You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના ભાગલા વખતે થયેલા લાખોના નરસંહારમાંથી વિમાનોએ લોકોને કઈ રીતે બચાવ્યા?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
ભારત અને પાકિસ્તાનના રક્તરંજિત ભાગલા પર 1974માં લખવામાં આવેલાં ઉપન્યાસ 'તમસ'માં(અંધારું)લેખક ભીષ્મ સહાનીએ એક હિંસાગ્રસ્ત ગામનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે. એક વિમાન આ ગામની ઉપરથી ત્રણ ચક્કર લગાવે છે.
“લોકો બહાર નીકળ્યા છે. એવું લાગે છે કે લડાઈ અટકી ગઈ છે અને મૃતદેહોને ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે. લોકો ફરી પોતાનાં ઘરમાં પરત ફરીને પોતાનાં કપડાં-લત્તાં અને અન્ય સામગ્રીને થયેલા નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે.”
ભીષ્મ સહાનીએ ઉપમહાદ્વીપને બે સ્વતંત્ર રાષ્ટ્ર- ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત કરનારા નરસંહારનું એક કાલ્પનિક વિવરણ કર્યું છે. આ દરમિયાન ધાર્મિક હિંસા પણ ભડકી ઊઠી હતી. જેમાં લગભગ એક કરોડ 20 લાખ લોકો વિસ્થાપિત થયા હતા અને દસ લાખ લોકો માર્યા ગયા હતા.
ભારતના ઇતિહાસકાર આશિક અહમદ ઇકબાલ કહે છે કે જ્યાં વિમાનોનું વિવરણ છે ત્યાં કલ્પના એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ રહી હોવી જોઈએ.
ઇકબાલ કહે છે, “વિમાનની ઉપસ્થિતિ માત્રથી જ એક પ્રકારે રક્ષાત્મક પ્રભાવ રહ્યો હશે, જેનાથી ભીડ વિખેરાઈ ગઈ અને તેને કારણે ગામવાસીઓને પોતાનો બચાવ કરવાનો સમય મળી ગયો.” પોતાનું પુસ્તક 'ધ ઍરોપ્લૅન ઍન્ડ ધ મેકિંગ ઑફ ઇન્ડિયા'માં ઇકબાલ લખે છે, “બ્રિટિશ સામ્રાજ્યમાંથી ભારત-પાકિસ્તાનના થયેલા ભાગલા દરમિયાન વિમાનોએ નાની પરંતુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.”
ભાગલા દરમિયાન વિસ્થાપિત થયેલા એક કરોડ 20 લાખ લોકો પૈકી ઘણાખરા લોકોએ ટ્રેન, વાહનો, ગાડાં કે પછી પગપાળા પ્રવાસ કર્યો હતો. ઇકબાલ કહે છે કે તે પૈકી લગભગ 50 હજાર એટલે કે એક ટકા કરતાં ઓછા લોકોને ભારત અથવા પાકિસ્તાનથી વિમાન મારફતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બરથી નવેમ્બર 1947 વચ્ચે, લગભગ ત્રણ મહિનામાં વસ્તીની અદલાબદલી પૂર્ણ થઈ ગઈ હતી.
‘નહેરોમાં વહેતી લાશો જોઈ શકાતી હતી’
ઇકબાલ લખે છે કે બ્રિટિશ ભારત અને પછી આગળ જતાં ભારત ગણરાજ્યની વાયુસેના- 'ધ રૉયલ ઇન્ડિયન ઍરફોર્સે'(આરઆઈએએફ) ભાગલા દરમિયાન અવ્યવસ્થાને શાંત કરવાની અને વિભાજનને કારણે શરણાર્થી બનેલા લોકોને બહાર કાઢવાની ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોજ સવારે વાયુસેનાનાં વિમાનો મહત્ત્વપૂર્ણ અભિયાનો પર નીકળતાં હતાં. ખાસ કરીને તેઓ રેલવેટ્રેક પરથી ઉડાનો ભરતાં હતાં, જેથી શરણાર્થીઓ ભરેલી ટ્રેનોનું ભીડ દ્વારા થતા હુમલાથી રક્ષણ થઈ શકે, એટલું જ નહીં પરંતુ રેલવેટ્રેક પર થયેલી તોડફોડની ભાળ પણ મેળવી શકે. આ વિમાન હથિયારબંધ ભીડ પર પણ નજર રાખતાં હતાં. તેમના થકી વાયરલૅસ રેડિયો મારફતે ટ્રેન સાથે સંવાદ થતો રહેતો હતો.
સપ્ટેમ્બર 1947માં પંજાબ ઉપર ઉડાન ભરી રહેલા એક વિમાનમાંથી કંપારી છૂટે તેવાં દૃશ્યોનું વર્ણન થયું. ઇકલાબ યાદ કરતા લખે છે, “લગભગ ત્રીસ હજાર શરણાર્થી 40 કિલોમીટર લાંબા કાફલામાં પગપાળા જ સરહદ તરફ આગળ વધતા હતા. આ વિમાનોએ થાકી ગયેલા શરણાર્થીઓ પર હુમલો કરવાની તકનો લાભ લઈ બેઠેલું એક ટોળું જોયું હતું. તેની જાણકારી સેના અને પેટ્રોલિંગ કરી રહેલા જવાનોને આપી હતી. સળગાવી દેવાયેલાં ગામોમાંથી ધૂમાડો નીકળતો હોવાનું વિવરણ પણ વિમાનોએ કર્યું હતું.”
