઓ પર ચીન પહેલાંથી વાંધો ઉઠાવતું રહ્યું છે. આની પહેલાં જ્યારે પણ આવા આક્ષેપ ચીન પર લાગ્યા ત્યારે ચીને કહ્યું કે કોરોના વાઇરસ લૅબમાંથી નથી આવ્યો.

76મો પ્રજાસત્તાક દિવસ : મોદી-શાહ સહિતના રાજનેતાઓએ શુભકામનાઓ પાઠવી

76મો ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ, બંધારણનું ઘડતર, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન, કર્તવ્યપથ રાજપથ પર પરેડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, X/narendramodi

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે ભારતભરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રાજનેતાઓએ દેશવાસીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, 'ગણતંત્ર દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આ પ્રસંગે આપણે એ તમામ વિભૂતિઓને નમન કરીએ છીએ, જેમણે આપણું બંધારણ ઘડીને એ સુનિશ્ચિત કર્યું કે આપણી વિકાસયાત્રા લોકતંત્ર, ગરિમા અને એકતા પર આધારિત હોય.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ગણતંત્ર દિવસ એ બંધારણીય મૂલ્યો પ્રત્યે આસ્થા, સામાજિક સમાનતા પ્રત્યે દૃઢતા અને લોકશાહી પ્રત્યે સમર્પણનું પ્રતીક છે.'

'આ શુભ પ્રસંગે હું તમામ સ્વાતંત્ર્યસેનાનીઓ તથા મજબૂત પ્રજાસત્તાકનો પાયો નાખનારા બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.'

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નાગરિકોને શુભકાના પાઠવી હતી. તેમણો પોતાની ઍક્સ પોસ્ટમાં લખ્યું:

'76મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણનિર્માતાઓને શત્ શત્ નમન.'

'આવો, આપણે સૌ સંવિધાનનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને વિકસિત ભારતના નિર્માણના ભગીરથ પુરુષાર્થમાં જોડાઈએ.'

પટેલે સહિયારા પ્રયાસો અને સમરસતા દ્વારા ભારતને વિક્સિત દેશોની હરોળમાં મૂકવાની વાત પણ કહી હતી.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખ્યું, 'દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. આ દિવસ આપણા માટે લોકશાહીની ઉજવણી કરવાનો પ્રસંગ છે.'

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

મોદી વિશે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ શું બોલ્યા?

ઇન્ડોનેશિાયના રાષ્ટ્રપતિ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, 76મો ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ, બંધારણનું ઘડતર, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન, કર્તવ્યપથ રાજપથ પર પરેડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિાયના રાષ્ટ્રપતિ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોઓ સુબિઅંતો ભારતના 76મા ગણતંત્ર દિવસ કાર્યક્રમના મુખ્ય મહેમાન છે.

શનિવારે નવી દિલ્હીસ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના સન્માનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે કે કાર્યક્રમ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું:

'હું અહીં (ભારત) આવીને ખૂબ જ ગૌરવ અનુભવું છું. હું વ્યવસાયે રાજકારણી નથી અને સારો રાજનેતા પણ નથી. હું મારા હૃદયમાં જે હોય, તે કહું છું.'

ભોજનસમારંભ દરમિયાનના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમણે કહ્યું, "હું અહીં થોડા દિવસથી જ આવ્યો છું, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રતિબદ્ધતા જોઈને ઘણું શીખ્યો છું."

પ્રોબોઓ સુબિઅંતોએ ઉમેર્યું, "ગરીબી ઘટાડવા તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો મદદ કરવા માટેની તમારી (વડા પ્રધાન નરેન્દ્ર મોદીની) જે પ્રતિબદ્ધતા છે, તે અમારા માટે પ્રેરણારૂપ છે."

"હું ભારતીયો માટે આગામી વર્ષોમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરું છું. હું ઇચ્છું છું કે ઇન્ડોનેશિયા ભારતનું નજીકનું સહયોગી અને મિત્ર બને."

હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ માટે ભોજનસમારંભ યોજ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.