ઇકબાલ લખે છે, “તમે નીચી ઉડાન ભરો તો તમે પંજાબની નહેરોમાં તરતા મૃતદેહો જોઈ શકો.” પરંતુ વિમાનોની ભૂમિકા બસ આટલી જ નહોતી. આરઆઈએએફના ભરોસાપાત્ર વિમાન 'ડેકોટા'એ દિલ્હીથી કરાચી સુધી કૉલેરાની દવાના 15 લાખ ડોઝ પણ પહોંચાડ્યા હતા. કરાચીના ગંદગીભર્યા શરણાર્થી શિબિરોમાં મહામારી ફેલાવાનું જોખમ પેદા થયું હતું. વિમાનોમાંથી શરણાર્થીઓ માટે ભોજન, ખાંડ અને તેલ પણ ફેંકવામાં આવતાં હતાં.
ઇકબાલ લખે છે, “ભારત અને પાકિસ્તાન બંને દેશોએ વિમાનો મારફતે પત્રિકાઓ ફેંકીને રમખાણો કરતા તોફાનીતત્ત્વોને હિંસા રોકવાની ચેતવણઓ આપી હતી.” આરઆઈએએફે પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તાર જેવા કે મુલતાન, બન્નૂ અને પેશાવરમાં ફસાયેલા બીનમુસ્લિમોને બહાર કાઢીને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડ્યા હતા.
ઑગસ્ટ 2021માં જ્યારે અફઘાનિસ્તાને તાલિબાન પર કબજો કરી લીધો તો લાખો લોકો દેશ છોડીને ભાગવાની કોશિશ કરવા લાગ્યા. ઍરપૉર્ટ પર લોકો વિમાનોના ટાયર પર લટકતા નજરે પડ્યા. 1947માં દિલ્હી અને પંજાબના ઍરપૉર્ટ પર આ જ પ્રકારનો માહોલ હતો.
વિમાનમાં સવાર થવા માટે લાંચ
ઇકબાલ લખે છે, “હવાઈપટ્ટીની નજીક કૅમ્પોમાં રહેતા શરણાર્થીઓને જેવી પરવાનગી મળતી તેઓ વિમાનો તરફ દોડ લગાવતા હતા. જોખમથી બચીને ભાગવા બેચેન રહેતા મુસાફરો વિમાનમાં સવાર થવા ચાલકદળોને સોનું અને પૈસા આપીને લાંચ આપતા હતા.
ટિકિટ મોંઘી હતી. મુસાફરોને બહુ ઓછો સામાન લઈ જવાની અનુમતિ હતી. હૈદરાબાદથી પાકિસ્તાન ગયેલી એક મહિલા મુસાફરનું વિવરણ છે કે તે માત્ર પોતાની સાથે કુરાન જ લઈ જઈ શકી જ્યારે અન્ય એક મુસાફર બાળકોને બેસવા માટેની ખુરશી અને બીમાર દેખાતો પોપટ લઈને જતો હતો.
જોકે, આશ્ચર્યની વાત એ નહોતી કે વિમાન લોકો ઠૂંસીઠૂંસીને ભરાયેલા હતા. ખુરશી અને જાજમને હઠાવી દેવામાં આવી હતી, જેથી વધુને વધુ લોકોને લઈ જઈ શકાય.' ડેકોટા ડીસી-3' વિમાનોની ક્ષમતા 21 યાત્રીઓને લઈ જવાની હતી પંરતુ તે ઘણીવાર પાંચગણા લોકો સાથે ઉડાન ભરતાં હતાં.
એક ખાનગી ઍરલાઈનના ટૅકનિશિયનને પાઇલટે હાથમાં પહેરવાના પંચ આપ્યા હતા જેથી તેઓ ભીડને નિયંત્રણમાં રાખી શકે.
ઇકબાલ લખે છે, “તેઓ વિમાનના નીચલા ભાગની પીન લઈ દરવાજા સુધી મુક્કા મારતા આગળ વધતા અને પછી વિમાનના દરવાજાને મજબૂતી સાથે બંધ કરવા પણ લોકોને મુક્કો મારતા જેથી અંદર દાખલ થવાય. એન્જિનની ગડગડાટ સાથે વિમાનને ચીપકીને બેઠેલી ભીડ તેનાથી અલગ થતી.”
વિમાનમાં ભારે ભીડ, ક્ષમતાથી વધારે ઉપયોગ અને ઍરપૉર્ટ પર અપર્યાપ્ત સુરક્ષા છતાં કોઈ અકસ્માત નહોતો થયો તે મોટી ઉપલબ્ધીની વાત હતી.
બીજા વિશ્વયુદ્ધમાં બચી ગયેલા વિમાનોનો ઉપયોગ
ઇકબાલ લખે છે, “અપર્યાપ્ત સુરક્ષાને કારણે હવાઇપટ્ટી પર ઘણીવાર વિમાનો ઊતરતાં પહેલાં જ શરણાર્થીઓની ભીડ જમા થઈ જતી હતી. પરંતુ પ્રશાસનનો બીજા દેશનાં વિમાનોનાં ચાલકદળો સાથે મિત્રતાભર્યો વ્યવહાર નહોતો તેને કારણે તેમને તેમના તરફથી કોઈ મદદ મળતી નહોતી.”
1947માં ભારતમાં 115 નાગરિક વિમાનો હતાં, જેનું સંચાલન ખાનગી કંપનીઓ કરતી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ નાગરિક વિમાનની સંખ્યામાં ઝડપથી વધારો થયો કારણ કે ભારતીય કંપનીઓ સસ્તાં વિમાનો ખરીદતી હતી. જેમાં વધારે વિમાનો 'ડગલસ ડીસી-3', 'ડેકોટા' હતાં. અને એ વિમાનો અમેરિકા છોડી ગયું હતું. આપૂર્તિ વધારે હતી અને માગ નહોતી. તેથી નફો ઓછો થઈ ગયો હતો. ભાગલા દરમિયાન આ વિમાનોને પાકિસ્તાનથી ભારત આવવા માટે ઇચ્છુક શરણાર્થીઓ માટે કામે લગાવાયાં. જે પૈકી દસ વિમાનો તો સરકારી કામ માટે ઉપલબ્ધ કરાયાં હતાં.
જોકે, નાગરિક વિમાનોનું સંચાલન કરી રહેલાં ઑપરેટર મોટા પ્રમાણમાં ચાલી રહેલા બચાવ-અભિયાનનું સંચાલન કરવા માટે સક્ષમ નહોતા.
આ અસંભવ કામ માટે તેઓ પોતાનાં વિમાનો અને ચાલકદળનો જીવ જોખમમાં નાખવાનો ઇન્કાર કરતા હતા. જેથી વિદેશમાંથી મદદ માગવામાં આવી હતી.
'બ્રિટન ઑવરસીઝ ઍરવૅઝ કૉર્પોરેશન'નાં 21 વિમાનોએ દિલ્હીથી કરાચી સુધી 6300 લોકોને પહોંચાડવા 15 દિવસો સુધી ઉડાન ભરી હતી. તેમના થકી દિલ્હીમાં મુસ્લિમ શરણાર્થીઓની મદદ માટે ખાદ્ય સામગ્રી, ટૅન્ટ અને દવાઓ પણ પહોંચાડવામાં આવ્યાં હતાં.સ્લિમ શરણાર્થીઓની મદદ માટે ખાદ્ય સામગ્રી, ટૅન્ટ અને દવાઓ પણ પહોંચાડવામાં આવી.
બ્રિટનથી ભારત આવ્યા કર્મચારી
રૉયલ ઍરફૉર્સનાં બે વિમાનો કે જેને બ્રિટનના નાગરિકોને બહાર કાઢવા માટે તહેનાત કરવામાં આવ્યાં હતાં, તેનો ઉપયોગ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે 12 હજાર લોકોને લાવવા-લઈ જવા માટે કરવામાં આવ્યો હતો.
ઇકબાલ લખે છે, “તેમાં માત્ર 2790 કર્મચારીઓ હતા, અન્ય રેલવે, ટપાલ અને ટેલીગ્રાફ વિભાગના કર્મચારીઓ હતા, જેમને લોકોની અવરજવર માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.”
ઑક્ટોબર 1947માં ભારતને ખબર પડી ગઈ કે આટલાં પ્રયાસો પર્યાપ્ત નથી, પછી 'ઑપરેશન ઇન્ડિયા' લૉન્ચ થયું હતું. ઑક્ટોબર અને નવેમ્બર વચ્ચે 21 ડેકોટા વિમાનો કે જેને બ્રિટનની આઠ કંપનીઓ પાસેથી ભાડા પર લેવામાં આવ્યાં હતાં તેમને કામે લગાડાયાં હતાં. આ
વિમાનોએ ભારત-પાકિસ્તન વચ્ચે 35 હજાર લોકોની અદલાબદલી કરી, એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં જરૂરી સામાન પણ પહોંચાડ્યો હતો. આ અભિયાન માટે બ્રિટનથી 170 કર્મચારીઓને ભારત લાવવામા આવ્યા હતા.
બચાવ-અભિયાન એટલું મોટું હતું કે ભારતની વિમાનકંપનીઓ ઓછી પડી રહી હતી. તેથી બ્રિટનની કંપનીઓના ચાર્ટર કરવામાં આવેલાં વિમાનો પર નિર્ભર રહેવું પડ્યું હતું.
ઇકબાલ લખે છે, “વિમાનોના ઉપયોગે આઝાદી પહેલાંના મહત્ત્વપૂર્ણ મહિનાઓમાં સ્વતંત્ર ભારતના ઝડપી નિર્માણમાં ભરપૂર મદદ કરી હતી.”